ટેક્નોલોજીના કારણે ભુલાતી
જાય છે સંવાદની કળા
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
કમ્યુનિકેશન સ્કિલ દરેક વ્યક્તિની પર્સનાલિટીમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ટેક્નોલોજીના કારણે માણસ આખો દિવસ મોબાઇલ, લેપટોપ કે કમ્પ્યુટર સામે બેસી રહે છે.
મોટા ભાગનું કમ્યુનિકેશન હવે ટેક્સ્ટથી થાય છે.
મિટિંગો ઓનલાઇન થવા લાગી છે.
માણસ હવે આંખમાં આંખ પરોવીને વાત કરતો નથી.
લોકોની વાતમાં હવે પહેલાના લોકો જેવો પ્રભાવ વર્તાતો નથી.
માણસના સંવાદમાંથી સત્ત્વ જ ગાયબ થઇ ગયું છે.
હવે આપણને દરેકની વાત સંભળાય છે પણ સ્પર્શતી નથી!
———-
એક પિતા – પુત્ર રૂમમાં બેઠા હતા. દીકરો મોબાઇલ પર સોશિયલ મીડિયામાં મસ્ત હતો. પિતાએ કહ્યું કે, તું બહાર જા ત્યારે આ એક કામ કરતો આવજે. ફોનમાંથી નજર ઊંચી કર્યા વગર જ દીકરાએ જવાબ આપ્યો, ભલે પપ્પા. પપ્પાનો અવાજ થોડોક ઊંચો થયો અને કહ્યું, આમ મારી સામે જોઇને વાત કર! તું હા પાડે છે પણ તારું ધ્યાન બીજે છે!
હમણાં એક રિલ બહુ ચાલે છે. હવેના સમયમાં તમે કોઇના ઘરે જાવ ત્યારે ઘરના સભ્યો પગે ન લાગે કે વંદન ન કરે તો કંઇ નહીં, એ તમને જોઇને પોતાનો મોબાઇલ સાઇડમાં મૂકી દે તો પણ એવું સમજવું કે, એને તમારા પ્રત્યે આદર છે! ટેક્નોલોજીએ માણસનું વર્તન જ નહીં, આખેઆખા માણસને બદલી નાખ્યો છે! અમેરિકા અને બ્રિટનમાં થયેલા અનેક અભ્યાસોમાં એવું બહાર આવ્યું છે કે, આખો દિવસ સ્ક્રીનની સામે ગોઠવાયેલો માણસ આર્ટ ઓફ કમ્યુનિકેશન ભૂલતો જાય છે. તમને એવા ઘણા કિસ્સાઓ જોવા મળશે કે, તમે કોઇને મળવા માટે ગયા હોવ ત્યારે સામેના માણસનું ધ્યાન મોબાઇલ અથવા લેપટોપ પર જ હોય છે. માણસ પોતાની સામે જે વ્યક્તિ ઊભી કે બેઠી હોય એની પરવા કરતો નથી અને જે દૂર છે તેની સાથે મેસેજથી વાત કરતો હોય છે. નિષ્ણાતો એવી સલાહ આપે છે કે, જ્યારે કોઇ તમારી સાથે વાત કરતું હોય કે તમે કોઇની સાથે વાત કરતા હોવ ત્યારે મોબાઇલ હાથમાં ન રાખો. ઘણી વખત એવું થાય છે કે, બે વ્યક્તિ વાત કરતી હોય અને મોબાઇલની રિંગ વાગે છે. માણસ મોબાઇલ પીક કરે છે અને લાંબી લાંબી વાતોએ લાગી જાય છે. ક્યારેક તો એ ભૂલી જાય છે કે, મારી સામે કોઇ બેઠું છે. કોઇ સાથે વાત કે મિટિંગ ચાલતી હોય અને કોઇનો ફોન આવે ત્યારે ઇમ્પોર્ટન્ટ હોય તો જ ફોન ઉપાડવો જોઇએ. માણસે એ નક્કી કરવાનું રહે કે, અત્યારે સામે બેઠેલી વ્યક્તિની વાત મહત્વની છે કે પછી ફોન આવ્યો છે એની વાત જરૂરી છે? માનો કે ફોન ઉપાડવો પડે એમ જ હોય તો પણ વાત જેમ બને એમ ટૂંકી કરવી જોઇએ. જે માણસ તમને મળવા આવ્યો હશે એ એનો સમય તમારા માટે વાપરે છે. તમને મળીને એને એવું ન થવું જોઇએ કે, હું ક્યાં આને મળવા આવ્યો? તમે કેવી રીતે બિહેવ કરો છો એના ઉપરથી એ તમારું માપ કાઢી લે છે. તમને માણસની કેટલી પરવા છે એ ખબર પડી જાય છે.
ટેક્નોલોજીના કારણે ડિસિઝન મેકિંગમાં પણ અવરોધ આવવા લાગ્યા છે. જ્યારે કોઇ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય છે ત્યારે એના પર શાંતિથી વિચાર કરવાની જરૂર પડે છે. ધ્યાન બીજે હશે તો તમે યોગ્ય નિર્ણય લઇ શકશો નહીં. ઓફિસની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી મોબાઇલની એક ડિસિપ્લિન મેઇન્ટેન થવી જોઇએ. અમુક કંપનીઓ તો ઓફિસમાં મોબાઇલ વાપરવાની છૂટ જ આપતી નથી. એક વાત તો નક્કી છે કે, આપણે બધા મોબાઇલનો ઉપયોગ કામ માટે બહુ ઓછો કરીએ છીએ. વોટ્સએપમાં કામનો કોઇ મેસેજ નથીને એ ચેક કરવામાં આપણે નકામા મેસેજિસ પણ જોવા લાગીએ છીએ. હવે એવું થઇ ગયું છે કે, અમુક કામો માટે મોબાઇલ, ઇમેલ અને મેસેજિસ વગર ચાલે જ નહીં. બહુ ઓછા લાકો કામના સમયે માત્ર કામના મેસેજ જ જોતા હોય છે. મોબાઇલના કારણે આખું વર્કિંગ એટમોસ્ફિયર ડિસ્ટર્બ થતું હોવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે.
આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણી વાતમાં કેટલો ફોર્સ હોય છે? આપણી વાતમાં કેટલી ક્લેરિટી હોય છે? આપણા શબ્દોમાં કેટલો દમ હોય છે? બોલવાની એક છટા હોય છે, એક રિધમ હોય છે. ધીમે ધીમે આ કળાઓ નબળી પડતી જાય છે. બહુ ઓછા લોકો પ્રભાવી સંવાદ સાધી શકે છે. કમ્યુનિકેશન અંગેના એક અભ્યાસ એવું કહે છે કે, ટેક્નોલોજીના કારણે લોકો બીજાને જોઇને એની કોપી કરવા લાગ્યા છે. આપણે કોપી ન કરીએ તો પણ આપણે મોબાઇલ પર જે જોઇએ છીએ એની અસર જાણે-અજાણે આપણામાં આવી જાય છે. અગાઉના સમયમાં દરેકની પોતાની નેચરલ સ્ટાઇલ હતી. એ યુનિક હતી. કોઇની કોપી નહોતી. વાત કરતી વખતે આરોહ અવરોહનું પણ ઇમ્પોર્ટન્સ હોય છે. હવે મોટા ભાગની ટોક ફ્લેટ થતી જાય છે. તમામ મિટિંગમાં વાતચીતની જે રીત હોય છે એ ઓલમોસ્ટ સરખી હોય છે.
કમ્યુનિકેશનના એક એક્સપર્ટે બહુ સરસ વાત કરી છે. તેમણે કહ્યું કે, હવે માણસે ડિજિટલ અને હ્યુમન ઇન્ટરએકશનમાં બેલેન્સ રાખતા શીખવું પડશે. ડિજિટલ કમ્યુનિકેશનના કારણે હ્યુમન ઇન્ટરએકશન નબળું પડી ગયું છે. તેમણે એમ પણ કહ્યું કે, માણસના પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ હ્યુમન કમ્યુનિકેશન જરૂરી છે. આજે થાય છે એવું કે, માણસ મેસેજ તો સરસ કરી દે છે પણ જ્યારે ફેસ ટુ ફેસ વાત કરવાનો સમય આવે ત્યારે ઇમ્પ્રેસિવ લાગતો કે લાગતી નથી. બોડી લેન્ગવેજ જ પાવરફૂલ નથી હોતી.
વાત માત્ર પ્રોફેશનલ ફિલ્ડની જ નથી, સંવાદના અભાવ અને સંવાદની અણઆવડતના કારણે લોકોના સંબંધો પણ પાતળા પડતા જાય છે. પતિ-પત્ની પાસે વાત કરવાના વિષયો નથી. મા-બાપના દીકરા-દીકરી સાથેના સંબંધોમાં પહેલા જેવી મીઠાશ નથી. દરેક પોતાની દુનિયામાં મસ્ત છે. ઘરમાં બધા સાથે હોય તો પણ બધા સાથે હોતા નથી. બેઠા હોય છે ઘરમાં અને મોબાઇલથી બહાર કોઇની સાથે કનેક્ટેડ હોય છે. માણસનો પોતાની જાત સાથેનો સમય અને સંબંધ પણ ઘટી ગયો છે. એક મિનિટ નવરો પડે ત્યાં માણસ તરત જ મોબાઇલ હાથમાં લઇ લે છે. તમે માર્ક કરજો, મોટા ભાગના લોકો રોડ પર જતા હોય અને રેડ સિગ્નલ હોય તો તરત જ મોબાઇલ જોવા માંડે છે. થોડીક સેકન્ડનો મામલો હોય તો પણ એ છોડી શકતા નથી. મોબાઇલના કારણે માણસ બીજું કંઇ ફીલ જ કરી શકતો નથી. એક નિષ્ણાતે તો એવી આગાહી કરી છે કે, આવું જ ચાલ્યું તો એક સમયે માણસનો બોલવાનો લહેકો પણ ડિજિટલ વોઇસ જેવો થઇ જશે. હવે નાના છોકરાઓ પણ મોબાઇલ લઇને બેઠા હોય છે. તમે માર્ક કરજો, એ બાળકો હવે મોબાઇલમાં જે સાંભળે છે એવી સ્ટાઇલમાં બોલવા લાગ્યા છે. એની પોતાની કોઇ નેચરલ સ્ટાઇલ જ રહી નથી.
હવે એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે ત્યારે શું વાત કરવી એની સમજ નથી પડતી. એક સમય હતો જ્યારે માણસ ટ્રેન કે બસમાં સફર કરતી વખતે અજાણ્યા મુસાફર સાથે પણ અલકમલકની વાતો કરતો હતો. હવે તો સફરમાં પણ કોઇ વાત કરતું નથી. બધા પોતપોતાના ગેઝેટમાં મશગૂલ હોય છે.
મનોચિકિત્સકો અને સમાજ શાસ્ત્રીઓ કહે છે કે, એક વાત યાદ રાખો કે તમે માણસ છો, તમારે રોબોટ બનવાનું નથી. માનવીય સંબંધો અને માનવીય સંવેદનાઓને જીવતી રાખવી હોય તો લોકો સાથે વાતો કરો, લોકોને મળો, દરેક વસ્તુ, દરેક ઘટના અને દરેક પ્રસંગને ફીલ કરો. પ્રકૃતિનું સાંનિધ્ય માણો. ખુલ્લી હવામાં પોતાની હાજરીને મહેસૂસ કરો. આ તમારા પોતાના માટે જરૂરી છે. જો ધ્યાન નહીં રાખો તો તમે પોતે મશીન જેવા બની જશો અને તમને ખબર પણ નહીં પડે! તમારી વાતમાં તો જ વજન પડશે જો તમારી પાસે નોલેજ હશે, શબ્દો હશે અને પોતાની આગવી સ્ટાઇલ હશે. વાત કરતી વખતે હન્ડ્રેડ પર્સન્ટ હાજર રહો! જે દૂર છે એ રાહ જોઇ શકશે, સામે છે અને સાથે છે એ વધુ મહત્વના છે. એટલું યાદ રાખજો કે, સંબંધો અને સંવાદ હશે તો જ જિંદગી અને સુખને માણી શકાશે!
હા, એવું છે!
એક સાયકોલોજિકલ રિસર્ચ એવું કહે છે કે, જે માણસ સામાન્ય સંજોગોમાં જો બહુ હસતો ન હોય અને સીરિયસ પ્રકારનો હોય, એ જો અચાનક હસવાનું વધારી દે તો સમજવું કે એ પોતાનું કોઇ પેઇન છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે!
(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 12 જાન્યુઆરી 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com