માઇક્રો રિટાયરમેન્ટ :
દિલ કો બહલાને કે લિયે
યે ખયાલ અચ્છા હૈ!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
હવે દુનિયામાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જોબમાંથી વચ્ચે નાનકડું
રિટાયરમેન્ટ લઇને પોતાની મરજી મુજબ જીવવાનું. આપણા દેશમાં
પણ ઘણા લોકો તેને અપનાવી રહ્યા છે. સવાલ એ છે કે,
આવું જોખમ લેવા જેવું છે ખરું?
———–
રૂટિન લાઇફથી અને વધુ પડતા કામથી કંટાળી ગયા છો? નાનકડો બ્રેક લઇ લો. બે-ચાર દિવસ કે એકાદ અઠવાડિયું ક્યાંક ફરી આવો. આવું આપણે ઘણાને કહેતા હોઇએ છીએ. આપણે પોતે પણ ઘણી વખત આવું કરતા હોઇએ છીએ. હવે નાનકડા બ્રેકને બદલે માઇક્રો રિટાયરમેન્ટનો કન્સેપ્ટ પોપ્યુલર થઇ રહ્યો છે. પશ્ચિમના દેશોમાં લોકો નોકરીઓ છોડીને ટૂંકી નિવૃત્તિ લઇ રહ્યા છે. સમયની સાથે જિંદગી વિશેના ખયાલો ઝડપથી બદલાઇ રહ્યા છે. એક સમય હતો, જ્યારે લોકો એવું કહેતા હતા કે, રિટાયર થયા પછી આપણને ગમતું કામ કરીશું. હવે એવું નથી. અઠ્ઠાવન, સાઠ કે બાંસઠ વર્ષે રિટાયર થયા પછી શરીર જોઇએ એવો સાથ આપતું નથી. ફરવા અને રખડવાનો રોમાંચ પણ ઓછો થઇ ગયો હોય છે. વર્ષો સુધી કામ કર્યા પછી થોડીક શાંતિ લેવાનું પણ મન થાય છે. ઘણી બધી મનની મનમાં રહી જાય છે. એના કરતાં રગેરગમાં રોમાંચ હોય ત્યારે જ મજા ન કરી લઇએ?
યુરોપ અને અમેરિકામાં એવા કિસ્સા જોવા મળી રહ્યા છે કે, લોકો પાંચ વર્ષ જોબ કરીને છ મહિના કે એક વર્ષનું માઇક્રો રિટાયરમેન્ટ લઇ લે છે. આ વર્ષ દરમિયાન તે હરે છે, ફરે છે અને ગમતી પ્રવૃત્તિ કરે છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, સંબંધોને પાછા સજીવન કરી લે છે. એક કપલની આ વાત છે. બંને પોતાની જોબના કારણે ખૂબ જ બિઝી રહેતાં હતાં. એકબીજાને સમય પણ આપી શકતાં નહોતાં. પાંચ વર્ષ થયા પછી બંને સાથે બેઠાં અને વાતો કરી. તને નથી લાગતું કે આપણે હવે એકબીજાને સાથ આપવા માટે કંઇક વિચારવું જોઇએ? આમ ને આમ તો જિંદગી પૂરી થઇ જશે. જતી જિંદગીએ એવો અફસોસ થશે કે, જિંદગી તો આપણે જીવ્યાં જ નથી. બંનેએ પોતાની જોબમાંથી રાજીનામું આપી દીધું. તેના બોસ લોકોને આશ્ચર્ય થયું. એ બંનેએ કહ્યું કે, એક વર્ષનું માઇક્રો રિટાયરમેન્ટ લેવું છે. એ પછી તમારે નોકરીએ રાખવા હોય તો રાખજો, નહીંતર બીજે ક્યાંક નોકરી શોધી લેશું. બંને એક વર્ષ ખૂબ ફર્યાં અને સાથે જીવ્યાં. એક વખત બંને ફરવા ગયાં હતાં અને પત્નીને કંઇક લખવાનું મન થયું. તેણે પોતાનું લેપટોપ ખોલીને એક ટૂંકી વાર્તા લખી. આ વાર્તા એક વેબસાઇટને મોકલી. વાર્તા પ્રસિદ્ધ થઇ અને તેને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો. એ પછી તો તેણે લખવાનું ચાલુ કરી દીધું. એ યુવતીએ કહ્યું કે, મને ખબર જ નહોતી કે મારામાં આવી પણ ટેલેન્ટ છે. જો મેં માઇક્રો રિટાયરમેન્ટ લીધું ન હોત તો આવું કરી જ શકી ન હોત. જિંદગીમાં ક્યારેક બધી જ ચિંતામાંથી મુક્ત થઇને પોતાની જાત સાથે રહેવું જોઇએ. કંઇ ન કરવાની પણ એક મજા છે. આપણા વગર કંઇ અટકી જવાનું નથી. પોતાને પણ માણસે થોડીક સ્પેસ આપવી જોઇએ.
આપણા દેશમાં પણ ધીમે ધીમે આ કન્સેપ્ટ આવી રહ્યો છે. અલબત્ત, હજુ આપણી આસપાસ એવા લોકો ભાગ્યે જ જોવા મળશે, જેણે માઇક્રો રિટાયરમેન્ટ લીધું હોય. માઇક્રો રિટાયરમેન્ટ લેવાનું મન તો બધાને થાય, પણ પછી સૌથી મોટું રિસ્ક ફેક્ટર નજર સામે તરવા લાગે. નોકરી છોડી દીધા પછી નોકરી મળશે નહીં તો? આપણે ત્યાં એક તો નોકરી માંડ માંડ મળે છે. નોકરી મળ્યા પછી પણ તેને ટકાવી રાખવા માટે લોહી પાણી એક કરવા પડે છે. નોકરી છોડવાનો તો કોઇને વિચાર જ ન આવે. આપણે ત્યાં નોકરીની એટલી તકો નથી કે, જોઇએ ત્યારે બીજી નોકરી મળી જાય. નોકરીમાં બ્રેક લઇએ તો અનુભવનો પણ સવાલ આવે છે. આપણે ત્યાં સળંગ એક્સપિરિયન્સને જ સિરિયસલી લેવામાં આવે છે. બ્રેક લીધા પછી નોકરી માંગવા જઇએ ત્યારે શંકાની નજરે જોવામાં આવે છે. નક્કી કંઇક લોચો થયો હશે. કાં તો કાઢી મૂક્યો હશે. એક સાવ સાચી ઘટના છે. એક યુવાન નોકરી કરતો હતો. બધું સરસ જઇ રહ્યું હતું. કામ પણ સારું હતું. આ દરમિયાનમાં તેની માતા બીમાર પડી. એ એકનો એક દીકરો હતો. ઘરમાં બીજું કોઇ માતાની સંભાળ રાખે એવું હતું નહીં. આખરે તેણે માતાની સેવાચાકરી કરવા માટે નોકરી છોડી દીધી. સાત મહિના થયા ત્યારે માતાએ વિદાય લીધી. દીકરાને એ વાતનો સંતોષ હતો કે, મારી માતા માટે મારે જે કરવું જોઇએ એ બધું જ મેં કર્યું છે. માતાની વિદાય બાદ તેણે ફરી નોકરી શોધવાનું શરૂ કર્યું ત્યારે ક્યાંય મેળ પડતો નહોતો. કોઇ માનવા તૈયાર નહોતું કે, તેણે માતાનું ધ્યાન રાખવા માટે નોકરી છોડી હતી. નોકરી શોધતા તેને નાકે દમ આવી ગયો હતો.
માઇક્રો રિટાયરમેન્ટમાં એક બીજો મુદ્દો ફાઇનાન્શિયલ કન્ડિશનનો પણ છે. તમારી પાસે એટલું બેલેન્સ હોવું જોઇએ કે, એક વર્ષનું માઇક્રો રિટાયરમેન્ટ લીધા પછી આર્થિક રીતે કંઇ વાંધો ન આવે. પહેલાં જે નોકરી કરી હોય એમાંથી બચત થઇ હોવી જોઇએ. આપણે ત્યાં પગારમાં માંડ માંડ પૂરું થતું હોય એવા સંજોગોમાં કપાત પગારે રજા લેવી પણ ભારે પડતી હોય છે. એક કર્મચારીએ સરસ વાત કરી. તેણે કહ્યું કે, આપણે અને ગરીબીને એક મહિનાનું છેટું છે. એક મહિનો પગાર ન આવે એટલે આપણે ગરીબ થઇ જઇએ. આટલી મોંઘવારીમાં બે છેડા માંડ માંડ ભેગા થતા હોય ત્યારે નોકરી છોડવાની તો વાત જ ક્યાં આવે? કોઇને નોકરી છોડવાની વાત કરીએ તો પણ કહે કે, ગાંડો થઇ ગયો છે કે શું? પછી પૂરું કેમ કરીશ? ભવિષ્યનો કોઇ વિચાર નથી આવતો? આપણે ત્યાં માણસ પર ઘણી જવાબદારીઓ હોય છે. નોકરીએ લાગી જાય પછી કામ ઉપરાંત બીજી ફરજો પણ અદા કરવી પડતી હોય છે. કેટલાક લોકો તો પૂરું કરવા માટે બે બે નોકરીઓ કરતા હોય છે.
કેટલાક આશાવાદી લોકો એવું પણ કહે છે કે, ભવિષ્યમાં આપણે ત્યાં પણ માઇક્રો રિટાયરમેન્ટ જેવું થઇ શકશે. અત્યારે ઘણાં ક્ષેત્રો એવાં છે જેમાં યુવાનોને ઇચ્છે ત્યારે કામ મળી જાય છે. ઘેરબેઠા કામ કરવાના પણ ઘણા ઓપ્શન મળી રહે છે. ફ્રીલાન્સિંગથી પણ સરસ ચાલી જાય છે. આ લોકો માઇક્રો રિટાયરમેન્ટનું વિચારી શકે છે. હવેના કામમાં અને જિંદગીમાં સ્ટ્રેસ લેવલ હાઇ થતું જાય છે. કામના પ્રેશરને કારણે જિંદગી જેવી રીતે જીવવી હોય છે એવી રીતે જીવી શકાતી નથી. લાઇફ સ્ટાઇલ ડિસીઝ વધી રહ્યા છે. સંબંધોમાં તણાવ પણ સતત વધી રહ્યો છે. દરેકના મોઢે એવી જ વાત સાંભળવા મળે છે કે, મરવાનીયે ફુરસદ નથી. પોતાના માટે પણ સમય ફાળવી શકાતો નથી. જિંદગી જીવવાની ઉંમરે ઢસરડા સિવાય બીજું કંઇ હોતું નથી. થઇ રહ્યું છે એવું કે, નાની ઉંમરે જ લોકો થાકી જાય છે. એવો સવાલ સતાવે છે કે, સાલી આ તે કંઇ જિંદગી છે, કામમાંથી નવરા જ નથી પડાતું. પોતાના લોકોને જ્યારે જરૂર હોય ત્યારે તેની સાથે રહી ન શકવાનો પણ અફસોસ થતો રહે છે. ભલે એવાં ગીતો ગવાતાં હોય કે, તેરી દો ટકિયા કી નોકરી પણ નોકરી દો ટકિયાની હોય કે ગમે તેટલાની હોય, તેના વગર ચાલતું નથી. જો સંજોગો અને સ્થિતિ પરમીટ કરતી હોય તો માઇક્રો રિટાયરમેન્ટ લેવામાં કશું જ ખોટું નથી. તેના ફાયદાઓ અસંખ્ય છે. ગેરફાયદો એક જ છે કે, પાછી નોકરી નહીં મળે તો? આજકાલ દેશ અને દુનિયામાં માઇક્રો રિટાયરમેન્ટની વાતો બહુ થઇ રહી છે. બધાને આ વાતો ગમે પણ છે. જોકે, આવું કરી શકાતું નથી. લોકો નિસાસો નાખીને કહે છે કે, દિલ કો બહલાને કે લિયે, યે ખયાલ અચ્છા હૈ. ઘણાને એમ પણ થાય છે કે, કાશ આપણે પણ માઇક્રો રિટાયરમેન્ટ લઇ શકતા હોત તો કેટલું સારું છે! આપણે ત્યાં ઘણાની સ્થિતિ તો એવી હોય છે કે, પાકતી ઉંમરે રિટાયર થયા પછી પણ કામ કરવું પડે છે. એવો વિચાર આવી જાય છે કે, જોબમાં થોડુંક એક્સટેન્શન મળી જાય તો સારું! ઘરે બેસીને કરશું શું? જ્યારે ઘરે રહેવાનું મન થતું હતું ત્યારે રહી શકાતું નહોતું. માઇક્રો રિટાયરમેન્ટમાં માનવાવાળા એટલે જ એવું કહે છે કે, રહેવું હોય ત્યારે રહેવા માટે જ માઇક્રો રિટાયરમેન્ટ જરૂરી છે! બાય ધ વે, માઇક્રો રિટાયરમેન્ટ વિશે તમારું શું માનવું છે?
—————-
પેશ-એ-ખિદમત
દરવાઝે કો દસ્તક ઝિંદા રખતી હૈ,
જૈસે દિલ કો ધક ધક ઝિંદા રખતી હૈ,
આ જાતે હૈં શામ ઢલે કુછ દોસ્ત યહાં,
હમ જૈસોં કો બૈઠક ઝિંદા રખતી હૈ.
– કાસીફ હુસેન ઘૈર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 09 જુલાઇ, 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
