કોઈના માટે એટલા ખાલી
ન થાવ કે ભરાઈ ન શકો
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી,
એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી,
આ નૂર વિહોણી દુનિયામાં એક જ નૂર સદા દીઠું,
એક પંખી ટહુકી ઉઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી.
-મકરંદ દવે
આપણા સુખ અને દુ:ખનો મોટો આધાર આપણા સંબંધો છે. સંબંધો ગજબની ચીજ છે. જે સંબંધો અત્યંત સુખ આપતા હોય એ જ સંબંધો ક્યારેક સહન ન થઈ શકે એવું દુ:ખ આપતા હોય છે. સંબંધનું સુખ અલૌકિક હોય છે. સંબંધનું દુ:ખ અઘરું, આકરું, કારમું, અસહ્ય અને આપણા અસ્તિત્વને ઓગાળી નાખે તેવું હોય છે. સંબંધનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે સંબંધને જાળવવાનું માત્ર આપણા હાથમાં નથી હોતું. સંબંધમાં જેટલી હિસ્સેદારી આપણી હોય એટલી જ ભાગીદારી સામેની વ્યક્તિની હોય છે. હિસ્સેદારી અને ભાગીદારીની જવાબદારી બધા સમજતા હોતા નથી. સંબંધનું પલડું ક્યારેક એક બાજુ નમી જાય છે. આવા સમયે સવાલોનું એક વાવાઝોડું ઉઠે છે. એ વ્યક્તિ કેમ આટલી બદલાઈ ગઈ? એને કેમ હવે મારી કોઈ પરવા નથી? જેને મારી દરેક ક્ષણની ખેવના હતી એ કેમ હવે મારા કલાકો અને મારા દિવસો પ્રત્યે બેપરવા છે? ધીમે-ધીમે આ પ્રશ્નોમાં શંકા ઉમેરાય છે. એને હવે સંબંધમાં કોઈ રસ નથી રહ્યો? એની જિંદગીમાં કોઈ નવી વ્યક્તિ આવી ગઈ હશે?
ઘણીવખત આપણે સવાલો પૂછી નથી શકતા. સવાલ કરવામાં ડર લાગતો હોય છે. જવાબ આપણી અપેક્ષાથી વિરુદ્ધ હશે તો? ક્યાંક એ એવું કહી દેશે કે હવે મને આ સંબંધમાં રસ નથી તો? આપણી જિંદગીમાં કોઈ આવે ત્યારે આપણે એવું માની લેતા હોઈએ છીએ કે, હવે આ સંબંધ કાયમ માટેનો છે. કોઈ વ્યક્તિ એટલું નજીક આવી જાય છે કે આપણને એવું લાગે કે તેની સાથે ભવોભવનો નાતો છે. ગયા જનમનું કંઈક લેણું છે. એ જ વ્યક્તિ ક્યારેક એક ઝાટકે દૂર થઈ જાય છે. જે આપણા વિચારો વાંચી શકતા હોય છે એ પછી આપણો અવાજ પણ સાંભળતા નથી. સાદ પાડીએ અને હોંકારો ન મળે ત્યારે પડઘા સર્જાતા હોય છે. કેટલાક સન્નાટા કાન ફાડી નાખે એવા હોય છે. શાંતિ પણ ક્યારેક અટ્ટહાસ્ય કરતી હોય છે. દિલની નાજુક રગો ધડાકાઓ સાથે તૂટતી હોય છે.
સંબંધ ક્યારેક આપણી નજર સામે તૂટતો અને ડૂબતો હોય છે. આપણે ખુલ્લી આંખે જોતા રહીએ છીએ અને કોઈ વ્યક્તિ ધીરે-ધીરે ઓઝલ થઈ જાય છે. એક આંચકો લાગે છે. કંઈ ધ્યાન નથી પડતું. મીણબત્તી બુઝાય અને અચાનક અંધારું થઈ જાય તેમ એક કાળાશ ઉઠે છે અને આપણી ફરતે વીંટાઈ જાય છે. ગમે એટલા પ્રયાસો કરીએ તો પણ એના સુધી નથી હાથ પહોંચતો કે નથી અવાજ! આપણને અણસાર આવી જાય છે કે કંઈક છૂટી રહ્યું છે. એક છોકરા છોકરીની આ વાત છે. બંને દિલથી ધીમે-ધીમે નજીક આવી રહ્યા હતા. બંનેને એવું લાગતું હતું કે, અમે પ્રેમમાં છીએ. એકબીજાની વાતો ગમતી હતી. સાથે હોય ત્યારે કંઈક ગજબની અનુભૂતી થતી હતી. સોશિયલ મીડિયા પર લાઈક અને કોમેન્ટ્સ થતી હતી. વોટ્સએપ પર ચેટિંગ થતું હતું. અચાનક કંઈક થયું અને જે હાથ નજીક લાગતો હતો એ દૂર થવા લાગ્યો. છોકરીએ એની ફ્રેન્ડને કહ્યું, કંઈક ખૂટી રહ્યું હોય તેવું લાગે છે. તેણે પોતાની ફ્રેન્ડને કહ્યું કે, યાર કંઈ થાય તો મારું ધ્યાન રાખજે, મને તૂટવા ન દેતી! તેની ફ્રેન્ડે પૂછ્યું કે, તને એવું કેમ લાગે છે? છોકરીએ કહ્યું કે, હવે અગાઉ જેવો ઉમળકો મને નથી વર્તાતો. અગાઉ તો હું કંઈક અપલોડ કરું તો સૌથી પહેલાં તેનો રિસ્પોન્સ આવતો. હવે તો તેને ખબર પણ નથી હોતી કે મેં કોઈ સ્ટેટસ અપલોડ કર્યું છે! મારું સ્ટેટસ જોવાની તેને પરવા પણ નથી. લાસ્ટ સિન જ્યારે જોવાનું બંધ થાય ત્યારે પણ સમજવું જોઈએ કે હવે કોઈ અદૃશ્ય થઈ રહ્યું છે. પહેલાં મોડે સુધી જાગતી હોઉં તો એ બીજા દિવસે પૂછતો, ઉંઘ નહોતી આવતી? તારો લાસ્ટ સિન બહુ લેટ હતો! હવે એ લાસ્ટ સિન સામે સવાલ નથી કરતો. માણસ સવાલ ન કરે ત્યારે આપણે કેટલીક વખત એવું વિચારીએ છીએ કે એને જવાબ નથી જોઈતો! આપણે તો જવાબ આપવો હોય છે, પણ સામેની વ્યક્તિ સવાલ જ ન કરે તો? તેને ફ્રેન્ડે કહ્યું, તું જ પૂછી જો ને કે શું વાત છે? છોકરીએ કહ્યું, દરેક વાત પૂછવાની ન હોય, અમુક વાત સમજી જવાની, સ્વીકારી લેવાની અને અનુભવી લેવાની હોય છે. છોકરીએ કહ્યું, સારું થયું કે આટલું વહેલું થયું, મોડું થયું હોત તો કદાચ વધુ અઘરું લાગત! ઘનિષ્ટતા જેટલી તીવ્ર હોય, આઘાત એટલો જ ઉગ્ર હોય છે.
કોઈ પણ નવો સંબંધ શરૂ થાય ત્યારે આપણે એ સંબંધ માટે કેટલાં સજાગ હોઈએ છીએ? આપણે એવું કહેતાં અને સાંભળતાં આવ્યા છીએ કે પ્રેમ, લાગણી કે સ્નેહ ક્યાં વિચારીને સર્જાતા હોય છે? કોઈ ગમવા લાગે છે, એની સાથે ફાવે છે, એની સાથે મજા આવે છે અને એની સાથે સંબંધ સોળે કળાએ ખીલી જાય છે. આપણે એવું વિચારીએ છીએ કે, જે ખીલે છે એ ક્યારેક મૂરઝાઈ પણ શકે છે? ફાવવાનું ક્યારે બંધ થઈ જાય એનું કંઈ નક્કી હોય છે? એવું કહી દેવામાં આવે છે કે, હવે મને તારી સાથે નથી ફાવતું! કેમ નથી ફાવતું? જવાબ મળે છે, બસ નથી ફાવતું! ના ફાવવાના કારણો ઘણાં હોય છે! કોઈ એમ કહે કે, મને તારી સાથે નથી ફાવતું ત્યારે આપણે એમ કહીએ કે, મને તો તારી સાથે ફાવે છે! એક તરફી ફાવે તેનો કોઈ અર્થ હોતો નથી.
એક યુવાનની આ વાત છે. ખૂબ જ ડાહ્યા અને સમજુ યુવાન વિશે બધા લોકો એવું કહેતાં કે, છોકરો હોય તો આવો હોય! બધા સાથે સલુકાઈથી વર્તે, કોઈનું દિલ ન દુભાવે, પોતાના કામમાં એકદમ પર્ફેક્ટ. જરાયે ઉછાંછળાપણું નહીં. દરેક વર્તનમાં મેચ્યોરિટી જોવા મળે. એના વિશે હંમેશાં એવું કહેવાતું કે, જે છોકરી તેને પરણશે એ નસીબદાર હશે. આટલો સારો છોકરો ક્યાંથી મળવાનો છે? માતા-પિતાએ એક સરસ છોકરી શોધીને તેના મેરેજ કરાવ્યા. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું, પણ ધીમે-ધીમે તેની પત્ની તેનાથી દૂર થવા લાગી! એની ફરિયાદો વધવા લાગી! છોકરીએ એક દિવસ એના માતા-પિતાને કહ્યું કે, હું એની સાથે રહી શકું તેમ નથી, મારે ડિવોર્સ જોઈએ છે! માતા-પિતાએ પૂછ્યું, તને એની સાથે પ્રોબ્લેમ શું છે? એ છોકરીએ કહ્યું કે, પંતુજી છે એક નંબરનો! જિંદગી શું ગણી-ગણીને જ જીવવાની? એની લાઈફમાં કોઈ થ્રિલ જ નથી. બધામાં ડાહ્યું ડાહ્યું વર્તન જ કરવું જરૂરી છે? એની, સુષ્ઠું-સુષ્ઠું લાઈફસ્ટાઈલથી હું કંટાળી ગઈ છું. જિંદગી માપીમાપીને જીવતા હોય એ ક્યારેક ક્ષણોને પામી શકતા નથી! પતિને જ્યારે એવી ખબર પડી કે, મારી વાઈફ ડિવોર્સ લેવા માંગે છે ત્યારે તેને આઘાત લાગ્યો. હું આટલો સારો અને મારી સાથે આવું થયું? આપણે આપણા વિચારો મુજબ સારા હોઈએ તો પણ આવી ઘટનાઓ બનતી હોય છે. બે વ્યક્તિના વિચારો સારા હોય એની સાથોસાથ એ વિચારો સરખા હોય એ પણ જરૂરી છે! એની પત્નીના વિચારો ખરાબ નહોતા, પણ જુદા હતા! આ ઘટનાથી પેલો યુવાન હતાશ થઈ ગયો! તેના મિત્રએ તેને કહ્યું કે, આપણે ઘણીવખત આપણા વિશે પણ કેટલાંક ભ્રમ બનાવી રાખ્યા હોય છે! એ ભ્રમ તૂટે ત્યારે એને સમજવાની અને સ્વીકારવાની ક્ષમતા પણ આપણામાં હોવી જોઈએ. ભાંગી પડવું એ વાજબી નથી.
સંબંધ તૂટે ત્યારે આપણને આપણો વાંક દેખાતો નથી. ક્યારેક સંબંધ તૂટવા પાછળ આપણો વાંક હોતો પણ નથી. એક યુવતીની આ વાત છે, તેને એક યુવાન સાથે પ્રેમ હતો. યુવતી એવું જ માનવા લાગી હતી કે, મારા માટે હવે આ વ્યક્તિ જ સર્વસ્વ છે. એ ગળાડૂબ પ્રેમ કરતી. બે વર્ષની રિલેશનશીપ પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. યુવતીથી આ આઘાત ન જીરવાયો. એ શૂન્યમનસ્ક થઈ ગઈ. તેણે પોતાની ફ્રેન્ડને કહ્યું કે, મને જીવવું જ અઘરું લાગે છે. હું સાવ જ ખાલી થઈ ગઈ છું. આ વાત સાંભળીને તેની ફ્રેન્ડે કહ્યું કે, એમાં ક્યાંક તારી ભૂલ છે. કોઈના માટે એટલા ખાલી ન થઈ જાઓ કે તમે ભરાઈ જ ન શકો! પ્રેમ પાગલની હદ સુધી કરો, પણ સાથોસાથ થોડું ડહાપણ પણ બચાવી રાખો! એક વ્યક્તિના જવાથી બધું જ અટકી જતું નથી, અટકી જવું પણ ન જોઈએ. એક યુવાનને તેની પ્રેમિકા છોડી ગઈ, એ યુવાન હચમચી ગયો. તેના મિત્રએ પૂછ્યું, તું ઓકે છે ને? એ યુવાને કહ્યું, હા હવે ઠીક છું. એક ધરતીકંપ જેવો આંચકો લાગ્યો હતો. ધરતીકંપ થોડો હચમચાવી, થોડીક ઉથલપાથલ કરીને પછી શમી જતો હોય છે, મને પણ ઘણુંબધું થયું, પણ હવે હું પાછો સ્થિર થઈ ગયો છું. કંઈક બને ત્યારે આઘાત લાગે છે. આઘાતને ખમીને એને ખતમ કરવો પડે છે. આપણી જિંદગી પર છેલ્લે આપણો કબજો હોવો જોઈએ, કારણ કે એ આપણી જિંદગી છે અને આપણે જ એને સારી રીતે જીવવાની હોય છે.
છેલ્લો સીન :
કોઈ પાછળ એટલું ન ખેંચાવવું કે આપણે જ તૂટી જઈએ. –કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 24 જૂન 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com