પેરેન્ટિંગના પડકારો : સંતાન બદલ્યાં છે,
મા-બાપે પણ બદલવું પડશે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
અત્યારની જનરેશનને સવાલો ન પૂછો. એના સવાલોના જવાબો આપો.
નવી જનરેશનને ઉછાંછળી, બેદરકાર કે અસંસ્કારી ન ગણો.
સંઘર્ષ ન કરો અને તેની સાથે સંવાદ કરો.
———–
બાળકોનો ઉછેર કેવી રીતે કરવો એ દરેક મા-બાપને સતાવતો સૌથી અઘરો સવાલ છે. પેરેન્ટિંગ વિશે હમણાં એક એક્સપર્ટે એવી વાત કરી કે, પેરેન્ટિંગ શીખવે એવા કોઇ ક્લાસ હોતા નથી. પેરેન્ટિંગ એવો વિષય છે, જે રોજેરોજ બદલતો રહે છે. મા કે બાપ પોતે જે રીતે ઉછર્યા હોય એ રીતે તેમનાં સંતાનોને ઉછેરી ન શકે. આજના બાળકને એ બધી વાતો ગળે જ ન ઊતરે. અગાઉની જનરેશનને મા-બાપ અને વડીલોનો ડર રહેતો હતો. અત્યારની જનરેશનમાં એ ડર ખતમ થતો જાય છે. બાળકોને ડરાવવા જઇએ તો એ એવું સમજવા લાગે છે કે, મને ટોર્ચર કરવામાં આવે છે. પેરેન્ટિંગ વિશે હમણાં થયેલા એક રિસર્ચમાં એવું બહાર આવ્યું હતું કે, મોટાભાગનાં પેરેન્ટ્સને તેમનાં સંતાન પૂરેપૂરાં સમજાતાં જ નથી. એને શું કરવું છે, એની શું ઇચ્છા છે થી માંડીને એને શું ગમે છે એ પણ નક્કી થઇ શકતું નથી. અનેક કિસ્સામાં હવે એવું થવા લાગ્યું છે કે, સંતાન કહે એમ મા-બાપ કરવા લાગ્યાં છે. બાળક કહે કે, મને આ જોઇએ છે તો એ લઇ આપે છે, મારે આમ કરવું છે તો એ કરવા દે છે. પેરેન્ટ્સ ના પાડી શકતાં નથી. અમુક સંજોગોમાં તો ના પાડતાં ડરે છે. તેમને એવું લાગે છે કે, જો અમે ના પાડીશું તો સંતાનને એવું લાગશે કે અમને તેની કદર નથી. પહેલાંના સમયમાં મા-બાપ ના પાડે એટલે બાળક ચૂપ થઇ જતું. હવે સામી ફરિયાદ કરે છે કે, તમે મને ના કેમ પાડો છો? મારા બધા ફ્રેન્ડ્સ આવું જ કરે છે. મા-બાપ પણ હવે બીજા છોકરાઓ શું કરે છે એ જોઇને પોતાના દીકરા માટે એવું કરવા લાગ્યાં છે. ભાગ્યે જ કોઇ મા-બાપ પાસે સંતાનને ઉછેરવા માટે પોતાનું વિઝન છે!
પેરેન્ટિંગના એક્સપર્ટ્સ એવું કહે છે કે, બાળકની બધી માંગણી સ્વીકારી ન લો. પહેલાં તમે પોતે એવું વિચારો કે એની માંગણી સાચી અને સારી છેને? જો તમને યોગ્ય ન લાગે તો સ્પષ્ટ શબ્દોમાં ના પાડો અને ના પાડવાનાં કારણો પણ આપો કે તેને સમજાવો કે તમે શા માટે ના પાડો છો? બાળક સામે અમુક વાત ન થાય, બાળકને એનાથી પ્રોબ્લેમ થાય, સારા સંસ્કાર ન પડે એવું પણ ઘણા લોકો માનતા હોય છે. સાચી વાત છે અમુક વર્તન બાળક સામે ન થવું જોઇએ. જોકે, બાળકને સાચી પરિસ્થિતિની ખબર પડે એ પણ જરૂરી છે. જો ઘરમાં ફાઇનાન્સિયલ ક્રાઇસિસ હોય તો બાળકને પ્રેમથી સમજાવો કે, હમણાં આપણે વધુ ખર્ચ કરી શકીએ એમ નથી. શું મજબૂરી છે એ પણ બાળકને કહો. એનાથી બાળકને સમજ પડશે. મારું બાળક બહુ જિદ્દી થઇ ગયું છે એવી ઘણાં પેરેન્ટ્સની ફરિયાદ હોય છે, પણ મોટાભાગના કિસ્સામાં મા-બાપે જ બાળક જિદ્દી બની જાય એવી ભૂમિકા ભજવી હોય છે. સંતાનનું કહ્યું કર્યે જ રાખો તો એ જિદ્દી થઇ જ જવાનું છે.
પેરેન્ટિંગનાં પણ સ્ટેજ હોય છે. બાળક સાથે કઇ ઉંમરે કેવું વર્તન કરવું એ શીખવું જરૂરી હોય છે. ત્રણ વર્ષના બાળકની જેમ પાંચ-સાત વર્ષના બાળક સાથે વર્તી ન શકો. હવે બાળક બહુ ઝડપથી મેચ્યોર થવા લાગ્યાં છે. દરેક મા-બાપ એવું બોલ્યાં જ હોય છે કે, આપણે તો આવડાં હતાં ત્યારે કંઇ ખબર પણ પડતી નહોતી! પેરેન્ટિંગના એક નિષ્ણાતે એક વાત કરી તે પણ ધ્યાનમાં રાખવા જેવી છે. તેમણે કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોથી એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મા-બાપ પોતાના દીકરા કે દીકરીના વધુ પડતાં વખાણ કરવા લાગ્યાં છે. પોતાનું સારું દેખાય એ માટે મા-બાપ સંતાનનાં ખોટાં વખાણ કરવા લાગ્યાં છે. ખોટા વખાણ તો ન જ કરવાં જોઇએ, સાચાં વખાણ કરવામાં પણ ધ્યાન રાખવું જોઇએ. એક્સપર્ટ્સ કહે છે કે, આ બાબતે ચાણક્ય કહી ગયા છે એ વાત દરેકે યાદ રાખવાની જરૂર છે. ચાણક્યએ કહ્યું છે કે, તમારા સંતાનનાં ખોટાં વખાણ ન કરો. એવું કરશો તો બાળક પર બોજ વધશે. એને એવું થશે કે, મારાં મા-બાપ જે કહે છે એ મારે જાળવી રાખવું પડશે. એનાથી એના પર તણાવ આવશે. બીજી વાત એ છે કે, જો બાળક ડાહ્યો અને હોશિયાર હશે તો લોકો આપોઆપ તેનાં વખાણ કરશે. બીજા લોકો કરે એ સાચાં વખાણ હોય છે. લોકોને જ કહેવા દો કે તમારો દીકરો કે દીકરી બહુ ડાહ્યા છે. હા, તેના માટે સંતાનને એ ચોક્કસ શીખવો કે શું કરાય અને શું ન કરાય.
સંતાનને બધું સારું સારું જ ન કહો. એને શીખવો કે, નિષ્ફળતા પણ આવે. આપણે ધાર્યું હોય એવું ન પણ થાય. આપણી ગણતરીઓ ઊંધી પણ પડે. માત્ર સારાં સપનાં જ ન બતાવો. તેને રિયાલિટીનું નોલેજ આપો. બાળક નાનું હોય ત્યારથી જ એને સાચી વાત કરો. એક એક્સપર્ટે તો ત્યાં સુધીની વાત કરી છે કે, બાળકને દવાખાને લઇ જવાનું હોય કે ઇન્જેક્શન અપાવવાનું હોય ત્યારે પણ સાચી વાત કહો. એને એવું કહીને છેતરો નહીં કે કંઇ નહીં થાય. એને કહો કે, થોડુંક દુખશે, એ આપણા સારા માટે હોય છે, થોડુંક સહન કરી લેવાનું, ઇન્જેક્શનની સોયથી ડરવાની કંઇ જરૂર નથી. બાળકને ઇન્જેક્શન લેવા માટે પહેલેથી માનસિક તૈયાર કરો તો એ ઇન્જેક્શન લેતાં ડરશે નહીં. તમે એવા ઘણા લોકોને જોયા હશે જે મોટા થઇ જાય તો પણ ઇન્જેક્શનથી ધ્રૂજતા હોય છે. એનું કારણ બચપણમાં ઘર કરી ગયેલો ભય જ હોય છે. એને જો નાના હોય ત્યારે જ કાઢી નાખ્યો હોત તો ડરની સ્થિતિ પેદા ન થાય.
મોબાઇલ એડિક્શન એ આજનાં બાળકોની સૌથી મોટી સમસ્યા બની ગઇ છે. બાળકો મોબાઇલ વગર રહી શકતાં નથી. એક કોમન ફરિયાદ એ છે કે, બાળકને મોબાઇલ હાથમાં આપો તો જ એ જમે છે. ઘણી વખત બાળક ચૂપ રહે એ માટે મા-બાપ હાથમાં મોબાઇલ પકડાવી દે છે. આ સમસ્યા સામે દરેક મા-બાપે સાવચેત રહેવાની જરૂર છે. એના માટે મા-બાપ સંતાનને સમય આપે એ જરૂરી છે. એની સાથે રમે, વાતો કરે, અભ્યાસ કરાવે અને બાળક સાથે મસ્તી કરે. બાળકની સામે મા-બાપ જ મોબાઇલ લઇને બેસી રહેતાં હોય તો સંતાન એવું જ કરવાનું છે. મોબાઇલના કારણે સંતાન આડા રવાડે ચડી જવાનો મોટો ભય રહે છે. મા-બાપને ઘણી વખત તો એ પણ ખબર નથી હોતી કે, મારું બાળક કેવી માનસિક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે! બાળકોને ટ્રીટ કરતાં પહેલાં બાળકની સાયકોલોજી સમજવી પડે છે. દરેક બાળકની સાયકોલોજી જુદી જુદી હોય છે. પેરેન્ટિંગના કોઇ એવા નિયમો નથી જે બધાં બાળકોને અસર કરે. મા-બાપે પોતાના બાળકને સમજીને તેને ટ્રીટ કરવાં પડે.
આજનાં મા-બાપની પોતાના બાળક પાસે અપેક્ષાઓ ખૂબ વધી ગઇ છે. ટેલેન્ટ શોમાં બીજાં બાળકોને જોઇને મા-બાપ એવું ઇચ્છવા લાગ્યાં છે કે મારું સંતાન પણ આવું થઇ જાય! દરેક બાળક નાચી કે ગાઇ ન શકે, બાળકમાં શું ટેલેન્ટ છે એ શોધવી પડે છે. એમાં પણ જુદી જુદી રીત અજમાવવી પડતી હોય છે. બાળકને જે ગમતું હશે એને ઓટોમેટિક વળગેલું રહેશે. બાળકને બનવું હોય એ બનવા દેવું જોઇએ, આપણે કહીએ એવું બાળક બને એ વાત સારી નથી. બાળકને શાંતિથી જીવવા દેવું જોઇએ. બધું શીખવાડી દેવાની કંઇ જરૂર નથી. એને ન ગમતું હોય એવું એની પાસે ન કરાવો. બાળકને થોડુંક મુક્ત પણ રાખો. ઓવર પ્રોટેક્ટ કરવાની કંઇ જરૂર નથી. સૌથી છેલ્લે એક વાત, બાળકના ઉછેરનું ટેન્શન પણ ન રાખો. બાળકને બચપણ એન્જોય કરવા દો અને તમે પણ એનું બચપણ એન્જોય કરો. બાળકનો ઉછેર એ અદ્ભુત ઘટના છે, તેમને જેટલા સહજ અને સરળ રહેવા દેશો એટલું જ બાળક મોકળા મને જીવી શકશે.
—————-
પેશ-એ-ખિદમત
શિકવા કોઇ દરિયા કી રવાની સે નહીં હૈ,
રિશ્તા હી મેરી પ્યાસ કા પાની સે નહીં હૈ,
દોહરાતા નહીં મૈં ભી ગયે લોગોં કી બાતેં,
ઇસ દૌર કો નિસ્બત ભી કહાની સે નહીં હૈ.
– શહરયાર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 26 માર્ચ 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
