તું આવું કરીશ એની મને કલ્પના નહોતી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું આવું કરીશ એની

મને કલ્પના નહોતી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

દુ:ખ પર હસી તો દઉં છું મગર પ્રશ્ન થાય છે,

જે દોસ્ત દઇ ગયા એ દિલાસાનું શું થશે?

હું એ ફિકર કરીને ભટકતો રહ્યો સદા,

મંઝિલ મળી જશે પછી રસ્તાનું શું થશે?

-બરકત વિરાણી ‘બેફામ’

દિલ બહુ નાજુક ચીજ છે. નાની અમથી વાતમાં દિલને ઠેસ પહોંચી જાય છે. ક્યારેય દિલ તૂટી જાય છે. ક્યારેક દિલ આંચકો અનુભવે છે. જેના પર દિલ આવી ગયું હોય એ વ્યક્તિ જ્યારે હર્ટ કરે ત્યારે લાગી આવે છે. આપણે બધા જ સંવેદનશીલ માણસો છીએ. દરેક માણસમાં સંવેદનાઓ હોય જ છે. કોઇનામાં થોડી તો કોઇનામાં વધુ, સંવેદનાઓ તો હોય જ છે. કોઇ ઘટનાથી આપણને કેટલી વેદના થશે એનો આધાર આપણે કેટલા સંવેદનશીલ છીએ એના પર રહેતો હોય છે. માણસ દરેક બાબતને કંટ્રોલ કરી લે પણ પોતાની સંવેદનાઓને કંટ્રોલ કરી શકતો નથી. હર્ટ થાય ત્યારે રડી પડાય છે. એક છોકરીની વાત છે. પોતાની વાત તો દૂરની છે, કોઇ સાથે કંઇ બૂરું થયાની ખબર પડે તો પણ તેની આંખો ભીની થઇ જાય! તેની ફ્રેન્ડે કહ્યું કે, બધી જ વાતમાં વહી જવું સારું નથી. દરેક વાતને દિલથી લેવાની જરૂર પણ હોતી નથી. એ છોકરીએ કહ્યું, સાચી વાત છે પણ હું શું કરું, મને રડવું આવી જાય છે! મારે રડવું હોતું નથી પણ આંખો ભીની થઇ જાય છે. મને ખબર છે કે, દરેક બાબતમાં ઇમોશનલ થવું ન જોઇએ પણ થઇ જવાય તો હું શું કરું?

આપણે બધા જ અપેક્ષાઓ સાથે જીવીએ છીએ. ભલે એવું કહેવાતું હોય કે, અપેક્ષાઓ ન રાખવી જોઇએ પણ એ શક્ય જ નથી. આપણને દરેક વ્યક્તિ પાસે અપેક્ષા હોય છે. જાણીતા જ નહીં, અજાણ્યા લોકો પાસેથી પણ આપણે એવી અપેક્ષા રાખતા હોઇએ છીએ કે, એ આપણને માન આપે. સોસાયટી પાસે પણ આપણને એવી અપેક્ષા હોય છે કે, એ આપણા કામને એપ્રિસિએટ કરે. અપેક્ષા હોય એમાં પણ વાંધો નથી, અપેક્ષા પૂરી ન થાય ત્યારે દુ:ખી ન થઇએ એટલી સમજ કેળવી લેવી જોઇએ. એક સેલિબ્રિટીની આ વાત છે. એ એક કાર્યક્રમમાં ગયા. બધાએ તેને ખૂબ રિસ્પેક્ટ આપ્યું. સેલ્ફીઓ પડાવી. પેટ ભરીને વખાણ પણ કર્યા. એ સિલિબ્રિટીએ તેના પીએને કહ્યું કે, જોયું અહીં આપણને કેટલું સરસ માન મળ્યું, લાસ્ટ કાર્યક્રમમાં તો કોઇએ મારો ખાસ કંઇ ભાવ જ નહોતો પૂછ્યો! તેના પીએએ કહ્યું કે, સર એ ઓડિયન્સ જુદું હતું અને આ ઓડિયન્સ અલગ છે. બધાને બધું ગમે એવું જરૂરી નથી. લોકો દરેક વખતે એક સરખી તાળીઓ વગાડવાના નથી.

દરેકની જિંદગીમાં એક વ્યક્તિ સ્પેશિયલ હોય છે. આપણી જિંદગી એ વ્યક્તિની ધરી પર ચાલતી હોય છે. આપણને એવું થાય છે કે, દુનિયામાં બીજું કોઇ સાથે ન હોય તો ચાલશે પણ આ વ્યક્તિ નજીક રહેવી જોઇએ. જે ક્લોઝેસ્ટ હોય છે તેની પાસે સૌથી વધુ અપેક્ષાઓ રહેતી હોય છે. દરેક માણસ અંદરથી સતત એવું ઇચ્છતો હોય છે કે, કોઇ એને પેમ્પર કરે, કોઇ એની કેર કરે, કોઇ એની કાળજી લે. ચહેરાના ભાવ જરાકેય બદલે તો એને ખબર પડી જાય. તરત જ પૂછે કે, કેમ અપસેટ છે? બધું બરાબર છેને? તું જમ્યો કે તું જમી એવું પૂછવાવાળું કોઇ ન હોય ત્યારે ગમે એવું જમ્યા હોય તો પણ ઓડકાર આવતો નથી. વાત સાવ નાની નાની હોય છે પણ એનાથી જ જિંદગી બહેતર બનતી હોય છે. એક ઉધરસ આવે અને જેને ચિંતા થઇ આવે, તરસ લાગે અને એને અણસાર આવી જાય, એવી વ્યક્તિ દરેક માણસ ઝંખતો હોય છે. એક સાવ સાચી ઘટના છે. એક પિતાએ એની દીકરીના સાસરે વળાવી. ખૂબ જ વહાલી અને લાડકી દીકરી યાદ આવે ત્યારે પિતાની આંખો ભીની થઇ જતી. એક વખત પિતાના મિત્રએ એને પૂછ્યું, કઇ વાતે તને દીકરી સૌથી વધુ યાદ આવે છે? પિતાએ કહ્યું કે, કઇ વાત એવી છે કે મારી લાડકી દીકરી યાદ ન આવે. સૌથી વધુ યાદ તો જમ્યા પછી આવે છે. હું જમી લઉં અને પાણી પી લઉં કે તરત જ મારી દીકરી મારા માટે ટૂથપીક લાવતી હતી. એને ખબર હતી કે, ડેડીને ટૂથપીક જોશે. હજુ દરરોજ જમ્યા પછી એ યાદ આવી જાય છે કે, મને ટૂથપીક આપવાવાળી દીકરી હવે નથી. ટૂથપીક મોટી વાત નથી. એ તો હું પણ લઇ લઉં પણ દીકરીનો જે ભાવ હતોને એ આંખો ભીની કરાવી દે છે! આપણા બધાની જિંદગીમાં આવી નાની નાની વાતો હોય છે જે વ્યક્તિ દૂર થાય એ સાથે આપણને કલ્પના ન હોય એવી મોટી થઇ જાય છે!

આપણને સૌથી વધુ વેદના, સૌથી વધુ પીડા અને સૌથી વધુ દુ:ખ કોણ આપે છે? આપણી સૌથી નજીકની વ્યક્તિ! વ્યક્તિ જેટલી નજીક પીડાની માત્રા એટલી વધુ! દૂરનો માણસ કંઇ કહે તો આપણને કોઇ ફેર પડતો નથી. આપણે ઇગ્નોર કરી દઇએ છીએ. પોતાની વ્યક્તિની વાત ઇગ્નોર થઇ શકતી નથી. મજાકમાં પણ આપણી વ્યક્તિ કંઇ કરે તો આપણાથી સહન થતું નથી. એનું કારણ એ હોય છે કે, એને આપણે આપણું સર્વસ્વ માનતા હોઇએ છીએ. એક પતિ પત્નીનો આ કિસ્સો છે. પતિ પત્નીની ખૂબ જ કાળજી રાખતો. બંને વચ્ચે ખૂબ પ્રેમ પણ હતો. પત્નીનું વજન થોડું વધારે હતું. એક વખત પતિએ પત્નીને મજાકમાં અને ખૂબ જ હળવાશથી જાડી કહ્યું. પત્નીને બધાની વચ્ચે કહ્યું કે, તારી પાસેથી મને આવી અપેક્ષા નહોતી. પતિએ કહ્યું કે, અરે હું તો લાઇટર ટોનમાં કહેતો હતો. તેં આટલું બધું સિરિયસલી લઇ લીધું. પતિએ સોરી કહ્યું. પત્નીએ તો પણ કહેતી રહી કે, તારાથી આવું થાય જ કેમ? તારા મોઢામાથી મારા માટે આવા શબ્દો નીકળી જ કેવી રીતે શકે? પતિએ તેને કહ્યું કે, તારી બધી ફ્રેન્ડ તો બચપણથી તને જાડી કહે છે એનું તને ખરાબ નથી લાગતું? પત્નીએ કહ્યું, ના એનું નથી લાગતું પણ તારું લાગે છે, કારણ કે તું મારી જિંદગી છે. તને હું એવો કલ્પી જ નથી શકતી કે, તું આવું બોલીને તારી ડિગ્નીટી પણ ગુમાવે! તારો પોતાનો એક ગ્રેસ છે, તારી એક ઇમેજ છે, તું અમુક સ્ટાન્ડર્ડથી નીચું વર્તન કરી જ ન શકે!

આપણા બધા વિશે આપણા લોકોની માન્યતાઓ હોય છે. આપણે અમુક જ રીતે વર્તીએ અને અમુક ન જ કરીએ એવું એ દ્રઢપણે માની લેતા હોય છે. એમાં જરાપણ બદલાવ આવે તો એને આંચકો લાગે છે. એનાથી સહન થતું નથી. બાય ધ વે, તમારા માટે કોને એવું છે કે તમે એના માટે બધું છો? એનું ધ્યાન રાખજો. સંબંધને બહુ સલુકાઇથી ટેકલ કરવા પડતા હોય છે. આપણે આપણી વ્યક્તિ પાસે જાતજાતની અપેક્ષાઓ રાખીએ છીએ પણ એની અપેક્ષાની આપણને કેટલી પરવા હોય છે. એક માળીને જ્યારે અપેક્ષા વિશે સવાલ કર્યો ત્યારે તેણે સરસ જવાબ આપ્યો કે, તમે જો છોડ પાસેથી ફૂલની અપેક્ષા રાખતા હોવ તો છોડને પાણી પીવડાવીને સિંચતો રહેવો પડે છે. આપણે જો એવું ઇચ્છતા હોઇએ કે કોઇ આપણી સંવેદનાઓને જીવતી રાખે તો આપણે પણ તેની સંવેદનાને ઠેંસ પહોંચે એવું કરવાથી દૂર રહેવું જોઇએ. આપણે ઘણી વખત જાણે અજાણે આપણી વ્યક્તિનું જ દિલ દુભવી દઇએ છીએ. માણસ આખી દુનિયાના ઘા સહન કરી લેશે પણ પોતાની વ્યક્તિનું નાનકડું ઇગ્નોરન્સ કે નાનકડી બેદરકારીથી પણ એને લાગી આવશે. આખી દુનિયા તમને પ્રેમ કરતી હોય પણ તમે જેને પ્રેમ કરતા હોવ એ તમને પ્રેમ ન કરે ત્યારે આખી દુનિયાના પ્રેમનું કોઇ મહત્ત્વ રહેતું નથી. જે તમને પ્રેમ કરે છે, જેને તમારી ચિંતા છે, જેને તમારાથી ફેર પડે છે એને ઓછું આવવા નહીં દેતા, એ છે તો બધું છે, એ છે તો જિંદગી જીવવા જેવી લાગે છે. એ ન હોય તો બધું હોય તો પણ એનો કોઇ અર્થ લાગતો નથી!

છેલ્લો સીન :

માફ કરવાની પણ એક હદ હોય છે. માફ કરવું એ મહાનતા છે પણ એક જ વ્યક્તિને વારંવાર માફ કરવી એ મૂર્ખતા છે!                                                         –કેયુ.

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 10 એપ્રિલ 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “તું આવું કરીશ એની મને કલ્પના નહોતી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: