કઈ ઉંમરે બાળકોને મોબાઇલ
વાપરવા આપવો જોઈએ?
માત્ર યંગસ્ટર્સ જ નહીં, નાનાં બાળકો પણ
હવે ‘મોબાઇલ એડિક્ટ’ થવા લાગ્યાં છે.
મા-બાપ માટે સૌથી અઘરો સવાલ
એ બની ગયો છે કે એનો દીકરો કે દીકરી
કેવડાં થાય ત્યારે તેને મોબાઇલ અપાવીએ!
નાની ઉંમરે મોબાઇલ વાપરવા લાગતાં
બાળકોની માનસિકતા નોર્મલ રહેતી નથી.
આ અંગે થયેલા અભ્યાસો સ્પષ્ટ રીતે
જણાવે છે કે, બી કેરફુલ.
તમને ખબર છે, અમારો લાલો તો મોબાઇલમાંથી એને ગમતી ગેઇમ શોધીને રમવા માંડે. આજના છોકરાંવ ગજબના સ્માર્ટ છે, નંઈ? આપણે તો એના જેવડા હતા ત્યારે કંઈ ખબરેય નહોતી પડતી! એ તો નંબર શોધીને ફોન પણ લગાડી દે છે. આપણે પૂછવું પડે કે તું કોની સાથે વાત કરે છે? ફોટો જોઈને એને ખબર પડી જાય છે કે આ કોનો નંબર છે! કેવું કહેવાય નહીં? ઘણાં મા-બાપ આવું બોલીને પોરસાતાં હોય છે. આપણેય વળી ટાપસી પુરાવીએ કે અત્યારની જનરેશનની તો વાત જ જવા દો. જન્મતાં વેંત એ તો મોબાઇલ અને ગેઝેટ્સથી રમવા લાગ્યા છે! આપણે ક્યારેય એ નથી વિચારતા કે મોબાઇલ એ રમવાનું સાધન છે ખરું?
આખી દુનિયામાં મોપેડ કે સ્કૂટર કઈ ઉંમરે ચલાવવું કે કારનું લાઇસન્સ કેવડી ઉંમરે મળે તેના નિયમો અને કાયદા છે, પણ મોબાઇલ ક્યારથી વાપરવો એ વિશે કંઈ જ નિયમો કે સ્પષ્ટતા નથી. મોટાભાગનાં મા-બાપને એ સવાલ થતો હોય છે કે બાળકને મોબાઇલ અપાવવાની રાઇટ એજ કઈ? આ પ્રશ્ન આખી દુનિયાના પેરેન્ટ્સને સતાવે છે.
મોટાભાગના છોકરાંવ મા કે બાપનો ફોન હાથમાં આવે એની જ રાહ જોતા હોય છે. ઘણાં મા-બાપ તો છોકરો તોફાન ન કરે અને છાનામાના બેસી રહે એટલા માટે મોબાઇલ પકડાવી દેતાં હોય છે. બાળકને આપણે મોબાઇલ આપીએ ત્યારે વિચારીએ છીએ ખરાં કે આપણે તેના હાથમાં એક એવું પાવરફુલ ગેઝેટ આપીએ છીએ જે બે ધારી તલવાર જેવું છે! એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ એનાં સંતાનોને આઇફોન કે આઇપેડ વાપરવા આપતા નહોતા. તેઓ સ્પષ્ટ કહેતા કે આ ગેઝેટ બાળકો માટે નથી. કોઈ પણ વસ્તુના સાચા ઉપયોગની સમજ જ્યાં સુધી બાળકને ન આવે ત્યાં સુધી એ ચીજ એને વાપરવા દેવી ન જોઈએ.
અમુક મા-બાપ સલામતીનું કારણ આપી પોતાના નાની ઉંમરનાં સંતાનોને મોબાઇલ અપાવી દે છે. કંઈ થાય તો તરત જ સંપર્ક કરી શકે અથવા તો આપણે વાત કરવી હોય ત્યારે કરી શકાય. વાત આમ સાચી લાગે પણ જો બીજી પૂરતી સલામતી હોય અને બીજું કોઈ ધ્યાન રાખવાવાળું હોય તો મોબાઇલ આપવાનું ટાળવું જોઈએ. ફોન આપ્યા પછી કેટલાં મા-બાપ એ વાતનું ધ્યાન રાખતાં હોય છે કે આપણો દીકરો કે દીકરી ફોનમાં શું કરે છે?
અમેરિકામાં દસ વર્ષની એવરેજ એઇજે બાળકને મોબાઇલ ફોન મળી જાય છે. 2012માં આ ઉંમર 12 વર્ષની હતી. હવે તેમાં બે વર્ષનો ઘટાડો થયો છે. વેલ, મોબાઇલ વાપરવાની આઇડિયલ એજ કઈ? કોઈ ચોક્કસ ઉંમર કહી ન શકાય. એક્સપર્ટ એવું કહે છે કે બાર વર્ષની ઉંમર યોગ્ય કહી શકાય. અમુક નિષ્ણાતો 14 વર્ષે જ મોબાઇલ આપવાની વાત કરે છે. એક દલીલ એવી છે કે, માત્ર ઉંમર ન જોવી, બાળકની મેચ્યોરિટી પણ ચેક કરવી. બાળકને બધી જ ફેસેલિટીવાળો મોબાઇલ આપતાં પહેલાં પણ વિચાર કરવો. બાળક એનો અયોગ્ય ઉપયોગ કરી શકે છે અને ઊંધા રવાડે ચડી જવાની શક્યતા વધી જાય છે.
અમેરિકાની મીસ વેનબર્જરે ‘ધ બુગીમેન અક્સિસ્ટ : એન્ડ હી ઇઝ ઇન યોર ચિલ્ડ્રન્સ બેક પોકેટ’ નામની સ્માર્ટ ફોન એન્ડ ઇન્ટરનેટ સેફ્ટી બુક લખી છે. 18 મહિનામાં 70 હજાર બાળકોનો અભ્યાસ કર્યા પછી તેમણે લખ્યું છે કે, 8 વર્ષની ઉંમરે બાળકો ‘સેક્સટિંગ’ કરતાં થઈ જાય છે અને 11 વર્ષે પોનોગ્રાફી એડિક્શન થઈ જાય છે. કોમન સેન્સ મીડિયા દ્વારા થયેલો અભ્યાસ કહે છે કે, મોબાઇલ વાપરતાં 50 ટકા બાળકો એડિક્ટેડ થઈ જાય છે. 66 ટકા પેરેન્ટ્સે એવું કબૂલ્યું હતું કે, તેનાં સંતાનો મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરે છે. 35 ટકા મા-બાપે કહ્યું હતું કે, મોબાઇલ વાપરવાના મામલે તેમને સંતાનો સાથે દરરોજ માથાકૂટ થાય છે.
અમેરિકાની ઇલિનોઇસ સ્ટેટ યુનિવર્સિટીના બ્રૈંડસન ટી. મેકડેલિયલે મોબાઇલ ફોનના કારણે બાળકો પર થતી અસરોનો એક અભ્યાસ કર્યો છે. ‘ચાઇલ્ડ ડેવલપમેન્ટ’ મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલા સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે, મોબાઇલના વધુ પડતા ઉપયોગના કારણે બાળકો સંવેદનશીલતા ગુમાવે છે. બાળક જલદીથી ગુસ્સે થઈ જાય છે. જીદ પૂરી ન થાય એટલે રડવા માંડે છે અને તોડફોડ પણ કરે છે. ઘરમાં બધા વાતો કરતાં હોય ત્યારે બાળક મોબાઇલ લઈને બેઠું હોય તો એને શું વાત ચાલી રહી છે એની કંઈ ખબર હોતી નથી. થોડા સમય પછી એ એવું વિચારવા માંડે છે કે ઘરના લોકો ગમે તે કરે, મને શું ફેર પડે છે? એ એકલસૂડું થતું જાય છે. એને ફેસ-ટુ-ફેસ કમ્યુનિકેશનમાં તકલીફ પડે છે. આંખ મિલાવીને વાત કરી શકતું નથી. દરેક પરિવાર રાતના સમયે દરેક ગેઝેટ્સ બાજુ પર મૂકી દેશ, દુનિયા, પરિવાર, સમાજ અને ઇતિહાસની વાતો કરવી જોઈએ. સ્ટીવ જોબ્સ તેમનાં સંતાનો સાથે દરરોજ વાતો કરતા હતા. આજે કેટલાં મા-બાપ દરરોજ એટલિસ્ટ એક કલાક પણ વાતો કરતાં હોય છે? મા-બાપ પોતે જ મોબાઇલમાં ઘૂસેલાં હોય તો પછી છોકરું પણ એવું જ થવાનું છે.
બાળકોમાં કલ્પનાશક્તિ ખીલવવી હોય તો ગેઝેટ્સથી દૂર અને પ્રકૃતિથી નજીક રાખો. અમેરિકાના લોસ એન્જલસના ચિલ્ડ્રન્સ ડિજિટલ મીડિયા સેન્ટર દ્વારા એક પ્રયોગ હાથ ધરાયો હતો. પચાસ છોકરા-છોકરીઓને પાંચ દિવસનાં નેચર કેમ્પમાં લઈ જવાયાં હતાં. તેમના માટે એક નિયમ રખાયો હતો, નો ગેઝેટ્સ, નો સ્ક્રીન. પાંચ દિવસ પછી પાછાં આવ્યાં ત્યારે જે પચાસ છોકરા નેચર કેમ્પમાં આવ્યા ન હતા તેની સાથે સરખામણી કરવામાં આવી. જે છોકરાંવ નેચર કેમ્પમાં ગયા હતા તેના ચહેરાની તાજગીથી માંડી વર્તનમાં નજાકત અને હળવાશ જોવા મળી હતી. નેચર કેમ્પમાં આવ્યાં ન હતાં એ બાળકો કંટાળેલાં અને થાકેલાં લાગતાં.
આપણે એવું માનવા લાગ્યા છીએ કે, ગેઝેટ્સમાં આખી દુનિયાનો સમાવેશ થઈ જાય છે, હકીકત એ છે કે, ખરી દુનિયા ગેઝેટ્સની બહાર જ છે. તમે જો એવું ઇચ્છતા હોવ કે તમારા બાળકમાં સંવેદના જીવતી રહે, એ હસતું-બોલતું અને ખીલતું રહે તો તેને મોબાઇલથી થોડાક દૂર રાખો. દુનિયાની સમજ આપો. એના માટે સૌથી વધુ જરૂરી એ છે કે મા-બાપ ખુદ મોબાઇલના ઉપયોગમાં શિસ્ત જાળવે. જો આપણે જ યોગ્ય રસ્તે ન હોઈએ અને આપણાં સંતાનો સાચા રસ્તે ચાલે એવું ઇચ્છીએ તો એ વાત વાજબી નથી. બાળકો જો બગડે તો એમાં વાંક માત્ર એમનો જ હોતો નથી, એનાથી વધુ જવાબદાર મા-બાપ ખુદ હોય છે અને હા, બાળકોને ડરાવી-ધમકાવીને મોબાઇલથી દૂર રાખવાનો પ્રયાસ ન કરતા, તમારું વર્તન એવું રાખજો કે બાળકો એને અનુસરે! આપણા દેશની હાલત તો એ છે કે મોટા લોકો જ મોબાઇલના વાજબી ઉપયોગ કેવો અને કેટલો કરવો એ સમજતા નથી તો પછી બાળકોની તો વાત જ ક્યાં આવે? બાળકો અલ્ટિમેટલી તો મોટેરાઓને જોઈને જ વધુ શીખતાં હોય છે. આપણે જેવું કરીએ એવું જ એ કરવાનાં!
પેશ-એ-ખિદમત
જુદાઇયાં તો મુકદ્દર હૈ ફિર ભી જાન-એ-સફર,
કુછ ઔર દૂર જરા સાથ ચલ કે દેખતે હૈં,
ન તુઝકો માત હુઈ હૈ ન મુઝકો માત હુઈ,
સો અબ કે દોનો હી ચાલેં બદલ કે દેખતે હૈ.
– અહમદ ફરાઝ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 04 જુન 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com