જેવું લાગવું હોય એવું લાગે,
હું મને ગમે એવું જ કરીશ

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
અપની મર્જી કા રૂખ મૈં અપનાઉં, કાશ મૈં ભી હવા સી હો જાઉં,
ક્યા કહા તુમ પે મેં યકીં કર લૂં, યાની એક બાર ફિર બિખર જાઉં.
-સોનરૂપા વિશાલ
મારે મારી રીતે જીવવું છે પણ કોઇ જીવવા ક્યાં દે છે? માંડ માંડ બધું ઠેકાણે પડતું હોય ત્યાં વળી કંઇક એવું થાય છે કે, હાલત ખરાબ થઇ જાય! દરેક માણસને પોતાની જિંદગી પોતાની રીતે જીવવી હોય છે. વહેલી સવારથી માંડીને રાત સુધીના સમયની દરેકની પોતાની કલ્પનાઓ હોય છે. મસ્ત મજાની સવાર પડે, વહેલા ઉઠવાની કોઇ ચિંતા ન હોય, આંખ ખુલે ત્યારે જ ઉઠવાનું. ઉઠીને સવારની ઠંડકનો અહેસાસ માણવાનો. દરેક ક્ષણનું એક કાલ્પનિક ચિત્ર આપણા મનમાં દોરાયેલું હોય છે. મોટા ભાગે એ કાલ્પનિક ચિત્ર વાસ્તવિકતા સાથે મેચ ખાતું નથી. સવારે ઉઠવા માટે એલાર્મ મૂકવો પડે છે. એલાર્મ વાગે ત્યારે એવો વિચાર આવી જાય છે કે, સવાર પડી ગઇ? ઊંઘ પૂરી થઇ હોય એવું લાગતું નથી. ઉઠવા માટે મનને મનાવવું પડે છે. દિવસની પહેલી ક્ષણથી જ મન પર જબરજસ્તીની શરૂઆત થાય છે. આખો દિવસ પછી અસ્તિત્ત્વ સાથે એક કશ્મકશ ચાલતી રહે છે. આપણે રાહ જોઇએ છીએ કે, એક દિવસ તો એવો આવશે જ્યારે હું મારી મરજી મુજબ જીવી શકીશ.
એક યુવાનની આ વાત છે. જિંદગી વિશે તેના ઉમદા ખયાલો હતા. લાઇફના ફંડા બહુ ક્લિયર હતા. આપણા મનમાં ઘણી વાર ઘણી બધી બાબતો વિશે ક્લેરિટી હોય છે તો પણ આપણું ધાર્યું ક્યાં થતું હોય છે? સમય આપણા મનસુબા ઉથલાવી દે છે. એ યુવાન સમય બદલવાની રાહ જોતો હતો પણ રોજે રોજ કંઇકને કંઇક થાય અને જે ધાર્યું હોય એના પર પાણી ફરી જાય. એક દિવસ તેણે નક્કી કર્યુ કે, હવે સમયની રાહ નથી જોવી, જીવવાનું શરૂ કરી દેવું છે. રજાનો દિવસ હતો. સવારથી જ તેણે પોતાની કલ્પના મુજબ રહેવાનું શરૂ કરી દીધું. સાંજ સુધી બધું સરખું ચાલ્યું, સાંજે એક ફોન આવ્યો કે, એક રિલેટિવને એક્સિડન્ટ થયો છે અને ત્યાં તમારી જરૂર છે. બધું પડતું મૂકીને એ યુવાન હોસ્પિટલ જવા નીકળ્યો. જતો હતો ત્યારે વિચાર આવ્યો કે, બધું સરખું જતું હતું ત્યાં જ ફોન આવી ગયો. એ પછી એને બીજો વિચાર આવ્યો કે, ફોન નહોતો આવ્યો ત્યાં સુધી તો હું જે રીતે જીવવા ઇચ્છતો હતો એમ જીવ્યોને? એટલો સમય તો જિંદગી મારી મરજી મુજબની હતીને? એણે નક્કી કર્યું કે, હવેથી જેટલી ક્ષણો, જેટલી કલાકો કે જેટલા દિવસો મારી રીતે જીવાશે એટલા જીવી લઇશ. આખી જિંદગી તો આપણી ઇચ્છા મુજબ જીવી શકાવાની જ નથી. કંઇકને કંઇક તો ચાલતું જ રહેવાનું છે. હવેથી હું ઓફિસ જતી વખતે રાઇડ એન્જોય કરીશ, વોકિંગ કરતી વખતે મ્યુઝિક સાંભળીશ, ટ્રાવેલિંગ વખતે રીડિંગની મજા માણીશ, જિંદગીની ઘટમાળમાં ક્યાંથી થોડોકેય મેળ પડે એમ છે એ વિચારતો રહીશ, મજા કરવાની એકેય ક્ષણ બગાડીશ નહીં. આપણે શોધીએ તો જિંદગીમાંથી થોડાક ટુકડાઓ તો એવા મળી જ જાય છે જે માત્રને માત્ર આપણા હોય છે. જિંદગીના એ ટુકડાઓ કોઇના હાથમાં જાય એ પહેલા તેને વાપરી લેવાના, એન્જોય કરી લેવાના. સમયના આપણા ખજાનામાંથી જ આપણે ક્યારેક ચોરી કરવી પડતી હોય છે! જિંદગીને શોધવામાં રહેશો તો નહીં મળે, જીવવાનું શરૂ કરી દેશો તો જિંદગી હાથમાં જ રહેશે.
એક છોકરી હતી. એને નાહવામાં બહુ વાર લાગતી. એક વાર તેની ફ્રેન્ડે કહ્યું કે, યાર તને બહુ સમય જોઇએ છે નાહવામાં? એ છોકરીએ જવાબ આપ્યો કે, હા હું ઇરાદાપૂર્વક વધુ સમય લઉં છું. આપણે બધા નાહવાને પણ કામ સમજતા હોઇએ એમ નાહીએ છીએ. હું તો નહાવાને મારો રિલેક્સ થવાનો સમય માનું છું. નહાવા ખાતર નાહી લેતી નથી. પાણીની નજાકતનો અહેસાસ માણું છું. સાબુના ફીણને ફીલ કરું છું. એની સુગંધને એન્જોય કરું છું. મારા એકાંતને માણું છું. થોડીક વાર બધું ભુલી જાવ છું. આપણને આપણા વજૂદની જ ક્યાં ખબર હોય છે? હું રોજ મારી જ હાજરી પૂરું છું. હું હાજર છું, મારી સાથે, મારા લોકોની સાથે, મારા કામની સાથે અને આખી કાયનાત સાથે! તમે ક્યારેય તમારી હાજરી પૂરો છો? આપણે તો જ્યાં હોઇએ ત્યાં ગેરહાજર જ હોઇએ છીએ. આપણે જમતા હોઇએ છીએ અને ધ્યાન મોબાઇલમાં હોય છે, આપણે પૂજા કરતા હોઇએ છીએ અને વિચારો બીજા જ ચાલતા હોય છે, આપણું ધ્યાન ભટકતું જ રહે છે. આપણે વહેચાયેલા હોઇએ છીએ. થોડાક ભૂતકાળમાં, થોડાક ભવિષ્ય કાળમાં અને એમાંથી જે બચે એ આપણો વર્તમાન હોય છે. હન્ડ્રેડ પર્સન્ટ તો આપણે ક્યારેય હોતા જ નથી!
માણસ જ્યારે પોતાની રીતે જીવી નથી શકતો ત્યારે મન બળવો પોકારે છે. ચુલામાં ગયું બધું, મારે હવે કોઇની પરવા કરવી નથી. મારે હવે મારી રીતે જ જીવવું છે. બધાને ગમે એવું કરવાનો કંઇ ઠેકો થોડો લીધો છે? બધાને સારું લગાડી લગાડીને થાકી જવાય છે. હવે કોઇને સારું લગાડવું નથી. હવે હું માત્રને માત્ર મને જ સારું લાગે એવું કરીશ. આપણી મરજી મુજબ જીવવાનુ જ નહીં? બધાને જવાબ જ આપતા ફરવાનું? ક્યાં હતો કે ક્યાં હતી? શું કર્યું? સીસીટીવીની જેમ બધાની નજરો ફરતી જ હોય છે. લાસ્ટ સિન જોઇને પૂછે છે કે, આટલા વાગ્યા સુધી શું કરતી હતી? ફોન બિઝી મળે તો પૂછે છે કે, કોની સાથે વાત ચાલતી હતી? ચેટ કરતી હોય તો પ્રશ્ન પૂછે છે કે, કોણ છે? દરેક માણસને બીજાની જિંદગીમાં ચંચૂપાત કરવાની આદત પડી ગઇ છે. કોણ શું કરે છે એ જાણવામાં આપણને કેટલો રસ હોય છે? સોશિયલ મીડિયામાંઆપણા ફ્રેન્ડના કેટલા ફ્રેન્ડ છે, એ કોણ છે થી માંડીને કોણ કોને કેવી કમેન્ટ કરે છે અને કોની પોસ્ટ લાઇક કરી છે ત્યાં સુધીની પંચાત આપણે બધા કરતા રહીએ છીએ. આપણી પ્રાયવસીની આપણને જેટલી ચિંતા હોય છે એટલી પરવા કોઇની પર્સનલ લાઇફની હોય છે?
આપણે જો એવું ઇચ્છતા હોઇએ કે, મારે હવે મારી રીતે જીવવું છે તો આપણે આપણા લોકોને પણ એની રીતે જીવવા દેવા જોઇએ. આપણને ન ગમતું હોય એવું આપણે પણ કોઇની સાથે ન કરવું જોઇએ આપણે ઘણી વખત બધાની જિંદગીમાં સખળડખળ કરતા રહીએ છીએ અને આપણને કોઇ નાનકડો સવાલ કરે તો પણ છંછેડાઇ જઇએ છીએ. એક યુવાનની આ વાત છે. એક વખત તેની એક ફ્રેન્ડનો ફોન આવ્યો. યુવાને કહ્યું કે, બહાર છું. તેની ફ્રેન્ડે પૂછ્યું કે, ક્યાં છે? યુવાને જવાબ આપ્યો કે, હું ગમે ત્યાં હોવ, એનાથી તારે શું? તેની ફ્રેન્ડે કહ્યું, સાચી વાત છે તારી. હું તને એટલું જ કહેવા માંગુ છું કે, તું ફોન કર ત્યારે મને પણ નક્કામા સવાલ ન કર! તું ફોન કરે છે ત્યારે તો બધું પૂછી લે છે. ક્યાં છે? કોણ સાથે છે? ક્યારે ફ્રી થઇશ? એવું તે વળી શું કામ છે? જે આપણને ન ગમતું હોય તે બીજા ઉપર પણ ન અજમાવવું જોઇએ!
દરેક માણસને પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનો અધિકાર છે. કોને કેવું લાગશે એની પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી. જેને જેવું લાગવું હોય એવું લાગે. હા, એટલો વિચાર કરવો જોઇએ કે, હું જે કરું છું એ મને કેવું લાગે છે? હું જે કરું છું એ મને શોભે છે? બિન્ધાસ્ત જિંદગીની પણ એક બોર્ડર હોય છે. કોઇને હર્ટ કરીને મજામાં રહેવાનો કોઇ અર્થ હોય છે ખરો? સેડેસ્ટિક પ્લેઝર એ વિકૃત આનંદ જ હોય છે. પોતાની મસ્તીમાં રહેવુ જ જોઇએ, આપણી જિંદગી છે, આપણો રસ્તો છે, આપણી મંઝિલ છે, ધ્યાન માત્ર એટલું રાખવાનું કે, આપણે જે રસ્તો લીધો છે એ ખોટો તો નથીને? બિન્ધાસ્ત રહો પણ બેપરવા નહીં. જિંદગીને માણો. તમારી જિંદગી પર કોઇને હાવી થવા ન દો અને તમે પણ કોઇની લાઇફમાં એન્ક્રોચમેન્ટ ન કરો! જિંદગીમાંથી ખુશી અને મજાની ક્ષણો શોધતા રહો, થોડીક ક્ષણો તો એવી મળી જ આવશે જે તમને તમારી હયાતીનો અહેસાસ કરાવશે કે, હું જીવું છું!
છેલ્લો સીન :
જ્યારે આપણને આપણે કરવું હોય એ કરવાની છૂટ મળી જાય છે ત્યારે આપણી જવાબદારી વધી જાય છે. ધ્યાન રાખવું પડે છે કે, જે રસ્તો લીધો છે એ સાચો તો છેને? -કેયુ.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 16 જાન્યુઆરી 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
