બગાડવા માટે પણ થોડોક સમય સ્પેર રાખવો જોઇએ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બગાડવા માટે પણ થોડોક

સમય સ્પેર રાખવો જોઇએ!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

શામ સે આંખ મેં નમી સી હૈ,

આજ ફિર આપકી કમી સી હૈ,

વક્ત રહતા નહીં કહીં ટિક કર,

ઇસકી આદત ભી આદમી સી હૈ.

-ગુલઝાર

જિંદગી સમયની બનેલી છે. લાઇફ લાઇનની એક ડેડલાઇન હોય છે. આપણી જે ગતિ હોય છે એ છેવટે તો અંત તરફ જ આગળ વધતી જાય છે. કોઇને એ ખબર નથી હોતી કે એની પાસે કેટલો સમય છે. આમ છતાં એટલી તો ખબર હોય જ છે કે, અત્યારે જે સમય છે, એ મારો પોતાનો સમય છે. સમયને તમે રોકી શકતા નથી, પણ સમયને તમે જીવી ચોક્કસ શકો છો. તમારી પાસે એવો કેટલો સમય હોય છે જેને તમે ‘માય ટાઇમ’ કહી શકો? હાથમાં આયુષ્યરેખા હોય છે, પણ રેખાના છેડે કોઇ સમય લખેલો હોતો નથી. આયુષ્યરેખા કેલેન્ડર સાથે આવતી નથી. વર્ષ શરૂ થયું ત્યારે એક માણસે નવી ડાયરી ખરીદી. વર્ષના પહેલા જ દિવસે ડાયરીનાં અમુક પાનાંઓમાં ચોકડી મારી દીધી. તેના મિત્રે પૂછ્યું, તું કેમ ડાયરીનાં આ પાનાંઓ પર ચોકડીઓ મારે છે? તેણે કહ્યું, એ દિવસે હું કંઇ નહીં કરું! તને ખબર છે, અમુક સમય આપણે બગાડવા માટે પણ રાખવો જોઇએ! મેં ગયા વર્ષે પણ આવું જ કર્યું હતું. અમુક દિવસો બગાડવા માટે રાખ્યા હતા. મને એવું જ લાગ્યું છે કે, જે સમય મેં બગાડવા માટે રાખ્યો હતો, એ જ હું ખરા અર્થમાં જીવ્યો હતો. તમારા કેલેન્ડરમાં, તમારી ડાયરીમાં કે તમારા એપોઇન્ટમેન્ટ શિડ્યુલમાં આવો કોઇ સમય છે ખરો? આપણે બધા રૂપિયાની બચત કરીએ છીએ. આપણે ક્યારેય આપણા માટે સમયની બચત કરતા નથી. કોઇ આગોતરા આયોજન વિના જીવવાની મજા પણ ક્યારેક માણવી જોઇએ.

આપણે કાલનું પ્લાનિંગ આજે કરી લઇએ છીએ. દિવસને એટલો ટાઇટ કરી દઇએ છીએ કે જીવવાની મોકળાશ જ રહેતી નથી. એક માણસની આ વાત છે. રજાનો દિવસ હોય એટલે એ એવું નક્કી કરે કે, કાલે હું કંઇ જ નહીં કરું! એક વખત તેને પૂછવામાં આવ્યું કે, કંઇ ન કરવાનું નક્કી કરીને પછી તું આખો દિવસ શું કરે? એ માણસે કહ્યું, ક્યારેક ચાલવા નીકળી જાઉં. કોઇ જગ્યા પણ નક્કી ન કરું. બસ ઘરેથી નીકળી જાઉં. જ્યાં બેસવાનું મન થાય ત્યાં બેસી જાઉં. આંખો બંધ કરીને પક્ષીઓનો કલરવ સાંભળું. ક્યારેક કોઇ અજાણ્યા માણસ સાથે વાતો કરું. કોઇ માણસ ઇન્ટરેસ્ટિંગ લાગે તો એની સાથે ચા પીવા જાઉં. કોઇ બાળક મળી જાય તો એની સાથે રમું. રોડ પર એક વખત ગલૂડિયાં જોયાં તો એના માટે દૂધની કોથળી લઇને દૂધ પીવડાવ્યું અને થોડીક વાર એની સાથે રમ્યો. એક વખત રોડ પર એક માણસ પુસ્તકો વેચતો હતો. એક પુસ્તક ખરીદીને બગીચામાં બેસી ગયો અને અડધું પુસ્તક ત્યાં જ વાંચી નાખ્યું. દરેક ક્ષણને હું મારી રીતે જીવું છું. મારા સમય ઉપર મારો અધિકાર છે. હું એ અધિકાર એન્જોય કરું છું. આપણે બધે આપણો અધિકાર જમાવીએ છીએ. જ્યાં જમાવવાનો હોય ત્યાં જ અધિકાર જમાવતા નથી! પોતાના ઉપર પણ માણસે અધિકાર જમાવવો જોઇએ કે તારે તું ઇચ્છે એમ જ કરવાનું છે, એમ જ જીવવાનું છે, જરાયે આડાઅવળું થવાનું નથી.

આપણે સમય વિશે કેટલો વિચાર કરીએ છીએ? હવેના ટેક્નોલોજીના જમાનામાં નવાં નવાં સાધનો આવતાં જ જાય છે. હાઇટેક સાધનોથી આપણો ઘણો સમય બચે છે. જે સમય બચે છે એનું આપણે શું કરીએ છીએ? એક માણસની વાત છે. એને એક મશીન આપવામાં આવ્યું. તેને કહેવાયું કે, તું હવે જે કામ આઠ કલાકમાં કરે છે એ પાંચ કલાકમાં કરી શકશે. તારા ત્રણ કલાક બચશે. પેલો માણસ ખુશ થઇ ગયો. એના માટે એ ત્રણ કલાક કીમતી હતા. થોડાક સમય પછી એના મિત્રએ પૂછ્યું, તારા જે ત્રણ કલાક બચ્યા હતા, તને જે મશીન આપવામાં આવ્યું હતું, એનાથી તો તું હવે વધુ કામ કરી શકતો હોઇશને? પેલાએ કહ્યું, નારે ના, જે સમય બચ્યો એ હું પાછો કામ કરવામાં જ શા માટે વાપરું? મારા માટે ન વાપરું? આપણે શું કરીએ છીએ? આપણો સમય કોઇ સાધન, સુવિધા કે સગવડથી બચે તો આપણે એને ફરીથી કામે જ લગાડી દઇએ છીએ! ટેક્નોલોજી અને સાધનો સમય બચાવે છે, પણ આપણે એ ‘બચત’નો સાચો ઉપયોગ કરતા જ હોતા નથી! એટલે જ આપણે ટેક્નોલોજી અને હાઇટેક સાધનો આવવા છતાં દુ:ખીના દુ:ખી છીએ! ટેક્નોલોજીનો કન્સેપ્ટે જ આપણે ધરમૂળથી બદલી નાખ્યો છે. આપણે વધુ ને વધુ દોડતા રહીએ છીએ. પાંચ મિનિટનો સમય બચે તો દસ મિનિટનું કામ ખડું કરી દઇએ છીએ. આપણાં મન અને મગજને એટલું બધું ઓક્યુપાઇ રાખીએ છીએ કે, શ્વાસ લેવાની પણ ફુરસદ ન મળે. ફુરસદ, હળવાશ, મોકળાશ શબ્દોના અર્થ હવે ધૂંધળા થઇ ગયા છે. ફરવા જવાની ફુરસદ નથી, હવા માણવા જેટલી હળવાશ નથી અને મજા આવે એટલી મોકળાશ નથી અને દાવો એવો કરીએ છીએ કે મારો સમય મારો છે!

જિંદગીનો આકાર સમયથી જ ઘડાતો હોય છે. ક્ષણનું ટાંકણું દરરોજ જિંદગીને ‘શેપ’ આપે છે. એક મૂર્તિકાર હતો. તેણે કહ્યું કે, મૂર્તિ બનાવતી વખતે ટાંકણું કેટલી તીવ્રતાથી ફટકારવું જોઇએ એની સભાનતા જ મૂર્તિનું સૌંદર્ય નક્કી કરે છે. સમયનું ટાંકણું આપણા હાથની વાત નથી. સમય ક્યારેક જોરદાર ફટકો મારે છે. આપણે એનો ઘા કેવી રીતે ઝીલવો એ નક્કી કરવાનું હોય છે. ઘણા લોકો તૂટી જાય છે. એણે સમય સામે સરખી ઝીંક ઝીલી હોતી નથી. અમુક લોકો ગમે એવી સ્થિતિમાં પણ તૂટતા નથી. એક માણસ જ્યોતિષી પાસે ગયો. કુંડળી જોઇને જ્યોતિષીએ કહ્યું કે, તમારો સમય હમણાં ખરાબ ચાલે છે. પેલા માણસે કહ્યું કે, કંઇ વાંધો નહીં. જ્યોતિષીએ પૂછ્યું, હવે તમે શું કરશો? પેલા માણસે કહ્યું કે, હવે હું એ નક્કી કરીશ કે મારે મારો ખરાબ સમય કેવી રીતે સારામાં સારી રીતે જીવવો! એણે હસીને કહ્યું કે, ગ્રહો સામે પણ ક્યારેક યુદ્ધ લડવું પડતું હોય છે. સમય તો એને જે ઘા મારવા હશે એ મારશે જ. મારે મારું બખ્તર મજબૂત બનાવવાનું છે. બખ્તર સબળું હોય તો કોઇ ઘા તમને ઇજા કરી શકતો નથી. મને ખબર છે કે શ્વાસ અટકવાના નથી. મારે એ શ્વાસને રિધમમાં રાખવાના છે. હવા એની દિશા બદલે એટલે નાવિક હોડીનું સઢ ફેરવી લેતો હોય છે. માણસે પણ હવાને પારખતા રહેવું પડે છે. સમયસર સઢ બદલી જાણનારો માણસ ડૂબી જતો નથી. તરી શકાય એમ ન હોય ત્યારે સૌથી વધુ ધ્યાન એ જ રાખવાનું હોય છે કે ડૂબી ન જવાય!

કપરામાં કપરા સમયમાં પણ આપણી સંવેદનાને મૂરઝાવા ન દેવી એ જ ધ્યાન રાખવાનું હોય છે. હમણાં એક સરસ મજાની સંવેદનશીલ વાર્તા વાંચવા મળી. એક ફોજી કાશ્મીરમાં ફરજ બજાવતો હતો. આતંકવાદીઓ સાથે રોજેરોજ સામનો થતો. વાતાવરણ તંગ હતું. રોજ રાત પડે એટલે આ સૈનિક ગામના એક એટીએમ પર જાય. દરરોજ સો રૂપિયા ઉપાડે. એટીએમનો વોચમેન દરરોજ જુએ કે આ જવાન દરરોજ એટીએમ આવે છે અને માત્ર સો રૂપિયા જ ઉપાડે છે. વોચમેનથી એક દિવસ ન રહેવાયું. તેણે સૈનિકને પૂછ્યું કે તમે કેમ દરરોજ સો રૂપિયા જ ઉપાડો છો? એકસાથે ઉપાડી લો તો તમારે રોજ ધક્કો ખાવો ન પડે!

સૈનિકે એ વોચમેનની આંખોમાં આંખો માંડી અને શબ્દેશબ્દ જાણે સંવેદનામાં બોળીને બોલતો હોય એમ કહ્યું કે, હું સો રૂપિયા ઉપાડું એ સાથે જ મારી વાઇફને બેંકનો એક એસએમએસ મળે છે કે, આ ખાતામાંથી સો રૂપિયા ઉપડ્યા છે. આ મારો મારી પત્નીને રોજેરોજ અપાતો મેસેજ છે કે હું જીવું છું અને હેમખેમ છું. તું કંઇ ચિંતા ન કરતી! કાશ્મીરમાંથી ફોન થઇ શકતા નથી, ઇન્ટરનેટ બંધ છે એટલે મેં આ રસ્તો શોધી કાઢ્યો છે! મને ખબર છે કે, બેંકનો એસએમએસ આવશે પછી જ એને ઊંઘ આવશે! સૈનિકે વાત પૂરી કરી ત્યારે તેની આંખોના ખૂણા ભીના હતા. આ ભીનાશમાં તેની સંવેદનાઓ છલકતી હતી. તમે ક્યારેય એ વિચાર કરો છો કે, તમારા ચોવીસ કલાકમાંથી તમે તમારા લોકોને કેટલો સમય આપો છો?

એક વ્યક્તિ તેની જોબમાંથી રિટાયર થતી હતી. તેની ઓફિસમાં તેને વિદાયમાન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. મેનેજમેન્ટે તેના દરેક પરિવારજનને કાર્યક્રમનું આમંત્રણ મોકલાવ્યું. તેનો દીકરો દૂરના શહેરમાં મહત્ત્વની પોસ્ટ પર જોબ કરતો હતો. આ દીકરો કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યો. પિતાએ કહ્યું, મને ખબર છે કે તારું કામ બહુ બિઝી રહેવાય એવું છે, છતાં તું આવ્યો એ મને ગમ્યું. મને એમ હતું કે તું નહીં આવે. દીકરાએ ત્યારે એટલું જ કહ્યું કે મારી સ્કૂલમાં એન્યુઅલ ડે હોય ત્યારે તમે તમારા કામને કારણે આવતા નહીં. મને બહુ દુ:ખ થતું. મને જે વેદના થતી હતી એ મારે તમને આપવી નહોતી એટલે હું બધું કામ બાજુએ મૂકીને આવી ગયો! પિતાએ દીકરાને ગળે વળગાડીને કહ્યું કે, તું મારા કરતાં વધુ સમજુ છો!

પોતાના માટે અને પોતાના લોકો માટે સમય ફાળવશો તો જ જતા દહાડે એવો અફસોસ નહીં થાય કે જિંદગી જેવી રીતે જીવવી જોઇએ એવી રીતે હું જીવ્યો નથી! તમારા માટે તમે સમય ફાળવો છો? જો તેનો જવાબ હા હોય તો તમે હોશિયાર, ડાહ્યા, સમજુ અને સંવેદનશીલ છો. આપણે કેવા છીએ? આપણે કેવા બનવું છે? એ આપણે જ નક્કી કરવાનું હોય છે!

છેલ્લો સીન:

તમારા સમય ઉપર તમારો કબજો નહીં હોય તો બીજું કોઇ કબજો જમાવી લેશે.           -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 29 ડિસેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *