બધાને કંટ્રોલ કરવા જઇશ તો કોઇ કાબુમાં નહીં રહે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધાને કંટ્રોલ કરવા જઇશ

તો કોઇ કાબુમાં નહીં રહે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જીતવાની જ લત તમે રાખી, એકતરફી રમત તમે રાખી,

એક જણ બસ પરત કરો અમને, આખે આખું જગત તમે રાખી.

-નીરવ વ્યાસ

માણસ વાતો આઝાદી, મુક્તિ અને સ્વતંત્રતાની કરતો હોય છે પણ એ પોતે બીજા પર આધિપત્ય જમાવવાના જ પ્રયાસો કરતો હોય છે. આધિપત્યનો ભાવ દરેક માણસમાં થોડા ઘણા અંશે હોય જ છે. સત્તા માણસને પોતાની નીચેના માણસ પર આધિપત્ય જમાવવાની પ્રેરણા પૂરી પાડે છે. હું શક્તિશાળી છું, હું ઉપરી છું, મારું કહ્યું બધાએ કરવાનું, મારી વાત બધાએ માનવાની, મારો બોલ કોઇ ઉથાપી ન શકે. ઘરમાં માતા પિતાનું આધિપત્ય હોય છે. કેટલાંક આધિપત્ય લદાયેલા હોય છે અને કેટલાંક સ્વીકારાયેલા પણ હોય છે. ઘરના વડીલોનું આધિપત્ય નાના મોટા અંશે બધાએ સ્વીકારી લીધું હોય છે. આધિપત્ય જ્યારે હદથી વધી જાય ત્યારે માણસ બળવો કરવા પર ઉતરી આવે છે. બસ બહુ થયું, આવું કંઇ થોડું હોય? આપણે બોલીએ નહીં એટલે દબાવતા રહેવાનું? હવે તો આ પાર કે પેલે પાર! માણસ એક હદ સુધી સહન કરે છે, જ્યારે એવું લાગે કે હવે પાણી નાક સુધી આવી ગયું છે ત્યારે છેડો ફાડી નાખવા તૈયાર થઇ જાય છે.

સંબંધો બહુ નાજુક હોય છે. સંબંધોની માવજત કરવી પડે છે. સંબંધો સાચવવા બહુ અઘરા નથી, શરત માત્ર એટલી કે સંબંધો સાહજિક હોવા જોઇએ. સંબંધોમાં જ્યારે સખતાઇ આવે ત્યારે સંબંધો દાવ પર લાગે છે. પ્રેમનું પણ એક પોત હોય છે. એની કાળજી રાખવામાં ન આવે તો પોત પોતળું પડતું જાય છે. પ્રેમ પારદર્શક હોવો જોઇએ. બધું જ ચોખ્ખું અને સ્પષ્ટ. કંઇ છુપાવવાનું નહીં અને કંઇ જતાવવાનું નહીં. જબરજસ્તી આવે એટલે સંબંધ બગડવા અને ખખડવા લાગે છે. એક જોઇન્ટ ફેમિલીની આ વાત છે. ઘરમાં માતા-પિતા, બે દીકરા, બંનેની વહુઓ અને ચાર સંતાનો હતા. મોટો દીકરો બધા પર ધાક રાખતો. બધા એનાથી ડરતા પણ ખરા. મા-બાપ પણ તેને ખાસ કંઇ કહેતા નહીં. પોતાના કામથી કામ રાખતા. છોકરા મોટા થઇ જાય પછી એના પર બહુ જોહુકમી નહીં કરવાની એવું એ માનતા હતા. બંને દીકરાના સંતાનો મોટા થતાં હતા. મોટો દીકરો બધાને વશમાં રાખવાનો પ્રયાસ કરતો હતો. સંતાનો ધીમે ધીમે સામા થવા લાગ્યા. હાલત બગડતી ગઇ. એક દિવસ પિતાએ દીકરાને બોલાવીને કહ્યું કે, તારે હવે સાવધાન થઇ જવાની જરૂર છે. તું બધા પર વધુ પડતું આધિપત્ય જમાવી રહ્યો છે. બધા તારું ધાર્યું કરે એવું તું ઇચ્છવા લાગ્યો છે. એક વાત યાદ રાખજે, બધાને કંટ્રોલ કરવા જઇશ તો કોઇ હાથમાં નહીં રહે. તું મારું જ ઉદાહરણ લે. તું મોટો થઇ ગયો પછી મેં તને કંઇ કહેવાનું બંધ કર્યું હતું. મેં જો તને દબાવવાનો કે ડરાવવાનો પ્રયાસ કર્યો હોત તો તું પણ જુદો થઇ ગયો હોત. મેં જે તારી સાથે કર્યું એવું હવે તારે કરવાની જરૂર છે. બધાને થોડાક પોતાની રીતે રહેવા દે. જોહુકમી તને નથી ગમતી તો કોઇને ન ગમે. માણસનો રોલ ઉંમર અને સમય મુજબ બદલવો જોઇએ. બધું જ જ્યારે પરિવર્તન પામતું હોય ત્યારે આપણે પણ આપણામાં જરૂરી બદલાવ કરવો પડતો હોય છે.

પ્રેમ, લાગણી, સ્નેહ અને દાંપત્યમાં એ જરૂરી છે કે, સામેની વ્યક્તિનું પરેપૂરું સન્માન જળવાય. બનવા જોગ છે કે, ઘરમાં એક વધુ હોંશિયાર હોય અને બીજા કદાચ સમજણમાં થોડાંક ઓછા હોય પણ કોઇ સાવ મૂરખ હોતું નથી. એને બધી ખબર તો પડતી જ હોય છે કે, કોનું વર્તન કેવું છે? એક પતિ પત્ની હતા. બંને જોબ કરતા હતા. પતિ પોતાના કામમાં ખૂબ હોંશિયાર હતો. તેની કંપનીમાં તેને પ્રમોશનો મળતા ગયા અને તે ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી ગયો. ઓફિસમાં તે સ્ટ્રીક્ટ હતો. જો કે ખોટી રીતે તે કોઇને હેરાન કરતો નહીં. એની પત્ની એક ઓફિસમાં સામાન્ય કર્લાક હતી. પત્નીને ડર હતો કે, પતિ આગળ વધશે એમ ઘરમાં તેની જોહુકમી વધતી જશે. જો કે, એવું થયું નહીં. એક દિવસ પત્નીએ પતિને સવાલ કર્યો કે, તું આગળ વધી ગયો પણ ઘરમાં હતો એવોને એવો જ રહ્યો છે, એવું કેમ? પતિએ કહ્યું, એનું કારણ એ છે કે, મને ઘર અને બહાર વચ્ચેનો જે ભેદ છે એ ખબર છે. ઘરમાં પ્રવેશું ત્યારે હું બહારનું બધું બહાર મૂકીને જ આવું છે. બીજી વાત એ કે, હું તને તારા કામથી કે તારી આવકથી માપતો નથી પણ તારી લાગણીથી જ આંકુ છું. તું મારી પત્ની છે. મારી કેર કરે છે. મને તો એ પણ નથી જોઇતું કે, તું મારાથી જરા પણ ડરે. આપણે અહીં એક-બીજા પર આધિપત્ય જમાવવા નથી આવ્યા પણ એક-બીજાને પ્રેમ કરવા માટે, એક-બીજા સાથે જીવવા માટે આવ્યા છીએ. આવું જે ઘરમાં હોય ત્યાં જ પ્રેમ સજીવન રહેતો હોય છે. મોટા ભાગના ઘરમાં પ્રેમ થોડા જ સમયમાં કણસવા લાગે છે. જે ઘરમાં પ્રેમ સૂકાઇ ગયો હોય એ ઘરમાં સન્નાટો જ જોવા મળે. જે ઘરમાં પોતાની વ્યક્તિની રાહ જોવાતી ન હોય એ ઘર ભરેલું હોય તો પણ તેમાં ખાલિપો જીવતો હોય છે. માણસ ખોખલા થઇ જાય પછી ઘર ક્યાંથી ભરેલું લાગવાનું છે?

એક સાધુ હતા. એક યુવાન તેની પાસે આવ્યો. યુવાને સાધુને કહ્યું કે, મારે પણ સાધુ થઇ જવું છે. સાધુએ કારણ પૂછ્યું. યુવાને કહ્યું કે, કોઇ મારું માનતું નથી. બધાને પોતાનું ધાર્યું કરવું છે. સાધુએ પૂરી વાત સાંભળીને કહ્યું કે, તારી વાત પરથી તો એવું લાગે છે કે, તારું ધાર્યું થતું નથી એટલે તને સાધુ થવાના વિચાર આવે છે. આધિપત્યનો સંઘર્ષ ચાલતો હોય ત્યાં સૌથી પહેલો પ્રેમનો ભોગ લેવાય છું. તું એવો આગ્રહ છોડી દે કે બધા તારું ધાર્યું કરે. તું ઇચ્છે એમ જ વર્તે. ક્યારેય તું પણ એ બધા ઇચ્છે એવું કરી જો. સાધુ થયા પછી પણ તારે બધાનું સન્માન તો જાળવવું જ પડશે. ભાગીને તો તું ક્યાંય જઇ નહીં શકે. તારે ખરેખર સાધુ બનવું હોય તો તું તારા લોકોની વચ્ચે સાધુભાવ રાખીને જીવવાનો પ્રયાસ કર. મુક્ત થવાની સૌથી પહેલી શરત મુક્ત કરવાની છે. તું પકડી નથી શકતો એટલે તારે છોડવું છે. તું છોડી દે તો તને જે જોઇએ છે એ આપોઆપ મળશે.

સંબંધોનો તણાવ સૌથી વધુ અઘરો અને આકરો હોય છે. પોતાની વ્યક્તિ સાથે જ્યારે સંઘર્ષ થાય ત્યારે સંતાપ જ પેદા થવાનો છે. પ્રેમમાં હાર કે જીત હોતી નથી. પ્રેમમાં આગળ નીકળી જવાનું કે કોઇને પાછળ રાખી દેવાનું હોતું નથી. પ્રેમમાં સાથે ચાલવાનું હોય છે. પોતાની વ્યક્તિને સ્પેસ મળવી જોઇએ. પ્રેમ મુક્ત હશે તો જ પોતાની વ્યક્તિ બંધાયેલી રહેશે. બાંધવા જશો તો છૂટી જશે. જે સંબંધો તૂટે છે એ મોટા ભાગે આધિપત્ય જતાવવાના કારણે જ તૂટે છે. આપણેની જગ્યાએ હું આવે એ પછી જ માણસ એકલો પડતો હોય છે. તમે કોઇનું માનશો તો જ કોઇ તમારું માનશે, તમે કોઇનું માન જાળવશો તો જ કોઇ તમારું માન જાળવશે. દરેકન પોતાનું સ્વમાન વહાલું હોય છે. સ્વમાન માત્ર અપમાનથી ઘવાતું હોતું નથી. ઘણી વખત વાત ન સાંભળવાથી કે વાત લાદી દેવાથી પણ સન્માન ઘવાતું હોય છે. માણસનું સન્માન ઘવાય પછી એ કોઇના માન-સન્માનની પરવા કરતો નથી. જેને જેવું લાગવું હોય એવું લાગે, બધાને સારું લગાડવાના બહુ પ્રયાસો કરી જોયા, કોઇને કંઇ ફેર પડતો ન હોય તો હવે મને પણ કોઇનાથી કંઇ ફેર પડતો નથી. આવું થાય એ પછી શું? સંબંધ અને પ્રેમનો અંત આવી જાય છે. સંબંધ તોડી નાખવો બહુ સહેલો છે. સમજદારીની જરૂર સંબંધને ટકાવવા, માણવા અને જીવતો રાખવા માટે પડે છે. સમજદારીને બદલે જબરજસ્તી આવે ત્યારે સંબંધનું પતન થાય છે!

છેલ્લો સીન :
એવું લાગે કે આ સંબંધમાં હવે કંઇ સત્ત્વ નથી રહ્યું ત્યારે એ સંબંધમાંથી સરકી જવું એ પણ સમજણ જ છે! ઢસડાતા રહેવું એના કરતા હટી જવું સારું!   -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 28 મે, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: