કાલનું પ્લાનિંગ કર, પણ
કાલની ચિંતા ન કર!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ભૂલ વારંવાર નરબંકા ન કર,
તું અયોધ્યામાં ફરી, લંકા ન કર,
આગ સોંસરવી સીતા નીકળી જશે,
રામ જેવા રામ થઈ, શંકા ન કર.
-પંથી પાલનપુરી
જિંદગી રોજ જીવવાની ઘટના છે. દરેક પરિસ્થિતિમાં માણસે જીવવાનું હોય છે. દુનિયાની દરેક ફિલોસોફી સરવાળે તો એવું જ કહે છે કે, આ ક્ષણમાં જીવો. જાપાનમાં ઝેન ધર્મ છે. આ ધર્મનો સિદ્ધાંત છે કે તમે જે કંઈ કરતા હોવ એમાં ઓતપ્રોત થઈ જાવ. દરેક કર્મને યોગ સમજો. તમે હન્ડ્રેડ પર્સન્ટ હોવા જોઈએ. આપણે કરતા હોઈએ છીએ કંઈ અને આપણું ધ્યાન હોય છે બીજે ક્યાંક. આપણે જ્યાં હાજર હોઈએ છીએ ત્યાં મોજૂદ હોઈએ છીએ ખરા? આપણે ભટકતા હોઈએ છીએ. વાતો બીજી કરતા હોઈએ છીએ અને વિચારો બીજા જ ચાલતા હોય છે. કોઈ વાત કરતું હોય ત્યારે પણ આપણે એની વાત સાંભળતા હોતા નથી, પણ એની વાતનો મતલબ શોધતા હોઈએ છીએ!
જે કામમાં દિલ ન હોય એમાં વેઠ ઊતરતી હોય છે. કોઈ કામ સરખું ન થાય તો માનજો કે તમારી ગેરહાજરી હતી. જે કામમાં મજા નથી આવતી એ કામ સજા બની જાય છે. કંઈ જ કરવા ખાતર ન કરો. આપણે મોટાભાગનાં કામ કરવાં પડે એટલે કરતા હોઈએ છીએ. જવું પડે એટલે જતા હોઈએ છીએ. હસવું પડે એટલે હસતા હોઈએ છીએ. રડવું પડે એટલે રડતા હોઈએ છીએ. આપણા ચહેરાને મહોરા પાછળ ઢાંકતા હોઈએ છીએ. અરીસા સામે જોઈએ ત્યારે પણ આપણે હોઈએ એવા દેખાવું હોતું નથી, હોઈએ એના કરતાં સારા દેખાવવું હોય છે. જે કામ કરવાનું હોય એ ગમતું કામ જ હોય એવું જરૂરી નથી, છતાં એને ગમતું કરવાનું આપણા હાથની વાત છે. આવી પડે એને પણ વધાવી લેવાની આવડત જિંદગીને જીવવા જેવી બનાવે છે.
તમે આજમાં જીવો છો? આપણી પીઠ પર ગઈ કાલનો ભાર હોય છે અને આપણા માથા પર આવતી કાલની ચિંતા હોય છે. આપણે એક હાથમાં ભૂતકાળને પકડી રાખીએ છીએ અને બીજા હાથમાં ભવિષ્યને પકડ્યું હોય છે. આજ માટે તો ખોબો ખાલી જ નથી. આપણે ભવિષ્યનું પ્લાનિંગ કરતા રહીએ છીએ એટલે આજ છટકી જાય છે. તમારી આજ છે એ ગઈ કાલે તમારું ભવિષ્ય હતું. ક્યાં સુધી આપણે આપણી આજને ભવિષ્ય ઉપર ટાળતા રહીશું.
આપણે બધા જ એવી વાત કરતા રહીએ છીએ કે કાલ કોણે દીઠી છે! આ પછીની ક્ષણે શું થવાનું છે એની કોઈને ખબર નથી, છતાં આપણે વર્ષોનું પ્લાનિંગ કરીએ છીએ. માણસ બુઢાપાનું પ્લાનિંગ કરે છે. માણસ મરવાનું પ્લાનિંગ પણ કરતાે હોય છે. જતે દહાડે આવું કરવું છે. માણસ કંઈ ન કરતો હાેય તો એ છે કે એ જીવવાનું પ્લાનિંગ કરતો નથી! જીવવાનું પ્લાનિંગ એટલે અત્યારે જે છે એને જીવી લેવું, એને માણી લેવું. તરસ લાગે ત્યારે પાણીનો પ્યાલો હોય તો પૂરતું છે, આપણે તરસ છિપાવતા નથી અને ગાગર ભરતા રહીએ છીએ.
હા, કાલની કંઈ ખબર નથી, આમ છતાં એક હકીકત એ પણ છે જ કે કાલ ઊગવાની તો છે જ. કાલનું પ્લાનિંગ કરીએ એમાં કંઈ ખોટું નથી, કાલની ચિંતા કરીએ એ ખોટું છે. એક પતિ-પત્ની હતાં. પતિ હંમેશાં કાલનું પ્લાનિંગ કરતો રહે. કંઈ પણ નવું કરવાની કે નવું લેવાની વાત હોય તો એ કહે કે હમણાં નહીં, થોડું ભેગું થઈ જવા દે. આપણે જે કંઈ કરશું એ વ્યવસ્થિત કરીશું. એક વખત પત્નીએ કહ્યું કે, અત્યારે જેટલું છે એમાંથી વ્યવસ્થિત કરને. આજે ક્યાં ઓછું છે. તને જે છે એ ઓછું લાગે છે અને આ જ મેન્ટાલિટી રહી તો કાયમ ઓછું જ લાગવાનું છે. ક્યાં સુધી પ્લાનિંગ કરીશ? દરેક પ્લાનિંગ આખરે તો અમલમાં મૂકવા માટે જ હોય છે.
કાલનું પ્લાનિંગ કરો. પ્લાનિંગ કરવું જ જોઈએ. ધ્યાન માત્ર એટલું જ રાખો કે કાલનું પ્લાનિંગ તમારી આજને ખાઈ જતું નથીને? તમે કાલે કેવા હશો એ ખબર નથી, પણ તમે આજે તો જીવો જ છો. આપણે બધા ડરમાં જીવતા રહીએ છીએ. આમ થશે તો, તેમ થશે તો? યાદ રાખો, કંઈક તો થવાનું જ છે, ગમે તે થઈ શકે છે, પણ તમે ધારતા હોવ એવું તો થવાનું જ નથી. એક જગ્યાએ સરસ વાંચ્યું હતું કે તમારે ભગવાને હસાવવા હોય તો તમે તેને તમારાં આવતી કાલનાં પ્લાનિંગ કહો! તમારે ભગવાનને ખુશ કરવા હોય તો તમારી આ ક્ષણમાં જીવો.
કાલે કંઈ ખરાબ થવાનું છે એવું પણ નથી. કાલે સારું જ થવાનું છે. કદાચ આજે છે તેના કરતાં પણ કાલે સારું હોય. પહેલાં આજે જે સારું છે એને તો જીવી લો. કાલ વધારે સારું હોય તો એને પણ જીવજો. હેપીનેસને પેન્ડિંગ ન રાખો. સુખ નાની-નાની વાતોમાં મળતું હોય છે. ફાઇવસ્ટાર હોટલમાં બેઠાં બેઠાં ઘણા લોકો એવી વાત કરતા હોય છે કે ઓછા રૂપિયા હતા ત્યારે સ્ટ્રીટ ફૂડ ખાવામાં જે લિજ્જત આવતી હતી એવી મજા હવે નથી અાવતી. ભૂતકાળના પણ એ જ સ્મરણો યાદગાર હોય છે, જેને તમે ભરપૂર જીવ્યા હોવ છો. સામે ઢગલો પડ્યો હોય ત્યારે આપણને યાદ તો એ જ આવે છે કે નાના હતા ત્યારે ભાગ પાડીને ખાવાની કેવી મજા આવતી હતી! રોમાંચ ચાલ્યો જાય પછી જ એની કિંમત સમજાતી હોય છે. આજે જે છે એનો રોમાંચ તમને છે? એ રોમાંચને ફીલ કરજો, તો જ એ આવતી કાલનું સુંદર સ્મરણ બની રહેશે.
આપણને બધાને ખબર છે કે એક દિવસ મરવાનું છે. કેટલા લોકોને એ ખબર છે કે આજે મારે જીવવાનું છે? જીવવાનું એટલે માત્ર જીવતા રહેવાનું નહીં, મરીએ નહીં ત્યાં સુધી જીવતા તો રહેવાના જ છીએ, પણ જીવવાની જે મજા છે એ આપણે માણીએ છીએ ખરા? એક વૃદ્ધ માણસને પૂછ્યું કે મોતનો ભય લાગે છે? એ માણસે કહ્યું, હું સંત નથી. સાચું કહું છું મરવાનું ગમે તો નહીં જ. જીવવાનું મન તો થાય જ છતાં એક વાત કહીશ કે મને મરવાનો અફસોસ નહીં હોય, કારણ કે હું જિંદગીને પૂરેપૂરી જીવ્યો છું. દિલ ફાડીને પ્રેમ કર્યો છે અને પ્રામાણિકતાપૂર્વક જવાબદારીઓ નિભાવી છે. દુ:ખ પણ હસતાં હસતાં વેઠ્યું છે, પડકારો પણ સામી છાતીએ ઝીલ્યા છે, વેદનાની વેળાએ સાવ સાચું રડ્યો પણ છું. જે સાચું રડી નથી શકતો હોતો એ સાચું હસી પણ નથી શકતો. બધું સહજ હોવું જોઈએ.
તમારે જીવવું છે? જીવી લો. પ્રેમ કરવો છે? કરી લો. કોઈ વાતથી ડરો નહીં, કોઈ વાતથી ડગો નહીં. જિંદગી સરવાળે એવી જ રહેવાની છે જેવી તમે તેને જીવવાનો નિર્ધાર કરો. તમે રડશો તો પણ દિવસ પસાર થવાનો છે, તમે ડરશો તો પણ દિવસ પસાર થવાનો જ છે અને તમે હસશો તો પણ દિવસ ચાલ્યો જ જવાનો છે. તમારે તમારો દિવસ કેવો રાખવો એ તમારા હાથની વાત છે. તમારે નક્કી કરવાનું છે કે મારે કેવી રીતે જીવવું છે? જિંદગી સુંદર છે જ છે, એને સુંદર રાખવી કે નહીં એ તમારે નક્કી કરવાનું છે.
છેલ્લો સીન:
માણસે જિંદગીને સારી રીતે જીવવા માટે એક જ નિર્ણય કરવાનો હોય છે, હું જે કંઈ કરીશ એ પૂરી ઉત્કટતા, પૂરા આનંદ અને પૂરા આદર સાથે કરીશ. -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 23 નવેમ્બર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)
Dear sir,
It was another an beautiful article written by you!….Loved it!
Thank you
Osam nice article
Thank you