આખરે માણસે કેટલી બચત કરવી જોઈએ? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આખરે માણસે કેટલી
બચત કરવી જોઈએ?


દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

આપણે ત્યાં કહેવાય છે કે બચત બીજો ભાઈ છે. બચત હોય તો ધરપત રહે છે કે,

ખરાબ સમયમાં પણ વાંધો આવશે નહીં!


દરેક માણસ માટે બચત કરવી જરૂરી છે પણ કેટલી બચત કરવી એ સમજવું પણ આવશ્યક છે.

માત્ર ભેગું કરવાની વૃત્તિ એક પ્રકારની વિકૃતિ જ છે!


સંબંધોમાં તમારું રોકાણ અને તમારી બચત કેટલી છે?

જરૂર પડે ત્યારે તમારી પડખે કોણ ઊભું રહે છે? તમે એના માટે શું કરો છો?


———–

આપણા સહુની લાઇફમાં સૌથી વધુ આર્થિક અસરો ઊભી કરતાં જો કોઈ મુખ્ય ત્રણ પરિબળો હોય તો એ છે, આવક, ખર્ચ અને બચત! મોટા ભાગના લોકોને એવું લાગતું હોય છે કે, સાલ્લું ગમે તે કરીએ તો પણ બે છેડા ભેગા જ નથી થતા! બે છેડા ભેગા થાય તો કંઈક બચેને! ઘણા લોકોનાં મોઢે તો બચતનું નામ લઇએ કે તરત જ એ ભડકે છે! માંડમાંડ પૂરું થાય છે એમાં તું બચતની વાત ક્યાં કરે છે? બચત વિશે એવું કહેવાતું રહ્યું છે કે, બચત બીજો ભાઇ છે. જ્યારથી માણસજાત અસ્તિત્વમાં આવી ત્યારથી બચતનો મહિમા ગવાતો આવ્યો છે. સાથોસાથ એ સવાલ પણ ઊઠતો આવ્યો છે કે બચત શા માટે કરવી? બચત કેટલી કરવી? બચત ક્યારે વાપરવી? જિંદગીની વાત નીકળે ત્યારે કહેવાય છે કે એક દિવસ તો બધું છોડીને ચાલ્યા જવાનું છે. માણસ પોતાનો વિચાર તો કરતો જ હોય છે, સાથોસાથ પોતાની પાછળ જેમને છોડી જવાનો છે એના ભવિષ્યની ચિંતા પણ કરતો જ હોય છે. ઘરડે ઘડપણ વાંધો ન આવે એ માટે માણસ બચત કરે છે. એક અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, માણસને સૌથી વધુ ચિંતા મોટી ઉંમરે જો કોઇ બીમારી આવે તો એની સારવારના ખર્ચની હોય છે. પોતે અથવા તો પોતાના પરિવારના સભ્યોને કોઈ જરૂર પડશે તો રૂપિયા ક્યાંથી કાઢીશું એવો સવાલ દરેકને સતાવતો રહે છે.
એચએસબીસી દ્વારા ચાર વર્ષ પહેલા 16 દેશોમાં 16 હજાર લોકો પર સેવિંગ્સ અંગે સરવૅ કરવામાં આવ્યો હતો. તેમાં એવું બહાર આવ્યું હતું કે, દુનિયામાં માત્ર 33 ટકા લોકો જ બચત કરે છે. આપણા દેશમાં બચતનું પ્રમાણ ઘટતું જતું હોવાનું આ અભ્યાસમાં જણાયું હતું. બીજો એક સ્ટડી એવું કહે છે કે, 94 ટકા પરિવારો પોતાની આવકની 70થી 100 ટકા રકમ રોજિંદી જરૂરિયાત પાછળ ખર્ચી નાખે છે. સૌથી મહત્ત્વની વાત એ બહાર આવી હતી કે, દસમાંથી આઠ પરિવારો એવા છે જે કંઇ બચત જ કરી શકતા નથી. આ બધા અભ્યાસો કોરોનાકાળ પહેલાંના છે. કોરોનાએ તો બાદમાં આખી દુનિયાની હાલત ખરાબ કરી નાખી છે. લોકોએ નોકરી અને કામ-ધંધામાં એવા ફટકા ખાધા છે કે જે બચત હતી એ પણ વપરાઇ ગઇ છે. અલબત્ત, કોરોનાએ એ વાત સમજાવી છે કે બચત કરવી જોઇએ. બચતે જ મોટા ભાગના લોકોને કોરોનાના સમય દરમિયાન સર્વાઇવ કર્યાં છે. માણસે પોતાની આવકના મિનિમમ દસથી પંદર ટકાની બચત કરવી જોઈએ. બજેટ એ જ રીતે બનાવવું કે થોડીક રકમ બચે.
દુનિયા મોંઘવારીનાં રોદણાં રડે છે. મોંઘવારી એવી ચીજ છે જે સતત વધતી જ રહેવાની છે. તેની સામે એક દલીલ એવી કરવામાં આવે છે કે, ખરેખર જીવવા માટે જે જોઇએ એ બહુ મોંઘું થયું નથી. આપણા ખર્ચ વધ્યા છે. લક્ઝરી અને બીજી સુવિધાઓ માટે લોકો વધુ ખર્ચ કરતા થયા છે. માણસ વાપરે એમાં કોઇ વાંધો હોય જ ન શકે! બસ, થોડીક બચત કરવાની આદત કેળવવી જોઇએ. એવી કેટલી વસ્તુઓ આપણે ખરીદીએ છીએ જેના વગર આરામથી ચાલી જાય? ખરીદી કરતી વખતે એવો વિચાર પણ કરવો જોઇએ કે મારે ખરેખર એની જરૂર છે ખરી?
વૅલ, હવે બચત વિશે થોડીક બીજા છેડાની વાત. બચત પાછળ એટલા પણ ન દોડો કે જીવવાની મજા ન આવે! નિશ્ચિત બચત કરો અને બાકીનાં નાણાં મસ્તીથી વાપરો પણ ખરા. રૂપિયા વિશે એ વાત પણ હકીકત છે કે, ગમે એટલા રૂપિયા હોય તો પણ ઓછા જ પડવાના છે. પછેડી હોય એટલી સોડ તાણવાની. વધુ પડતી કંજૂસાઇ કરવાની પણ જરૂર નથી. ભેગું કરવા માટે ઘણા લોકો પોતાના માટે જરૂરી હોય એટલું પણ વાપરતા નથી. દરેક માણસ મહેનત કરે છે, માણસે એ પણ વિચારવું જોઇએ કે, આખરે હું આટલી બધી મહેનત કોના માટે કરું છું? મારા માટે હું શું કરું છું? માણસ જેમ બચતનું પ્લાનિંગ કરે છે એમ નાણાં વાપરવાનું પ્લાનિંગ પણ કરવું જોઇએ? મજા માટે પણ થોડીક સ્પેસ રાખવી જોઇએ. જિંદગીને જીવી જાણવી એ પણ એક આવડત જ છે. કોરોનાકાળમાંથી એ પણ શીખવાનું છે કે, જીવી લો, કાલની કોઈને ખબર નથી.
બચત સાથે હવે રિલેશન્સને જોડીને પણ ચર્ચાઓ થઇ રહી છે. તમારા સંબંધો એ તમારી સૌથી મોટી બચત છે એવો વિચાર તમે કર્યો છે ? એક ભાઈએ હમણાં જ કહેલી આ વાત છે. તેણે કહ્યું કે, મારા મિત્રો અને સ્વજનો પાછળ હું સારો એવો ખર્ચ કરું છું. મને મજા આવે છે. જરાક જુદી રીતે જોઇએ તો એ મારું ઇન્વેસ્ટમેન્ટ પણ છે. મારે જરૂર હશે ત્યારે એ લોકો ઊભા રહેવાના જ છે. દુનિયામાં ભલે એવું કહેવાતું હોય કે, સગાં બધાં સ્વાર્થનાં છે અને જરૂર પડે ત્યારે કોઈ પડખે ઊભું રહેતું નથી પણ આ વાત સાવ સાચી નથી. આપણા દરેકની જિંદગીમાં એવા બે-ચાર લોકો તો હોય જ છે જેને સાદ આપો કે તરત જ હોંકારો મળે. એ ભાઇએ કહ્યું કે, મારા મિત્રો અને તેની સંપત્તિ મારા માટે એસેટ્સ વિધાઉટ લાયેબિલિટી છે. આમાં કોઈ પાસેથી કંઈ પડાવી લેવાની દાનત નથી પણ એક સધિયારો છે કે, કંઈ જરૂર પડી તો એ લોકો છે જ! તમારું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ કેવું છે? કોઈ આપણી ચિંતા કરે, કોઇ આપણી ખબર પૂછે, કોઇ આપણું ધ્યાન રાખે અને કોઇ આપણી કેર કરે એ આપણી બચત જ છે. એના માટે જરૂરી એ છે કે, આપણે પણ આપણા સંબંધોને સજીવન રાખીએ. કોઇ માટે કંઇ કરવાનું હોય ત્યારે આપણે એ વિચાર કરતા જ હોઇએ છીએ કે, એણે મારા માટે કંઇ કર્યું છે ખરું? તમારું કોઇએ કંઇ કર્યું હશે તો તમને એવું થવાનું જ છે કે, એણે મારા માટે કંઇ કરવામાં બાકી નથી રાખ્યું તો મારે પણ મારાથી જે બને એ એના માટે કરવું જોઇએ. એની સાથે એ પણ વિચાર કરવો જોઇએ કે, હું કોઇ માટે કંઇ કરું છું ખરા? તમે કરો છો એ તમારું રોકાણ જ છે. આપણે કોઇનું કર્યું હોય એટલે એ આપણું કરે જ એવું જરૂરી નથી. ઘણાબધા લોકો સ્વાર્થી પણ હોય છે. આપણે એટલું વિચારીએ કે, હું તો સ્વાર્થી નથીને? મુદ્દો રૂપિયા ખર્ચવાનો હોય કે સંવેદનાનો હોય, ક્યાં ગણતરી કરવી અને ક્યાં ગણતરી ન કરવી એ સમજ બહુ જ જરૂરી છે. બધું કરો, શરત માત્ર એટલી કે જિંદગી જીવવાનું ભુલાઈ જવું ન જોઇએ. આપણે રોજ વિચાર કરીએ છીએ કે, મેં કેટલું કામ કર્યું? મેં કેટલી સફળતા મેળવી? હું કેટલું કમાયો? આ બધાની સાથે રોજ થોડું થોડું એ પણ વિચારતા રહેવું કે હું કેટલું જીવું છું? તમે મજા આવે એમ જીવો તો છોને? એવું તમને કોઈ પૂછે તો તમારી પાસે શું જવાબ છે? જો જવાબ હા હોય તો કોઇ પ્રોબ્લેમ નથી પણ જો ના હોય તો એ વિચારી જોજો કે એવું કેમ છે?

હા, એવું છે!
નવી જનરેશનમાં બચતનો કન્સેપ્ટ ઓછો થતો જાય છે. મિલેનિયલ્સ અને જનરેશન ઝેડ કમાઈને વાપરી નાખવામાં માનતી હોવાનું એક સરવૅમાં બહાર આવ્યું છે. લાઇફ એકસરખી રહેતી નથી એટલે આવક અને ખર્ચમાં જો બેલેન્સ જાળવવામાં ન આવે તો સ્થિતિ ડામાડોળ થવાના ચાન્સીસ વધી જાય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 06 જુલાઈ, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *