ઉદાસ સ્વજનને સ્નેહની જરૂર હોય છે, શિખામણની નહીં! : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

ઉદાસ સ્વજનને સ્નેહની જરૂર

હોય છે, શિખામણની નહીં!

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

આપણી વ્યક્તિના વર્તનમાં આવેલા ફેરફારને

આપણે કેટલો સમજી શકીએ છીએ?

ધીરે ધીરે હતાશામાં ડૂબતા વ્યક્તિનો

હાથ ઝાલીને બહાર લાવવાની

આપણી કેટલી તૈયારી હોય છે?

*****

જિંદગીમાં ક્યારેક તો હતાશા આવવાની જ  છે.

આપણે શું ઝડપથી હારી જવા લાગ્યા છીએ?

*****

જિંદગીના દરેક સપના પૂરા થતાં નથી. કેટલાંક સપનાઓ અધૂરા છૂટે છે. સપનું તૂટે ત્યારે થોડાક એવા વિસ્ફોટ થાય છે જે આપણને હચમચાવી નાખે છે. દરેક માણસની જિંદગીમાં એક એવો સમય આવતો હોય છે જ્યારે થોડાક સવાલો સર્જાય છે. આ સવાલના કોઇ જવાબ નથી હોતા. એ સવાલોનો સામનો જ કરવો પડે છે. મનને મનાવવાની એક થિયરી સેલ્ફ કાઉન્સેલિંગની છે. જિંદગી છે, બધું થોડું આપણું ધાર્યું થવાનું છે? આપણી જાત પાસેથી જ આપણે ઘણી વખત વધુ પડતી અપેક્ષાઓ રાખીએ છીએ. અપેક્ષા રાખવામાં કંઇ ખોટું નથી, અપેક્ષા પૂરી ન થાય તો ભાંગી ન પડવાની તાકાત આપણામાં હોવી જોઇએ.

ફિલ્મ કલાકાર સુશાંતસિંહ રાજપૂતના આપઘાતને આજે એક અઠવાડિયુ થયું. આપઘાતના કારણો વિશે પણ બહુ વાતો થઇ. સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા બધા લોકોએ જાતજાતની વાતો કરી. સુશાંતસિંહ ડિપ્રેશનમાં હતો. ડિપ્રેશનનું કારણ ગમે તે હોય એનું મારણ આત્મહત્યા નથી. આપઘાતના કિસ્સામાં એક સવાલ થાય છે કે, આખરે આપઘાત માટે જવાબદાર કોણ? વ્યક્તિ પોતે? આપઘાત કરનારને સમજી ન શકનારા સ્વજનો? નિષ્ફળતા? સવાલ તો એવો પણ થાય કે, કોઇ એક વાતને જવાબદાર ગણવી કે કેમ? ઘણા બધા કારણો ભેગા થઇ જાય પછી પણ બધું નિરર્થક લાગવા માંડતું હશે? બધું સમજી શકાતું હોત તો કોઇ કોઇને આપઘાત કરવા જ ન દેત! સુશાંતસિંહ રાજપૂત વેલનોન એકટર હતો એટલે આટલી બધી ચર્ચાઓ થઇ. બાકી દરરોજ સેંકડો લોકો આપઘાત કરે છે. કોરોના અને લોકડાઉનના કારણે હતાશ થઇ 300થી વધુ લોકોએ જીવનનો અંત આણ્યો છે. દરરોજ 30 જેટલા વિદ્યાર્થીઓ મોતને વહાલું કરે છે.

આપણી આજુબાજુમાં નજર કરીએ તો ઘણા બધા ચહેરાઓ ઉપર ઉદાસી ઓઢેલી દેખાઇ આવે. મજબૂત મનનો માણસ પણ અચાનક ઓસરવા લાગે છે. બધા લોકો એવું કહે છે કે, કંઇ મૂંઝારો થાય છે તો બોલી દો? થોડાક મિત્રો એવા રાખો જેની પાસે હળવા થઇ શકાય. સાચી વાત. જોકે બધા એવું કરી શકતા નથી. એ ન બોલે તો આપણે તેને બોલાવી શકીએ છીએ કે શું વાત છે? આઇ એમ ઓલવેઝ ધેર ફોર યુ કહ્યા પછી પણ આપણે કેટલા હાજર હોઇએ છીએ? કોઇ વાત કરે પછી પણ આપણે શું કરીએ છીએ? મોટા ભાગે શિખામણો આપવા લાગીએ છીએ. આપણે એટલું નથી સમજતા કે, એને શિખામણની જરૂર નથી, સ્નેહની જરૂર છે. શબ્દોની નહીં, એક અહેસાસની જરૂર હોય છે કે, હું તારી સાથે છું.

એક સાવ સાચો કિસ્સો છે. એક પતિ-પત્નીને ઝઘડો થયો પછી પત્ની પિયર આવી ગઇ. ક્યારેક સમાધાનની વાતો તો ક્યારેક ડિવોર્સની વાતો થવા લાગી. થયું એવું કે, એ યુવતી ડિપ્રેશનમાં સરી ગઇ. જે થયું એમાં ઘણો બધો વાંક એ યુવતીનો હતો. યુવતીના પિતાએ તેને જતનપૂર્વક સંભાળી. પિતાને ખબર હતી કે, વાંક દીકરીનો છે પણ એ સમય એનો વાંક દેખાડવાનો નહોતો. વાંક દેખાડત તો કદાચ દીકરીને એમ જ થાત કે, મારું તો કોઇ નથી. મારું કોઇ નથી એવી ફિલીંગ ન કરવાના વિચારો કરવા માણસને મજબૂર કરે છે. દીકરીને એટલું જ કહ્યું કે, કંઇ ચિંતા ન કર, અમે બધા તારી સાથે છીએ. આપણે ત્યાં એક તકલીફ તો એ છે કે, પોતાના લોકોને જ ખબર જ નથી હોતી કે, ઘરનું સભ્ય ડિપ્રેશનમાં છે. ઉલટું એવું કહેવાવાળા છે કે, આ શું ગૂમસૂમ પડ્યો રહે છે? ડિપ્રેશન બિપ્રેશન જેવું કંઇ હોતું નથી. ગાંડા જેવા વિચારો ન કર. મનોચિકિત્સક પાસે લઇ જવાની વાત તો દૂર રહી, પોતે પણ ન કહેવાનું કહી દેતા હોય છે. કોઇ વ્યક્તિ સાજોસારો થવાનો હોય તો પણ ઘેરી હતાશામાં સપડાઇ જાય. સાચો સંબંધ એ છે કે, પોતાની વ્યક્તિનો ટોન બદલે અને અણસાર આવી જાય કે બધું બરાબર નથી.

આપણે ત્યાં નિષ્ફળતાને ટેકલ કરવાનું શીખવવામાં જ નથી આવતું. ઘરમાં કે શાળા-કોલેજોમાં એવી જ વાત કરવામાં આવે છે કે, કંઇક બનીને બતાવો. સફળતા માટે મચી પડો. જરાકેય બેદરકાર રહ્યા તો પાછળ રહી જશો. યંગસ્ટર્સને આપણે એક એવી દોડમાં લગાવી દઇએ છીએ, જેનો કોઇ અંત જ નથી. એ હાંફી જાય છે, થાકી જાય છે, છતાં પણ આપણે એને કહેતા નથી કે, રિલેક્સ, થાય એટલું જ કર. કેટલા મા-બાપ કે સ્વજનો સંતાનોને નિષ્ફળતા કેવી રીતે ટેકલ કરવી એ શીખવે છે.? પોતે સો વાર નિષ્ફળ ગયા હોય તો પણ સંતાનોને તો એમ જ કહેશે કે, સફળતા જ સર્વસ્વ છે. આપણે થોડીક વ્યાખ્યાઓ બદલવાની જરૂર છે. બીજું બધું શીખવામાં આપણે જિંદગી જીવવાનું ભૂલવા લાગ્યા છીએ. અત્યારે કોરોનાના કાળમાં ઉદાસીનો એક વિચિત્ર માહોલ ખડો થયો છે. ઘણા લોકોએ જોબ ગુમાવી છે, ઘણાના પગાર કપાયા છે, ધંધા-રોજગારના કારણે ઘણા લોકો ટેન્શનમાં છે. તમારી નજીકના લોકો કઇ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે એનો તમને કેટલો અંદાજ છે? માણસ જ્યારે હતાશ હોય ત્યારે એ પોતાની રીતે સહેલાઇથી બહાર આવી શકતો નથી. વિચારોને એટલા મજબૂત રાખો કે, હતાશા એક હદથી વધુ હાવી થઇ જ ન જાય. મન મૂંઝાતું હોય તો દોસ્ત કે નજીકની વ્યક્તિ સમક્ષ દિલ ઠાલવીને હળવા થઇ જાવ. પોતાના લોકો નબળા ન પડે એની કેર કરો. કોઇ કંઇ કરી બેસે પછી અફસોસ કરવા સિવાય કંઇ કરી શકાતું નથી, એટલે જ જ્યારે જે કરવા જેવું લાગે એ કરતા રહો. સ્નેહ, સાંત્વના, સાંનિધ્ય અને સંવેદનામાં ગજબની તાકાત હોય છે, એ કોઇને નબળા પડવા દેતી નથી, કદાચ કોઇ નબળું પડ્યું હોય તો પણ એને પાછા બેઠા કરી દે છે!

પેશ-એ-ખિદમત

મેરી તરહ સે કોઇ ચીખતા હૈ રાહોં મેં,

મેરી તરહ કોઇ દુનિયા કો દેખતા હોગા,

થકા થકા સા ઉસી દર પે આ કે બૈઠા થા,

ન પૂછા હોગા કિસી ને તો ચલ દિયા હોગા.

-આબિદ અદીબ

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 21 જૂન 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: