ઝઘડા તો થાય, એમાં કંઈ
છૂટું થોડું થઈ જવાય?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
નગારું હોત તો પીટાત ઢંઢેરો નગર મધ્યે,
મધુર વાંસળી લઈને જવું તો ક્યાં જવું બોલો?
અંધારું ઘોર છે ને તેલ નામે કૈં બચ્યું નથી,
ફક્ત દિવાસળી લઈને જવું તો ક્યાં જવું બોલો?
-નીરજ મહેતા
માણસને બધા વગર ચાલે પણ માણસ વગર ન ચાલે. દરેકને કોઈ જોઈતું જ હોય છે. વાત કરવા માટે કોઈ જોઇએ, વાત સાંભળવા માટે કોઇ જોઇએ! રડવા માટે, હસવા માટે, બખાળા કાઢવા માટે, ફરિયાદ કરવા માટે, મજા કરવા માટે આપણને બધાને કોઇ તો જોઇએ જ છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે, મારે કોઇની જરૂર નથી, હું એકલો જીવી લઇશ. આવું કહેવું સહેલું છે પણ રહેવું અશક્ય છે. જે માણસ પોતાના લોકોથી દૂર જાય છે એણે પારકા પર આધાર રાખવો પડે છે. એક યુવાન હતો. તેને બધા સાથે વાંધા પડે. કોઇની સાથે એને ન ફાવે. એને પોતાના વિશે જાતજાતના ભ્રમ હતા. હું જ ડાહ્યો છું. હું જ હોશિયાર છું. બીજા કોઇને કંઇ સમજ જ પડતી નથી. આ બધા સાથે જરાયે ફાવે એવું જ નથી. ગમે એવા નજીક હોય એ પણ એક હદથી તો વધુ સહન ન જ કરે. ધીમેધીમે બધા એની સામે બોલવા લાગ્યા. તારે તારી જાતને જેવી સમજવી હોય એવી સમજ પણ તું અમારી સાથે એલફેલ ન બોલ. આ યુવાન એક વખત એક સાધુ પાસે ગયો. સાધુને તેણે કહ્યું કે, મને કોઇની સાથે ફાવતું નથી. મારે હવે કોઇની સાથે રહેવું નથી. કોઇની સાથે વાત પણ નથી કરવી. સાધુએ હસીને સામો સવાલ પૂછ્યો, કોઇની સાથે વાત નથી કરવી તો પછી મને કેમ વાત કરે છે? એક વાત યાદ રાખ, વાત કર્યા વગર ચાલવાનું નથી. બીજી વાત એ કે, હું જ હોશિયાર અને બાકી બધા અણસમજુ એવું ક્યારેય માનવું નહીં. સાચો સમજુ અને હોશિયાર માણસ એ જ છે જે બધાને ડાહ્યા, શાણા અને કામના સમજે છે. દરેક વ્યક્તિમાં કંઇક તો ખૂબી હોય જ છે. અભ્યાસ, હોદ્દા, સત્તા અને સંપત્તિની ઉપર પણ એક વસ્તુ હોય છે અને એ છે સંબંધ. સંબંધ માટે સમજણ જરૂરી છે. સંબંધ બાંધવા બહુ સહેલા છે પણ સંબંધ સાચવવા બહુ અઘરા છે. એનું કારણ એ છે કે, સંબંધ સાચવવા માટે ઘણું બધું જતું કરવું પડે છે, ક્યારેક કેટલુંક સહન પણ કરી લેવું પડે છે. કોઇ કંઈ બોલે ત્યારે સામે બોલી દેવું અને એના જેવા થઇ જવું બહુ જ આસાન છે. ગમે એવું થાય તો પણ આપણે આપણા જેવું જ રહેવું જોઇએ. વાતે વાતે બાંયો ચડાવનારા છેલ્લે એકલા રહી જતા હોય છે.
સંબંધની એક સૌથી મોટી ખાસિયત એ છે કે, જેની સાથે સંબંધ હોય એની સાથે ક્યારેક તો કોઇ બાબતે ગેરસમજ થવાની જ છે. ક્યારેય આપણે કંઇ ખોટું માની કે ધારી બેસીએ, ક્યારેક આપણી વ્યક્તિ પણ ન બોલવાનું બોલી દે કે ન કરવાનું કરી દે, એ સમયે જ એ નક્કી થતું હોય છે કે આપણામાં ખરેખર કેટલી મેચ્યોરિટી છે. એક ગરીબ ઘરનો યુવાન હતો. એ જે સમાજમાંથી આવતો હતો તેમાં કોઇ ભણતું નહીં, બધા ગરીબ હતા. એ યુવાન ભણવામાં ખૂબ હોશિયાર હતો. મોટો થયો ત્યારે તેને સારી નોકરી મળી. આખા સમાજમાં કોઇને ન હોય એવું ઘર અને સુવિધા તેની પાસે હતાં. સાથે કામ કરતા લોકો તેના મિત્ર બની ગયા હતા. એક યુવાન સાથે તેને સારું બનતું હતું. એક વખત એ મિત્રને પોતાના ગામ લઈ ગયો. ગામે જઇને પોતાના સમાજના લોકો સાથે એ એની જેમ જ રહેવા લાગ્યો. સાવ દેશી સ્ટાઇલથી વાતો કરે અને બધા રહેતા હોય એમ જ રહે. તેના મિત્રને એ બધું જોઈને આશ્ચર્ય થયું. મિત્રએ કહ્યું કે, અહીં તો તું સાવ જુદો જ છે. એ યુવાને કહ્યું કે, આ બધા મારા લોકો છે. હું એની સાથે એવી જ રીતે રહું છું જેવા એ લોકો છે. હું પોતાને જો એનાથી જુદો માનવા માંડું તો હું જ અલગ પડી જવાનો છું. હું આટલું ભણ્યો અને આટલો આગળ વધ્યો એમાં જો હું મારા લોકોથી છૂટો પડી જાઉં તો મારું ભણતર લાજે. તમારા લોકો સાથે હોઉં ત્યારે તમારે બધા ભાર ઉતારીને એ હોય એવા બનવાનું હોય છે. રૂટ્સ મજબૂત હોય તો જ ઝાડ ખમતીધર રહે છે. આગળ વધો પણ અળગા ન થઇ જાવ.
દાંપત્ય હોય કે દોસ્તી, ક્યારેક તો ઝઘડા થવાના જ છે. કોઇ માણસ એકસરખું વિચારતો નથી. જેમ દરેકના અંગૂઠાની છાપ અલગ અલગ હોય છે એવી જ રીતે દરેક માણસની વિચારવાની રીત અને વિચારવાની ક્ષમતા પણ જુદી જુદી હોય છે. પોતાના જેવી વ્યક્તિ ક્યારેય કોઇને મળવાની નથી, કારણ કે દરેક વ્યક્તિ જુદી અને અનોખી છે. એના કારણે જ સંબંધમાં સમજણની જરૂર ઊભી થાય છે. ક્યારેક આપણે એવું પણ જોઇએ છીએ કે, બે તદ્દન ભિન્ન પ્રકૃતિ ધરાવનારી વ્યક્તિ બહુ પ્રેમથી રહેતી હોય છે. એ બંનેને જોઇને આપણને આશ્ચર્ય થાય કે, આ બંનેનું ગાડું કેવી રીતે ગબડતું હશે? એ બંને મોજથી રહેતાં હોય છે. એનું કારણ એ હોય છે કે, એ એકબીજાને સારી રીતે સમજે છે અને જેવાં છે એવાં એકબીજાને સ્વીકારે છે. પોતાની વ્યક્તિને બદલવાની જરાયે કોશિશ ન કરવી એ સંબંધની સૌથી મોટી સમજણ છે. આપણે સતત આપણી વ્યક્તિને બદલવા અને આપણે જેવું માનતા હોઇએ, વિચારતા હોઇએ અને કરતા હોઇએ એવું કરવા પ્રેરતા હોઇએ છીએ અને ઘણી વખત તો દબાણ પણ કરતાં હોઇએ છીએ. વિવાદ થાય એનો વાંધો નથી પણ વિખવાદ ન થવો જોઇએ. એક છોકરીની આ વાત છે. તેને તેના પતિ સાથે કોઈ ને કોઈ મુદ્દે ઝઘડા થતાં રહેતા હતા. એક વખત એ પિયર ગઇ ત્યારે પિતાએ કહ્યું, તારે ઝઘડા થતાં હોય અને છૂટું થઇ જવું હોય તો મને કહેજે. દીકરીએ કહ્યું, ઝઘડા તો થાય, એમાં કંઇ છૂટું થોડું થઇ જવાય? તેણે પિતાને કહ્યું, ઝઘડા તો તમારે પણ મમ્મી સાથે થાય છે, તો પણ સાથે રહો છોને? સવાલ એ નથી કે ઝઘડા થાય, સવાલ એ છે કે, આપણે એ ઝઘડાને કેવી રીતે ટેકલ કરીએ છીએ? એ છોકરીએ કહ્યું કે, હું તો એની સાથે ઝઘડું છું ત્યારે એને પણ એમ કહું છું કે, તારી સાથે ન ઝઘડું તો કોની સાથે ઝઘડું? પારકા સાથે થોડી ઝઘડવા જવાની છું? સાચો સંબંધ એ જ છે કે, તમે ઝઘડો અને ઝઘડો પતે પછી અગાઉ કરતાં વધુ નજીક આવો. પોતાની વ્યક્તિ જેટલી વધુ નજીક હશે એટલી જ વધારે હૂંફ વર્તાવાની છે, બાકી તાપ જ લાગવાનો છે!
છેલ્લો સીન :
માણસે માણસ સાથે પણ સમતોલન સાધવું પડતું હોય છે. વેવલેન્થ ન મળતી હોય તો મેળવવાનો પ્રયાસ પણ કરવો જોઇએ. આર્ટ ઓફ એડજસ્ટમેન્ટ એ બીજું કંઈ નથી પણ પોતાની વ્યક્તિને સમજવાનો એક પ્રયાસ જ છે. એકબીજાને સમજ્યા વગર એકબીજાને અનુકૂળ થઈ શકાતું નથી. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 09 જૂન 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com