બહુ ગભરાવ નહીં, તમારી જાત સાથે પણ થોડાક દયાળુ બનો! : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

બહુ ગભરાવ નહીં, તમારી જાત

સાથે પણ થોડાક દયાળુ બનો!

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

*****

કોરોના વિશે દુનિયાના નિષ્ણાતો એવું કહે છે કે,

કોરોના તો વહેલો કે મોડો ચાલ્યો જશે,

પણ એની સાઇડ ઇફેક્ટસ આખી દુનિયાને

લાંબો સમય સુધી કનડતી રહેવાની છે.

*****

કોરોનાના કારણે લોકો ઓબ્સેસિવ કમ્પલઝન ડિસઓર્ડરનો

ભોગ બની રહ્યા છે. ચોખ્ખાઇ અને સફાઇના મુદ્દે

લોકો થરથર કાંપી રહ્યા છે!

*****

જાવ સીધા બાથરૂમમાં જઇને નહાઇ લ્યો. ક્યાંય અડતા નહીં. અનલોકિંગ પછી શરૂ થયેલી ઓફિસથી પરત આવેલા પતિને પત્નીએ સૂચનાઓ આપી. પતિની લેપટોપ બેગ, પાકિટ, ચાવી, ઘડિયાળથી માંડીને જે કંઇ ચીજવસ્તુઓ હતી એને જમીન પર રાખીને સેનિટાઇઝ કરી નાખી. સાથોસાથ એમ પણ કહ્યું કે, નાહીને કપડાં સીધા વોશિંગ મશીનમાં જ નાખી દેજો. આવી ઘટનાઓ આજકાલ ઘણાં ઘરોમાં બને છે. આમ જોવા જઇએ તો કારોનાના અત્યારના સમયમાં આટલી સાવધાની રાખવી જ પડે એમ છે. જોકે, આવા ઇસ્યૂ ઝઘડાનાં કારણો બનવા લાગ્યા છે. પતિ કહે છે કે, મને પણ ખબર પડે છે કે, બહારથી આવું પછી તરત જ નહાઇ લેવું જોઇએ, પણ તું આટલી બધી હાવી ન થઇ જા. કરું છું હું બધું પણ તું તો માથે સવાર થઇ જાય છે. જોબ પર જતો હોઉં ત્યારે પણ રોજે રોજ સૂચનાઓ આપતી રહે છે કે, જોજો હોં, બધાથી દૂર રહેજો. માસ્ક ન ઉતારતા. હાથ સેનિટાઇઝ કરતા રહેજો. વાત પણ દૂરથી કરજો. લિફ્ટ ન વાપરતા. દાદરા ચડીને જ જજો. બધા સાથે જમવા ન બેસતા. એકેય વાત ખોટી નથી પણ એ કહેવાની અને કરાવવાની રીત ખોટી છે.

કોરોનાના કારણે લોકોની માનસિક હાલત ખરાબ થતી જાય છે. અમુક લોકો અને ખાસ કરીને મહિલાઓની સ્થિતિ એવી થઇ ગઇ છે કે, એને કોઇ જરાકે ય કંઇ કહે તો તરત એની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. પુરુષો રડતા નથી પણ એને માઠું લાગી જાય છે. બધા લોકોને પરિવારના સભ્યોની ચિંતા છે પણ આ ચિંતામાં એ એવા બેબાકળા થઇ જાય છે કે, પોતે શું કરી રહ્યા છે એનું ભાન પણ ક્યારેક રહેતું નથી. લોકો મગજ ઉપર કોરોનાફોબિયા સવાર થઇ ગયો છે. દુનિયાના સાઇક્યિાટ્રિસ્ટોને એ વાતની ચિંતા સતાવી રહી છે કે, લોકોના મગજ ઠેકાણે આવતા બહુ વાર લાગશે. કોરોના વાઇરસ કરતા પણ વધુ કોરોનાફોબિયાએ લોકોને પોતાના સકંજામાં લઇ લીધા છે.

કોરોનાફોબિયા દિવસેને દિવસે વધતો જાય છે. એનું કારણ એ છે કે, કોરોના આખી દુનિયાને કન્ફ્યુઝ કરી રહ્યો છે. રોજ નવી નવી વાતો બહાર આવે છે. કોરોના હવાથી ફેલાય છે એવા વૈજ્ઞાનિકોના દાવાએ પેનિક ક્રિએટ કર્યો છે. એમાં વળી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવી વાત કરે છે કે, કોરોના હવાથી ફેલાય છે એવું છાતી ઠોકીને કહી શકાય એમ નથી. સાચી વાત તો એ છે કે, કોરોનાનું અંતિમ સત્ય શું છે એ જ કોઇને સમજાતું નથી. કોરોનાએ સર્જેલી અવઢવે માનવજાતને મુશ્કેલીમાં મૂકી દીધી છે. બધાને એક જ સવાલ પજવે છે કે, કોરોનાથી ક્યારે છૂટકારો મળશે? બધું પાછું ક્યારે નોર્મલ થશે? સ્કૂલ કોલેજ ક્યારે શરૂ થશે? ક્યારે ફરવા જવા મળશે? અમેરિકા, યુરોપ સહિત ઘણા દેશોએ કોરોનાની ઐસીતૈસી કરીને હરવા ફરવા જવાનું શરૂ કરી દીધું છે. એ લોકો જોખમી ખેલ ખેલી રહ્યા છે. અર્થતંત્રને બચાવવા માટે થોડુંક ખુલ્લું કર્યું તો બધા મનફાવે એમ કરવા લાગ્યા છે. આપણા દેશની જ વાત કરીએ તો, અનલોકિંગ પછી ઘણા લોકો કોરોનાને લાઇટલી લેવા લાગ્યા છે. જરા સરખી ગફલત કોઇને પણ કોરોનાના પંજામાં સપડાવી શકે છે. કોરોના વિશે અંતે તો એવી જ વાત છે કે, જ્યાં સુધી વેક્સિન નહીં શોધાય ત્યાં સુધી કંઇ થઇ શકવાનું નથી.

અનલોકિંગની સાથે એક વાત થતી આવી છે કે, કોરોનાના અસ્તિત્ત્વનો સ્વીકાર કરીને જીવવાનું છે, વાત સાચી પણ કેસોની વધતી સંખ્યા અને દરરોજ આવતી જુદી જુદી વાતો લોકોની માનસિક હાલત ખરાબ કરી નાખે છે. લોકો ઓબ્સેસિવ કમ્પલઝન ડિસઓર્ડરના ભોગ બનવા લાગ્યા છે. વારંવાર હાથ ધોવા લાગ્યા છે. સફાઇનું વધુ પડતું ધ્યાન રાખવા લાગ્યા છે. આવા લોકો પોતે બધું કરે એ તો ઠીક છે પણ એ બીજા પાસે પણ આગ્રહ રાખવા લાગ્યા છે કે, તમે પણ આમ જ કરો. એના કારણે ઝઘડાઓ થવા લાગ્યા છે. એમાંયે જે લોકો પહેલથી ઓસીડીનો શિકાર હતા એ તો આખો દિવસ ઘસઘસ જ કરતા રહે છે.

આ વિશે દુનિયાના મનોચિકિત્સકો કહે છે કે, ધ્યાન રાખો પણ તમારી જાતના જ દુશ્મન ન બનો. તમારી જાત ઉપર પણ થોડીક દયા ખાવ. કોરોના વિશે ઓવરથિંકિંગ ન કરો. એવો ભય ન રાખો કે, મને કોરોના થઇ જ જશે. એનો મતલબ જરાયે એવો નથી કે, બેદરકાર રહો. આ વાત એ લોકો માટે છે જે કોરોનાફોબિયાથી પીડાય છે અને ઓસીડીનો ભોગ બની ગયા છે. અનલોકિંગ બાદ હવે ઘરે ઘરે કામવાળાઓ પણ આવતા થયા છે, લોકડાઉન વખતે ઘરનાં કામો કરીને લોકો કંટાળી ગયા હતા. ઘરનાં કામોને લઇને પણ ઘરે ઘરે ઝઘડાઓની ઘટનાઓ બની છે. તું કામમાં મદદ કરાવતો નથી, મારે એકલાએ જ બધું કરવાનું? એ વિશે હજુ માથાકૂટો ચાલે છે. કામવાળા હવે આવે છે પણ લોકોને એમનો પણ ડર તો છે જ કે, એ ક્યાંય બહારથી કોરોના ન લઇ આવે. એમાં ઇન્કાર પણ થઇ શકે એમ નથી, આખરે તો એના માટે પણ એ જ ઉપાય છે કે, બને એટલું ધ્યાન રાખો. એ બધાની સાથે એ પણ ઓછું ઇમ્પોર્ટન્ટ નથી કે, તમારા માનસિક સ્વાસ્થ્યની કેર કરો. ચેક કરતા રહેજો કે, ક્યાંક તમે તમારી જાત સાથે અને તમારા લોકો પર અત્યાચાર તો નથી કરતાને?

પેશ-એ-ખિદમત

વો સુબ્હ આતે આતે રહ ગઇ કહાં,

જો કાફિલે થે આને વાલે ક્યા હુએ,

અકેલે ઘર સે પૂછતી હૈ બે-કસી,

તેરા દિયા જલાને વાલે ક્યા હુએ.

– નાસિર કાજમી

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 12 જુલાઇ 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: