તમે કોને અને શા માટેપગે લાગો છો?  દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમે કોને અને શા માટે

પગે લાગો છો?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ એક એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં

રતન તાતાને પગે લાગ્યા. અમિતાભ બચ્ચન

સુધા મૂર્તિને કેબીસીના મંચ પર પગે લાગ્યા હતા.

પગે લાગવું એ આદર આપવાની શ્રેષ્ઠ પરંપરા છે

મોટા ભાગે લોકો લાગવું પડે એટલે પગે લાગતા હોય છે.

અંદરથી ઉમળકો આવે અને પગે લાગીએ ત્યારે

સંવેદનાઓ સોળે કળાએ ખીલે છે.

યાદ કરો, છેલ્લે તમે કોને પગે લાગ્યા હતા? તમે જેને પગે લાગ્યા હતા, એને પગે લાગવું પડે એમ હતું એટલે લાગ્યા હતા કે તમને પોતાને એમને પગે લાગવાનું મન થયું હતું? પગે લાગવું એ આદર આપવાની સર્વોત્તમ રીત છે. આપણી લાઇફમાં અમુક એવા લોકો હોય છે જેને પગે લાગવું આપણને ગમે છે. અંદરથી એક ઉમળકો ઊઠે છે જે આપણને ચરણ સ્પર્શ કરવા પ્રેરે છે. હજુ પણ ઘણા પરિવારોમાં રોજ સવારે ઊઠીને મા-બાપને પગે લાગવાની પરંપરા છે. અમુક કિસ્સાઓમાં તો રાતે સૂવા જતી વખતે પણ મા-બાપને પગે લાગવામાં આવે છે.

પગે લાગવા વિશે દરેકની પોતપોતાની માન્યતાઓ હોય છે. અમુક લોકો એવું માને છે કોઇને પગેબગે નહીં લાગવાનું. કેટલાક વળી એવું પણ માને છે કે મા-બાપ સિવાય કોઇને પગે નહીં લાગવાનું. શિક્ષક, ગુરુ કે સંતને પગે લાગી આશીર્વાદ મેળવવામાં આવે છે. સારું લગાડવા માટે પગે લાગવાવાળાની સંખ્યા પણ કંઇ નાનીસૂની નથી. અમુક રાજ્યો એવાં છે જ્યાંના રાજકારણીઓની દાનત લોકો પગે લાગે એવી હોય છે. આવું કરીને એ લોકો પોતાનો ઇગો સંતોષતા હોય છે. પગે લાગવું એ પણ દેખાડો બની જતો હોય છે. એક સરસ વાત કહેવામાં આવી છે કે, જે લોકો તમારાથી ડરીને તમને પગે લાગતા હોય છે એ લોકો તમારી પીઠ પાછળ તમને ગાળો દેતા હોય છે.

મુંબઇમાં યોજાયેલા એવોર્ડ સમારોહમાં ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિ તાતા ગ્રૂપના રતન તાતાને સ્ટેજ ઉપર સરાજાહેર કોઇ પણ જાતના સંકોચ વગર પગે લાગ્યા. 73 વર્ષના નારાયણ મૂર્તિ રતન તાતા કરતાં અગિયાર વર્ષ નાના છે. નારાયણ મૂર્તિના મનમાં એવો કયો ભાવ જાગ્યો હશે કે તેમને પગે લાગવાનું મન થયું? નારાયણ મૂર્તિ પોતે પણ કંઇ જેવી તેવી હસ્તી નથી. આદરની આટલી સહજ અભિવ્યક્તિ ભાગ્યે જ જોવા મળે છે. ઘણા લોકો ખાનગીમાં કોઇ જોતું ન હોય એમ પગે લાગી લેતા હોય છે, પણ બધાની વચ્ચે પગે લાગવાનું ટાળતા હોય છે. આપણને પગે લાગતા જોઇને કોઇને કેવું લાગે? નારાયણ મૂર્તિનાં પત્ની સુધા મૂર્તિ થોડા સમય અગાઉ કૌન બનેગા કરોડપતિ શોમાં ગેસ્ટ તરીકે ગયાં હતાં. એ વખતે અમિતાભ બચ્ચન બહુ જ નમ્રતાપૂર્વક સુધા મૂર્તિને પગે લાગ્યા હતા. 77 વર્ષના અમિતાભ સુધા મૂર્તિ કરતાં આઠ વર્ષ નાના છે. આદરની વાત હોય ત્યારે નાના-મોટાનો ભેદ ઘણી વખત ગૌણ બની જતો હોય છે. અમિતાભ બચ્ચને એક વખત કહ્યું હતું કે, તે ત્રણ લોકોને પગે લાગે છે. એમાં એક ઋષિકેશ મુખર્જી હતા. પોતાની માતાની ભૂમિકા ભજવનારને પણ અમિતાભ પગે લાગતા હતા. નરેન્દ્ર મોદીને આપણે બધાએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, લાલકૃષ્ણ અડવાણી અને બીજા એક-બે મહાનુભાવોને પગે લાગતા જોયા છે.

તમને એક વાતની ખબર છે? સાદગી માટે જે જાણીતા હતા અને છે એવા આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી એક વખત તેના દીકરા સુનીલ શાસ્ત્રીને પગે લાગ્યા હતા! પગે લાગવા પાછળનું કારણ બહુ જ મજેદાર છે. સુનીલ શાસ્ત્રી કોઇને પગે ન લાગતા. વડીલ હોય તેને માત્ર હાથ જોડીને થોડાક નમતા. એક વખત પિતા લાલ બહાદુરે દીકરા સુનીલને કહ્યું કે, તું જેમ બધાને પગે લાગે છે એમ ના લગાય, જો આ રીતે લગાય, એમ કહીને એ દીકરાના પગને અડીને રીતસરના પગે લાગ્યા હતા. સુનીલ શાસ્ત્રીએ જ એક વખત કહ્યું હતું કે એ સમયે મારી આંખ ભીની થઇ ગઇ હતી. તમે તમારાં સંતાનોને પગે લાગતા શીખવો છો કે પગે લાગવાનો ઓર્ડર આપો છો? ઘણાં મા-બાપ મોટેથી ઘાંટો પાડીને સંતાનોને કહેતાં હોય છે કે, ચાલ એમને પગે લાગ! એક દલીલ તો એવી પણ થાય છે કે, કોઇને પગે લાગવાનું મન ન હોય તો ધરાર પગે ન લગાડવા. આપણને પણ અંદરથી ન ઊગે તો કોઇને પગે ન લાગવું.

આપણે થોડુંક એ પણ વિચારવાની અને સમજવાની જરૂર છે કે કોઇને પગે લાગ્યા પછી આપણને કેવી અનુભૂતિ થાય છે? અમુક લોકો એવા હોય છે જેને પગે લાગીને આપણને સારું લાગે છે. આપણે વધુ નમ્ર બન્યા હોય અથવા તો આપણને કોઇ આશિષ મળ્યા હોય એવો અહેસાસ થાય છે. પગે લાગવા ખાતર પગે લાગવાનો કોઇ અર્થ નથી હોતો. અમુક વખતે તો કોઇને ખોટું ન લાગે એટલે આપણે પગે લાગી લેતા હોઈએ છીએ. ઘણા લોકો એવું પણ બોલતા હોય છે કે, વડીલ છે એટલે લાગવું પડે, બાકી તો એનું મોઢું પણ ન જોઉં!

તમને કોઇ પગે લાગે ત્યારે તમને શું થાય છે? તમે એને લાયક છો? અમુક લાયકાતો ઉંમરના કારણે મળી જતી હોય છે. અમુક લાયકાતો સારા બનીને આપોઆપ મળતી હોય છે. વધુ પડતા પગે લાગતા હોય એનાથી સાવચેત રહેવાની પણ જરૂર હોય છે. આ માણસ કેમ આટલો બધો પગે લાગે છે? પેલી વાત સાંભળી છે ને કે, નમન નમન મેં ફેર હૈ, બહુત નમે નાદાન. પગે લાગવાનું પણ કારણ હોય છે. પગે એને જ લાગો જે પગે લાગવાને લાયક હોય. પગે લાગો ત્યારે આદરનો એક ભાવ પેદા કરજો, બહુ હળવાશ લાગશે. લાગવા ખાતર, દેખાડવા ખાતર કે સારું લગાડવા ખાતર પગે લાગવું એ પોતાની જાત સાથે કરાતી એક છેતરપિંડી જ હોય છે.

પેશ-એ-ખિદમત

વો બાત સારે ફસાને મેં જિસકા જિક્ર ન થા,

વો બાત ઉનકો બહુત ના-ગવાર ગુજરી હૈ,

ન ગુલ ખિલે હૈં ન ઉનસે મિલે ન મય પી હૈ,

અજીબ રંગ મેં અબ કે બહાર ગુજરી હૈ.

– ફૈઝ અહમદ ફૈઝ

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 02 ફેબ્રુઆરી 2020, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: