સેલિબ્રિટીના મોતને બધાએ ‘તમાશો’ બનાવી દીધો છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સેલિબ્રિટીના મોતને બધાએ

‘તમાશો’ બનાવી દીધો છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

ફિલ્મ અને ટેલિવિઝન સ્ટાર સિદ્ધાર્થ શુક્લાએ 40 વર્ષની નાની ઉંમરે વિદાય લીધી.

સીડના ચાહકો માટે સ્વાભાવિક રીતે જ આ ઘટના આંચકારૂપ હતી.

આપણે ત્યાં કોઇ સેલિબ્રિટીનું અવસાન થાય એ પછી લોકોનું જે રિએકશન હોય છે એ કેવું હોય છે?

સોશિયલ મીડિયા પર તરત જ ફોટા ચડવા માંડે છે, તેની જૂની ક્લિપો વહેતી થઇ જાય છે,

અંતિમ યાત્રાના ફોટા વાઇરલ થાય છે. મરનારની પ્રેમિકા કે પત્નીના વર્તનથી માંડીને ડ્રેસિંગ

ઉપર પણ ટીકા ટિપ્પણીઓ કરવામાં આવે છે. યુટ્યુબર ઝાકિરખાને એવું લખ્યું કે,

સેલિબ્રિટીના મોતને હવે તમાશો બનાવી દેવામાં આવે છે.

ઝાકિરની આ વાતને અનુષ્કા શર્મા સહિત ઘણા લોકોએ અનુમોદન આપ્યું.

મોતનો મલાજો પાળવામાં આપણે ક્યાંક ચૂક તો નથી કરતાને? 

 ———-

કોઇ સેલિબ્રિટીનું મૃત્યુ થયું છે એના બ્રેકિંગ ન્યૂઝ આવે એ સાથે જ લોકોના સ્ટેટસ ધડાધડ અપલોડ થવા માંડે છે. શ્રદ્ધાંજલિ, રેસ્ટ ઇન પીસ, વીલ મિસ યુ જેવા એકાદ બે વાક્યો લખીને તેનો ફોટો અપલોડ કરી દેવામાં આવે છે. થોડા દિવસો અગાઉ ટેલિવિઝન સ્ટાર સિદ્ધાર્થ શુક્લાનું અવસાન થયું. નો ડાઇટ, સિદ્ધાર્થ યંગ હતો, હેન્ડસમ હતો અને યંગસ્ટર્સમાં પોપ્યુલર હતો એટલે બધાને દુ:ખ તો થવાનું જ છે પણ સાથોસાથ એવું પણ ઘણું બધું થયું જે વિચારતા કરી મૂકે છે. સિદ્ધાર્થના ચાહકોએ પોતપોતાની રીત સિદ્ધાર્થને યાદ કર્યો. સિદ્ધાર્થની પ્રેમિકા શહેનાઝની હાલત કેટલી ખરાબ થઇ ગઇ હશે એની પણ ચિંતાઓ કરી. બીગ બોસમાં સિદ્ધાર્થ અને શહેનાઝ વચ્ચેની વાતચીતના રિલ્સ ફરવા લાગ્યા. સિદ્ધાર્થ પહેલા દિલીપ કુમારનું અવસાન થયું. દિલીપ કુમારની એકેય ફિલ્મ જોઇ ન હોય એવા લોકોએ પણ તેના ફોટા વોટ્સએપ અને બીજા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા. સુશાંત સિંહેના અવસાન વખતે તો સોશિયલ મીડિયા રીતસરનું છલકાઇ ગયું હતું. સુશાંતની વિદાયને એક વર્ષ થયું ત્યારે પણ લોકોએ તેને યાદ કર્યો.

પોતાના પ્રિય કલાકારની વિદાયથી દુ:ખ થાય એ સ્વાભાવિક છે. લોકોનો રિસ્પોન્સ પણ અમુક હદ સુધી સમજી શકાય, પરંતું હવે ધીમે ધીમે જે થઇ રહ્યું છે એની સામે સવાલો ઉઠવા લાગ્યા છે. ફિલ્મ કલાકાર અક્ષય કુમારના માતા અરૂણા ભાટીયાનું ગયા અઠવાડિયે અવસાન થયું ત્યારે પણ અક્ષયના તેની માતા સાથેના ફોટોગ્રાફ્સ ખૂબ ફર્યા. માતાની અંતિમવિધિ વખતે અક્ષય ઉદાસ હતો એના ફોટા પણ વાઇરલ થયા. સ્વજનની વિદાયથી કોઇપણ વ્યક્તિ ભાંગી પડે એ સ્વાભાવિક છે. મંદિરા બેદીના હસબન્ડ અને ફિલ્મ મેકર રાજ કૌશલના અવસાન વખતે પણ એવું જ થયું હતું. રાજની અંતિમવિધિમાં મંદિરાએ જે કપડાં પહેર્યા હતા એમાં પણ મંદિરાને ટ્રોલ કરવામાં આવી હતી. કોઇનું મૃત્યુ થાય એટલે ચારેય બાજુ એના વિશેની જ વાતો ગાજવા માંડે. એક-બે દિવસ અને કોઇ મોટું નામ હોય તો ત્રણ-ચાર દિવસ બધું ચાલે, એ પછી બધું ભૂલાઇ જાય! સિદ્ધાર્થ શુક્લાના અવસાન વખતે જે રીતે બધું ગાજ્યું એ જોઇને એક માણસે એવો સવાલ કર્યો કે, સિદ્ધાર્થ જેવા સામાન્ય કલાકારના મોત વખતે આટલું બધું થયું તો ‘આ’ કલાકાર, ‘આ’ સ્પોર્ટસમેન અને ‘આ’ સિંગર મરી જશે ત્યારે તો કોણ જાણે શું થશે? આવું બોલનારે એ કલાકાર, ખેલાડી અને સિંગરના નામ પણ લીધા હતા! આવું સાંભળીએ ત્યારે એવો વિચાર તો આવી જ જાય કે, લોકોની સંવેદનાઓને આખરે થયું છે શું? આપણે બધા આ શું કરી રહ્યા છીએ?

સિદ્ધાર્થ શુક્લાના અવસાન પછી સ્ટેન્ડ-અપ કોમેડિયન અને યુટ્યૂબર ઝાકિર ખાને સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટની સારી એવી ચર્ચાઓ થઇ છે. ઝાકિરે લખ્યું કે, સેલિબ્રિટીના મોતને લોકોએ તમાશો બનાવી દીધો છે. ઝાકિરે લખ્યું કે, વો તુમ્હે ઇન્સાન નહીં સમજતે. ઇસ લિયે નહીં હૈ કોઇ લાઇન. ના કોઇ બાઉન્ડ્રીઝ હૈ. તુમ્હારી લાશ ઉનકે લિયે કોઇ રૂહ નિકલા હુઆ જિસ્મ નહીં, બસ તસવીર લેને કા ઓર એક મોકા હૈ, જીતની હો સકે ઉતની. યે વૈસા હૈ જૈસે, દંગો મેં કિસી જલતે ઘર મેં સે બર્તન ચૂરાને કી કોશિષ કરના. ક્યું કી ઉસ કે બાદ, તુમ કામ હી ક્યા આઓગેં? જ્યાદા સે જ્યાદા દસ તસવીરે, પાંચ ખબરેં, તીન વિડિયોઝ, દો સ્ટોરિઝ, એક પોસ્ટ ઓર બસ ખત્મ. ઇસ લિએ તુમ્હારી મોત તમાશા હી રહેગી. રોતી માં ભી તમાશા, ગમ સે તૂટા હુઆ બાપ તમાશા, બેસૂધ બહન, હિમ્મત હારે હુએ ભાઇ, તુમસે મોહબ્બત કરતા હર ઇન્સાન ઉનકે લિએ બસ તમાશા હૈ. તુમ જિંદા હોતે તો બાત અલગ થી. તુમ્હારે મરને કે બાદ તુમ્હારે રોતે બિખરતે અપને, અબ ઇન કી ભૂખ મિટાએંગે. બસ બતા રહા હૂં કી યહી જિંદગી ચૂની હૈ તુમને ઔર મૈંને. જીતે જી યે બાત માલૂમ રહે, તો શાયદ તુમ્હે મલાલ કમ હોગા, આખરી બાર આંખે બંદ હોને સે પહેલે. ઇસ લિએ ખુશ રહો. અપને દોસ્તોં મેં, પ્યાર કરો અપને લોગો સે, બહુત સારા શીખો, નયે રિશ્તે બનાઓ, બસ ઉનકે લિએ મત જીના, જીતના બચા હૈ અપને લિએ જીના, ક્યોં કિ ઉનકે હિસાબ સે તુમ ઇન્સાન હી નહીં હો.

ઝાકિરની આ પોસ્ટ મિસિસ અનુષ્કા વિરાટ કોહલી સહિત અનેક સેલિબ્રિટીએ શેર કરી છે. ઝાકિરે આમ તો સેલિબ્રિટીઓ માટે લખ્યું છે કે, તમે તમારા માટે અને તમારા લોકો માટે જીવજો પણ એની સાથોસાથ સેલિબ્રિટીના મોતને તમાશો બનાવી દેવાય છે એની વાત પણ કરી છે. પોસ્ટનું હાર્દ તો એ જ છે કે, મોતને તમાશો બનાવી દેવાય છે.

એક સેલિબ્રિટીએ કહેલી આ સાવ સાચ્ચે સાચી વાત છે. એક કાર્યક્રમ પછી તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી થઇ રહી હતી. એ પણ બધા સાથે સેલ્ફી પડાવતા હતા. થોડાક નવરા પડ્યા એટલે તેણે કહ્યું કે, આ બધી સેલ્ફી શા માટે ખેંચવામાં આવે છે એ તને ખબર છે? આ સેલ્ફી બે વખત સોશિયલ મીડિયા પર ચડશે. એક તો આજે ચડાવી દેશે. એવું જાહેર કરવા માટે કે, હું આ સેલિબ્રિટીને ઓળખું છું. હું તેને મળ્યો હતો. એને લાઇકો અને કમેન્ટો મળી જશે. બાદમાં આ સેલ્ફી ગેલેરીમાં સચવાયને પડી રહેશે. એ પછી જ્યારે હું મરી જઇશ ત્યારે પાછી એ સેલ્ફી શ્રદ્ધાંજલિમાં કામ આવશે. હા, વચ્ચે કોઇ કોન્ટ્રોવર્સી થઇ, કોઇ એવોર્ડ મળ્યો કે બીજું કંઇક થયું તો સેલ્ફી પાછી કામ લાગે પણ ખરી! આ વાત સાવ ખોટી તો નથી જ!

ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ મળ્યો એ સાથે ધડાધડ તેના ફોટા અપલોડ થવા લાગ્યા હતા. એમાં મોટા ભાગના એવા હતા જેને નીરજ ચોપરા કોણ છે અને એ કઇ ગેમ રમે છે એની પણ ખબર નહોતી. એક એવી પોસ્ટ પણ વાઇરલ થઇ હતી કે, ચાલો છોકરીઓ, હવે ક્રશનો ફોટો બદલવાનો સમય આવી ગયો છે! આ મુદ્દે ચર્ચા વખતે એક યુવાને એવું કહ્યું કે, કોઇને આ રીતે બિરદાવવામાં આવે કે યાદ કરવામાં આવે એમાં ખોટું શું છે? અમને એનું પ્રાઉડ હોય છે. આમ જુઓ તો, વાત ખોટી પણ નથી. અત્યારે સોશિયલ મીડિયા છે તો બધા પોતાની ફિલિંગ્સ એક્સપ્રેસ કરે છે.

બાકી બધા કિસ્સા તો ઠીક છે, સવાલ એ છે કે મોતનો મલાજો જળવાઇ છે? જે સેલિબ્રિટી ચાલી ગઇ છે એના સ્વજનોની હાલત આપણે સમજીએ છીએ? આ સવાલ જેટલો લોકો માટે છે એટલો જ મીડિયા માટે પણ છે. મીડિયાના લોકોની દલીલ એવી છે કે, લોકોને જ આવું બધું જોઇએ છે. સાથોસાથ કમ્પિટિશન પણ એવી છે કે, ન આપે એ ફેંકાઇ જાય! કોઇ મૃત્યુ પામે એ પછી તેના મૃતદેહને તેના ઘરે લઇ જવામાં આવે, બધી વિધિઓ થાય, અંતિમ યાત્રા નીકળે, કોણ કોણ આવ્યું એની સાથે કોણ ન આવ્યું એની પણ ચર્ચાઓ થાય. પ્રાર્થના સભાઓમાં વર્તનથી માંડીને ડ્રેસિંગ સુધીની બધા નોંધ લે! આવું બધું કેટલું વાજબી ગણાય? અલબત્ત, એક સેલિબ્રિટીની નજીકના વ્યક્તિએ એવું કહ્યું હતું કે, અમુક પ્રસંગોમાં સેલિબ્રિટીઓ પણ એટલા માટે જ જતી હોય છે કે એની નોંધ લેવાય! એન્ટરટેઇનમેન્ટ એક્સપર્ટસ એવું કહે છે કે, આવું બધું ચાલતું જ રહેવાનું છે. માત્ર ચાલશે જ નહીં, દિવસે ને દિવસે વધતું પણ જશે. લોકોને પણ રોજ કંઇક નવું જોઇએ છે, રોજે રોજ વાઇરલ વીડિયો જોઇએ છે, રિલ્સ જોઇએ છે, લાઇકો અને કોમેન્ટો જોઇએ છે, ફોલોઅર્સ જોઇએ છે અને કંઇ ન જોઇતું હોય તો ચર્ચા કરવા માટે વિષય જોઇએ છે! દુ:ખના પણ દેખાડાનો આ જમાનો છે! વાત મોતની હોય કે સેલિબ્રિટીના ઘરે બાળકના જન્મની, વાત લગ્નની હોય કે ડિવોર્સની, વાત સફળતાની હોય કે નિષ્ફળતાની, વાત સેક્સની હોય કે ક્રાઇમની, વાત ભપકાની હોય કે ભવાડાની, તમાશા તો થતાં જ રહેવાના છે! કાલ્પનિક વાર્તાઓ કરતાં આમેય લોકોને રિયાલિટીમાં વધુ રસ પડતો હોય છે!

હા એવું છે!

નેવું ટકા લોકો મોબાઇલ ફોન એટલો જ દૂર રાખે છે જ્યાં પોતાનો હાથ પહોંચી જાય. રાતે સૂતી વખતે પણ મોટા ભાગના લોકો મોબાઇલને હાથવગો એટલે કે હાથ ફેલાવો ત્યાં મળી જાય એ રીતે જ રાખે છે!

 (‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 15 સપ્ટેમ્બર 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: