એને કંઈ પડી નથી તો મને પણ શું ફેર પડે છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એને કંઈ પડી નથી તો
મને પણ શું ફેર પડે છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી,
તોયે ક્યાં જિંદગીની ગડ બેઠી,
સૌના જીવનનાં પ્રશ્નપત્ર અલગ,
એમાં ચાલે નહીં નકલ બેઠી.
-હેમંત પૂણેકર


સાચું કહેજો, તમને ક્યારેય એવું થયું છે કે, હવે કોઈની પરવા નથી કરવી? મારે બસ મારી રીતે જ જીવવું છે! આવું મન થયું જ હશે. જોકે, આપણે એમ કરી શકતા નથી. આપણે ગમતું ન હોય તો પણ આપણે ઘસાઇએ છીએ. ફાવતું ન હોય તો પણ ચલાવી લઇએ છીએ. મન તો લડી લેવાનું થતું હોય છે પણ સમાધાન કરી લઇએ છીએ. આપણને નાના હોઇએ ત્યારથી એમ જ કહેવાતું હોય છે કે, ચલાવી લેવાનું, માથાકૂટ નહીં કરવાની, કોમ્પ્રોમાઇઝ કરવામાં કશું ખોટું નથી! ક્યારેક એનો થાક લાગતો હોય છે. મારે જ બધાનું ધ્યાન રાખવાનું? બાકી કોઇએ કંઇ કરવાનું નહીં? એક યુવતીની આ વાત છે. તેના સાસરે ઘરનું વાતાવરણ વિચિત્ર હતું. યુવતીએ પોતાના પિયરમાં ક્યારેય જોયું કે સાંભળ્યું ન હોય એવું અહીં થતું હતું. પતિ પણ તોછડાઇથી વર્તતો હતો. એ છોકરીને વિચાર આવી જતો કે, મારા ફાધર તો મારી મા સાથે કેટલી સરસ રીતે રહે છે? આપણી સામે ઉદાહરણો સર્જાતાં અને જિવાતાં હોય છે અને એનાથી આપણી કલ્પનાઓ પણ આકાર લેતી હોય છે. આકાર પામેલી કલ્પનાઓ સાકાર ન થાય, સપનાઓ જ્યારે તૂટે ત્યારે એવો વિચાર આવે કે, કેમ લોકો આવા છે? કેમ માણસને માણસની કદર નથી? એ છોકરીએ સહન થાય ત્યાં સુધી તો કર્યું પછી એનાથી ન રહેવાયું. આખરે થાકીહારીને તેણે મા-બાપને સાચી વાત કરી દીધી. પિતાએ કહ્યું, એવું હતું તો તારે પહેલાં જ વાત કરી દેવી હતીને? આટલું સહન શા માટે કર્યું? છોકરીએ કહ્યું કે, તમારા બંનેનો વિચાર આવતો હતો. તમને કેવું લાગશે? તમને કહીશ એ પછી મારાં સાસરિયાં તમને કંઈ કહેશે તો? એ તો મારા ગમે એવા વાંક કાઢે એમ છે! પિતાએ કહ્યું, દીકરા, એ ગમે તે કહે, અમે તને ઓળખીએ છીએ. સહન કરવામાં અને ખોટું સહન કરવામાં બહુ મોટો ફેર છે. મારો કહેવાનો મતલબ જરાયે એવો નથી કે, દરેકે દરેક વાતમાં લડી લેવું કે વિરોધ કરવો પણ જ્યારે વાત ખોટી, અયોગ્ય કે ગેરવાજબી હોય ત્યારે ચૂપ રહેવું કાયરતા છે. ધરાર કંઇ ચાલતું નથી. સંબંધ ગમે તે હોય એનો આધાર તો માત્ર ને માત્ર પ્રેમ જ હોય છે.
પ્રેમ હોય ત્યાં આદર પણ હોવો જોઇએ. તમને પ્રેમનો આદર કરતા આવડે છે? ઘણી વખત આપણને જે પ્રેમ કરતા હોય એની આપણે કેર કરતા નથી. આપણે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લેતા હોઇએ છીએ. આવું થાય ત્યારે સામેની વ્યક્તિ એક હદ સુધી તો પોતે હોય એવી રહેશે, એ પ્રેમ કરવાનું ચાલુ રાખશે પણ એક સમયે તેને પણ એવું થવાનું જ છે કે, એને કંઇ પડી નથી તો મને શું ફેર પડે છે? પ્રેમ ધીમેધીમે ઘટતો જવાનો છે. સંબંધો ઓછા થવાની કે તૂટવાની પણ એક પ્રક્રિયા હોય છે, એક રિધમ હોય છે, કંઇ એકઝાટકે તૂટતું કે છૂટતું નથી, તૂટવાનું તો ત્યારે જ શરૂ થઇ ગયું હોય છે જ્યારે આપણે સંબંધને કે કોઇની લાગણીને ગંભીરતાથી લેતા નથી. સંબંધોનું પણ સિંદરી જેવું જ હોય છે. સિંદરી એક ધડાકે તૂટતી નથી. એક એક તાંતણો ધીમે ધીમે તૂટે છે અને અંતે બે ટુકડા થઇ જાય છે. માત્ર તૂટવાની જ વાત નથી, જોડાવવાની પણ એક પ્રક્રિયા છે. એ પણ સ્લોલી સ્લોલી થાય છે. એક છોકરા અને છોકરીની આ સાવ સાચી વાત છે. બંનેના એરેન્જ મેરેજ હતા. છોકરીને છોકરો બહુ ગમતો નહોતો. બંને સાથે રહેવા લાગ્યાં. પતિ પત્નીની ખૂબ જ કેર કરતો હતો. દરેક વાતમાં પત્નીનું ધ્યાન રાખે અને માન આપે. પત્નીને પણ ધીમેધીમે એવું થવા લાગ્યું કે, એને મારું કેટલું બધું છે? એ મારું રિસ્પેક્ટ કરે છે. તેણે પણ પતિ સાથે સારી રીતે રહેવા માંડ્યું. સંબંધોમાં પડઘો પડતો જ હોય છે. એ પડઘો સરવાળે એવો હોવાનો જેવું આપણું વર્તન હોય! પડઘા પણ આપણે અવાજ દઇએ એવો જ પડતા હોય છે. તમે ચીસ પાડો તો પડઘો પણ એવો જ પડવાનો છે. રાડ પાડો તો હસવાનો પડઘો ન પડે! સંબંધ કોઇ પણ હોય, તમે જેવું કરશો એવું જ મળશે. આપશો એવું જ પામશો. આપણે માપીએ તો સામેની વ્યક્તિ પણ માપવાની જ છે. ઘણાને પોતાના મિત્રો કે સંબંધીઓ સામે ફરિયાદ હોય છે કે, જો તો એ કેવું કરે છે? એ સમયે આપણે એવું વિચારતા નથી કે, હું કેવું કરું છું? આપણે એના જેવું જ કરતાં હોઇએ તો આપણને ફરિયાદ કરવાનો કોઇ અધિકાર નથી!
ફરિયાદ કરતાં પહેલાં એટલું ચેક કરી લેવું જરૂરી હોય છે કે, ક્યાંક હું તો ગુનેગાર નથીને? મારો તો વાંક નથીને? આપણે ઘણી વખત એ સ્ટેજ પર આવી જઇએ છીએ કે, જેને જે કરવું હોય એ કરે, જેને જે કહેવું હોય એ કહે, મને કોઇ ફેર પડતો નથી! ખરેખર કોઇ ફેર પડતો હોતો નથી? જો ફેર પડતો ન હોય તો આપણે કેમ એ બાબતે જડ થઇ જતા હોઇએ છીએ? આપણને ફેર પડતો હોય છે. એક સાવ સાચો કિસ્સો છે. બે મિત્રો હતા. એક બાબતે બંને વચ્ચે ઝઘડો થયો. વાત સાથે બેસીને કરી શકાય એમ હતી પણ બેમાંથી કોઇએ પહેલ ન કરી. જીદ ઘણી વખત આપણા સંવાદને સર્જાવા નથી દેતી. એક મિત્રએ તેના ત્રીજા મિત્રને કહ્યું કે, મારે હવે એની સાથે સંબંધ રાખવો નથી. હું પણ એને બતાવી દેવાનો છે. એને જેવું લાગવું હોય એવું લાગે. આ વાત સાંભળીને મિત્રએ કહ્યું, એને કેવું લાગશે એ ન વિચાર, એ વિચાર કે તને કેવું લાગે છે? તને આ શોભે છે? આપણે ઘણી વખત આપણા વિચારો સામેવાળી વ્યક્તિને નજર સમક્ષ રાખીને કરતા હોઇએ છીએ. માણસ જ્યારે કોઇ વિચાર કરે, કોઇ નિર્ણય કરે ત્યારે સૌથી પહેલાં તો એણે પોતાને કેન્દ્રમાં રાખવો જોઇએ. આપણે મોટા ભાગનાં વર્તન બીજાને ધ્યાનમાં રાખીને જ કરતાં હોઇએ છીએ. આપણી જિંદગી આપણી હોય છે. આપણે આપણી જિંદગી આપણી રીતે જીવવાની હોય છે. એ બધું સાચું પણ આપણી જિંદગીમાં બીજા લોકો પણ હોય છે. કેટલાંક લોકો એવા પણ હોય છે જે આપણાં સુખ, આપણી ખુશી, આપણા આનંદ અને આપણી જિંદગીનાં કારણો હોય છે. આપણે ક્યાંય એને તો છેકી નથી નાખતાંને? આપણને ખબર હોવી જોઇએ કે, આપણી જિંદગીમાં કોનું કેટલું ઇમ્પોર્ટન્સ છે? કોણ આપણા માટે સૌથી મહત્ત્વનું છે? કોને આપણાથી ફેર પડે છે? જેને તમારાથી ફેર પડે છે એની તમને કદર છે? હા, દરેક સંબંધ સાચા હોતા નથી, દરેક સંબંધ સાર્થક હોતા નથી, દરેક સંબંધ કાયમી હોતા નથી પણ દરેક સંબંધ નક્કામા પણ હોતા નથી. સંબંધોને પણ તારવવા પડે છે. કેટલાંક સંબંધો જિંદગીની મૂડી જેવા હોય છે, એનું જતન કરવું પડે છે. જતન કરતા ન આવડે તો પતન નિશ્ચિત બની જાય છે. એક યુવાનની આ વાત છે. તે પોતાના પાર્ટનર સાથે બિઝનેસ કરતો હતો. આ બિઝનેસના કારણે જ તે આગળ આવ્યો હતો. થોડા સમય પછી તેને એક ભાઇએ પાર્ટનરશિપમાં બિઝનેસ કરવાની ઓફર કરી. તેના માટે આ ફાયદાનો સોદો હતો. થોડુંક વિચારીને તેણે એ ઓફર ઠુકરાવી દીધી. તેણે કહ્યું કે, હું મારા પાર્ટનરને લીધે આગળ આવ્યો છું. મને નુકસાન જાય એવું તેણે ક્યારેય કંઈ કર્યું નથી. મારે મન બિઝનેસ કરતાં પણ એ માણસ મહત્ત્વનો છે. હું એને છોડી ન શકું. જિંદગીમાં શું છોડવું અને શું ન છોડવું એની સમજ જરૂરી છે. અયોગ્ય અને ગેરવાજબી હોય એને છોડી દેવું જેટલું મહત્ત્વનું છે એનાથી વધુ અગત્યનું જે છોડવા જેવું નથી એ જાળવી રાખવું છે!
છેલ્લો સીન :
મન ઊઠી જાય એટલે સંબંધનું પણ સમાપન થઇ જાય છે. એ પછી સાથે રહેતા હોય તો પણ સ્નેહની ગેરહાજરી વર્તાયા વગર રહેતી નથી. કેટલાંક સંબંધો તોડી શકાતા નથી એટલે ખેંચાઈ રહ્યા હોય છે! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 12 માર્ચ ૨૦૨૩, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *