તારા જવાથી સર્જાયેલો ખાલીપો
મોટો ને મોટો થતો જાય છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મુજને દુનિયાય હવે તારો દીવાનો કે’ છે,
એમાં સંમત, તારી આંખોનો ઇશારો તો નથી?
હુંય માનું છું નથી, ક્યાંય એ દુનિયામાં નથી,
પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી?
– આસિમ રાંદેરી
ખાલીપાનો કોઈ આકાર નથી હોતો, છતાં એ બિહામણો હોય છે. કંઈક ખૂટી ગયાનો અહેસાસ અઘરો હોય છે. કંઈક છૂટી ગયાની અનુભૂતિ અઘરી અને આકરી હોય છે. કંઈક એવું બનતું રહે છે જે આપણને શોષે છે, કંઈક એવું થાય છે જે આપણને નિચોવે છે. આપણે જાણે ધીમે ધીમે ઓગળીએ છીએ. થોડા થોડા વેરાતા રહીએ છીએ. વિખરાઈ ગયું હોય એને સમેટવા માટે ફાંફાં મારીએ છીએ. કંઈ ભેગું કરી શકાતું નથી, કંઈ એકઠું કરી શકાતું નથી. કંઈ હોય તો મળે ને? ખાલી હાથની રેખાઓ પણ તરફડતી હોય એવું લાગે છે. ટેરવાંમાં સન્નાટો ફૂટે છે. સ્મરણોની કૂંપળો પણ ક્યાં હંમેશાં નાજુક હોય છે? ક્યારેક આ કૂંપળો અણીદાર હોય છે. ખાલીપો ઓઢેલો હોય ત્યારે વરસાદના છાંટા પણ વાગે છે. મેઘધનુષના સાતેય રંગો કાળા લાગે છે. ગમતું સંગીત પણ સતાવતું હોય એવો ભાસ થાય છે. હાસ્ય સમેટાઈને ગળાનો ડૂમો બની જાય છે. ખાલીપાને ચીતરી શકાતો નથી. ખાલીપાને તો માત્ર અનુભવી શકાય છે.
સંવેદનાના ચાર અક્ષરમાં ત્રણ અક્ષર વેદના છે. સંવેદના શાંતિ જ આપે એવું પણ ક્યાં જરૂરી હોય છે? એક યુવાનની આ વાત છે. એ જેને પ્રેમ કરતો હતો એ તેનાથી દૂર થઈ ગઈ. જુદા પડવામાં દર વખતે બેવફાઈ નથી હોતી, ક્યારેક મજબૂરી પણ હોય છે. બે વ્યક્તિ અનહદ પ્રેમ કરતી હોય તો પણ કોઈ બીજું તત્ત્વ પ્રેમની દોરી કાપી નાખતું હોય છે. હાથની રેખાઓમાં પણ ક્યારેક કાતર ચાલી જતી હોય છે. પ્રેમિકા જુદી પડી પછી પ્રેમી એકદમ ઉદાસ રહેતો હતો. એનાથી સહન થતું નહોતું. એની સંવેદના જ એના અસ્તિત્વ સામે શેતાન બનીને ઊભી હતી. આ યુવાન મંદિરે ગયો. ભગવાનને કહ્યું કે, મને આટલો સંવેદનશીલ શા માટે બનાવ્યો? તારે જો જુદા જ પાડવા હતા તો સાથોસાથ થોડીક કઠોરતા પણ મારામાં મૂકી દેવી હતી. મારે કઠોર થવું છે, પણ નથી થઈ શકતો. ખબર છે કોઈ કોઈના વગર મરી નથી જાતું! હા મરી નથી જતું પણ જીવીયે ક્યાં શકે છે? ખબર છે સમય બધા ઘાવ ભરી દે છે, પણ અત્યારે એક એક ક્ષણ એક એક સદી જેવી લાગે છે એનું શું? આયખાનો અર્થ જ અંધારું થઈ જાય ત્યારે પ્રકાશ ક્યાંથી શોધવો? હું કઠોર હોત તો કેવું સારું હતું? ગઈ તો ગઈ, એ નહોતી ત્યારે જીવતો જ હતો ને? જીવી લઈશ એના વગર! એક વ્યક્તિના જવાથી કંઈ થોડું બધું ખતમ થાય છે? આવા વિચારો કરવાનું મન થાય છે, પણ નથી કરી શકતો! નથી થતું મારાથી. રડી પડાય છે. જીવ મૂંઝાય છે. કંઈ જ ગમતું નથી. જુદા જ કરવા હોય છે તો તું મેળવે જ છે શા માટે? એવા પ્રશ્નોનું નિર્માણ જ શા માટે કરે છે જેના કોઈ જવાબ જ નથી હોતા! ક્યારેક તો એવું લાગે છે કે, તું તારી હયાતીના અણસાર આપવા આવું બધું કરે છે! બધા તને યાદ કરે, તારા શરણે આવે, એવું તું ઇચ્છે છે. બાકી તું આવું થોડું કરે? ક્યારેક મને એ પણ નથી સમજાતું કે, કોઈ કેમ એટલું બધું વહાલું લાગવા માંડે છે કે એના વગર અસ્તિત્વ જ અધૂરું લાગે?
ખાલીપો ફૂટી નીકળે ત્યારે એવું લાગે છે જાણે આખું દિલ ખાલી થઈ ગયું! આ ખાલીપો પાછો ભરાતો જ નથી. મજામાં રહેવાના પ્રયત્નો કરું છું. કંઈક ગમે એવું કરવાનો પ્રયાસ કરીને ખાલીપો ભરવાની કોશિશ કરું છું તો દિલ ધક્કો મારીને બહાર ફેંકી દે છે.
એક છોકરીના પિતાનું અવસાન થયું. દીકરી તો પિતાની લાડકી હતી જ, દીકરી માટે પણ પિતા સ્નેહનો ભંડાર હતા. દીકરીને તો એવું જ લાગતું હતું કે, આ ભંડાર કોઈ દિવસ ખૂટશે જ નહીં. પિતા સાથેનાં સત્તર વર્ષ પછી પિતા ઓચિંતાના જ ચાલ્યા ગયા. દીકરીની જિંદગીમાં એક સન્નાટો છવાઈ ગયો. તેની એક ફ્રેન્ડ તેને સધિયારો આપવા આવી. એ છોકરીના પિતા પણ નહોતા. પિતા વિશે વાતો થતી હતી ત્યાં જ એની ફ્રેન્ડે પૂછ્યું, તારા પિતા ક્યારે ગુજરી ગયા? પેલી ફ્રેન્ડે કહ્યું, હું તો બહુ નાની હતી. મને તો પિતાનો ચહેરો પણ યાદ નથી. બે વર્ષની હતી ત્યારે જ પપ્પાનું અવસાન થયું. તેં તો તારી જિંદગીનાં સત્તર વર્ષ તારા પપ્પા સાથે વિતાવ્યાં છે. તને ખબર છે, મારી સાથે તો પપ્પાની કોઈ મેમરી નથી, છતાં એક ખાલીપો સતત મારી સાથે જીવ્યો છે. કોઈ નાનકડી છોકરી દોડીને એના પપ્પાને વળગી જાય છે ત્યારે મને થાય છે કે, પપ્પા હોત તો હું પણ આવું કરતી હોત ને? કોઈ નાની છોકરી તેડી લેવા માટે તેના પપ્પા સામે હાથ પહોળા કરે છે ત્યારે અજાણતાં જ મારા હાથ પણ પહોળા થઈ જાય છે, હવામાં બાચકાં ભરીને આ હાથ પાછા સંકોચાઈ જાય છે. ક્યારેક કંઈક જીદ કરવાનું મન થઈ જાય છે, પણ કોની પાસે કરવી? ક્યારેક હગ કરવાનું મન થાય છે, પણ પપ્પા ક્યાં છે? ક્યારેક એની તસવીર સાથે વાતો કરું છું. કેમ તમે મને છોડીને ચાલ્યા ગયા? તમે જતા હશો ત્યારે તમને પણ છેલ્લી વખત મારું મોઢું જોવાની ઇચ્છા થઈ હશે ને? મા કહેતી હતી કે, તમારા શ્વાસ જ્યારે છૂટતા હતા ત્યારે તેણે મને ઊંચકીને મારા નાના નાના હાથેથી તમને ગંગાજળ પાયું હતું. હે પપ્પા, ત્યારે મારા હાથ જરાયે ધ્રૂજ્યા’તા? મને તો કંઈ યાદ નથી, પણ શું મેં તમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો? મેં કાલીઘેલી ભાષામાં કંઈ કહ્યું હતું? મને તો એ પણ યાદ નથી કે, હું રડી હતી કે નહીં? ત્યારે તો કદાચ બહુ રડી નહીં હોઉં, પણ એ પછી તમને યાદ કરીને બહુ રડી છું. મમ્મી મોઢે તમારા વિશે વાત કરું તો એ એટલું જ કહે છે કે, તારા પપ્પા બહુ સારા માણસ હતા. તને તો સતત તેડી રાખતા. એવું કહેતા કે, મારે મારી દીકરીને ખૂબ ભણાવવી છે અને એનાં લગન ધામધૂમથી કરવાં છે! એ વધુ વાત નથી કરતી, એ પણ વાત કરતાં કરતાં રડી પડે છે. મારે એને છાની રાખવી પડે છે. એને છાની રાખવા જતાં હું પણ રડી પડું છું. એકબીજાને છાના રાખવાનું બહુ અઘરું લાગે છે પપ્પા!
અકાળે થતું કંઈ પણ આકરું હોય છે. ક્યારેક એવું બને છે કે, ઉંમર કરતાં સમજ મોટી થઈ જાય છે. મેચ્યોરિટી પણ એના સમયે આવે એ જરૂરી છે. અમુક ઘટનાઓ માણસને નાની ઉંમરે વધુ પડતા સમજુ બનાવી દે છે. બચપણ ધૂળમાં ખીલવું જોઈએ. બચપણ સાથે નિર્દોષતાનો નાતો રહેવો જોઈએ. જવાબદારી માણસને મેચ્યોર બનાવી દે એની પાછળ પણ ઘણી વખત ખાલીપાનો હાથ હોય છે. એક યુવાનની આ વાત છે. તેને એક દીકરી. ત્રણેય વ્યક્તિ ખૂબ મસ્તીથી જીવન જીવતા હતા. આખી જિંદગી સંપૂર્ણ લાગતી હતી. સંપૂર્ણતાની કદાચ જિંદગીને પણ ઈર્ષા આવતી હોય છે. અચાનક એક બીમારીમાં પત્નીનું અવસાન થયું. દીકરી નાની હતી. તેના ઉછેરની તમામ જવાબદારી એ વ્યક્તિ ઉપર આવી ગઈ. તેણે નક્કી કર્યું કે, હું બીજાં લગ્ન નહીં કરું, મારી દીકરીને હું જ ઉછેરીશ. એ દીકરી માટે બધું જ કરી છૂટતો. આમ ને આમ વર્ષો વીતી ગયાં! દીકરી મોટી થઈ ગઈ હતી. એક દિવસ તેણે જ પિતાને કહ્યું કે, તમે મારા માટે બધું જ કર્યું, મને ક્યારેય કોઈ વાતની ખોટ લાગવા ન દીધી, પણ તમારા ચહેરા પર એક ઉદાસી કાયમ વંચાતી રહી! મમ્મીના ગયા પછી જે ખાલીપો સર્જાયો છે એ તમારા ચહેરા પર સતત વર્તાતો રહ્યો છે. દિલમાંથી ઊઠતો ખાલીપો ચહેરા ઉપર ચોંટી જાય છે. એ આંખોને થોડીક ઊંડી ઉતારી દે છે, હોઠને થોડાક સૂકા કરી દે છે, ચહેરાની ચામડીને થોડીક ખરબચડી કરી નાખે છે, શ્વાસ દેખાતા નથી, પણ તેનેય થોડાક સૂકા બનાવી દે છે. સૂકા શ્વાસો સાથે જિવાતી જિંદગીમાં તલસાટ અને તરફડાટ હોય છે. કંઈક સુકાઈ ગયું હોય ત્યારે ભીનાશ કે લીલાશ કેવી રીતે લાગવાની?
આપણા બધાની જિંદગીમાં કોઈ ને કોઈ પ્રકારનો ખાલીપો જીવતો હોય છે. ગેરહાજરી ખાલીપો સર્જે છે અને ખાલીપો ઝુરાપો પેદા કરે છે. ઝુરાપાને આપણે આપણા હાથે જ શાંત પાડવો પડે છે. યાદો અને સ્મરણો અચાનક આંખો સામે ઊગી નીકળે છે. જિંદગી જીવવા માટે ખાલીપાને ભરવો પડતો હોય છે. દરેક ખાલીપો ભરાતો પણ હોતો નથી, એ સહન કરવો પડતો હોય છે, જીવવો પડતો હોય છે. ખાલીપો પૂરવા માટે કંઈ ભૂલવાની જરૂર નથી, યાદ આવે ત્યારે ઓગળવાના બદલે આનંદથી યાદોને વાગોળીએ તો પૂરતું છે!
છેલ્લો સીન :
સ્મરણોની સંદૂક ખૂલે ત્યારે ટાઢક થવી જોઈએ. ઉકળાટ, અજંપો, ઉદાસી, ખાલીપો અને ઝુરાપો જિવાયેલી જિંદગીનું અપમાન છે! -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 17 જૂન 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com