એટલિસ્ટ એક દિવસ માટે તો બધું ભૂલી જા! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એટલિસ્ટ એક દિવસ
માટે તો બધું ભૂલી જા!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


દ્વારે ત્વચાના તાર ઉતારીને આવજો!
ભીતરના સર્વ ભાર ઉતારીને આવજો!
આસક્તિ, મોહ, લાગણી, ખેંચાણ, આશરો,
વરવા બધા વિકાર ઉતારીને આવજો!
-શોભિત દેસાઈ


માણસ મોકાની રાહ જોતો હોય છે. કોઇને બતાવી દેવા, વેર વાળવા, સીન મારવા કે રોફ ઝાડવા માટે તક મળે એની જ રાહ જોતો હોય છે. જોજેને એક દિવસ, આપણોય સમય આવશે! ત્યારે બધાને ખબર પડશે કે આપણી હેસિયત શું છે! એક વલવલાટ સતત મનમાં ચાલતો રહે છે. આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે, આપણે આપણી શક્તિ શેની પાછળ વેડફીએ છીએ? આપણે જે કરીએ છીએ એ આપણા હિતમાં છે કે નહીં? કંઇ કરતાં પહેલાં માત્ર એટલું વિચારવાનું હોય છે કે, હું જે કરવા ધારું છું એવું કરવાથી મારી લાઇફમાં કોઇ ફેર પડવાનો છે ખરો? ફેર પડવાનો હોય તો પણ એ આપણા હિતમાં હોવો જોઇએ. એક યુવાનની આ વાત છે. એક મિત્રએ તેનું અપમાન કર્યું હતું. જ્યારે અપમાન કર્યું ત્યારે તો એ કંઇ બોલી શકે એમ નહોતો પણ એ સતત એવું જ વિચારતો કે, એક વખત તો મારે એણે મારું જેવું અપમાન કર્યું એનાથી પણ વધારે ખરાબ એનું અપમાન કરવું છે. એને પણ ખબર પડવી જોઇએ કે, કોઇનું અપમાન કરવાનું પરિણામ કેવું આવે! એ દર વખતે મિત્રોને એવું કહેતો રહે કે, હાથમાં આવવા દેને, એને તો બરાબરનો પાઠ ભણાવવાનો છું. એક વખત તેણે આવું કહ્યું ત્યારે તેના બીજા મિત્રએ કહ્યું કે, હાથમાં આવે ત્યારે કહેવું હોય એ કહી દેજે પણ અત્યારે તો આ વાત મૂક. તને ખબર છે કે તેં જોઈ લેવાની એકની એક વાત કેટલી વાર કરી છે? યાર, એણે તો તારું એક વખત અપમાન કર્યું હતું, તું તો એને યાદ કરીને રોજે રોજ તારું અપમાન કરી રહ્યો છે. મનમાંથી કાઢી નાખ. એની તો કંઇ ખબર નથી પણ તું સતત ઘૂંટાઈ રહ્યો છે!
આપણે બધા જ આવું કરતા હોઇએ છીએ. જૂનામાંથી બહાર જ નથી નીકળી શકતા એટલે જ નવા કશામાં પ્રવેશી શકતા નથી. કંઇક નવું, જુદું અને અનોખું કરવા માટે જૂનાને છોડવું પડે છે. આપણું મગજ કોઇની પાછળ બગાડવા માટે નથી. એક સંતની આ વાત છે. એક વખત તેના અનુયાયીએ કહ્યું કે, પેલા ભાઇ તમારા વિશે બહુ ખરાબ બોલતા હતા. આ બાવો તો બદમાશ છે. તેનામાં કંઇ જ્ઞાન-બાન છે નહીં. વધુ કંઇ બોલે એ પહેલાં જ સંતે કહ્યું, બસ, હવે એ મારા વિશે શું કહેતો હતો એ મારે સાંભળવું નથી. એને જે કહેવું હોય એ કહે. મારે તેના વિશે વધુ કંઈ વિચારવું જ નથી. ઈશ્વર તેનું ભલું કરે. આપણો પ્રોબ્લેમ જ એ હોય છે કે, કોઇ આપણા વિશે શું કહે છે એની આપણને બહુ ચિંતા હોય છે. તમારો કોઇ દુશ્મન હોય, હરીફ હોય, સ્પર્ધક હોય કે વિરોધી હોય, એનું નામ લઇને કોઇ તમને એમ કહે કે, તમને ખબર છે એ તમારા વિશે શું કહેતો હતો? આ સાંભળીને મોટા ભાગના લોકો સામે એવો જ સવાલ કરતા હોય છે કે, શું કહેતો હતો? આપણને એટલી વાતની તો ખબર જ હોય છે કે, એ આપણો દુશ્મન છે એટલે સ્વાભાવિક રીતે જ આપણા વિશે સારું તો બોલતો જ નહીં હોય, તો પણ આપણે સાંભળવું હોય છે કે, એ શું બોલતો હતો! આપણે પાછું એવું પણ કહેતા હોઇએ છીએ કે, ખબર તો પડે, એ શું કહે છે! બહુ ઓછા લોકો એવું કહી શકે છે કે, મારે નથી સાંભળવું કે એ શું કહેતો હતો. તું એની વાત જ ન કર! આપણે ડિટેચ થઇ જ નથી શકતા.
વિચારોની એક મર્યાદા હોય છે. એક સમયે માણસ એક જ વિચાર કરી શકે છે. આપણા વિચારમાં કોણ છે, આપણા વિચારમાં શું છે, એના પરથી આપણી માનસિકતા ઘડાતી હોય છે, માનસિકતા નક્કી થતી હોય છે. આપણે જો આપણા વિચારોને કાબૂમાં ન રાખીએ તો વિચાર ક્યારે વિકાર બની જાય તેની આપણને જ ખબર નથી રહેતી. જતું કરી દેવામાં, ભૂલી જવામાં અને ઇગ્નોર કરવામાં મોટા ભાગે આપણું જ ભલું થતું હોય છે. ભૂલવાની વાત તો દૂર રહી આપણે તો લાગમાં આવવાની રાહ જોતા હોઇએ છીએ. એક ફેમિલીની આ વાત છે. પરિવારના સભ્યો વચ્ચે એક મુદ્દે ઝઘડો થયો. એક સભ્ય રાહ જોઇને બેઠો હતો. એના ઘરે સારો પ્રસંગ આવવા દેને, એનો પ્રસંગ ન બગાડું તો મારું નામ નહીં. એ પરિવારમાં દીકરીનાં લગ્નનો પ્રસંગ આવ્યો. પેલા માણસે કહ્યું કે, હવે જોજે, લગ્નમાં એના કેવા હાલ કરું છું. જાનની હાજરીમાં જ એનું બરાબરનું ઇનસલ્ટ કરવું છે. આ વાત સાંભળીને તેના એક સ્વજને કહ્યું કે, એટલિસ્ટ એક દિવસ પૂરતું તો બધું ભૂલી જા. તને એ વિચાર આવે છે કે, તું કંઈ કરીશ તો તું કેવો લાગીશ? તારા વિશે લોકો શું માનશે? છેલ્લે તો બધા એવું જ કહેવાના છે કે, સારા અવસરે આવું કરીને તેં ખોટું કર્યું. એની ઇજ્જતની તો ખબર નહીં પણ તારી આબરૂ તો ચોક્કસ જવાની જ છે. આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે, જે થવું હોય એ થાય! આવું બોલતી વખતે અને કંઇ કરતી વખતે થોડુંક એ પણ વિચારવું જોઇએ કે, શું થઇ શકે છે? જે થશે એનાથી કોને શું હાંસલ થવાનું છે? કંઈ જ મળતું હોતું નથી.
આપણા સંબંધો ક્યારેક આપણે પોતે જ દાવ પર લગાવતા હોઇએ છીએ. એવું કરીએ છીએ કે, કોઇ આપણી સાથે સંબંધ રાખતા પહેલાં સો વાર વિચાર કરે. માફ કરી જોજો, ગમ ખાઇ જોજો, જતું કરી જોજો, એનાથી બહુ મોટો ફેર વર્તાશે. એક સાવ સાચો કિસ્સો છે. એક વખત એક ફેમિલીમાં બધા ભેગા થયા હતા. એક વડીલ પરિવારના યુવાન પર વગર કારણે ગુસ્સે થઇ ગયા. તું કંઇ સમજતો નથી. તારામાં બુદ્ધિ જેવું કંઇ નથી. કોણ જાણે ક્યારે તું સમજીશ. એ વડીલ જે મનમાં આવે એ બોલતા હતા. સાંભળનારા બધા સુન્ન રહી ગયા હતા. વડીલે બોલવાનું બંધ કર્યું એટલે એ યુવાન વડીલની પાસે આવ્યો અને એટલું કહ્યું કે, મને ખબર નથી કે મારી સાથે તમને શું પ્રોબ્લેમ છે પણ મારાથી કંઇ ખોટું થઇ ગયું હોય તો હું માફી માંગું છું. આપ પરિવારના વડીલ છો. તમારી સામે બોલવું એ મને ન શોભે. બધાને થયું કે, આ છોકરો ખરેખર સારો છે કે એ વડીલ સામે કંઇ ન બોલ્યો. એ પણ ગમે તેમ બોલી શક્યો હોત. બધાએ ઉલટું એમ કહ્યું કે, એ વડીલે શાંતિથી વર્તવું જોઇએ. માનો કે છોકરાથી કંઇ ભૂલ થઇ છે તો પણ એ તો નાનો છે, એને ખીજાવવાની પણ કોઈ રીત હોવી જોઇએ. બધી વાતની કોઇ રીત હોય છે. પ્રેમ કરવાની પણ રીત હોય છે. કોઇને થપ્પડ મારીને તમે પ્રેમ ન કરી શકો. ક્યારે કઇ રીતથી વર્તવું એનું ભાન આપણને હોવું જોઇએ. જેને રીતનું ભાન નથી રહેતું એ એકલો પડી જતો હોય છે. એક વખત એક છોકરો બધા વચ્ચે બેફામ બોલતો હતો. વાત પૂરી થઇ પછી તેણે કહ્યું કે, મને કોઇએ સાથ જ આપ્યો. તેના એક મિત્રએ કહ્યું, સાથ ત્યારે જ મળે જો વાત અને રીત સાચી હોય. ઘણી વખત આપણને સમય સાચવી લેતા પણ આવડવું જોઇએ. સો વાંધા હોય તો પણ અમુક સમયે અમુક પ્રકારનું વર્તન ન શોભે એટલે ન જ શોભે. જેને સમય મુજબ વર્તતા નથી આવડતું એ સંબંધ સાચવી શકતો નથી. આપણો સમય ગમે એવો જોરમાં હોય તો પણ જોર ક્યાં વાપરવું અને ક્યાં શાંતિ રાખવી એની સમજ ન હોય તો સારો સમય પણ હાથમાંથી સરકી જાય છે. આપણને જે અફસોસ રહી જતો હોય છે એના માટે મોટા ભાગે આપણે જ કારણભૂત હોઇએ છીએ. આપણી સ્થિતિ માટે આપણે કોઇને જવાબદાર ઠેરવી ન શકીએ. આપણે જ આપણા રસ્તા માટે અને આપણી મંઝિલ માટે જવાબદાર હોઇએ છીએ!
છેલ્લો સીન :
સન્માન દરેક વખતે લડીને જ નથી સચવાતું, ક્યારેક જતું કરીને, ક્યારેક આંખ આડા કાન કરીને અને ક્યારેક અવગણના કરીને પણ સન્માન સાચવી લેવાનું હોય છે. બધી જ જગ્યાએ બાથોડા લેવામાં સરવાળે આપણી શક્તિનો જ વ્યય થતો હોય છે! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 09 જુલાઈ, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *