તું તારી લાગણીઓને થોડીક તો કાબૂમાં રાખ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું તારી લાગણીઓને

થોડીક તો કાબૂમાં રાખ!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કરાર દિલ કો સદા જિસ કે નામ સે આયા,

વો આયા ભી તો કિસી ઔર કામ સે આયા,

મૈં ખાલી હાથ હી જા પહુંચા ઉસ કી મહેફિલ મેં,

મેરા રકીબ બડે ઇંતજામ સે આયા.

-જમાલ એહસાની

જિંદગીમાં બનતી દરેકે દરેક ઘટનાઓને ફીલ કરવા માટે માણસ સંવેદનશીલ હોય એ જરૂરી છે. સંવેદના આપણી લાગણીઓને ધબકતી રાખે છે. સંવેદનશીલ હોવું સારી વાત છે પરંતુ સંવેદનાઓ પણ માપમાં હોવી જોઈએ. સંવેદનાની પણ એક સીમા હોય છે. સંવેદનાની સીમા વટીએ તો મૂરખ કે વેવલામાં ખપવાનો વારો આવે છે. સારા હોવું સારી વાત છે પણ આપણા સારાપણાનો કોઇ ફાયદો ઉઠાવી જવું ન જોઈએ. સંવેદનાઓનું પણ એવું જ છે. પ્રેમ, લાગણી, સ્નેહના નામે પણ કોઇ છેતરી જવું ન જોઇએ. ક્યારેક કોઈને કંઈ ખબર પડતી ન હોય ત્યારે એના માટે લોકો એવા શબ્દ વાપરે છે કે એ વ્યક્તિ તો સાવ ભોળી છે. ભોળી એટલે કેવી? છેતરી શકાય એવી? કોઇની વાતોમાં આવી જાય એવી? ભોળપણમાં દયા કે કરુણા હોય એ સમજી શકાય એવી વાત છે પણ કોઇ ભોળવી ન જાય એનું ભાન પણ હોવું જોઇએ. ઘણા લોકો પ્રેમના નામે આપણને છેતરતા હોય છે. મને તું ખૂબ ગમે છે, મને તારા માટે ખૂબ લાગણી છે, તારા માટે હું કંઈ પણ કરી શકું, તારા સિવાય દુનિયામાં મને કોઇ પર ભરોસો જ નથી, તું જ મારી જિંદગી છે, તારી સાથે જ મારે જિંદગી જીવવી છે, આવી અને આના જેવી વાતો કરનારા ક્યારે હાથતાળી આપીને છટકી જાય છે એનો અંદાજ પણ આવતો નથી. આજના આધુનિક જમાનામાં ઘણા લોકો માણસોને પણ ડિસ્પોઝેબલ સમજવા લાગ્યા છે. યુઝ એન્ડ થ્રોમાં માનનારા લોકોથી સાવધાન રહેવું પડે છે.

લાગણીઓ બહુ ઋજુ હોય છે. કોઇની લાગણીઓ સાથે રમવા જેવું ખરાબ કૃત્ય બીજું કોઇ નથી. એક છોકરીની આ વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ હતો. એ પ્રેમના નામે રમત જ કરતો હતો. બીજી છોકરી મળી એટલે તેણે પોતાનો રસ્તો બદલાવી નાખ્યો. એ છોકરી બહુ જ દુ:ખી થઇ. તેણે પોતાની ફ્રેન્ડને કહ્યું કે, એને કંઈ થતું નહીં હોય? ફ્રેન્ડે કહ્યું કે, થતું હોત તો એ આવું કરત જ નહીં. એ તને મૂરખ બનાવતો હતો અને તું બનતી હતી. ચલ, જે થવાનું હતું એ થઇ ગયું. હવે તો એને યાદ ન કર. હવે તો એના નામ પર ચોકડી મૂક. અત્યાર સુધી મૂરખ બની તેનો પણ વાંધો નથી, હવે તો તેના કારણે દુ:ખી થઇને વધુ મૂરખ ન બન! જેને આપણી પરવા ન હોય તેના માટે દુ:ખી થવું એ પણ મૂર્ખાઇની જ નિશાની છે. સામેની વ્યક્તિને નયા ભારની પડી ન હોય અને આપણે તેની પાછળ મરતા હોઇએ તો એમાં વાંક એનો નહીં પણ આપણો હોય છે. પ્રેમ, લાગણી, સ્નેહ બંને પક્ષે હોવા જોઇએ. જે તમને પ્રેમ કરે છે એના માટે કંઈ પણ કરી છૂટો પણ જેને તમારા પર પ્રેમ નથી એનાથી સમયસર દૂર થઇ જવું જ હિતાવહ છે. એવું લાગે કે, એણે રસ્તો બદલી લીધો છે ત્યારે આપણે પણ વળાંક લઇ લેવો જોઇએ. પડછાયા પાછળ દોડવાનો કોઈ મતલબ હોતો નથી. પ્રેમના નામે બેવકૂફ ન બનવું એ પણ સમજદારીની નિશાની છે.

વાત માત્ર પ્રેમીઓની જ નથી, કોઇપણ સંબંધમાં સજાગતા જરૂરી છે. સંબંધ વિશે એવું કહેવાય છે કે, સાચા સંબંધમાં ગણતરીઓ ન હોય. સાચી વાત છે પણ એ સંબંધ સાચો હોવો જોઇએ. ઘણી વખત એવું થાય છે કે, સંબંધ હોય ત્યારે સાચો અને સારો લાગે, થોડોક સમય જાય પછી સમજાય કે આપણા તરફથી તો સંબંધ સાચો છે પણ સામેની વ્યક્તિનો સંબંધ સાચો નથી. આવા સમયે સજાગ થઈ જવું બહેતર હોય છે. એક પતિ-પત્ની હતાં. પતિનો એક મિત્ર હતો. પતિ પોતાના મિત્રને દરેક વખતે મદદ કરતો હતો. પત્ની ઘણી વખત કહેતી કે, તમારો મિત્ર તમારો લાભ લેવા માટે જ સંબંધ રાખતો હોય એવું લાગે છે. પતિએ પહેલાં તો એવું કહ્યું કે, તું ખોટી શંકા કરે છે. સમય વિત્યો. પતિ-પત્નીની સ્થિતિ થોડીક નબળી પડી. બંનેને મદદની જરૂર હતી. યુવાને મિત્ર પાસેથી મદદ માંગી. મિત્રએ મોઢું ફેરવી લીધું. પતિએ આખરે પત્ની પાસે સ્વીકાર્યું કે, તારી વાત સાચી હતી. સંબંધો સમયે આવ્યે વર્તાતા હોય છે. માણસ પરખાઈ જતો હોય છે.

દોસ્તી, પ્રેમ, સંબંધ, લાગણી અને આત્મીયતા બહુ નાજુક હોય છે. કોઇક અનુભવ થાય ત્યારે લાગી આવે છે. માણસ માટે સૌથી અઘરી ઘડી એ હોય છે જ્યારે એને પોતાને એમ થાય કે, હું મૂરખ બન્યો. ભરોસો તૂટે ત્યારે જે ભાર લાગે છે એ વેંઢારવો અઘરો હોય છે. માણસ શ્રદ્ધા પર જીવતો હોય છે. આ વ્યક્તિ મારી છે. એ મને કોઇ દિવસ છેહ ન દે. આપણે ગમે એટલા સારા હોઇએ તો પણ એ જરૂરી નથી કે સામેવાળી વ્યક્તિ આપણા જેવી જ હોય! જે સંબંધ પૂરો થાય એને બને એટલી વહેલીતકે ભૂલી જવો જ બહેતર હોય છે.

જિંદગીમાં સૌથી મહત્ત્વની કોઈ વાત હોય તો એ છે માણસને ઓળખવો. બધા માણસો ખરાબ નથી હોતા. આપણે ઘણી વખત પસંદગીમાં થાપ ખાઇ જઇએ છીએ. ખબર પડે કે આપણે છેતરાયા છીએ એ પછી અફસોસ કરતા રહેવાનો કોઈ અર્થ હોતો નથી. એક પ્રેમીની આ વાત છે. તેને જેની સાથે પ્રેમ હતો એ છોકરી પ્રેમના નામે રમત રમતી હતી. છોકરીને વધુ મજા કરાવે એવો બીજો છોકરો મળી ગયો એટલે તેણે પહેલા પ્રેમીને છોડી દીધો. પ્રેમ વિશે એવું કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે. હવેનો પ્રેમ આંધળો હોતો નથી, બહેરો કે મૂંગો પણ હોતો નથી પરંતુ બહુ સમજી વિચારીને થતો હોય છે. લાભ ગેરલાભની ગણતરીઓ મંડાતી હોય છે. એ ગણતરી પછી પણ જો વફાદારી હોય તો વાત જુદી છે. માત્ર સ્વાર્થ ખાતર બંધાતા સંબંધોનાં પરિણામો સારાં હોતાં જ નથી. એક છોકરીએ તેના પિતા સમક્ષ પોતાને ગમતા છોકરા સાથે લગ્નની કરવાની વાત કરી. પિતાએ પૂછ્યું, તેં એનામાં શું જોયું? છોકરીએ કહ્યું કે, ધનવાન છે, બંગલો છે, ગાડી છે, સારો બિઝનેસ છે, ફેમિલી સારું છે, બીજું શું જોઇએ? પિતાએ હળવેકથી સવાલ કર્યો, પ્રેમ છે? તારી કેર કરે છે? તને એના પ્રત્યે પ્રેમ છે કે બીજું બધું જોઇને લગ્ન કરવાનું વિચારે છે? બધું હશે અને પ્રેમ નહીં હોય તો જિંદગીનો કોઇ મતલબ નહીં લાગે. ઘણા બંગલાઓમાં સન્નાટાનું સામ્રાજ્ય હોય છે. દીવાલો સાથે વાતો થઇ શકતી નથી. બહારનો સૂનકાર જ્યારે અંદર આવી જાય ત્યારે ઉદાસીની ઋતુ બેસી જતી હોય છે. જિંદગીમાં બધો સમય એકસરખો રહેતો નથી. જિંદગીમાં પણ ક્યારેક પાનખર બેસતી હોય છે પણ પાનખર બાદ વસંત આવવાની આશા રહેવી જોઇએ. જિંદગીના નિર્ણયો માત્ર ગણતરીઓ કરીને ન લેવા જોઇએ અને સાથોસાથ સંવેદનાઓથી દોરવાઇને પણ ન લેવા જોઇએ. આપણા કેટલા સંબંધો ખરેખર સો ટકા સાત્ત્વિક હોય છે? તમે માર્ક કરજો, એની સાથે જ સૌથી વધુ મજા આવતી હોય છે જ્યાં કોઇ સ્વાર્થ નથી હોતો, કોઇ ગણતરીઓ નથી હોતી, સંબંધનું કોઇ કારણ નથી હોતું, એ બસ હોય છે. સાચા સંબંધને સંપૂર્ણ રીતે જીવો અને જે સંબંધો સમય જોઇને બાંધવામાં આવે છે ત્યાં સજાગ રહો. સંવેદનાઓને એટલી પણ ન વહાવો કે સંવેદના સુકાઈ જાય. વિશ્વાસ તૂટે ત્યારે ઘણી વખત માણસ જડ થઇ જતો હોય છે. જડ થવું પણ સારું નથી. જડ થઈને તો ઘણી વખત આપણે આપણને જ સજા આપતા હોઇએ છીએ. સંવેદનાને સમજવાની જરૂર હોય છે. જે જાય છે એને જવા દો, એની પાછળ દુ:ખી થવાની પણ જરૂર નથી. એક ખોટી વ્યક્તિ ભટકાઈ ગઈ એટલે બીજા પર ભરોસો ન મૂકવાની આદત પણ સાચી નથી. જિંદગીમાં એવી વ્યક્તિની જરૂર હોય છે જેને આપણે આપણી વ્યક્તિ કહી શકીએ. એવી વ્યક્તિ હોય પણ છે અને મળે પણ છે, એના માટે એ પણ વિચારવું જોઇએ કે મારી દાનત કેવી છે? શુદ્ધ, સાત્ત્વિક અને સો ટચનો પ્રેમ કરવાની તૈયારી હોય એને જ એવો પ્રેમ મળતો હોય છે. ગણતરીઓ રાખીએ તો સામેથી પણ હિસાબ-કિતાબવાળો સંબંધ રહેવાનો છે. પ્રેમમાં પણ સરવાળે એવું જ હોય છે કે, વાવશો એવું લણશો, આપશો એવું પામશો!

છેલ્લો સીન :

મોઢું ફેરવી લેનારની રાહ જોતા રહેવું એ આપણા સ્વમાનનું અપમાન છે. સુકાયેલા છોડને ગમે એટલું પાણી સીંચો કે ખાતર આપો એ ઊગવાનો નથી! -કેયુ.

(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 01 મે 2022, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: