હું મારી વ્યક્તિને જરાયે
નબળી પડવા નહીં દઉં!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
સાદ પાડે તું અને હું બોલું ના,
આંખ સામે તું અને હું દોડું ના,
આ વળી શું મને થયું પાછું,
તું મનાવે છતાં હું બોલું ના.
-અમિત ત્રિવેદી
દુનિયામાં જો સૌથી શક્તિશાળી કંઇ હોય તો એ પ્રેમ છે. પ્રેમ મિરેકલ કરી શકે છે. સાચો પ્રેમ એ છે જેમાં માણસ પાંગરે છે. પ્રેમ વિશે લોકોના મોઢે એવું સાંભળવા મળવા લાગ્યું છે કે, હવે સાચો પ્રેમ જોવા જ ક્યાં મળે છે? દરેક સંબંધની પાછળ ગણતરી હોય છે. દરેકને કંઇક મેળવવું હોય છે. પોતાનું ધાર્યું ન થાય તો તરત જ વાંધો પડે છે. ઇર્ષા અને જીદ સતત વધતાં જાય છે. પ્રેમ ઘડીકમાં ઓગળીને સાવ શોષાઇ જાય છે. આવી વાતો ભલે થતી હોય પણ સાવ એવું નથી. જે પ્રેમ કરે છે એ કરે જ છે. જેને પોતાની વ્યક્તિનું ગૌરવ છે એને છે જ. ભલે કહેવાવાળા ગમે તે કહેતા હોય, પણ આ જગત પ્રેમ પર જ ટક્યું છે, નફરત પર નહીં. નફરત ઊડીને આંખે વળગે છે. ઝઘડા ચર્ચાતા રહે છે. ડિવોર્સ ગાજતા રહે છે. સાચો પ્રેમ છાના ખૂણે જીવાતો રહે છે. વાંધો પડે ત્યારે લોકો એકબીજા પર આંગળી ચીંધે છે, પણ પ્રેમ હોય ત્યારે હાથ હાથમાં હોય છે અને આંગળીઓ બિડાયેલી હોય છે. પ્રેમ મૌન છે, એને સાંભળતા આવડવું જોઇએ. પ્રેમને જોવા માટે આંખો નહીં, અનુભૂતિ જોઇએ. પ્રેમના કારણે જ્યારે સંઘર્ષ પેદા થાય ત્યારે લોકો કહે છે કે, કેવો જમાનો આવ્યો છે? માણસ પોતાની વ્યક્તિ સાથે કેવું કેવું કરી રહ્યો છે? કોઇને પ્રેમ કરતા જોઇને, સરસ રીતે રહેતા જોઇને, કોઇ એવું નથી કહેતું કે, કેવો સારો જમાનો આવ્યો છે? બંને કેટલું સરસ રીતે જીવે છે! જેને પ્રેમ મળ્યો નથી એ પહેલેથી પ્રેમને વગોવતા આવ્યા છે અને જેણે પ્રેમને માણ્યો છે એને પહેલેથી પ્રેમ પવિત્ર લાગતો રહ્યો છે. પ્રેમ વિશે દરેકના પોતાના ખયાલ હોય છે અને આ ખયાલ મોટા ભાગે તેમને જે અનુભવો થયા હોય તેના આધારે બંધાયા હોય છે. તમને કોઇ સવાલ કરે કે, તમારા મતે પ્રેમ એટલે શું? પ્રેમ માટે તમારો જે જવાબ હોય તે, પણ એ જવાબ બાદ એટલું ખાસ વિચારજો કે, હું જે જવાબ આપું છું એવો પ્રેમ કરું છું ખરો કે કરું છું ખરી? સારી વ્યાખ્યાઓ હોય એ પૂરતું નથી. એ વ્યાખ્યાઓ જીવાતી હોવી જોઇએ. એક યુવાનને એની પ્રેમિકા સાથે માથાકૂટ થઇ. એણે તેના મિત્રને કહ્યું, એ મને પ્રેમ જ નથી કરતી? તેના મિત્રએ પૂછ્યું, તું કરે છે? તને એના પર પ્રેમ છે પણ પ્રેમ કરતાં તો વધુ અપેક્ષાઓ છે. તને ગમે એવું જ એ કરે, તારી દરેક વાત માને. પોતાની વ્યક્તિ પાસે અપેક્ષા હોય એમાં કશું ખોટું નથી, પણ એને તારી પાસે જે અપેક્ષા છે એનું શું? તું જો એવું ઇચ્છતો હોય કે તને ગમે એવું એ કરે તો પછી તું પણ થોડુંક એને ગમે એવું તો કર! નફરત પણ એક પક્ષે હોય તો એ ટકતી નથી, તો પછી પ્રેમ તો એક પક્ષે ક્યાંથી ટકવાનો છે? બંને તરફ આગ એકસરખી હોવી જોઇએ.
સાચો પ્રેમ એ છે જે સમયની ગમે એવી થપાટો છતાં ક્યારેય ઓસરતો નથી કે નબળો પડતો નથી. પરિસ્થિતિમાં ભલે પરિવર્તન આવે, પ્રેમમાં કોઇ ઓટ આવતી નથી. હમણાંની એક સાવ સાચી ઘટના છે. એક કપલ છે. બંનેએ લવ મેરેજ કર્યા હતા. બંને ખૂબ સરસ રીતે રહેતાં હતાં. યુવાનનો ધીકતો ધંધો હતો. થયું એવું કે, અચાનક ધંધો પડી ભાંગ્યો. આવક બંધ થઇ ગઇ. યુવાન ડિસ્ટર્બ રહેવા લાગ્યો. એક સમય એવો આવ્યો કે, એ ડિપ્રેશનમાં સરી ગયો. ઘરનાં બધાં ટેન્શનમાં હતાં. એક વખત ઘરના બધા ભેગા થયા હતા ત્યારે યુવાનની પત્નીએ કહ્યું, તમે કોઇ કંઇ ચિંતા ન કરો. હું મારી વ્યક્તિને જરાયે નબળી પડવા નહીં દઉં. હા, એને આઘાત લાગ્યો છે, હતાશા પણ એને ઘેરી વળી છે, પણ હું એને ગમે એમ કરીને એમાંથી બહાર લાવીશ. એને પાછો બેઠો કરી દઇશ. હું જ એની સાયકોલોજિસ્ટ બનીશ અને હું જ એનું કાઉન્સેલિંગ કરીશ. પોતાની વ્યક્તિના કાઉન્સેલિંગમાં પ્રેમ પણ ભળેલો હોય છે. પતિને મનોચિકિત્સક પાસે લઇ જવાને બદલે એ પોતે ગઇ અને કહ્યું કે, મને એ શીખવો કે મારે એને કંઇ રીતે હતાશામાંથી બહાર લાવવો? સાયકોલોજિસ્ટે કહ્યું એ બધું તેણે કર્યું અને આખરે તેનો પતિ ડિપ્રેશનમાંથી બહાર આવી ગયો અને પાછો કામે પણ ચડી ગયો. પ્રેમમાં એક ઝનૂન હોવું જોઇએ. ટકવાનું અને પોતાની વ્યક્તિને ટકાવી રાખવાનું.
પ્રેમ મેળવવા માટે પ્રેમ કરવાની તૈયારી રાખો. સંબંધનું એક સત્ય એ પણ છે કે, જેવું આપશો એવું જ મળવાનું છે. આપણી વ્યક્તિ પણ તો જ આપણને પ્રેમ કરશે જો તેને એવો અહેસાસ હશે કે મારી વ્યક્તિ મને પણ અઢળક પ્રેમ કરે છે. આપણને જો આપણી વ્યક્તિની પરવા ન હોય તો સામેની વ્યક્તિ ગમે એટલી સારી હશે તો પણ તેના પ્રેમમાં તો ધીમે ધીમે ઘટાડો થશે જ. એક કપલની આ વાત છે. બંનેને પ્રોબ્લેમ થતા હતા. પત્ની સમજું હતી. તેણે પતિને સમજાવવાના બહુ પ્રયાસો કર્યા, પણ પતિ મન ફાવે એમ જ કરતો હતો. આખરે પત્નીએ પણ કહેવાનું બંધ કર્યું. તેણે કહ્યું કે, તારે જેમ કરવું હોય એમ કર. તું કોઇ વાત સમજવાનો નથી. આવું થઇ જાય પછી પણ સાથે રહેવાતું હોય છે, પણ સાથે જીવાતું હોતું નથી. એને નથી પડી તો મનેય કંઇ ફેર પડતો નથી એવું બોલનારા અને એવી રીતે રહેનારા આપણી આજુબાજુમાં હોય જ છે. જિંદગી તો નીકળી જ જવાની છે, આપણે એને કેવી રીતે જીવીએ છીએ એ સૌથી મહત્ત્વનું છે. સાચું દાંપત્ય એ જ છે જે સતત જીવાય છે. એક બુઢ્ઢું કપલ હતું. મેરેજનાં 60 વર્ષ થઇ ગયાં હતાં. એક વખત તેને લગ્નજીવનની સફળતાનો રાઝ પૂછવામાં આવ્યો. બંનેએ કહ્યું કે, રાઝ કેવો? અમારે ક્યારેય લગ્નજીવન ટકાવવા માટે પ્રયાસો જ કરવા નથી પડ્યા. એનું કારણ એ પણ છે કે, અમે એકબીજા માટે જ જીવતાં હતાં. રાઝનો કોઇ સવાલ જ નથી. ચાવીની જરૂર ત્યાં જ પડે છે, જ્યાં તાળું છે. અમે તો ક્યારેય પ્રોબ્લેમ વિશે વિચાર્યું જ નથી. ઇશ્યૂ થયા છે એમાં ના નહીં, પણ એ ઇશ્યૂને અમે અમારી લાગણીની વચ્ચે આવવા નથી દીધા. અમે કંઇ લાંબું ખેંચતાં જ નથી. રોજ એવી રીતે જ જીવીએ છીએ જાણે અમારા દાંપત્યનો આજે પહેલો જ દિવસ છે અને કદાચ છેલ્લો હોય તો પણ કોઇ અફસોસ નથી!
છેલ્લો સીન :
પ્રેમમાં ગજબની શક્તિ છે. સવાલ એ છે કે આ શક્તિનો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? સાચો પ્રેમ એ છે જે જિંદગીને જીવવા જેવી બનાવે અને આયખાને ધબકતું રાખે. સાચો પ્રેમ સદાયે ખીલેલો રહે છે, એ મૂરઝાતો નથી. પ્રેમમાં હાથેથી ન નોતરીએ તો ક્યારેય પાનખર આવતી નથી! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 06 ઓક્ટોબર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
