ઇટ્સ ઓકે ટુ ફેઇલ : જિંદગી છે ત્યાં સુધી સફળતાના ચાન્સિસ છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

ઇટ્સ ઓકે ટુ ફેઇલ : જિંદગી છે

ત્યાં સુધી સફળતાના ચાન્સિસ છે

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

*****

આજકાલ ‘હેશટેગ ઇટ્સ ઓકે ટુ ફેઇલ’ ચર્ચામાં છે. જેને નિષ્ફળતા

ડરાવી કે ડગાવી શકતી નથી એ માણસ વહેલો કે મોડો

સફળ થાય જ છે. કોઇ નિષ્ફળતા કાયમી હોતી નથી

*****

માત્ર નિષ્ફળતા વખતે જ શા માટે? જે કોઇ વાત, ઘટના,

સંજોગ કે પરિસ્થિતિ અપસેટ કરે ત્યારે વિચારો કે

ઇટ્સ ઓકે! ચાલ્યા રાખે! ધીસ વીલ ટુ પાસ!

————————

કોઇ માણસ કોઇ કામ નિષ્ફળ જવા માટે નથી કરતો. આપણે દરેક કર્મ ફળ માટે જ કરતા હોઇએ છીએ. સારા પરિણામની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. જો અપેક્ષા ન હોય તો પછી મહેનત કરવાનો અર્થ જ શું છે? ધાર્યું રિઝલ્ટ મળે તો તો ભયોભયો, પણ ગણતરી ઊંધી પડે તો? આપણે એટલા બધા આઘાતમાં કેમ આવી જઇએ છીએ કે, જાણે આપણા બારેય વહાણ ડૂબી ગયા હોય! આપણે ત્યાં નિષ્ફળતાની બહુ ચર્ચાઓ થાય છે. હમણા હેશટેગ ઇટ્સ ઓકે ટુ ફેઇલ બહુ ચાલી. ગઇ તારીખ દસમી સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ મનાવવામાં આવ્યો. આપણે ત્યાં નિષ્ફળતાની વાત મોટા ભાગે વિદ્યાર્થીઓ ફેઇલ થાય એ સંદર્ભમાં અથવા તો ડિપ્રેશનના મુદ્દે જ થાય છે, એ સિવાય પણ ઘણી એવી સમસ્યાઓ હોય છે જ્યારે માણસને એવું થાય કે બધું ખતમ થઇ ગયું છે. ઇમોશનલ ક્રાઇસિસ ઊભી થાય ત્યારે માણસ ભાંગી પડે છે. દરેક સંજોગોમાં સ્વસ્થ રહેવું એ સૌથી વધુ જરૂરી હોય છે. અત્યારે કોરોનાના કપરા સમયમાં દરેક લોકો કોઇને કોઇ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે. કોઇની નોકરી ગઇ છે, કોઇનો પગાર કાપી લેવાયો છે, ધંધા-પાણી ઠપ્પ થઇ ગયા છે, ક્યાંય જઇ શકાતું નથી, કોરોનાથી સંક્રમિત તો નહીં થઇ જઇએને એનો ડર લાગે છે. મનથી નબળા પડવું એ પણ એક જાતની નિષ્ફળતા જ છે. આપણા સંજોગોથી ઘણી વખત આપણે નાસીપાસ થઇ જતા હોઇએ છીએ.

હમણાની એક સાવ સાચી વાત કરવી છે. ગયા ફેબ્રુઆરી મહિનાના અંતમાં એક ભાઇએ મોટા પાયે બિઝનેસ શરૂ કર્યો હતો. છ મહિનાથી તેઓ આ બિઝનેસ માટે મહેનત કરતા હતા. બેંકની મોટી લોન લીધી હતી. બિઝનેસની શરૂઆત પણ ધમાકેદાર થઇ હતી. ખૂબ જ મહત્વાકાંક્ષી હોવાના કારણે તેમનો ઉત્સાહ પણ પારાવાર હતો. તેને એમ હતું કે, હવે જિંદગીની ગાડી પાટે ચડી જશે. થયું સાવ ઊંધું. માર્ચ મહિનામાં કોરોનાના કારણે લોકડાઉન આવ્યું. એનો બિઝનેસ લકઝરી આઇટમોનો હતો. આવા સંજોગોમાં લકઝરી પાછળ ખર્ચ કોણ કરવાનું છે? ધંધો ઠપ્પ થઇ ગયો. આંખોમાં આંજેલા સપનાઓ ધોવાઇ ગયા. વ્યાજ અને ભાડાનો બોજ વધી ગયો. તેના મિત્રો અને સ્વજનોને એક જ વાતની ચિંતા હતી કે, આ માણસ ધંધામાં પડેલા ફટકાના કારણે ડિપ્રેશનમાં આવી ન જાય અને કંઇક ન કરવાનું કરી ન બેસે તો સારું! અનલોકની શરૂઆત થઇ એટલે તેના ત્રણ મિત્રોએ મળીને નક્કી કર્યું કે, આપણે તેની પાસે જઇએ અને તેને હળવો રાખવાનો પ્રયાસ કરીએ. એ ત્રણેય મિત્રો તેના ઘરે ગયા.

મિત્રોને જોઇને પેલો ભાઇ તો ખુશ ખુશ થઇ ગયો. ધીરે ધીરે બધી વાતો થઇ. આખરે એક મિત્ર એ પૂછી લીધું કે, ધંધામાં ધાર્યું ન થયું એનાથી ટેન્શનમાં તો નથીને? કોઇ નબળા વિચારો તો નથી કરતોને? પેલા ભાઇએ વારફરતી ત્રણેય મિત્રોની સામે જોયું. તેણે કહ્યું કે, સાચું કહું? થોડોક અપસેટ તો થયો હતો. વિચાર કર્યો કે, હવે શું થઇ શકે એમ છે? ક્યાંય ધ્યાન પડતું નહોતું. એક તબક્કે વિચારવાનું બંધ કરી દીધું. હું એક વાતને અનુસરું છું કે, જ્યારે તમારું મગજ કામ કરતું ન હોત ત્યારે વિચારવાનું બંધ કરી દેવું. તમારા હાથમાં જ કંઇ ન હોય પછી તમે શું કરી શકો? કંઇ કરી શકો એમ ન હોવ તો પછી ચિંતા કરવાનો શું ફાયદો? આ વિચાર કરીને હું સાવ રિલેક્સ થઇ ગયો. જો યાર, પડશે એવા દેશું. તમે આવ્યા એ ગમ્યું પણ મારી ચિંતા-બિંતા નહી કરતા, બંદા ડિપ્રેશનમાં આવવાના નથી. યાર સાચું કહું, જ્યારે બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારે થોડોક એવો વિચાર કર્યો હતો કે, હું નિષ્ફળ જઇશ તો? બધું ધ્યાન રાખીને પાક્કેપાયે કર્યું હતું, હવે આપણને એવી ક્યાં કલ્પના હતી કે, કોરોના આવશે અને આપણી આવી હાલત કરી નાખશે? આપણા હાથની જ વાત ન રહી હોય તો રોદણા રડવાનો કોઇ અર્થ ખરો? તેના મિત્રોએ કહ્યું કે, તારી સ્પિરીટને દાદ આપવાનું મન થાય છે. અમે તો તને હિંમત આપવા આવ્યા હતા પણ ખરેખર તો તારામાંથી ઘણું શીખવાનું છે.

એ વાત જુદી છે કે, બધા આવું કરી શકતા નથી. ઘણી વખત નિષ્ફળતા મળે એના માટે આપણે જવાબદાર નથી હોતા, પણ માનો કે આપણે જ જવાબદાર હોઇએ તો પણ શું? નિષ્ફળ એ જ જાય છે જે સફળ થવા માટે પ્રયત્નો કરે છે. ઇટ્સ ઓકે ટુ ફેઇલને જરાક જુદી રીતે પણ લઇએ. નિષ્ફળ જઇએ તો ઠીક છે, ક્યાંય ધ્યાન પડતું નથી તો ઠીક છે, ઘરમાં પૂરાઇ રહેવું પડે છે તો ઠીક છે, કોઇ દૂર ચાલ્યું ગયું તો ઠીક છે, કોઇ ભૂલ થઇ ગઇ તો ઠીક છે, ઇટ્સ ઓકે ટુ એવરીથિંગ! જિંદગી ચાલતી રહે છે, ચાલતી રહેવાની છે, સ્પીડ બ્રેકર આવવાના છે. એ જાય પછી ગાડી પાછી સ્પીડ પકડી લેવાની છે. કોરોનાની વાત ચાલતી હતી ત્યારે એક વડીલે હસતા હસતા કહ્યું કે, ચિંતા ન કરો, હવે કાઢ્યો છે એટલો ટાઇમ નથી કાઢવાનો! આશાવાદી હોવું ખૂબ જ સારું છે, કારણ કે નિરાશાવાદી થવાથી કોઇ ફાયદો નથી. આપણે બધામાં ફાયદો જોઇએ છીએ તો જેમાં હન્ડ્રેડ પર્સન્ટ ગેરફાયદો જ છે એવા નકારાત્મક વિચાર શા માટે કરવાના? નિષ્ફળતા કે હતાશા જેવું લાગે ત્યારે વિચારો કે, ઇટ્સ ઓકે, ધીસ વીલ ટુ પાસ!

————–

પેશ-એ-ખિદમત

નયા ઇક રિશ્તા પૈદા ક્યું કરેં હમ,

બિછડના હૈ તો ઝઘડા ક્યું કરેં હમ,

નહીં દુનિયા કો જબ પરવા હમારી,

તો ફિર દુનિયા કી પરવા ક્યું કરેં હમ.

-જોન એલિયા.

—————-

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 20 સપ્ટેમ્બર 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *