બાકી બધું તો ઠીક છે પણ`ફૅક રિલેશન્સ’નું શું કરવું? -ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બાકી બધું તો ઠીક છે પણ
`ફૅક રિલેશન્સ’નું શું કરવું?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


મૂળને પણ હચમચાવે એટલો, માત્ર, એક જ શબ્દ પણ ભારી બને,
જે ક્ષણે સંવાદ અટકે બે તરફ, ત્યાં પ્રસરતું મૌન ચિનગારી બને.
-વંચિત કુકમાવાલા

દુનિયામાં દરેક ચીજવસ્તુને માપવાનાં સાધનો અને મશીનો છે, એક માણસને જ માપી નથી શકાતો. માણસની ઊંચાઇ માપી શકાય છે પણ માણસની ઊંડાઇ કેવી રીતે માપવી? કોણ કેવો છે? એના મનમાં શું ચાલી રહ્યું છે? એની દાનત કેવી છે? એના ઇરાદાઓ કેવા છે? એ જે બોલે છે એમાં કેટલું સાચું અને કેટલું ખોટું છે? ચહેરા પરથી હસતો દેખાતો માણસ અંદર કંઇક મેલી રમત રમતો હોય શકે છે. સાવ સરળ અને સહજ લાગતો માણસ ક્યારેક ક્રૂરતાની હદ વટાવી દેતો હોય છે. સંબંધોનો સૌથી મોટો આઘાત એ જ હોય છે કે, આપણે જેને આપણા ધાર્યા હોય એ પારકાને પણ સારા કહેવડાવે એવું વર્તન કરે. જેને સારા ધાર્યા હોય એ શેતાનને પણ સારા કહેવડાવે એવા નીકળે. જેને ભલા ધાર્યા હોય એ ભયાનક નીકળે. જેના માથે આંખો મીંચીને ભરોસો કર્યો હોય એ જ આંખમાં ધૂળ ફેંકે. જેના માટે કંઈ પણ કરી છૂટવાની તમન્ના હોય એ જ આપણી જિંદગી બરબાદ કરી નાખે. એવા સમયે ઈશ્વર સામે પણ સવાલ ઊઠે કે, તેં મારી સામે આવું કેમ થવા દીધું? મારો શું વાંક હતો? દર વખતે આપણો વાંક હોય તો જ સજા મળે એવું નથી. ક્યારેક કોઈ પણ વાંકગુના વગર પણ સજા મળતી હોય છે. આપણો વાંક એટલો જ હોય છે કે, આપણે કોઇના પર ભરોસો કર્યો! કોઇ વ્યક્તિને પોતાની સમજી. કોઇ એકાદ ખરાબ નીકળે પછી આપણે કોઇના પર ભરોસો મૂકતા વિચારીએ છીએ. દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીએ એવી કહેવત છે પણ ઘણા તો છાશથી પણ દાઝેલા હોય છે! આપણને કેટલાંક માણસ વિશે એવું લાગતું હોય છે કે, એને તો રગેરગથી જાણું છું. એનો જ સાચો ચહેરો જ્યારે બહાર આવે ત્યારે સવાલ થાય કે, આ એ જ માણસ છે કે કોઈ બીજો? મારી જેની સાથે ઓળખાણ હતી, મને જેની સાથે પ્રેમ હતો, મને જેના પ્રત્યે આદર હતો એ આ નથી! આ તો કોઇ બીજો છે! આપણને ઘણી વખત આપણી ભૂલ પણ સમજાતી હોય છે. દરેક ભૂલ સમયસર સમજાતી હોતી નથી, ક્યારેક બહુ મોડું થઇ જતું હોય છે. મોડી સમજાતી ભૂલો ભોગવવી પડતી હોય છે. આપણે આપણી જાતને જ માફ કરી નથી શકતા. છેતરાયા હોવાની લાગણી લાંબો સમય પજવતી રહે છે.
આપણે કહેતા અને સાંભળતા આવ્યા છીએ કે, પરિવર્તન સંસારનો નિયમ છે. સમયની સાથે બધું બદલાય છે. માણસ પણ હવે પહેલાં જેવો ક્યાં રહ્યો છે? દરેકના મોઢા પર કેટલાં મહોરાં ચડેલાં છે એ જાણવું અશક્ય બની ગયું છે. હું માણસની આંખ જોઈને વર્તી જાઉં કે એ કેવો છે, એવું છાતી ઠોકીને કહેનારને પણ મૂરખ બનાવી જાય એવા લોકો પડ્યા છે! બે મિત્રો હતા. બંને નવા, બદલાયેલા અને આધુનિક જમાનાની વાત કરતા હતા. એકે કહ્યું કે, હવે શું રિઅલ છે અને શું ફૅક છે એ નક્કી કરવું અઘરું બની ગયું છે. ફૅક ન્યૂઝ, ફૅક વ્યૂઝ, ફૅક ચીજવસ્તુઓ અને બીજું ઘણું બધું ફૅક થઇ ગયું છે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, બીજું બધું ફૅક હશે તો ચાલશે પણ ફૅક રિલેશન્સનું શું કરવું? બીજામાં તો કદાચ થોડુંક નુકસાન જશે પણ સંબંધોમાં જ્યારે એવી ખબર પડે છેને કે એ રિલેશન્સ તો ફૅક હતા ત્યારે બહુ લાગી આવે છે. ફેર સમજતા હોઇએ એ ફૅક નીકળે ત્યારે બહુ અઘરું લાગે છે. એક કિસ્સો તેણે કહ્યો. એક ભાઇ હતા. તેના એક અંગત સ્વજને તેની પાસે આર્થિક મદદ માંગી. તેણે મદદ કરી. થોડા સમય પછી તેણે ઉછીનાં આપેલાં નાણાં પાછાં માંગ્યાં. પેલા ભાઇએ એવું કહ્યું કે, મેં તો તમારી પાસેથી કોઇ નાણાં લીધાં જ નથી! તમારી પાસે કોઇ પુરાવો છે? કોઈ લેખિત તો કર્યું નહોતું, પુરાવો ક્યાંથી હોય? એ ભાઇએ એવું કહ્યું કે, હું એક વખત બેંકમાં રૂપિયા જમા કરાવવા જતો હતો. મારા હાથમાં પાકીટ હતું. બાઇક પર બે લૂંટારા આવ્યા. ઝાટકો મારીને મારા હાથમાંથી પાકીટ ઝૂંટવીને ફરાર થઇ ગયા. એ વખતે મને બહુ દુ:ખ નહોતું થયું. ઉલટું મને એવું થયું હતું કે, જિંદગીમાં આવું થાય, ઘણાની સાથે આવું થયું છે. મેં જેને ઉછીના આપ્યા હતા એણે જ્યારે મને એવું કહ્યું ત્યારે મને દુ:ખ નહીં, આઘાત લાગ્યો હતો. એવો પણ વિચાર આવી ગયો હતો કે, આવા માણસ કરતાં તો લૂટારા સારા! એ નાણાં લૂંટે છે, ભરોસો નથી લૂંટતા! પોતાના લોકો તો ક્યારેક લાગણીઓ અને સંવેદનાઓ પણ લૂંટી જતા હોય છે!
સંબંધો વિશે એવી વાતો પણ બહુ થતી રહે છે કે, સંબંધોમાં વફાદાર રહેવું, પ્રામાણિક રહેવું, કોઇ પણ જાતની શરતો વગર પ્રેમ કરવો. એક સાવ સાચો કિસ્સો છે. એક છોકરી એક છોકરાને પ્રેમ કરતી હતી. પૂરી વફાદારી અને ઇમાનદારી સાથે. એ છોકરો પહેલાં તો બહુ સારો રહ્યો પણ ધીમે ધીમે એનું પોત પ્રકાશવા માંડ્યું. છોકરીને ખબર પડી ગઇ કે, આ છોકરો ભરોસાપાત્ર નથી. એ છોકરીએ કહ્યું કે, મેં તો પૂરી વફાદારીથી પ્રેમ કર્યો હતો. મારો શું વાંક? તને એ વાતની સમજ નહોતી કે, પ્રેમ એક પક્ષે વફાદાર કે શ્રેષ્ઠ હોય તો ન ચાલે. પ્રેમ બંને પક્ષે સરખો હોવો જોઇએ. પોતાની વ્યક્તિ પ્રત્યે વફાદાર રહો, પરંતુ સૌથી પહેલાં એ ચેક કરો કે એ વ્યક્તિ તમારી વફાદારીને લાયક છે ખરી? એકપક્ષીય વફાદારી, પ્રેમ અને લાગણી એ મૂર્ખાઈ છે. ભરોસો એના પર જ મૂકો જેને તમારા ભરોસાની કદર છે. ગમે તેના માથે ભરોસો મૂકવામાં પૂરેપૂરું જોખમ છે. એના માટે બધું કરી છૂટો જે તમારા માટે કંઈ પણ કરવા તૈયાર છે. આપણે માટલું પણ એ ચેક કરીને લઇએ છીએ કે એ બોદું બોલતું નથીને? માણસને પણ ચેક કરવો પડે છે કે એ બોદો કે વામણો તો નથીને?
સંબંધ માટે એ પણ જરૂરી છે કે, આપણે કોઈની સાથે રમત ન રમીએ. વફાદારીની અપેક્ષા રાખતા પહેલાં એ પણ જુઓ કે હું તો વફાદાર છુંને? એક છોકરાની આ વાત છે. તે ઘણી છોકરીઓ સાથે સંબંધ રાખતો હતો. મન ભરાઈ જાય એટલે છોડી દેતો. એક છોકરી તેને ચિટ કરીને ચાલી ગઈ. એ છોકરાને આઘાત લાગ્યો. તેણે તેના મિત્રને કહ્યું કે, એણે મારી સાથે આવું કર્યું? આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, તેં કેટલી છોકરીઓ સાથે આવું કર્યું છે? હવે તને સમજાય છેને કે કોઈને છેતરવાથી કેવું ફીલ થાય છે! સંબંધોમાં પણ દાનત તો સારી જ હોવી જોઇએ. પ્રેમ કરવામાં પણ ઉતાવળ ન કરવી જોઇએ. માણસને સમજી, પરિણામો વિચારી, તેને પારખી અને પછી સંબંધને આગળ વધારવો જોઇએ. એવું લાગે કે, આ સારો, વિશ્વાસુ અને મારા પ્રેમને લાયક છે પછી જ તેની નજીક જવું જોઇએ. નજીક જવામાં ધ્યાન એટલે રાખવાનું હોય છે, કારણ કે દૂર થવામાં બહુ તકલીફ થતી હોય છે. દિલ તૂટવાનો આઘાત પચાવવો સહેલો હોતો નથી. બધા લોકો બદમાશ હોતા નથી પણ દરેક વ્યક્તિ સારી પણ નથી હોતી. વ્યક્તિની પસંદગીમાં એટલે જ ધ્યાન રાખવું પડતું હોય છે!
છેલ્લો સીન :
સંબંધ એવા લોકો સાથે રાખો જેનાથી તમારી જિંદગીમાં કંઈ સુધારો કે વધારો થાય. સંબંધો ટાઇમ પાસ કરવા માટે નથી પણ લાઇફ પાસ કરવા માટે છે. સારા સંબંધો જ જીવનને સમૃદ્ધ બનાવે છે. –કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 10 સપ્ટેમ્બર, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: