દોસ્ત, તું છે તો જિંદગી જીવવા જેવી લાગે છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

દોસ્ત, તું છે તો જિંદગી

જીવવા જેવી લાગે છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ડૂબતા સાફ નજર આયા કિનારા કોઇ દોસ્ત,

ફિર ભી કશ્તી સે નહીં હમ ને ઉતારા કોઇ દોસ્ત,

જબ ભી નેકી કા કોઇ કામ કિયા હૈ હમ ને,

દે દિયા રબ ને આપ સે પ્યારા કોઇ દોસ્ત.

-વસી શાહ

———–

કુદરતને કદાચ બાકીના કોઇ જ સંબંધ

ઉપર ભરોસો બેઠો નહીં હોય

એટલે તેણે દોસ્તનું સર્જન કર્યું હશે.

————–

દુનિયામાં એક માત્ર દોસ્તી જ એવો સંબંધ છે જે અલૌકિક ધરી પર જીવાય છે. કુદરતને કદાચ બાકીના કોઇ જ સંબંધ ઉપર ભરોસો બેઠો નહીં હોય એટલે તેણે દોસ્તનું સર્જન કર્યું હશે. બે ઘડી વિચાર કરો કે, આપણી જિંદગીમાં મિત્ર ન હોત તો શું થાત? જિંદગી કેવી અઘરી હોત? દોસ્ત એટલે એવો કિનારો જ્યાં હાશ થાય છે, જ્યાં દરેકે દરેક ક્ષણનો અહેસાસ થાય છે, જેની સામે કોઇ શરમ થતી નથી, જેની સાથે ગમે તે બોલી શકાય છે, ગમે એવું વર્તન કરી શકાય છે, એ જજ નથી કરતો, એ આપણે જેવા હોય એવા જ સ્વીકારે છે. માણસ ખરેખર જેવો હોય છે એવો કદાચ માત્રને માત્ર મિત્ર સાથે જ રહેતો હોય છે. મિત્ર આપણી રગે રગથી વાકેફ હોય છે. આપણી આદતથી માંડીને દાનત સુધીની તમામ બાબતો એને માલૂમ હોય છે. આમ તો આદતો મિત્રના કારણે જ પડતી હોય છે. આપણામાં જેટલી કૂટેવો હોય છે એ લગભગ તમામ મિત્રની બદોલત જ હોય છે. આપણેય દોડવું હોય છે અને મિત્ર ઢાળ આપે છે. લપસી જઇએ ત્યારે એ હાથ પણ આપે છે અને દરેકે દરેક પરિસ્થિતિમાં સાથ પણ આપે છે.

ચહેરાની ભાષા સૌથી સારી રીતે જો કોઇને વાંચતા આવડતું હોય તો એ દોસ્તને જ આવડે છે. આપણો મૂડ જોઇને જ એને સમજાય જાય છે કે, આપણું ઠેકાણે છે કે નહીં? ઠેકાણે ન હોય તો એને ઠેકાણે કેમ લાવવું એના નુસખાઓ પણ એની પાસે હાથવગા હોય છે. દિલની પહેલી વાત સૌથી પહેલા મિત્રને જ કરવામાં આવે છે. મિત્ર માટે ડંકે કે ચોટ પર એવું કહી શકાય છે કે, પાર્ટનર ઇન ઓલ ક્રાઇમ!

ફ્રેન્ડમાંય અમુક પાછા બેસ્ટ ફ્રેન્ડ હોય છે. બેસ્ટ ફ્રેન્ડ એક આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હોય છે. એવા મિત્રો ઘણા હોય છે જેની સાથે હસી શકાય છે, એ ખરા ફ્રેન્ડ છે જેની પાસે રડી શકાય છે. તમારો એવો ક્યો ફ્રેન્ડ છે જેની પાસે તમે આસાનીથી રડી શકો છો? આંસુ બધાને બતાવી શકાતા નથી. આંસુ બધાને બતાવાય પણ નહીં. એ પ્રિવિલેજ તો માત્ર અંગત ફ્રેન્ડનો જ હોય છે. બેસ્ટ ફ્રેન્ડ એ છે જેની પાસે આપણા તમામ સિક્રેટ્સ હોય છે અને એમાંથી એકેય ક્યારેય બહાર આવતા નથી. ક્યારેક સલવાયા હોય ત્યારે પણ દોસ્ત એવી રીતે બચાવી લે છે કે માત્ર આપણને અને એને જ ખબર પડે. દોસ્તને વાત કરતા પહેલા કહેવું પડતું નથી કે, કોઇને કહેતો નહીં. દોસ્તીમાં અમુક ગેરન્ટીઓ આપોઆપ મળી જ જતી હોય છે.

એક સવાલ વિચાર માંગી લે એવો છે. શું બે છોકરાઓ વચ્ચેની દોસ્તી અને બે છોકરીઓ વચ્ચેની દોસ્તીમાં કોઇ ફર્ક હોય છે? એના વિશે પણ છેલ્લે તો એવું જ કહેવાનું મન થાય કે, દોસ્તીમાં ફર્ક શોધવાનો જ ન હોય. દોસ્તી એટલે દોસ્તી. અલબત્ત, ક્યારેક અમુક ફેર ઉડીને આંખે વળગે છે. બહેનપણીઓમાં એક જો રડતી હોય તો બીજી પણ રડવા લાગે છે. એ પોતાની દોસ્તને છાની પણ રડતા રડતા જ રાખશે. છોકરીઓની જિંદગીમાં લગ્ન પછી ઘણું બધું પરિવર્તન આવે છે. દોસ્તી નિભાવવામાં પણ બહુ ધ્યાન રાખવું પડે છે. એક સાવ સાચો કિસ્સો છે. એક પતિ-પત્ની હતા. પતિના એક દોસ્તને આર્થિક મદદની જરૂર પડી. તેણે કોઇ પણ જાતનો વિચાર કર્યા વગર દોસ્તને મદદ કરી. આવું જ પત્ની સાથે થયું. પત્નીની બહેનપણીએ જ્યારે રૂપિયા ઉછીના માંગ્યા ત્યારે એણે પતિને પૂછવું પડ્યું. ઘણી છોકરીઓને એવો સવાલ થતો જ હશે કે, અમારી દોસ્તીની કોઇને કેમ પરવા નથી? અલબત્ત, હવે જમાનો થોડો બદલાયો છે. હવે પતિ-પત્નીના મિત્રો કોમન ફ્રેન્ડ બની જાય છે. ક્યારેક એમાં ડખા પણ થાય છે. પત્ની કહે છે કે, તારા મિત્રો તો કેવા છે? શરમ કે એટિકેટ જેવું તો કંઇ છે જ નહીં. પત્નીની બહેનપણીઓ સાથે પતિને બને એવું પણ જરૂરી નથી. ઘણા પતિઓને એવું લાગતું હોય છે કે, પત્નીની બહેનપણી એને ચડાવે છે. આ બધા વચ્ચે એક હકીકત એ પણ છે કે, જે પોતાના લાઇફ પાર્ટનરના મિત્રોને એ જેવા છે એવા સ્વીકારે છે તેનું દાંપત્ય જીવન મધૂરું રહે છે.

એક છોકરી અને છોકરાની દોસ્તી વળી પાછો જુદો જ સંબંધ છે. ભલે એવું કહેવાતું હોય કે, એક લડકા એક લડકી કભી દોસ્ત નહીં હો શકતે, પણ આ વાત ખોટી છે. છોકરા અને છોકરીની દોસ્તી વળી સાવ જુદી જ હોય છે. દોસ્તી અને પ્લેટોનિક લવ વચ્ચેનું પણ એક સ્તર હોય છે જ્યાં દોસ્તી પણ હોય છે, પવિત્રતા પણ હોય છે અને પ્રેમ પણ હોય છે. એક છોકરીએ કહેલી આ વાત છે. તેણે કહ્યું કે, ખરાબ સમયમાં અથવા તો કોઇ ચેલેન્જનો સામનો કરવો હોય ત્યારે હું મારા પુરૂષ મિત્ર ઉપર વધુ ભરોસો મૂકી શકું છું.

જિંદગીમાં સૌથી વધુ પીડા ત્યારે થાય છે જ્યારે દોસ્તી તૂટે છે. આમ તો એવું કહેવાય છે કે, સાચી દોસ્તી હોય એ ક્યારેય તૂટતી નથી. તૂટે એ સાચી દોસ્તી હોતી નથી. આમછતાં દોસ્તી ક્યારેક તૂટતી હોય છે. માણસથી દોસ્તીમાં પણ ક્યારેક ભૂલ થતી હોય છે. દોસ્તી ક્યારેક સાવ નાની વાત પર પણ દાવ પર લાગી જતી હોય છે. સાચો મિત્ર એ હોય છે જે દોસ્તીને તૂટવા નથી દેતો. દોસ્તને નારાજ થવા ન દો. દોસ્ત બધાના નસીબમાં નથી હોતા. દોસ્ત આપણા નસીબનો એવો હિસ્સો હોય છે જેનાથી જિંદગી જીવવા જેવી લાગે છે. આજથી આપણી દોસ્તી પૂરી એવું જ્યારે કહેવાય છે ત્યારે જિંદગીનો એક ટૂકડો અલગ થઇ જાય છે. ઘણા લોકો આવા તૂટેલી દોસ્તીના ટૂકડાઓ સાથે જીવતા હોય છે. તૂટેલી દોસ્તીની કરચો આખી જિંદગી વાગતી રહે છે. બે મિત્રો વચ્ચે ઝઘડો થયો. દોસ્તી તોડવાની વાત આવી ત્યારે બીજા મિત્રએ કહ્યું તું મારી સાથે ઝઘડી લે, મને ગાળો દઇ લે પણ આમાં દોસ્તી તોડવાની વાત ક્યાં આવી? મારે તારા જેવો મિત્ર નથી ગુમાવવો.

દોસ્તો આપણી ઓળખ હોય છે. માણસને ઓળખવા વિશે પણ એવું કહેવાય છે કે, કોઇ માણસ કેવો છે એ જાણવું હોય તો એના મિત્રો કોણ છે એની તપાસ કરી લો. આપણને છેલ્લે તો આપણે જેવા હોઇએ એવા મિત્રો સાથે જ ફાવતું હોય છે. અલબત્ત, બદમાશ લોકોના બદમાશ મિત્રો પણ વફાદારીમાં તો સરખા જ હોય છે. દોસ્તીમાં બુદ્ધિની જરૂર જ હોતી નથી કારણ કે આ સંબંધ દિલથી જીવાતો હોય છે. દોસ્તી વિશે એવું સાબિત થયેલું છે કે, બુદ્ધિશાળી લોકોનો મિત્રો બહુ ઓછા હોય છે. એનું કારણ કદાચ એ છે કે, દોસ્ત માટે દોસ્ત જેવા બનવું પડે છે. દોસ્તીમાં કોઇ સ્ટેટસ, કોઇ હોદ્દો કે બીજું કંઇ જ વચ્ચે ન આવવું જોઇએ. સામાન્ય માણસ દોસ્તીથી વધુ સમૃદ્ધ હોય છે. જેને પોતાની જાતનું વધુ પડતું અભિમાન હોય છે એ આસાનીથી મિત્રો બનાવી શકતા નથી.

દોસ્તી વધુ પડતી ચર્ચાનો વિષય જ નથી. દોસ્તી તો જીવવાનો વિષય હોય છે. ઇશ્વરે આપણને બધાને મિત્રો આપ્યા છે એ આપણા ઉપર ઇશ્વરની સૌથી મોટી કૃપા જ છે. એક ફિલોસોફરે સરસ વાત કરી હતી કે, હું ભગવાનને માત્ર એટલી અરજ કરું છું કે તું ઇચ્છે એટલા દુ:ખ મને આપજે પણ મને એવા મિત્રો આપજે જેની પાસે હું ખુલ્લા દિલે રડી શકું. દુ:ખને હળવા કરવા માટે મિત્ર જેવો માર્ગ બીજો કોઇ નથી. સારા મિત્રો હોય એને સાઇકિયાટ્રીસ્ટની જરૂર પડતી નથી. જેની પાસે ગાંડા કાઢી શકાય એવા મિત્રો છે એ માણસ ડાહ્યો જ રહે છે!

છેલ્લો સીન :

માણસ માત્ર મિત્ર સાથે જ હન્ડ્રેડ પર્સન્ટ ઓરિજિનલ હોય છે. મિત્ર સિવાય બાકી ક્યાં કોઇની સાથે આપણે રહેવું હોય એવી રીતે રહી શકતા હોઇએ છીએ?   -કેયુ.

 (‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 01 ઓગસ્ટ 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

4 thoughts on “દોસ્ત, તું છે તો જિંદગી જીવવા જેવી લાગે છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *