તમને કોઈ વાતનો પસ્તાવો કે અફસોસ થાય છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમને કોઈ વાતનો પસ્તાવો
કે અફસોસ થાય છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

ક્યારેક કોઈ ઘટના કે ભૂલના કારણે અફસોસ કે પસ્તાવો થાય એ બહુ જ સ્વાભાવિક છે
બધા સાથે ક્યારેક તો એવું થયું જ હોય છે,
એમાંથી વહેલીતકે બહાર નીકળી જવું જરૂરી છે


———–

એક સાવ સાચી ઘટનાથી લેખની શરૂઆત કરવાનું મન થાય છે. એક યુવાનથી પર્સનલ લાઇફમાં એક ભૂલ થઇ ગઇ. એ યુવાનને આ વાતથી એટલો આઘાત લાગ્યો કે, એ સતત ડિસ્ટર્બ રહેતો હતો. તેના એક વડીલ પારખી ગયા કે, એ અત્યારે કોઇ વિપરીત સંજોગોમાંથી પસાર થઇ રહ્યો છે. વડીલે કારણ પૂછ્યું, યુવાને સાચી વાત કહી. તેણે એમ પણ કહ્યું કે, મને બહુ અફસોસ થાય છે. મારે આવું કરવું જોઇતું નહોતું. આ વાત સાંભળીને વડીલે કહ્યું, તારી વાત સાચી છે. તારે આવું કરવું જોઇતું નહોતું, કોઇને ક્યારેય આવું કરવું હોતું નથી. આપણાથી ક્યારેક ન કરવા જેવું થઇ જતું હોય છે. આપણે માણસ છીએ, માણસથી ભૂલ થાય. દુનિયામાં કયો એવો માણસ છે જેણે જિંદગીમાં ક્યારેય ભૂલ કરી નથી. ભૂલ થઇ હોય એનો અફસોસ પણ થવો જ જોઇએ. પસ્તાવો એ વાતની નિશાની છે કે, આપણને આપણી ભૂલની વેદના છે. પસ્તાવાનો શ્રેષ્ઠ ઉપાય પશ્ચાતાપ છે. બીજું કંઇ ન થઇ શકે તો છેવટે માફી તો માંગી જ શકાય છે. આ બધામાં સૌથી વધુ મહત્ત્વની કોઇ વાત હોય તો એ છે કે, અફસોસ કે પસ્તાવો એક હદ સુધી ફીલ કરીને એમાંથી બહાર નીકળી જવું. જાત સાથે પણ ક્યારેક સમાધાન કરવું પડતું હોય છે. આપણી ભૂલો કદાચ બીજાના ધ્યાનમાં ન આવે પણ આપણને તો ખબર જ હોય છે કે, આપણે શું કરી રહ્યા છીએ. માંહ્યલો જો જરાયે ડંખતો હોય તો પોતે જે કરી રહ્યા હોય એના પર નવેસરથી વિચાર કરવો જોઈએ.
અફસોસ કે પસ્તાવો કેવી લાગણી છે? માનસશાસ્ત્રે દરેક લાગણીઓને જુદી જુદી કેટેગરીમાં અલગ તારવી છે. અફસોસ એ નેગેટિવ લાગણી છે. એનાથી આપણાં દિલ, દિમાગ અને દિનચર્યામાં વિપરીત અસર થાય છે. કોઇ ભૂલ માટે પોતાની જાતને જ દોષ દેતા હોઇએ ત્યારે કંઇ સારું ક્યાંથી લાગવાનું છે? સવાલ એ પણ થાય કે, નેગેટિવ લાગણીઓ સાથે કેવી રીતે ડીલ કરવું? અમેરિકામાં ડેનિયલ એચ. પિંક નામના એક ઓથર છે. તેમણે સાત બુક લખી છે. આ સાતમાંથી પાંચ બુક ન્યૂયોર્ક ટાઇમ્સની બેસ્ટ સેલરની યાદીમાં છે. ડેનિયલ પિંકેની બુક `ધ પાવર ઓફ રિગ્રેટ : હાઉ લુકિંગ બેકવર્ડ મૂવ્સ અસ ફોરવર્ડ’ ખૂબ જ ચર્ચામાં રહી છે. ડેનિયલ પિંક કહે છે કે, એ ઘટના જેનાથી અફસોસ થયો હોય એ પીડાદાયક જ રહેવાની છે. જો માણસ આંતરદૃષ્ટિનો ઉપયોગ કરે તો એ વૃદ્ધિનો મોટો સ્ત્રોત્ર બની શકે છે. આપણી સંસ્કૃતિ અને સાહિત્યમાં તો આ વાતની સાબિતી આપતા હોય એવા ઘણા પુરાવા છે. વાલિયો વાલ્મીકિ કેવી રીતે થયો હતો એ વાત સહુ જાણે છે.
તમને કોઈ વાતનો અફસોસ થાય છે? કોઇ ઘટના, બનાવ, પ્રસંગ વિશે એવો વિચાર આવી જાય છે કે, આવું કરવાની જરૂર નહોતી? કદાચ ભૂલના કારણે કોઇ સંબંધનો અંત પણ આવી ગયો હશે. કદાચ કોઇને માઠું પણ લાગી ગયું હશે. એક એપ્રોચ એવો છે કે, જેને જેવું લાગવું હોય એવું લાગે, મને કોઇ ફેર પડતો નથી. આપણે પણ ક્યારેક આવું બોલતા હોઇએ છીએ. બોલીએ ભલે પણ શાંતિથી વિચારીએ તો એવું લાગ્યા વગર ન રહે કે, આપણને પણ ફેર પડતો હોય છે. જે માણસ જેટલો સંવેદનશીલ હોય એને એટલો ફેર પડે જ છે. ઘણાને તો અફસોસ થાય એવી ઘટનામાંથી બહાર નીકળતા ઘણો સમય પણ લાગે છે. આપણને ડિસ્ટર્બ જોઇને આપણા મિત્રો ઘણી વખત એવું પણ કહેતાં હોય છે કે, મૂકને હવે, બહુ થયું. ક્યાં સુધી એકની એક વાત મગજમાં ઘુમાવ્યે રાખીશ? સાચી વાત એ છે કે, દિલમાં જે ટીસ ઊઠે તેને ઝીરવવી અઘરી હોય છે.
માનો કે કંઇ થતાં થઇ ગયું, અફસોસ પણ થાય. પસ્તાવાનો પાર પણ ન રહે. આવા સંજોગોમાં શું કરવું જોઇએ? ડેનિયલ પિંક કહે છે કે, અફસોસ થાય એવી ઘટના બને ત્યારે માણસે પોતાની જાત સાથે સંવાદ સાધવો જોઇએ. પોતાને એવો સવાલ પણ કરવો જોઇએ કે, જે બની ગયું એમાંથી કંઇ શીખી શકાય એમ છે? દરેક ભૂલ કંઇક શીખવતી હોય છે. આવી ભૂલ બીજી વખત ન થાય એટલું તો કોઇ પણ ભૂલમાંથી શીખી જ શકાય. બીજી વાત એ વિચારવી જોઇએ કે, જે ભૂલ થઇ છે એ સુધારી શકાય એમ છે ખરી? પૂરેપૂરી સુધારી ન શકાય તો થોડીકેય સુધારી શકાય એમ છે? સોરી કહેવાથી પણ ઘણી વખત જે ડિસ્ટન્સ આવી ગયું હોય એ ઘટે છે. સોરી કહ્યા પછી માફી ન મળે તો પણ આપણને પોતાને તો એટલો સંતોષ થાય જ છે કે, મેં મારે કરવો જોઇએ એ પ્રયાસ કરી લીધો છે. આપણે એક વખત કહી દેવાનું કે, મારી ભૂલનો મને અહેસાસ પણ છે અને અફસોસ પણ છે. ભૂલો એવી ચીજ છે જે આપણી વિચારસરણી બદલે છે. બધા બદલાઈ શકતા નથી. ઘણા લોકોની વિચારસરણી બગડે પણ છે. એ લડી લેવાના કે જોઇ લેવાના મૂડમાં આવી જાય છે. આપણા ભવિષ્ય માટે શું સારું છે એ વિચારીને જ માણસે કોઇ પણ નિર્ણય લેવો જોઈએ.
આ બધું કર્યા પછી જે સૌથી મહત્ત્વનું કામ કરવાનું રહે એ એવું છે કે, ગિલ્ટમાંથી બહાર નીકળી જાવ. કેટલાંક લોકો પોતાના ગિલ્ટમાં ને ગિલ્ટમાં ફસાયેલા રહે છે. ડિપ્રેશનમાં સરી જાય છે. મારાથી આવું કેમ થઇ ગયું એ વિચારમાંથી બહાર જ આવતા નથી. અમુક ઘટનાઓ આઘાત આપતી હોય છે એમાં ના નહીં, પણ એનાથી છુટકારો તો મેળવવો પડેને? એક બીજી ઘટના છે. એક છોકરીને એક છોકરા સાથે પ્રેમ હતો. પરિવારમાં મેરેજ માટે વાત કરી પણ કોઈ માન્યું નહીં. મા-બાપે કહ્યું કે, એ છોકરો સારો નથી. તારી જિંદગી બરબાદ થશે. છોકરીના મગજમાં પ્રેમ સવાર હતો. એ છોકરા સાથે ભાગી ગઇ. બીજા જ દિવસે તેને ખબર પડી ગઇ કે, મા-બાપ કહેતાં હતાં એ સાચું હતું. મેં ભૂલ કરી. છોકરાને છોડીને એ પાછી આવી ગઇ. મા-બાપની માફી માંગી. એ પછી મા-બાપ સમયે સમયે એવું કહ્યે રાખે કે, તેં ભૂલ કરી હતી. આખરે છોકરી થાકી ગઇ. એક દિવસે તેણે મા-બાપને કહ્યું કે, મેં એક વખત કહ્યું કે એ મારી ભૂલ હતી. નહોતી થાવી જોઇતી પણ થઇ ગઇ. હવે હું તો એને ભૂલી પણ ગઇ છું. પ્લીઝ, તમે હવે આ ઘટનાને ભૂલી જાવ તો સારું. કોઇ વ્યક્તિ આપણી નજીક હોય ત્યારે તેની ભૂલને ભૂલવામાં મદદ કરવી પણ જરૂરી બને છે. કોઇના અફસોસને હળવો કરવો એ પણ એક પ્રકારની લાગણી જ છે. સમયની નજાકતને પારખવી જોઇએ. આપણા કોઇ સ્વજનની હતાશા માટે આપણે ભલે જરાયે જવાબદાર ન હોઇએ પણ તેને હતાશામાંથી બહાર લાવવામાં મહત્ત્વની ભૂમિકા તો ભજવી જ શકીએ. આપણી નજીકની વ્યક્તિ કેવી માનસિકતામાંથી પસાર થઇ રહી છે એની આપણને કેટલી ખબર હોય છે? ઘણા સંબંધો એવા હોય છે જે આપણા ચહેરાની લકીર બદલાય તો પણ કહે છે કે, શું થયું છે? કેમ અપસેટ લાગે છે? કંઈ પણ હોય, કહી દે, હું તારી સાથે છું. એ કહી દે એ પછી પણ એને સંભાળી લેતા આવડવું જોઇએ. દરેકની જિંદગીમાં ક્યારેક તો નાજુક સમય આવવાનો છે. એ સમય ચાલ્યો જાય એ પછી એને વાગોળવાનું બંધ કરી દેવું જોઇએ. કેટલીક ઘટનાઓ બૂરા સપનાં જેવી હોય છે, એને વહેલીતકે ભૂલી જવામાં જ માલ હોય છે!
હા, એવું છે!
ડિપ્રેશન, હતાશા, નિરાશાનું સૌથી મોટું કારણ સતત આવતા એકના એક વિચારો છે. વિચારોમાં પણ વૈવિધ્ય હોવું જોઇએ. વિચારો જેટલા વ્યાપક હશે એટલી જિંદગી મજેદાર રહેવાની છે.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 13 સપ્ટેમ્બર, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *