મોબાઇલ પર પ્રતિબંધ હોય એવી જગ્યાએ તમે ફરવા જાવ કે નહીં? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

મોબાઇલ પર પ્રતિબંધ હોય એવી
જગ્યાએ તમે ફરવા જાવ કે નહીં?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

મોટા ભાગના લોકો ડિજિટલ એડિક્ટ થઇ ગયા છે. મોબાઇલ દૂર
હોય તો લોકોને ગભરામણ થવા લાગે છે. વહેલા કે મોડા લોકોએ
મોબાઇલથી દૂર રહેતા શીખવું પડશે!


———–

આપણા બધાની લાઇફ ટેક્નોલોજીએ ધરમૂળથી બદલી નાખી છે. મોબાઇલ આપણી જિંદગીનો એક અતૂટ હિસ્સો બની ગયો છે. ટેક્નોલોજીની અસર તો લાઇફ પર થવાની જ છે. એક રીતે જોવા જઇએ તો એમાં કશું ખોટું પણ નથી. મોબાઇલના અનેક ફાયદાઓ પણ છે. મોબાઇલ તો એક વસ્તુ છે. આપણે તેનો વાંક કાઢી ન શકીએ. મોબાઇલ ક્યારેય કહેતો નથી કે, મારો બેફામ ઉપયોગ કરો. મોબાઇલની વિપરીત અસરો થાય તો એમાં વાંક આપણો હોય છે. ડિજિટલ ડિટોક્સનો કન્સેપ્ટ આજકાલ બહુ ચાલે છે. ડિટોક્સની જરૂર ત્યારે જ પડે છે જ્યારે કોઇ પણ બાબતનો અતિરેક થાય. વધુ પડતું ખાઇ લઇએ તો અપચો થવાના ચાન્સીસ વધારે રહેવાના છે. પેટ ઠીકઠાક કરવા માટે ઉપવાસ કરવો પડે છે. જે માણસ સંયમ રાખીને ખાય છે એને કોઇ વાંધો આવતો નથી. બધાને એવો વિચાર તો આવતો જ હોય છે કે, મોબાઇલનો મર્યાદિત ઉપયોગ કરવો છે પણ જેવો મોબાઇલ હાથમાં લઇએ કે આ વાત વિસરાઇ જાય છે. દરેક ઘટના, દરેક પ્રવૃત્તિ, દરેક મુલાકાત અને દરેક અવસર ફોટા વગર અધૂરો રહે છે. ફરવા જવું એ પણ હવે ફોટો ઇવેન્ટ થઇ ગયું છે. મસ્ત મજાના ફોટા પાડો અને અપલોડ કરો. ફાઇન. નથિંગ રોંગ. અગેઇન વાત અતિરેકની છે.
આ વાત લખવાનું મન હમણાં આવેલા એક અહેવાલના કારણે થયું. ફિનલેન્ડે પોતાના ટાપુ ઉલ્કા ટેમિયો પર મોબાઇલ અને કેમેરા પર પ્રતિબંધ મૂક્યો. ફિનલેન્ડ સમગ્ર વિશ્વમાં સૌથી ખુશહાલ દેશ તરીકે જાણીતો છે. ફિનલેન્ડનાં ટૂરિસ્ટ પ્લેસીસ પણ અદભુત છે. ફિનલેન્ડની સરકારે કહ્યું કે, ટેમિયો ટાપુને એટલા માટે મોબાઇલ ફ્રી કર્યો છે, કારણ કે લોકો ટાપુનું સૌંદર્ય એન્જોય કરી શકે. સ્થળની અનુભૂતિ કરી શકે. વાતાવરણનો અહેસાસ માણી શકે. દૃશ્યો તમારી નજરમાં ભરી લો. જસ્ટ ફીલ ધ પ્લેસ. લોકો ફરવા આવે છે પણ મોબાઇલમાંથી જ નવરા પડતા નથી. સાઇબર એક્સપર્ટ્સે ફિનલેન્ડના આ નિયમને વધાવ્યો છે અને કહ્યું છે કે, આવાં સ્થળો વધવાં જોઇએ. લોકો એટલિસ્ટ ફરવા જાય ત્યારે તો પોતાની જાત સાથે રહી શકે.
બાય ધ વે, તમે એવી જગ્યાએ ફરવા જવાનું પસંદ કરો ખરા જ્યાં મોબાઇલ અને કેમેરા પર પ્રતિબંધ હોય? માણસ કોઇ જગ્યાએ જાય અને ત્યાં મોબાઇલનું નેટવર્ક ન હોય તો વિહવળ થઈ જાય છે. લોકો પહાડી વિસ્તારોમાં ફરવા જતા પહેલાં બુકિંગ કરાવતી વખતે પૂછે છે કે, ત્યાં મોબાઇલ નેટવર્ક મળશેને? વાઇ-ફાઇ છેને? વિદેશ ફરવા જાય ત્યારે ઇન્ટરનેશનલ રોમિંગ ન કરાવ્યું હોય તો હોટલમાં જઇને પહેલું કામ વાઇ-ફાઇ કનેક્ટ કરવાનું કરે છે. ફરવા જાય અને ફોટા પાડે એમાં પણ આમ તો કોઇ પ્રોબ્લેમ ન હોવો જોઇએ પણ ફોટા પાડીને તરત અપલોડ કરવા હોય છે. અપલોડ કર્યા પછી કેટલી લાઇક મળી અને કોણે કેવી કમેન્ટ કરી એ જોવું હોય છે. એમાં ફરવાનો સમય ખવાઇ જાય છે.
ફરવા જતી વખતે મોબાઇલનો ઉપયોગ કરવા વિશે સાઇકોલોજિસ્ટ્સ એવું કહે છે કે, તમે ફોન વાપરો એમાં કોઇ ઇશ્યૂ નથી પણ એકબે વાતની દરકાર રાખો. ફોટા ચોક્કસ પાડો પણ તરત જ અપલોડ કરવાનું ટાળો. ફરીને આવી ગયા પછી આરામથી અપલોડ કરો. ઘણા લોકો આવું કરતા પણ હોય છે. ફરતી વખતે તમે જેની સાથે ગયા હો એની જોડે ટાઇમ સ્પેન્ડ કરો. ખાસ તો કપલે આ વાત વધુ ધ્યાનમાં રાખવા જેવી છે. ફરવા જવું એ બોન્ડિંગ સ્ટ્રોંગ કરવામાં મદદ કરે છે. ઘર અને ઓફિસના કારણે ઘણાં દંપતી એકબીજાને ટાઇમ આપી શકતાં નથી. એટલિસ્ટ ફરવા જતી વખતે તો એકમેકમાં ઓતપ્રોત રહેવાનો પ્રયાસ કરવો જોઇએ.
માણસ પ્લેનમાં સફર કરે ત્યારે મોબાઇલનો ઉપયોગ કરી શકતો નથી. આમ તો લોકો એવું પણ કહેતા હોય છે કે, પ્લેનમાં હોય એટલી વાર તો શાંતિ. હવે તો કેટલીક એરલાઇનોમાં પણ વાઇફાઇ ફેસેલિટી એવેલેબલ થવા લાગી છે. ધીમેધીમે દરેક એરલાઇન આ સુવિધા આપવાની છે. હળવાશમાં એવું પણ કહેવાઇ રહ્યું છે કે, હવે વિમાનમાં પણ મોબાઇલ વગર રહેવા નહીં દે. વાત ખાલી ફરવા જવાની જગ્યાની નથી. દરેક સ્થળે મોબાઇલનો ઉપયોગ કેટલો વાજબી છે એ વિચારવાની જરૂર છે. એક ડૉક્ટરે કહેલી આ વાત છે. દવાખાનામાં પેશન્ટની સાથે આવેલી વ્યક્તિનું ધ્યાન મોબાઇલમાં જ હોય છે. પરિવારના સભ્યનું ઓપરેશન ચાલતું હોય અને તેનાં સ્વજનો બહાર રિલ્સ જોતાં હોય છે. ઘણા લોકો કહે છે કે, બીજું શું કરીએ? સવાલ સંવેદનાનો છે. અગાઉના સમયમાં શું હતું? લોકો દવાખાનામાં જુદાં જુદાં દૃશ્યો જોતાં હતા. જરૂર હોય તો કોઇને મદદ કરતા હતા. કોઇની વેદનાને ફીલ કરતા હતા. હવે લોકોને બીજા લોકોથી તો કોઇ ફેર નથી પડતો. પોતાના લોકોનું પણ ઘણું બધું સ્પર્શતું નથી. એના કારણે પણ સરવાળે થાય છે એવું કે, માણસને પોતાને એક સમયે એવું લાગવા માંડે છે કે હું સાવ એકલો છું. મારું કોઇ નથી. પોતે ક્યારેય કોઇના ન થયા એ કોઇ વિચારતું નથી. સવાલ એ પણ છે કે, આખરે એવું કેમ લાગે છે કે, મારું કોઇ નથી? બધા હોય છે, ઘણી વખત આપણે જ દૂર થઇ ગયા હોઇએ છીએ.
ટેક્નોલોજી આપણા માટે છે. ટેક્નોલોજી ઉપયોગી પણ છે. ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવો. ધ્યાન એટલું જ રાખવાનું કે, આપણે ટેક્નોલોજીના ગુલામ ન બની જઇએ. મોબાઇલ વગરનો થોડોક સમય વિતાવીએ. મોબાઇલના કારણે આપણાં મન અને મગજ પર જે અસરો થાય છે એને સમજીએ. હવે તો મોબાઇલ જ આપણને કહે છે કે, આપણે કેટલો સમય તેને ચોંટેલા રહ્યા? મોબાઇલના યુસેઝનો ટાઇમ સેટ કરી લો તો મોબાઇલ તેમને એલર્ટ પણ કરી દે છે કે, તમે નક્કી કર્યું હતું એટલો સમય મોબાઇલ વાપરી લીધો છે. મોબાઇલ છોડવો શક્ય નથી. એવું કરવાની કોઈ જરૂર પણ નથી. બધું વાપરો. સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહો. ફરવા જાવ ત્યારે પણ ફોટા પાડો. અપલોડ પણ કરો. બસ, જાળવવા જેટલી મર્યાદા જાળવો.
ફિનલેન્ડના ટેમિયો ટાપુને મોબાઇલ ફ્રી કર્યો એ વિશે પણ કેટલાંક નિષ્ણાતો એવું પણ કહે છે કે, એવું કરવાની પણ બહુ જરૂર નથી. એક રીતે જોઇએ તો એ પણ એક પ્રકારની જબરજસ્તી જ છે. ફરવા આવનારને જે મન હોય એ કરે. એમ તમે કોઇને ધરાર રોકો એ કેટલું વાજબી છે? સાચી વાત લોકોમાં અવેરનેસ ફેલાવવાની છે કે, ફરવા આવ્યા છો તો હરોફરો અને મજા કરો. મોબાઇલ માટે સમય પછી મળવાનો જ છે. ફરવાનો સમય મોબાઇલ હડપ કરી જશે તો પછી એ ફરીથી મળશે નહીં. ઘણા લોકો સમજે છે. એને ખબર છે કે, મોબાઇલનો કેટલો ઉપયોગ કરવો જોઇએ. ઘણા લોકો એવા છે જે પોતાના બેડરૂમમાં મોબાઇલ વાપરતા નથી. જેમ દરેક ઘરમાં શૂ રૅક હોય છે એમ હવે મોબાઇલ રૅક રાખવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. ઘરમાં આવ્યા પછી મોબાઇલ એ રૅકમાં મૂકી દેવાનો. ગેસ્ટ આવ્યા હોય ત્યારે તેની સાથે વાતો કરવામાં જ ધ્યાન આપવું. ઘરમાં, ઓફિસમાં કે બીજે ક્યાંય પણ કોઈ તમારી સાથે વાત કરતું હોય ત્યારે એટલી કાળજી રાખવી કે એ સમયે આપણું ધ્યાન મોબાઇલમાં ન હોય. આંખમાં આંખ પરોવીને વાત કરો. જે યંગસ્ટર્સ સતત ફોનમાં રહે છે એ લોકોમાં આત્મવિશ્વાસની કમી જોવા મળે છે, એ નજર મિલાવીને વાત જ નથી કરી શકતા. છેલ્લે વાત એટલી જ કે, મોબાઇલ આપણા પર હાવી ન થઇ જાય એનું ધ્યાન રાખીએ. રજાના દિવસે અને કામના સમયે મોબાઇલને બને એટલો દૂર રાખીએ. જિંદગીને માણીએ. દરેક ક્ષણને જીવીએ. મોબાઇલ સાવ છોડી દેવાની કંઇ જરૂર નથી. આજના જમાનામાં એવું શક્ય પણ નથી. પ્રમાણભાન કેળવવાની જ આવશ્યક્તા છે. જરાકેય બેદરકાર રહીએ તો મોબાઇલ આપણને પોતાના સકંજામાં લઇ લે છે. કહે છેને કે, અતિ સર્વત્ર વર્જયેત! બસ, આ વાત મોબાઇલ માટે પણ યાદ રાખવા જેવી છે!
હા, એવું છે!
મોબાઇલ, વર્ચ્યુઅલ વર્લ્ડ અને સાઇબર સૃષ્ટિ વિશે અત્યારે સૌથી વધુ રિસર્ચ અને સરવૅ થઇ રહ્યાં છે. આ બધા જ સરવાળે એવું કહે છે કે, માણસ મોબાઇલ સાથે પાગલની જેમ વળગેલો છે. અત્યારે સૌથી વધુ માનસિક સમસ્યાઓ મોબાઇલની લતના કારણે થઇ રહી છે. લોકોને મોબાઇલનાં જોખમો ખબર હોવા છતાં એનાથી છુટકારો મેળવી શકતો નથી!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 05 જુલાઈ, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *