આપણા બધાની લાઇફમાં હવે પ્રાયવસી જેવું કંઇ રહ્યું જ નથી! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આપણા બધાની લાઇફમાં હવે

પ્રાયવસી જેવું કંઇ રહ્યું જ નથી!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

તમને એ વાતની ખબર છે કે, આપણા બધાની જાસૂસી થઇ રહી છે?

આ વાતથી તમને કદાચ એવો વિચાર પણ આવશે કે, આપણી જાસૂસી કરીને

કોઇ શું ફાયદો મેળવી લેવાનું છે? જાસૂસી કરાવનારના ઘણા ફાયદા છે.

પોતાનો માલ વેચવાવાળા આપણને ખબર ન પડે એમ આપણી પસંદ નાપસંદ જાણી લે છે.

આપણા ઓનલાઇન વર્તન ઉપર નજર રાખીને આપણી આદતથી માંડીને દાનત સુદ્ધાં

એમને ખબર પડી જાય છે. થોડુંક લાંબું વિચારશો તો સમજાશે કે,

આપણે શું ખરીદવું, શું ખાવું, શું પીવું, શું પહેરવું ઓઢવું એ પણ હવે

બીજા લોકો નક્કી કરવા લાગ્યા છે.

પેગાસસ સ્પાયવેર મોટા માથાઓ માટે વપરાય છે,

આપણા જેવા લોકો માટે તો ઢગલાબંધ સ્પાયવેર એક્ટિવ જ હોય છે!  

 ———-

પ્રાયવસી ક્રાઇસીસ એ આજના સમયની સૌથી મોટો ઇશ્યૂ છે. આપણે બધા આખો દિવસ સર્વેલન્સમાં જ હોઇએ છીએ. તમને સવાલ થશે કે, ઘરે હોઇએ ત્યારે ક્યાં કોઇ જોતું હોય છે? આ આપણો ભ્રમ છે. મોબાઇલ તો આપણી સાથે જ હોય છેને? આપણને ખબર ન હોય એમ આપણી તમામ વર્તણૂક પર નજર રાખવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નામે આપણી પર્સનલ લાઇફ ઉપર નજર રાખવામાં આવે છે. તમને શું ગમે છે, તમારી ચોઇસ કેવી છે, તમે શું જુઓ છો, તમે શું સાંભળો છો. તમે ક્યારે સૂવો છો, ક્યારે ઉઠો છો, તમે ક્યા પક્ષને ફોલો કરો છો, તમારી માનસિકતા કેવી છેથી માંડીને તમારી વૃતિ અને પ્રકૃતિ કેવી છે એની પણ ઘણા બધાને ખબર છે. ઘણા લોકો એવું પણ વિચારે છે કે, ભલેને ખબર હોય, આપણને શું ફેર પડે છે? આપણને ફેર પડે છે, કારણ કે આપણી લાઇફ માત્રને માત્ર આપણી છે.

પેગાસસ સ્યાયવેરે આપણા દેશમાં જબરજસ્ત ઉહાપોહ સર્જયો. ટેકનોલોજીએ જાસૂસીને સાવ સરળ બનાવી દીધી છે. જાસૂસી જ્યારથી માણસ જાતનું અસ્તિત્ત્વ છે ત્યારથી કોઇને કોઇ રીતે ચાલતી રહી છે. એની રીત-રસમ બદલતી રહી છે. પેગાસસ જેવા તગડા સ્પાયવેર મોટા માથાઓ માટે વાપરવામાં આવે છે. આપણે વાત તમારા, મારા અને આપણા જેવા લોકોની કરવી છે. તમને ખબર છે કે, તમારા મોબાઇલમાં સ્યાયવેર છે કે નહીં? આપણે આંખો મીંચીને અનેક એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરી લઇએ છીએ. એપ્લિકેશનો ખોલીએ એ પછી એક શબ્દ પણ વાંચ્યા વગર આપણે એગ્રી પર ક્લિક કરીને એ લોકોને બધી પરવાનગી આપી દઇએ છીએ. હવે તો એપ્લિકેશનને આપણે આપણા લોકેશનથી માંડીને ગેલેરી સુધીના એસેસ ન આપીએ તો એપ્લિકેશન ચાલતી જ નથી. આપણા બધા જ ડેટા સાવ મામૂલી ભાવે બજારમાં વેચાઇ રહ્યા છે. હેકરો અને જાસૂસો બહુ આસાનીથી આપણા ફોનમાં ઘૂસી જાય છે. એક મિસ કોલ આવે છે અને આપણા ફોનમાં સ્પાયવેર ઘૂસી જાય છે. કોઇ અજાણ્યા નંબર પરથી ફોન આવે છે, તમે ઉપાડો છો, સામે છેડેથી સવાલ પૂછવામાં આવે છે કે, ફલાણા ભાઇ? તમે ના પાડો છો. પેલો માણસ બહુ જ નમ્ર સ્વરમાં સોરી રોંગ નંબર કહીને ફોન કટ કરી નાખે છે. એ માણસે એણે જે કામ કરવું હોય છે એ કરી લીધું હોય છે. તમારા ફોનમાં શું આવી ગયું એની તમને ખબર જ નથી હોતી.

આપણી જાસૂસી કરવા પાછળ એમનો ઇરાદો બીજો કોઇ નથી હોતો, માત્ર આપણા ખીસ્સા પર એની નજર હોય છે. એને એનો માલ વેચવો હોય છે. હવે આપણી પસંદગી પણ બીજા લોકો નક્કી કરવા લાગ્યા છે. હવે તો એ વાતની બધાને ખબર છે કે, આપણે એક વાર ગૂગલમાં કંઇ સર્ચ કરીએ એ પછી કોઇપણ એપ્લિકેશન ખોલીએ એટલે એ પ્રોડક્ટની જાહેરાત જ આપણી સામે આવે છે. તમે કંઇ જુઓ એ પછી એ જ વિષયની ક્લિપો અને માહિતીઓ તમારી સામે આવે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર રિલ્સ પર પણ નજર રાખો તો ખબર પડે કે તમને જેવી રિલ્સ જોવી ગમતી હોય એ જ તમારી સામે આવતી રહે છે. તમને ગમે તેમ કરીને જકડી રાખવાના તમામ નુસખાઓ અજમાવતા રહે છે. એવું નથી કે, તમારી સામે ગંદું કે અયોગ્ય જ આવે, તમને ધાર્મિક બાબતો કે સત્સંગમાં રસ હોય તો એ પણ સતત સામે આવ્યા રાખે છે.

આપણને અંદાજ ન આવે એ રીતે આપણું બ્રેન વોશ થતું હોય છે. તમે જે પોલિટિકલ પાર્ટીને ફોલો કરતા હોવ એના વિશેની વિગતો તમારી સામે મૂકવામાં આવે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોકોને અલગ અલગ કેટેગરીમાં ડિવાઇડ કરી દે છે. ડેટા ખરીદનારાઓની ડિમાન્ડ મુજબ વિગતો વેચવામાં આવે છે. દાખલા તરીકે લકઝરી કાર વેચનારાઓ એવા લોકોના ડેટા જ ખરીદે છે જે ધનવાનો છે અને જેમને મોંઘીદાટ કાર ખરીદવી પોષાય છે. તમને પાંચથી દસ લાખની સાદી કાર પરવડે એમ હોય તો એ કક્ષાની કારની જાહેરાતો જ તમારી સમક્ષ આવવાની છે. કહેવાનો મતલબ એ છે કે, આપણી બાઇક કેપેસિટીની એમને ખબર છે. આપણું સ્ટેટસ અને આપણી ત્રેવડ કેટલી છે એ આપણા કમ્યુનિકેશન પરથી તારવી લેવાય છે. કોર્પોરેટ કંપનીઓ માટે તમે એક ગ્રાહક છો, પોલિટિકલ પાર્ટી માટે તમે એક મતદાર છો, ધાર્મિક સંસ્થાઓ માટે તમે ભક્ત કે ફોલોઅર છો, તમે કોના માટે શું છો એ તમને ખબર નથી હોતી પણ એ લોકોને હોય છે જેને તમારાથી કોઇને કોઇ સ્વાર્થ છે.

આજના હાઇટેક જમાનામાં સાચી વાતને ખોટી અને ખોટી વાતને સાચી સાબિત કરી દેવી પણ બહુ આસાન છે. આપણા મનમાં કોઇ ખોટી માન્યતા ઘર કરી ગઇ હોય તો એને પણ બળ આપવામાં આવે છે. સમાજશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકો કહે છે કે, હવે માણસે વધુ સમજુ બનવાની જરૂર છે. જે એની સામે આવે છે એને પારખવાની આવશ્યકતા રહે છે. મજાની વાત એ છે કે, માણસ સમજુ બનાવાને બદલે જે સામે આવે એને સ્વીકારવા લાગ્યો છે. કોઇ વાત સામે આવે એને મૂલવવાની મહેનત જ કોઇ કરતું નથી. આપણી સામે જે ધરવામાં આવે છે એને આપણે અપનાવવા લાગ્યા છીએ. આપણને કહેવામાં આવે છે કે, આ જુઓ, આ વાઇરલ થયું છે, આ સૌથી વધુ જોવાયું છે, આને સૌથી વધુ હિટ મળી છે, આ ટોપ ઉપર છે. આપણને કુતૂહલ જાગે છે કે, હાલને જોઇએ તો ખરા કે આમાં એવું તો શું છે કે આટલા બધાએ જોયું છે! એક એવો ગાળિયો આપણી આજુબાજુમાં ફરતો રહે છે જેમાં આપણે ક્યારે ફસાઇ ગયા એનો આપણને અણસાર સુદ્ધાં આવતો નથી.

હવે સવાલ એ થાય કે આનાથી બચવું કઇ રીતે? આમ તો એનાથી બચવાનો કોઇ સીધો સાદો કે સરળ ઉપાય નથી. હા, તમે ચાવચેત રહેવા ઇચ્છો તો રહી શકો, કંઇ તમારી સામે આવે ત્યારે એ જે સ્વરૂપમાં સામે આવે છે એને માની કે સ્વીકારી લેવાના બદલે વિચારો કે આ વાત સાચી અને ભરોસાપાત્ર તો છેને? કંઇ ખરીદવાનું હોય તો પણ એટલો વિચાર પણ કરો કે મારે આની ખરેખર જરૂર તો છેને? લોકોને હવે એવી માનસિક બીમારીઓ લાગુ પડી ગઇ છે કે, એ લોકો અમુક દિવસ સુધી ઓનલાઇન કંઇ ન ખરીદે તો એને ચેન પડતુ નથી. ચારે બાજુ શિકારીઓ જાળ પાથરીને બેઠા છે અને તમે ગલમાં આવો એની જ રાહ જુએ છે. આવું બધું ક્યારેય બંધ તો થવાનું જ નથી, ઉલટું આજે છે એના કરતા અનેકગણું વધે એવી શક્યતાઓ છે. આપણી પ્રાયવસીમાં પંચર પાડનારાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. બચ સકો તો બચ લો, બાકી એવા ચાન્સિસ બહુ ઓછા છે!

હા, એવું છે! :

ખાવા કે જમવા વિશેનું એક તથ્ય ખરેખર મજા આવે એવું છે. આપણે આપણી જિંદગીમાં પાંચ વર્ષ જેટલો સમય માત્ર ખાવામાં વિતાવીએ છીએ! આખી જિંદગી દરમિયાન આપણે આપણા વજનનો સાત હજાર ગણા ખોરાક આરોગીએ છીએ!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 28 જુલાઇ 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *