ઘર, સ્વીટ હોમ : તમારી ધરતીનો છેડો કેવો છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ઘર, સ્વીટ હોમ : તમારી
ધરતીનો છેડો કેવો છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

​​માણસને સાચું સુખ ને ખરી શાંતિ પોતાના ઘરમાં જ મળે છે. 

ઘરની ગોઠવણ માણસની માનસિકતા બનાવે છે અથવા તો બગાડે છે. 

આપણા ઘરના વાતાવરણ વિશે આપણે કેટલા અવેર હોઇએ છીએ?


———–

ઘર. હોમ. સ્વીટ હોમ. ધરતીનો છેડો. ઘર વિશે ઘણું બધું કહેવાયું, લખાયું અને બોલાયું છે. ઘર વિશે એક વાત તમને ખબર છે? દરેક માણસની લાઇફમાં બે ઘર હોય છે. એક તો પોતે જે રહેતા હોય એ ઘર અને બીજું પોતાની કલ્પનાનું ઘર. તમને કોઇ એવું કહે કે, તમારી કલ્પનાનું ઘર કેવું છે તો તમે શું જવાબ આપો? તમે અત્યારે જ્યાં રહો છો એ ઘર તમને ગમે છે? ઘર ગમતું હોય શકે છે પણ એ ઘર આપણી કલ્પનાનું હોય એવું જરૂરી નથી. તમારી પાસે પૂરતો પૈસો હોય અને તમે તમારી કલ્પનાનું ઘર બનાવી શકો એમ હોવ તો કદાચ તમે અત્યારે જ્યાં રહો છો ત્યાં ન રહો! ઘરનો ખયાલ વાસ્તવિકતા અને કલ્પનાશીલતા વચ્ચે ઝૂલતો રહે છે. દરેકને કલ્પના મુજબનું ઘર મળતું નથી એટલે માણસ જે મળ્યું છે એને બેસ્ટ બનાવવાનો પ્રયાસ કરતો રહે છે. આખરે ઘર જ એવી જગ્યા છે જ્યાં આપણને શાંતિ અને સુખ મળે છે. અલબત્ત, બધાનાં નસીબમાં એ પણ નથી હોતું. ઘર હોય છે પણ ત્યાં શાંતિ હોતી નથી. જ્યાં શાંતિ ન હોય ત્યાં સુખ તો ક્યાંથી હોવાનું?
ઘર માટે દરેકના પોતાના ખયાલો, વિચારો અને ઇચ્છાઓ હોય છે. ઘરના ઘરનું સપનું દરેકને હોય છે. ઘર ભલે નાનું તો નાનું પણ પોતાનું હોવું જોઇએ. ઘણા લોકોને મોટું ઘર પરવડે એમ હોય તો પણ નાનું ઘર જ પસંદ કરે છે. ધ્યાન તો રાખવુંને! ઘરની સજાવટ પણ દાદ માંગી લે એવું કામ છે. ઘણાનાં ઘર સાવ નાનાં બે કે ત્રણ રૂમનાં હોય છે પણ એણે ઘરને એવી સરસ રીતે સજાવ્યું હોય છે કે, રહેવાની મજા આવે! ઘણાનાં ઘરનાં કંઇ ઠેકાણાં જ હોતાં નથી. આપણે ઘણા વિશે એવું સાંભળીએ છીએ કે, ભગવાને સરસ ઘર આપ્યું છે પણ એને સાચવતા અને રહેતા જ નથી આવડતું. ઘર આપણી આવડત છતી કરી દે છે. ઘરની સજાવટ ઘરની સ્ત્રીના હાથમાં હોય છે. ઘરમાં પગ મૂકીએ એટલે ઘરની ગોઠવણ અને ચોખ્ખાઇ જોઇને ઘરની વ્યક્તિની એક ઇમેજ મનમાં રચાતી હોય છે. તમને ખબર છે, ગોઠવણ પરથી સફળતા, નિષ્ફળતા, સુખ, શાંતિ અને બીજું ઘણું બધું નક્કી થતું હોય છે. આપણે અહીં વાસ્તુની વાત નથી કરવી. વાસ્તુનું શાસ્ત્ર ખૂણા અને દિશા પર આધાર રાખે છે. વાસ્તુશાસ્ત્રની અસરોથી કોઇ ઇનકાર કરી શકે એમ નથી. એનું કારણ એ છે કે, એ હવા, પ્રકાશ, દિશા અને દશા નક્કી કરીને બનાવાય છે. એક રીતે જોવા જઇએ તો એ પ્યોર સાયન્સ છે. હવેના સમયમાં આપણે ઇચ્છીએ તોયે વાસ્તુને ફૉલો કરી શકતા નથી. ઘરનો માંડમાંડ મેળ પડતો હોય એવા સંજોગોમાં ઘણાં બધાં કોમ્પ્રોમાઇઝ કરવા પડતાં હોય છે. જોકે, ઘરની ગોઠવણ તો માણસ પોતાની મરજી મુજબ કરી જ શકે છે.
ઘરની પોઝિટિવિટી અને નેગેટિવિટી વિશે અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટી દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ સ્ટડીમાં એવું જણાયું હતું કે, જેનાં ઘર ચોખ્ખાં નહોતાં એ લોકોને શારીરિક અને માનસિક ઇશ્યૂઝ હતા. ઘર જો વ્યવસ્થિત ન હોય તો તણાવ સર્જાય છે. ઘર વિશેનો એક બીજો અભ્યાસ એવું કહે છે કે, તમારા ઘર સાથે તમારું ઇન્વૉલ્વમેન્ટ કેવું છે એ વિશે ક્યારેય વિચાર કર્યો છે? સારા મૂડ માટે ઘરનું થોડું થોડું કામ કરતાં રહેવું જોઇએ. દરેક વસ્તુ પર થોડા થોડા સમયે હાથ ફેરવતા રહો. ઘરની ચીજ-વસ્તુઓ પણ જીવંત લાગવી જોઇએ. ઘણાં ઘરોમાં એવું જોવા મળે છે કે, એક વખત કોઇ ચીજ અમુક ચોક્કસ જગ્યાએ મૂકી દીધી પછી એ ત્યાંની ત્યાં પડી રહે છે. આપણે માનીએ કે ન માનીએ, એ ચીજ પણ પડી પડી જડ જેવી થઇ જતી હોય છે! આપણે જે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા હોઇએ તે મેલી ન થઇ હોય તો પણ એને સાફ કરતાં રહેવું જોઇએ, એનાથી એક પ્રકારની ફ્રેશનેસનો અનુભવ થશે.
મેન્ટલ હોસ્પિટલમાં જેમની સારવાર ચાલતી હતી એવા લોકો જ્યાં રહેતા હતા તેના પર પણ એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. એ બધાનાં ઘરમાં બધું આડેધડ પડ્યું હતું. તમે પણ માર્ક કરજો, તમારાં સગાં-વહાલાં કે દોસ્તોનાં ઘર જોજો, એમનું ઘર જેવું હશે એવી જ એમની માનસિકતા હશે. એક બહેનની આ વાત છે. એ હંમેશાં ગૂંચવાયેલાં જ રહેતાં હતાં. તેના મગજમાં જાતજાતના વિચારો ચાલતા જ રહેતા હતા. વિચારોમાં જ કોઇ સ્પષ્ટતા નહોતી. એના ઘરની તપાસ કરતાં એવું બહાર આવ્યું હતું કે, તેના ઘરમાં કોઇ જાતની ગોઠવણ જ નહોતી! ગમે તે વસ્તુ, ગમે ત્યાં પડી હતી. સોફો આડોઅવળો થઇ જાય તો એને પાછો મૂળ જગ્યાએ પણ નહીં મૂકવાનો! ટેબલ, ખુરશી કે ઘરનું બીજું રાચરચીલું આડેધડ પડ્યું રહેતું હતું. આ વિશે એક ચર્ચા એ પણ થઇ હતી કે, ઘર આડેધડ છે એટલે મગજ વિચિત્ર રીતે કામ કરે છે કે પછી મગજ અસમંજસવાળું છે એટલે ઘર વેરવિખેર રાખે છે? અલ્ટિમેટલી કોણ કોને રિફ્લેક્ટ કરે છે? ગમે તે હોય, જો ઘર બરોબર ન હોય તો સમજી લેવાનું કે કોઈ પ્રોબ્લેમ છે!
દર વખતે બધું એકદમ ચોખ્ખુંચણાક જ રાખવું જરૂરી નથી. સતત અને સખત ચોખ્ખાઇ એ એક પ્રકારનો મેન્ટલ ડિસઓર્ડર પણ છે. ઓસીડી એટલે કે ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર વિશે તો તમે સાંભળ્યું જ હશે. કહેવાનો મતલબ એ છે કે, વાત સફાઇની હોય કે ગંદું રાખવાની હોય, વધુ પડતું કંઇ સારું નથી. ઘર વ્યવસ્થિત હોય એ પૂરતું છે. માણસે પોતાના ઘરમાં પણ તપાસ કરતા રહેવી જોઇએ કે, ખરેખર કેટલો એવો સામાન છે જે સાવ નક્કામો છે? આપણે કોઇ દિવસ વાપરતા ન હોય અને કોઇ દિવસ વાપરવાના ન હોય એવો સામાન પણ ઘરમાં ખડકાયેલો હોય છે. એક સાવ સાચો કિસ્સો છે. એક કપલના ઘરમાં કંઇ આવે એટલે એ વિચારે કે આપણા કંઈ કામનું છે? ના હોય તો એ તરત જ કોઇને આપી દે. એ કહે કે, સાચવી રાખવું અને જૂનું થાય ત્યારે આપવું એ કરતાં તો નવું હોય ત્યારે જ ન આપી દઇએ? કોઇ વાપરે તો ખરું! કોઇને આપતા પહેલાં એ પણ વિચારવાનું કે, આ વસ્તુની કોને જરૂર છે? કોને આ કામમાં લાગશે? એવું ન વિચારીએ તો એ વસ્તુ આપણા ઘરમાંથી નીકળીને કોઇકના ઘરમાં પડી રહેશે. માણસ ખરીદીમાં પણ ક્યારેક ભૂલ કરી બેસે છે. જરૂર ન હોય એવી ખરીદી કરી લે છે. વાત માત્ર ખર્ચની નથી, તમને પરવડતું હોય તો પણ કંઇક ખરીદતા પહેલાં એટલું વિચારો કે, તમને ખરેખર એ વસ્તુની જરૂર છે ખરી?
તમારા ઘરને ગોડાઉન ન બનવા દો. ઘર ગોડાઉન બનશે તો મગજ પણ એવું જ થઇ જશે. ઘર આપણું સ્વર્ગ હોય છે. સ્વીટ હોમ કહી દેવાથી કે ઘરની બહાર પાટિયું લગાડી દેવાથી ઘર સ્વીટ થઇ જવાનું નથી. ઘરને સ્વીટ રાખવું પડે છે. આ બધા ઉપરાંત એક વાત એ પણ સાચી છે કે, ઘર ગમે એટલું સુંદર હશે પરંતુ ઘરના લોકો વચ્ચે પ્રેમ અને લાગણી નહીં હોય તો પણ સુખનો અનુભવ થવાનો નથી. આખી દુનિયામાં આપણું ઘર એ જ એક એવું સ્થળ છે જ્યાં આપણું અસ્તિત્વ બને કે બગડે છે. માત્ર સારી કે મોંઘી વસ્તુ ગોઠવી દેવાથી ઘર જીવંત બની જતું નથી, ઘરને ફીલ કરવું જોઇએ. આપણે ઘરમાં જીવતાં હોઇએ એની સાથે ઘર પણ આપણામાં જીવતું રહેવું જોઈએ!
હા, એવું છે!
ઘરનો બળ્યો ગામ બાળે. જેને ઘરમાં શાંતિ નથી મળતી એને ક્યાંય શાંતિ મળવાની નથી. આવી વાતો આપણે કહેતા અને સાંભળતા આવ્યા છીએ. એની સાથોસાથ એ પણ હકીકત છે કે, ઘરનો ઠર્યો ગામ ઠારે! માણસની પ્રેરણા અને સફળતાના સ્ત્રોતની સાચી શરૂઆત ઘરમાંથી જ થતી હોય છે.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 25 જાન્યુઆરી 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: