એનાથી એવું બોલી જ કેમ શકાય? – કૃષ્ણકાંત ઉનડકટ

એનાથી એવું બોલી

જ કેમ શકાય?

-કૃષ્ણકાંત ઉનડકટ

સચ બોલને કે તૌર-તરીકે નહીં રહે,

પત્થર બહોત હૈ શહર મેં શીશે નહીં રહે,

વૈસે તો હમ વહી હૈ જો પહેલે થે દોસ્તો,

હાલાત જૈસે પહેલે થે વૈસે નહીં રહે.

-નવાઝ દેવબંદી

માણસની સાચી ઓળખ એ શું બોલે છે અને કેવું બોલે છે એના પરથી છતી થાય છે. આપણે જે શબ્દો બોલીએ છીએ એ આપણા સંસ્કારથી માંડીને આપણી માનસિકતા બતાવી દે છે. શબ્દ શું છે? આ સવાલ કરતા પણ વધુ મહત્ત્વનો સવાલ એ છે કે, શબ્દ શું નથી? એનો જવાબ એ છે કે, શબ્દ શસ્ત્ર નથી. આમછતાં ઘણા લોકો શબ્દને શસ્ત્રની જેમ વાપરતા હોય છે. એવું બોલે કે સામેવાળો માણસ ઊભેઊભો વેતરાઇ જાય. ઘણા લોકો શબ્દોને એવી રીતે ફંગોળતા હોય છે કે, શબ્દોને પણ શરમ આવે. શબ્દો માણસને બોલતા રોકી શકતા હોત તો? તારે મારો ઉપયોગ આ રીતે નથી કરવાનો! હું બહુ નાજુક છું, મારો સંભાળીને ઉપયોગ કર! હું વાપરવા માટે છું, વેડફવા માટે નહીં? તારા વાપરવાથી મને કોઇ ફેર નહીં પણ તારું માપ નીકળી જશે. મારું પોતાનું એક સૌંદર્ય છે, તું એને ખંડિત ન કર. મારું સૌંદર્ય હણાયું તો વરવો તું જ લાગશે. આબરૂ તારી જ જશે. શબ્દો માંઝેલા હશે તો જ તમે કોઇને આંજી શકશો.

દાંપત્યનો સૌથી મોટો આધાર એના પર છે કે, કોણ કેવું બોલે છે? ઊંચા અવાજે કહેવાતી વાત ક્યારેય સંભળાતી નથી. આપણે જો એવું ઇચ્છતા હોઇએ કે, આપણી વાત કોઇને સંભળાય અને કોઇને સમજાય તો એ શાંતિથી જ કહેવી પડે. શાંતિથી કહેવામાં પણ શબ્દો તો સારા જ વાપરવા પડે. ઘણા લોકો બોલતા શાંતિથી હોય પણ શબ્દો એવા વાપરેને કે, સાંભળનારને ઝાળ લાગી જાય. એક પતિ પત્નીની આ વાત છે. પતિ વાતે વાતમાં એવું બોલે કે, તને તો તારા મા-બાપે કંઇ શીખવાડ્યું જ નથી. તારા ઘરના લોકોને કંઇ ખબર જ નથી પડતી. તારા તો બધા ગંવાર છે. કંટાળેલી પત્નીએ કહ્યું કે, મારા મા-બાપે તો મને જે શીખવાડ્યું હોય એ પણ તારા મા-બાપે તને જે શીખવાડ્યું છે એ દેખાય છે. તને તા તારા મા-બાપે સરખી રીતે બોલતા પણ નથી શીખવાડ્યું. પતિ પત્નીમાં અંટસ એ જ વાતે પડે છે કે, તારાથી આવું બોલાય જ કેમ? વાત સાચી હોય તો પણ સલુકાઇથી કહેવાવી જોઇએ. ખોટી રીતે કહીએ તો સાચી વાત પણ તેની અસર ગુમાવી દે છે. ઘણા ઝઘડામાં છેલ્લે એલું બોલાતું હોય છે કે, હું ક્યાં કહું છું કે એની વાત ખોટી છે પણ તમે એનો ટોન જોયો? વાત કરવાની પણ કોઇ રીત હોય કે નહીં? જે રીત નથી જાણતા એ પ્રિત ગુમાવે છે. આપણે ત્યાં બાળકોને બોલતા શીખવવામાં આવે છે પણ કેવી રીતે બોલવું એ બહુ ઓછું શીખવાડાય છે. બોલતા તો કોઇ ન શીખવાડે તો પણ વહેલું કે મોડું આવડી જ જવાનું છે, કેવી રીતે બોલવું એ ઘણાને મોટા થઇ ગયા પછી પણ આવડતું હોતું નથી. વાત કરતા ન આવડે એ લોકો વાતનું વતેસર કરી નાખતા હોય છે. વાતનું વાવેતર એવી રીતે કરો કે, એ ઉગી નીકળે અને સુગંધ ફેલાવે.   

સંબંધોમાં મોટા ભાગના ઝઘડા માત્રને માત્ર બોલવાથી થાય છે. ઘણી વખત આપણે કેટલાંક લોકોને એવું કહેવું પડે છે કે, મહેરબાની કરીને તું ચૂપ રહેજે. તું આડુંઅવળું બોલી દઇશ તો આખી વાત બગડી જશે. બીજી બાજું એવા લોકો પણ હોય છે જેને આપણે કહીએ છીએ કે, જે કંઇ વાત કરવાની છે એ તમે જ કરજો. કોણ બોલે છે એના ઉપરથી વાતનું વજન પડતું હોય છે. વાતમાં વજન એમ જ નથી આવી જતું. બહુ વિચાર કરવો પડે છે. ઘણું બધું ધ્યાન રાખવું પડે છે. કોઇને છરકો પડી ન જાય એ રીતે વાત કરવી પડે છે. નજીકના બે પરિવારો વચ્ચે પ્રસંગમાં શું કરવું એ મુદ્દે ઝઘડો થયો. એક પરિવારના વડીલ લડવા માટે બીજી પરિવારના ઘરે પહોંચી ગયા. તમે તમારા મનમાં સમજો છો શું? તમારે તમારું ધાર્યું જ કરવું છે? આજે આપણે ફેંસલો કરી લેવો છે કે, તમારે તમારી રીતે જ બધું કરવું છે કે અમારી વાત પણ સાંભળવી છે. સામેની વ્યક્તિએ પહેલા તો બોલનારને બધું જ બોલવા દીધા. એમણે વાત પૂરી કરી પછી સહજતાથી કહ્યું કે, તમને કોણે એવું કહ્યું કે, તમારી વાત અમે નથી સાંભળવાના કે માનવાના? તમે તો ઘરના વડીલ છો. તમને વિશ્વાસમાં લીધા વગર થોડા અમે કંઇ કરવાના છીએ? અમે તો ખાલી વિચાર કરતા હતા કે આવું આવું કરી શકાય એમ છે. ફાઇનલ નિર્ણય તો તમારી સાથે બેસીને જ કરવાના હતા. અમે આવો વિચાર પણ એટલે કર્યો કે, બધાને અનુકૂળ આવે. વડીલને એટલી કૂનેહથી સમજાવ્યા કે એની પાસે જે વાતો મનાવવી હતી એ બધી જ માની ગયા. જતી વખતે એ વડીલે કહ્યું કે, આજે હું તમારી સાથે લડી લેવાની દાનતથી જ આવ્યો હતો. એવું વિચારતો હતો કે, સંબધો તૂટતા હોય તો તૂટે પણ આજે નબળું નથી છોડવું. તમે વાત સાચવી લીધી. પેલી વ્યક્તિએ કહ્યું કે, આપણે પરિવાર છીએ. બધાનું માન જળવાવું જોઇએ.

એક વખત એક માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું કે, અમારા ઘરમાં એક વડીલ એવા છે જે વાતે વાતે લડી લેવા જ તૈયાર થઇ જાય છે. સંતે એક જ વાક્ય કહ્યું કે, મનાવવા છે તો માન આપો! માન આપશો તો માની જશે. વાત સલાહ લેતા હોય એવી રીતે કહો, આદેશ આપતા હોય એવી રીતે નહીં. તમારે તમારું ધાર્યું કરવું છે? તમે તમારું ધાર્યું કરી શકો છો, તમારામાં બસ તમારી વ્યક્તિને એ કન્વીન્સ કરવાની તાકાત હોવી જોઇએ કે, મેં જે ધાર્યું છે એ આપણા બધાના હિતમાં છે. કન્વીસિંગ પાવર એટલે શું? આખરે તો એ શબ્દોના ઉપયોગની આવડત જ છે! અલબત્ત, આ આવડત કેળવવા માટે ઘણી વખત ગમ ખાવો પડે છે. દરેક વખતે બોલવાથી જ વાત નથી પતતી, મૌન રહેવાથી પણ ઘણીવાર સમાધાન મળી જાય છે. બે મિત્રો વચ્ચે ઝઘડો થયો. એક મિત્ર બધાની વચ્ચે મનમાં આવે એવું બોલતો હતો. તારી હેસિયત શું છે? મેં તને કેટલી મદદ કરી છે પણ તને તો કંઇ કદર જ નથી. બીજો મિત્ર કંઇ જ ન બોલ્યો. ચૂપ રહ્યો. તેણે એટલું જ કહ્યું કે, અત્યારે તું ગુસ્સામાં છે, આપણે કંઇ વાત ન કરીએ એ જ યોગ્ય છે. એ ચાલ્યો ગયો. બીજા દિવસે તેને એક બીજો મિત્ર મળ્યો. તેણે કહ્યું કે, પેલો જેમતેમ બોલતો હતો અને તું કંઇ જ બોલ્યો? તને એમ ન થયું કે, એનાથી એવું બોલાય જ કેમ? પેલા મિત્રએ કહ્યું કે, ગમે તેમ તોયે એ મારો મિત્ર છે. એ ગુસ્સામાં હતો. મારે તેની સાથે ઝઘડો કરીને સારો મિત્ર ગુમાવવો નહોતો. તને એમ થાય છેને કે, જે લોકો સાંભળતા હતા એના મનમાં તારી છાપ કેવી પડી હશે? મને એનાથી કોઇ ફેર પડતો નથી, કારણ કે બાકીના બધા તો અજાણ્યા હતા, એ મારો મિત્ર હતો. આપણે ઘણી વખત અજાણ્યા સામે શક્તિશાળી દેખાવવા માટે પોતાના લોકોને હર્ટ કરી બેસતા હોય છીએ. તમને એ ખબર હોવી જોઇએ કે, તમારા માટે કોણ મહત્ત્વનું છે. તને ખબર છે એ ઝઘડા પછી એ મારી પાસે આવ્યો હતો. મને સોરી કહ્યું. મારું મગજ ઠેકાણે નહોતું.

આપણી વ્યક્તિનું મગજ ઠેકાણે ન હોય ત્યારે આપણે આપણા મગજને ઠેકાણે રાખવું પડતું હોય છે. આપણે ઊંધું કરીએ છીએ. આપણું મગજ પણ છટકાવી દઇએ છીએ. છટકેલા મગજથી છણકા જ થાય. તમે એવું ઇચ્છો છો કે, લોકો તમને સમજે, તમને સ્વીકારે, તમારી વાત માને, તો તમારી વાત કરવાની રીત અને બોલવાની લઢણ પણ નજર રાખો. માન મેળવવું કે અપમાન કરાવવું એ છેલ્લે તો આપણા જ હાથમાં હોય છે. તમારું વર્તન જ એવું રાખો કે કોઇ તમારું અપમાન કરવાની હિંમત જ ન કરે. આપણી સાથે શું થવા દેવું અને શું ન થવા દેવું એનો દોર આપણા હાથમાં જ રહેવો જોઇએ.

છેલ્લો સીન :

આપણી વાણી આપણું પાણી માપી લે છે અને કહી દે છે કે આપણે છીછરા છીએ કે ગહેરા?                 -કેયુ

(‘સંદેશ’ સંસ્કાર પૂર્તિ, તા. 31 ઓકટોબર 2021, રવિવાર.  ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *