સંઘર્ષ, સમસ્યા અને સંતાપથી
ક્યારેય છુટકારો મળવાનો નથી

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
જરૂરી નથી જિંદગીમાં બધાં પાસાં સવળાં પડે,
એકાદ ઉત્તમ પાસું સવળું પડે તોયે ઘણું છે,
હાથ બે ફેલાવી માગીએ છીએ ઈશ્વર પાસે બધું,
તણખો એક સમજણનો માંગીએ તોયે ઘણું છે.
– શંભુ ખાંટ `અનિકેત’
જિંદગી પાસેથી તમને શું અપેક્ષા છે એવો સવાલ કોઈ પૂછે તો તમે શું જવાબ આપો? મોટાભાગે આપણે જિંદગી પાસેથી સુખ અને શાંતિ ઇચ્છતા હોઇએ છીએ. સુખ માટે આપણને પાછું ઘણું બધું જોઇતું હોય છે. સરસ મજાનું ઘર, ઘરમાં સરસ ફર્નિચર, બધી સુવિધા, કાર, મોબાઇલ અને બીજું કેટલુંય આપણા વિશલિસ્ટમાં હોય છે. એ બધું હોય તો પણ સુખ હોય જ એવું જરૂરી નથી. સુખની સાથે માણસને શાંતિ પણ જોઇતી હોય છે. શાંતિ ખરીદી શકાતી નથી. કેટલાક લોકો શાંતિ મેળવવા ફાંફાં મારતા હોય છે. પહાડો અને આશ્રમોમાં જાય છે, મૌન પાળે છે, યોગ અને સાધના કરે છે, શાંતિ માટે ખૂબ મહેનત કરે છે. ક્યારેક થોડીક શાંતિ મળી હોય એવું લાગે પણ છે. જોકે, પ્રયત્નો કરીને મેળવેલી શાંતિ લાંબું ટકતી નથી. શાંતિ ક્યારેય બહારથી નથી મળવાની, શાંતિ તો માણસે પોતાની અંદર શોધવી અને સર્જવી પડે છે. શાંતિના સર્જન પછી પણ એને સજીવન રાખવી પડે છે. જેણે શાંતિને સ્વભાવ બનાવ્યો છે એ માણસ સંતની કક્ષાએ પહોંચેલો હોય છે. દુનિયામાં એવા કેટલાય લોકો છે જે રોજિંદુ જીવન જીવે છે, દરેક પડકારોનો સામનો કરે છે અને સરસ રીતે જીવે છે. ઉકળાટ, ઉચાટ અને ઉત્પાતને જે નાથી શક્યા છે એ ઉત્તમ માણસ છે.
એક માણસની આ વાત છે. એની લાઇફમાં કોઇ ને કોઇ સમસ્યા આવતી જ રહેતી હતી. સંબંધોમાં પણ એને સંતાપ જ મળતો હતો. તેને થયું કે, આ બધું છોડીને ક્યાંક જતો રહું. એ માણસ હિમાલયમાં આવેલ એક સંતના આશ્રમે ગયો. એને ખૂબ સારું લાગ્યું. એને એવું થયું કે, આ સ્થળ જ બેસ્ટ છે. બધું છોડીને અહીં જ આવી જાઉં. એ આશ્રમના સંતને મળ્યો. સંતને પોતાની પીડા કહી. તેણે કહ્યું કે, હું જેની શોધમાં હતો એ આ જ સ્થળ છે. મારે અહીં જ રહી જવું છે. સંતે તેને કહ્યું, અહીં તને સુખ અને શાંતિ મળશે એની કોઇ ગેરંટી નથી. શાંતિ અને સુખ માટે તારે આ આશ્રમ સુધી પહોંચવાની જરૂર નથી, એના માટે તો તારે તારા સુધી પહોંચવું પડશે. તારે તને ઓળખવો પડશે. જ્યાં સુધી તું પોતાને નહીં ઓળખે ત્યાં સુધી તું કોઇને ઓળખી શકવાનો નથી. એ માણસે કહ્યું, મારે શાંતિથી જીવવું છે. સંતે કહ્યું, તો શાંતિથી જીવવા માંડ, કોણ ના પાડે છે તને શાંતિથી જીવવાની? એકેય માણસે તને એવું કહ્યું હોય કે, તારે શાંતિથી જીવવાનું નથી તો મને કહે! કેવી રીતે જીવવું એ તો આપણે જ નક્કી કરવાનું હોય છે. એ માણસે નવો સવાલ કર્યો, પણ કોઇ મને શાંતિ લેવા દેતું નથી. સંતે કહ્યું, એ તો નહીં જ લેવા દે, તું અશાંત જ રહે એવું એ લોકો ઇચ્છે છે અને તું એ ઇચ્છે છે એવું જ કરી રહ્યો છે. તમે કોઇને બદલી શકવાના નથી. કોઇ તમને શાંતિ આપી દેવાનું નથી. શાંતિની માફક કોઇ અશાંતિ પણ આપતું નથી. આપણી શાંતિ કે અશાંતિના સર્જનહાર આપણે જ છીએ. કોઇ આપણને કંઇક બોલે છે અને આપણને લાગી આવે છે. એનું કારણ એ છે કે, આપણે લાગવા દઇએ છીએ. કોઇ છંછેડે અને આપણે છંછેડાઇ જઇએ છીએ. આપણે જ્યાં સુધી કોઇ કરે અને કોઇ ઇચ્છે એવી રીતે જ જીવતા રહીએ ત્યાં સુધી આપણે આપણી રીતે જીવી જ શકવાના નથી. કોઇ વાતની કેટલી અસર થવા દેવી એ તો આપણે નક્કી કરવાનું હોય છે. દુનિયા તો એનું કામ કરવાની જ છે. આપણે નક્કી કરવું પડે કે, શું લેવું અને શું ત્યજવું. પાણીમાં પડીએ તો ભીના થવાના જ છીએ. તમારે જો કોરા રહેવું હોય તો પાણીમાં પડી ન જવાય એનું ધ્યાન રાખવું પડે છે.
આપણે શરીરનું બહુ રક્ષણ કરીએ છીએ. ઠંડીમાં ગરમ કપડાં પહેરીએ છીએ અને વરસાદમાં રેઇનકોટ પહેરીને નીકળીએ છીએ. તનનું ધ્યાન રાખનારા આપણે મનનું કેટલું ધ્યાન રાખીએ છીએ? મનને પણ તાપ લગાડનારા ઘણા હોય છે. આગ લગાડી દે એવું વર્તન કરનારા હોય છે. એનાથી બચવાના કેટલા અને કેવા ઉપાયો આપણે અજમાવીએ છીએ? જિંદગીમાં એવી ઘટનાઓ પણ બને છે જ્યારે મન મુરઝાઇ જાય છે. આપણે મનને કેમ કોઇ તાપ કે આગથી બચાવતા નથી? તમને જો ઉકળાટ લાગતો હોય તો માનજો કે, તમે મનને રેઢું મૂકી દીધું છે અને કોઇએ ચાંપેલી આગનો અંજપો અનુભવી રહ્યા છો. માણસે માત્ર પોતાના શરીરનું જ નહીં, મન અને માનસિકતાનું પણ ધ્યાન રાખવું પડે છે. મન મરી જશે તો જિંદગી જીવવા જેવી લાગવાની નથી.
જિંદગીની દરેક ઘટનાને સાક્ષીભાવે જોતા હોઇએ એમ લેવી પડે છે. એક છોકરી હતી. તેણે એક વખત પિતાને પૂછ્યું, કેમ કોઇ ને કોઇ ઉપાધિ અને ટેન્શન આવતાં જ રહે છે? પિતાએ કહ્યું, જિંદગીમાં એક વાત યાદ રાખવાની હોય છે કે, સમસ્યાઓ, સંતાપ અને સંઘર્ષ જીવનમાં ચાલતાં જ રહેવાનાં છે. એ વાત સમજી અને સ્વીકારી લઇએ તો કોઇ મુશ્કેલી અઘરી લાગતી નથી. આપણે અનિશ્ચિત જિંદગીમાં સતત નિશ્ચિતતા શોધતા રહીએ છીએ. કાયમી સ્થિરતા જેવી કોઇ ચીજ છે જ નહીં. એનું કારણ એ છે કે, જિંદગી જડ નથી. જિંદગી પ્રવાહી છે. પ્રવાહમાં ક્યારેક ઉતાર આવે તો ક્યારેક ચડાવ. જિંદગી અટકી ન જાય ત્યાં સુધી કરવટ બદલતી રહેવાની છે. આપણને માંડ એવું લાગે કે, હવે બધું સેટ છે ત્યાં કંઇક એવું થાય છે કે, આપણે અપસેટ થઇ જઇએ. આપણે અપસેટ એટલા માટે થઇએ છીએ, કારણ કે આપણે ન ગમે એવું થાય તેનો સામનો કરવા તૈયાર જ નથી હોતા. એક યુવાનની આ વાત છે. તેની જિંદગીમાં અનેક સંઘર્ષો હતા. અસંખ્ય પડકારો છતાં એ યુવાન હસતો જ રહેતો. દરેક પરિસ્થિતિમાં મજામાં જ રહેતો. એક વખત તેના એક ફ્રેન્ડે પૂછ્યું, આટલાં બધાં ટેન્શન હોવા છતાં તું ખુશ કેવી રીતે રહી શકે છે? એ યુવાને કહ્યું, પહેલાં હું પણ દરેક વાતમાં દુ:ખી થતો હતો. એક તબક્કે મને સમજાઇ ગયું કે, મુશ્કેલીઓ તો આવતી જ રહેવાની છે. મેં મનથી એ વાત સ્વીકારી લીધી કે, રોજ નવી તકલીફ આવવાની છે અને મારે તેનો સામનો કરીને તેને પાર કરવાની છે. હવે મને કોઇ સમસ્યાઓ નડતી જ નથી. તેણે પછી એક સરસ વાત કરી. તેણે કહ્યું કે, આપણે મોટા ભાગે જેને દુ:ખ, પીડા કે વેદના સમજીએ છીએ એ ખરેખર તો એક ઘટના હોય છે. એને દુ:ખનું સ્વરૂપ તો આપણે આપીએ છીએ. કોઇ આપણી સાથે બદમાશી કરે એટલે આપણે દુ:ખી થઇએ છીએ, કેટલાક કિસ્સાઓમાં ક્રોધ કરીએ છીએ. એક તો બદમાશીનો ભોગ બન્યા હોઇએ છીએ અને ઉપરથી આપણે આપણે સર્જેલા વલોપાતમાં ફસાઇએ છીએ. કઇ ઘટનાની કેટલી અસર થવા દેવી એ આપણે નક્કી કરવું પડતું હોય છે. આપણી સંવેદના કોઇના પર આધારિત ન હોવી જોઇએ, એ તો આપણે ઇચ્છીએ એમ ચાલવી જોઇએ.
માણસનો પોતાની જાત પર કંટ્રોલ હોવો જોઇએ. આપણે બીજું બધું કંટ્રોલ કરવાના પ્રયાસો કરીએ છીએ, પણ આપણી જાતને રેઢી મૂકી દઇએ છીએ. ગમે તે માણસ આપણી લાઇફ સાથે ચેડાં કરી જાય છે. વિરોધી, હરીફ કે દુશ્મનને હરાવવા અને હંફાવવાનો એક રસ્તો એ છે કે, એને ગણકારવાના નહીં, એની કોઇ વાતની અસર થવા દેવાની નહીં. કોઇના એક્શનનું રિએક્શન આપવું કે ન આપવું એ આપણે નક્કી કરવાનું હોય છે. ઇગ્નોરન્સ એ સૌથી મોટું શસ્ત્ર છે. તારે જે કરવું હોય એ કર, મને કોઇ ફેર પડતો નથી. આવું માત્ર કહેવાનું હોતું નથી, ખરેખર ફેર પડવો જ ન જોઇએ. ફેર એનાથી જ પડવો જોઇએ જેને આપણી ફીકર છે, જેને આપણી પડી છે, જે આપણા સુખે સુખી અને આપણા દુ:ખે દુખી છે. કોની વાત ધ્યાનમાં લેવી અને કોને નજરઅંદાજ કરવા એની સમજ હોય તો જિંદગી સરળ અને સુખી બને છે.
છેલ્લો સીન :
જિંદગીની વાસ્તવિકતાઓને જેટલી ઝડપથી સ્વીકારી લઇએ એટલી જિંદગી સરળ બને છે. જિંદગીનું સૌથી મોટું સત્ય એ છે કે, એ પડકારો ફેંકતી જ રહેવાની છે. કોઇ `હાશ’ કાયમ માટે ટકતી નથી. હાશ અને ત્રાસ વારાફરતી આવતા જ રહે છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 16 નવેમ્બર 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
