MINDFULNESS જિંદગીની દરેક ક્ષણને પૂરેપૂરી જીવવાની કળા – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

MINDFULNESS

જિંદગીની દરેક ક્ષણને

પૂરેપૂરી જીવવાની કળા

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

ઓક્સફોર્ડ માઇન્ડફૂલનેસ સેન્ટરનો અભ્યાસ એવું કહે છે કે,

જે લોકો વર્તમાનમાં જીવે છે તેના ચહેરા હંમેશાં ખીલેલા હોય છે!

આપણે ક્યારેય એ વિચાર કરીએ છીએ કે, આપણે જે કરીએ છીએ એમાં આપણો કેટલો જીવ હોય છે?

માણસ કરવા ખાતર જ બધું કરતો રહે છે. ખાવામાં કે નહાવામાં પણ માણસનું ધ્યાન હોતું નથી,

એના કારણે લોકોના ચહેરા જીવંત જણાતા નથી!

———–

સીને મેં જલન, આંખો મેં તુફાન સા ક્યું હૈ, ઇસ શહર મેં હર શખ્સ પરેશાન સા ક્યોં હૈ! શહરયારે લખેલી આ પંક્તિ આજે દરેક શહેર જ નહીં, નાના નાના ગામડાંઓને પણ લાગુ પડે છે. મોટા ભાગના લોકોના ચહેરા ઉપર એક વિચિત્ર પ્રકારનો તણાવ જોવા મળે છે. હસતા ચહેરા દીવો લઇને શોધવા નીકળવા પડે એવી સ્થિતિ છે. ઉદાસ ચહેરા, નિસ્તેજ આંખો અને તણાયેલી નસો માણસની મનોસ્થિતિ બતાવી દે છે. લોકોના મોઢે એવી વાતો સાંભળવા મળે છે કે, ક્યાંય મજા નથી આવતી, બસ બધું રૂટિન છે. દરેક માણસ ધરાર સમય પસાર કરતો હોય એવી રીતે જિંદગી જીવી રહ્યો છે. આવું કેમ છે? તેનું સૌથી મોટું કારણ છે, માઇન્ડફૂલનેસનો અભાવ!

સવાલ એ થાય કે, માઇન્ડફૂલનેસ એટલે શું? ઓક્સફોર્ડ માઇન્ડફૂલ સેન્ટરના ભૂતપૂર્વ ડિરેકટર પ્રો. માર્ક વિલિયમ્સ તેની વ્યાખ્યા સમજાવતા એવું કહે છે કે, દરેક સંવેદનાઓ અનુભવવાનું નામ માઇન્ડફૂલનેસ છે. હવે તો માઇન્ડફૂલનેસ ધ્યાન કરવાની પદ્ધતિ બની ગયું છે. આપણે ક્યારેય વિચારીએ છીએ કે, આપણી આસપાસ જે બને છે એને આપણે કેવું અને કેટલું અનુભવીએ છીએ? આપણી સંવેદનાઓ સોએ સો ટકા જીવતી છે ખરી? માઇન્ડ ફૂલ થવા માટે સૌથી મહત્ત્વની જો કોઇ વાત હોય તો એ છે, વર્તમાનમાં જીવવું. આપણે એવા ગીતો ગાઇએ છીએ કે, જો ભી હે બસ યહી ઇક પલ હે પણ એ પળ આપણે ખરેખર કેટલી જીવીએ છીએ? 

માણસના વિચારો અને જિંદગી પર થયેલો એક સર્વે એવું કહે છે કે, બહુ ઓછા માણસો વર્તમાનમાં જીવે છે. મોટા ભાગના લોકો કાં તો ગઇ કાલમાંથી બહાર આવતા નથી અને કાં તો આવતીકાલની ચિંતામાં જ ગૂમ હોય છે! જમવાના બે કલાક પછી તમે કોઇ માણસને પૂછો કે, આજે તમે શું જમ્યા હતા તો તેણે લાંબો વિચાર કરવો પડે છે. એનું કારણ એ છે કે, જ્યારે જમતા હોઇએ ત્યારે જમવામાં આપણો જીવ જ હોતો નથી! લોકો જમતા હોય ત્યારે માત્ર જમતા નથી, જમવાની સાથે કંઇકને કંઇક કરતા હોય છે. કાં તો ટીવી જોતા હોય અને કાં તો મોબાઇલ હાથમાં હોય! જમવાનું કામ ગૌણ હોય અને માત્ર પેટ ભરવા ખાતર જમતા હોય એ રીતે બધા પેટમાં ખોરાક પધરાવતા રહે છે. શું ખાઇ રહ્યા છે એની પણ ઘણી વખત લોકોને ખબર નથી હોતી! માણસ બે ટાઇમ સારી રીતે જમવા માટે આખો દિવસ ઢસરડાં કરે છે અને એમાં જ એનું ધ્યાન નથી હોતું! માણસની જમવાની ક્રિયા તેની તંદુરસ્તી સાથે સીધી જોડાયેલી છે. માત્ર જમવાની વાત નથી, બીજી કોઇપણ ક્રિયા લઇ લો, આપણું ધ્યાન હોતું જ નથી! કેટલા લોકો નહાવાને ખરેખર એન્જોય કરે છે? નહાવું જાણે એક કામ હોય એ રીતે બધા પતાવે છે. આપણે બધું કરવા ખાતર કરીએ છીએ એટલે જ જિંદગી જીવવાની મજા માણી શકતા નથી. માઇન્ડફૂલનેસ એટલે દરેકે દરેક વસ્તુને ફીલ કરો, એન્જોય કરો!

દરેક માણસે પોતાની હાજરી અને પોતાના વજૂદને મહેસૂસ કરતા રહેવું જોઇએ. સવાલ એ થાય કે, એના માટે કરવું શું? તમારી આસપાસ જે કંઇ બને છે એને ધ્યાનથી જુઓ, તમને જે અવાજો સંભળાય છે એને મહેસૂસ કરો, તમને કેવા વિચારો આવે છે એના વિશે થોડોક વિચાર કરો, ક્યારેક શ્વાસ લેવાની પ્રક્રિયાને પણ ફીલ કરો. આપણને એવું થાય કે, આવું તો આપણે કરતા જ હોઇએ છીએ પણ એ વાત સાચી નથી. આપણું ધ્યાન બીજે હોય છે અને વિચારો બીજા ચાલતા હોય છે. માઇન્ડફૂલનેસના ફાયદા એ છે કે, એનાથી તમને તમારી પોતાની હાજરી વર્તાશે. તણાવમાંથી મુક્તિ મળશે. યાદશક્તિમાં વધારો થશે, ઇમોશનલ સ્ટેબિલિટી વધશે, ગુસ્સો ઓછો આવશે, તમારા લોકોને સમજવાની ક્ષમતા વધશે, નિર્ણયો લેવાની શક્તિ વધશે અને મસ્ત મજાની ઊંઘ આવશે.

થોડોક સમય આંખો બંધ કરીને તમારી આસપાસ જે અવાજો આવતા હોય એને સાંભળો. ક્યાંક કોઇક પક્ષી બોલતું હશે, ક્યાંક વાહનોનો અવાજ કે હોર્નનો અવાજ આવતો હશે, ક્યાંક કોઇ ગીત વાગતું હશે, કોઇનું ટેલિવિઝન ચાલુ હશે તો એનો અવાજ એવા અવાજો આવતા હશે. આપણે એ અવાજો તરફ ક્યારેય ધ્યાન જ નથી આપતા. ક્યારેક ન ગમતા અવાજ, ઘોંઘાટ કે કકળાટથી નારાજ ચોક્કસ થઇએ છીએ પણ એને ફીલ તો કરતા જ નથી. એ અવાજ ગમે કે ન ગમે પણ આવતો તો હોય જ છે. જે અવાજો સંભળાય છે તેનાથી જરાયે ઇરિટેટ નથી થવાનું પણ તેના ઉપર ધ્યાન આપવાનું છે અને બને તો એને માણવાના છે. એવું કરવાથી બીજું કંઇ નહીં થાય તો માઇન્ડ તો ડાયવર્ટ થશેજ.

આપણી હતાશા, ઉદાસી કે નારાજગીનું એક અને સૌથી મોટું કારણ એ હોય છે કે, આપણે આપણી જિંદગીમાં જે કંઇ ઘટના બને છે એના ઉપર વધુ પડતા વિચારો કરીએ છીએ. કોઇ કંઇક બોલી ગયું હોય તો આપણને હાડોહાડ લાગી આવે છે, કોઇ ભૂલ કરે તો આપણાથી સહન નથી થતું, આપણા પોતાનાથી પણ ભૂલ થાય તો એવા વિચારો આવે છે કે, મારાથી આવી ભૂલ થાય જ કેવી રીતે? તમે ક્યારેય એ માર્ક કર્યું છે કે, તમે એકને એક વિચાર કેટલી વાર કરો છો? તમે જેના વિશે વિચારો કરો છો એના પર એટલા વિચારો કરવાની જરૂર છે ખરી? અમુક વખતે આપણે કારણ વગરના ઘૂંટાતા હોઇએ છીએ. આવા સંજોગોમાં આપણું ધ્યાન બીજે દોરવાય એ જરૂરી છે. એના માટે સૌથી વધુ જરૂરી એ જ છે કે, બાકીના બધા જ વિચારો અટકાવીને અત્યારે તમારી સામે જે બની રહ્યું છે એના પર ધ્યાન કેન્દ્રીત કરીએ.

જિંદગીને ગંભીરતાથી લેવી જ જોઇએ પણ એક હદથી વધારે જિંદગીને પણ ગંભીરતાથી લેવાની જરૂર હોતી નથી. જિંદગીને વહેવા દો. બધું પકડી રાખવાની કોશિષ ન કરો. આપણું ધાર્યું જ થાય એવું જરૂરી નથી. જિંદગીમાં સૌથી વધુ જો કંઇ જરૂરી હોય તો એ હળવાશ છે. માઇન્ડફૂલનેસના એક્સપર્ટો એવું પણ કહે છે કે, લોકો સુંદર દેખાવવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરે છે પણ જો તમારું મન ઠેકાણે નહીં હોય તો તમારો ચહેરો ક્યારેય ચમકવાનો નથી. ઘણા લોકોના ફેસ જોજો, મોઢા ઉપર સાદું ક્રિમ પણ ન લગાડ્યું હોય તો પણ એના ચહેરા પર ગ્લો વર્તાય છે. એનું કારણ એ હોય છે કે, એનો માહ્યલો ખુશ હોય છે. આજના સમયમાં દરેક માણસ કોઇને કોઇ ચેલેન્જિસનો સામનો કરી રહ્યો છે. જિંદગીમાં પડકારો તો રહેવાના જ છે. આપણે બસ એ શીખવાનું હોય છે કે, એ પડકારોને કેવી રીતે ઝીલવા? પડકારોને પાર કરવા માટે પણ હળવા રહેવું જરૂરી છે. તમે જેટલા રિલેક્સ હશો, મુશ્કેલીઓનો સામનો કરવો એટલો આસાન રહેશે. કોણે શું કર્યું? કોણ હર્ટ કરી ગયું? કોણ નિંદા કરે છે? કોણ ટાંટિયા ખેંચવાનો પ્રયાસ કરે છે? એનાથી માંડીને કોણ કેવો કે કેવી છે એની પણ ચિંતા ન કરો. તમે જો સાચા, સારા અને સાજા હશો તો કોઇ તમારું કંઇ બગાડી શકવાનું નથી. લાઇફને એન્જોય કરવા માટેનો સૌથી મોટો મંત્ર એ જ છે કે, વર્તમાનમાં જીવો, દરેકે દરેક પળને માણો અને ખોટી ચિંતાઓ અને નકામા વિચારોથી દૂર રહો. નક્કી કરો કે, હું મારી જિંદગી બેસ્ટ રીતે જીવીશ અને એવું કરતા મને કોઇ નહીં રોકી શકે!

હા, એવું છે!

માણસના વર્તન વિશેના એક રસપ્રદ અભ્યાસમાં એવું જણાયું છે કે, માણસ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ એને લોકો પરથી ભરોસો ઉઠતો જાય છે. મોટી ઉંમરે માણસ માત્ર અંગત અને ટ્રસ્ટેડ લોકો સિવાય કોઇના પર વિશ્વાસ કરતો નથી.

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 27 એપ્રિલ 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *