તને ખબર નથી મારી લાઇફમાં કેટલા પ્રોબ્લેમ છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તને ખબર નથી મારી

લાઇફમાં કેટલા પ્રોબ્લેમ છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કેમ રહે મન સાજું તાજું? ભ્રમણાઓ છે ચારેબાજુ,

પોતાની ચર્ચા નીકળે તો, જુદા તોલા, જુદાં તરાજુ,

જેણે નેવે મૂકી દીધી, એને શું લાજું કે ગાજું,

સંબંધો વણસે એ પહેલાં, નમતું મેલો થોડું ઝાઝું.

-ગોવિંદ ગઢવી સ્મિત

સુખ અને દુ:ખ એકસાથે ચાલતી ઘટનાઓ છે. બેમાંથી એકેય ક્યારેય હન્ડ્રેડ પર્સન્ટ હોતું નથી. ક્યારેક દુ:ખનું પ્રમાણ વધારે હોય છે, તો ક્યારેક સુખ સોળે કળાએ ખીલેલું હોય છે. આપણે જ્યારે ખુશ હોઈએ ત્યારે પણ આપણી લાઇફમાં અમુક ઇસ્યૂઝ તો હોવાના જ છે. મજા કરતી વખતે આપણે તેને ઇગ્નોર કરીએ છીએ. આપણે ઘણા પ્રસંગે એવું બોલતા અને કરતા હોઈએ છીએ કે, અત્યારે આ પ્રસંગને એન્જોય કરો ને, બાકીનું બધું પછી જોયું જશે. જે લોકો દુ:ખને જ હાવી રાખે છે તે ક્યારેય સુખને માણી ન શકે. આપણી આંખો સામે હંમેશાં બે ઢગલા હોય છે. એક કાળો ઢગલો અને બીજો રંગીન ઢગલો. એક સમયે આપણે એક ઉપર જ નજર માંડી શકીએ છીએ. એક પર જોવાથી આંખ ઠરે છે. બીજા પર જોવાથી આંખ બળે છે. આપણે નક્કી કરવાનું હોય છે કે આપણે શું કરવું છે?

એક કપલ બગીચામાં બેઠું હતું. બંને ઝઘડતાં હતાં. યુવતી રડતી હતી. એ બંને ઉશ્કેરાટમાં હતાં ત્યાં જ માળી આવ્યો. તેણે પૂછ્યું, શું થયું? પત્નીએ કહ્યું, આ મને સમય જ નથી આપતો. સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ એટલે અમને એકાંત પણ નથી મળતું. આ કપલ બેઠું હતું એની બાજુમાં જ ગુલાબનો છોડ હતો. માળીએ છોડને જરાક ઝુકાવીને કહ્યું, આ છોડમાં ફૂલ છે એની સામે જુઓ, એને સ્પર્શ કરી એની કુમાશ માણો. બંનેએ એવું કર્યું. માળીએ પછી કહ્યું, ફૂલની નીચે જ કાંટા છે. એને સ્પર્શો. તીક્ષ્ણ લાગે છે ને? જિંદગીનું પણ આવું જ છે, ફૂલ પણ છે અને કાંટા પણ. તમે કહો છો કે, સમય નથી આપતો, એકાંત નથી મળતું. અત્યારે તમારા બંને પાસે સમય પણ છે અને આ બગીચામાં એકાંત પણ છે. તમે બંને શું કરો છો? અત્યારની ઘડી તો સુખની છે, પણ તમે દુ:ખને પકડી રાખ્યું છે. સુખની ઘડીને પણ તમે દુ:ખમાં જ કન્વર્ટ કરી નાખો છો. એવું કેમ નથી વિચારતા કે માંડ આપણને આટલો સમય અને થોડુંક એકાંત મળ્યું છે એને જીવી લઈએ. સુખ તો સૂક્ષ્મ છે. દુ:ખને તમે પહાડ જેવડું બનાવી દો તો સૂક્ષ્મ સુખ ક્યાંથી નજરે પડવાનું છે? સૂક્ષ્મ સુખને તમે સાર્વત્રિક બનાવી શકો છો? તો તમે સુખી છો! ક્ષણોને ઓળખતા આવડતું જોઈએ. જે ક્ષણોને સમજી શકતા નથી એના કલાકો વ્યર્થ જતા હોય છે. દરિયામાં પાણી ભરેલું છે. તમે જળના એક ટીપાને જો ન માણી, જાણી કે સમજી શકતા હોવ તો તમે દરિયાને ક્યારેય સમજી શકવાના નથી. દરિયાનાં મોજાં કિનારે માથાં પછાડતાં હોય છે, પણ એ જ દરિયો મધદરિયે શાંત હોય છે. જિંદગીને સમજવા માટે દરિયાની ગહનતા સમજાવી જોઈએ. તમારી સંવેદનાઓ જો ઊંડાણવાળી હશે તો તમારા સંબંધો સ્થિર હશે. છીછરામાં તમે છબછબિયાં કરી શકો, તરી ન શકો. આપણને સહુને છીછરું સુખ જોઈએ છે એટલે જ આપણે સુખ માટે માથાં પછાડતાં રહીએ છીએ. મારી સાથે જ આવું થાય છે. હું જ કમનસીબ છું. ક્યારેક તો આપણે કુદરતને પણ ફરિયાદ કરીએ છીએ કે તને હું જ દેખાવ છું? બધું મારા ઉપર જ નાખવાનું? મારો વાંક શું છે? બધા મારો રમકડાંની જેમ ઉપયોગ કરે છે! આપણે આપણને જ કેન્દ્રમાં રાખીને બધું વિચારતા હોઈએ ત્યારે આપણને બીજું કશું દેખાતું જ હોતું નથી! તમે માનો તો તમે દુનિયાની સૌથી સુખી વ્યક્તિ છો અને તમે એવું માનો કે હું સૌથી વધુ દુ:ખી છું તો તમે દુ:ખી જ રહેવાના છો. આપણી વ્યક્તિ આપણને બધી સગવડ, સુવિધા અને સંવેદના આપી શકે, પણ સુખી તો આપણે આપણી જાતે જ થવું પડે!

એક છોકરીની આ વાત છે. તેની એક ફ્રેન્ડની સગાઈ હતી. સરસ મજાની તૈયાર થઈ એ સગાઈમાં ગઈ. બંને હાથમાં સુંદર નેઇલપોલિશ કરી હતી. થયું એવું કે કામ કરતી વખતે જમણા હાથની એક આંગળીમાંથી નેઇલપોલિશ ઊખડી ગઈ. એ ડિસ્ટર્બ થઈ ગઈ. આ તો કેવું ગંદું લાગે! તેણે ફ્રેન્ડની નેઇલપોલિશ માંગી. તેણે કરી હતી એ શેડ નહોતો. છોકરીએ એક આઇડિયા વાપર્યો. સાવ જુદા જ કલરની નેઇલપોલિશ ફ્રેન્ડ પાસેથી લીધી અને એક આંગળીમાં જુદા રંગે નખ રંગ્યો. ડાબા હાથની એ જ આંગળીમાંથી નેઇલપોલિશ હટાવી, જુદો જ રંગ ભર્યો. બધી ફ્રેન્ડ્સ કહેવા લાગી કે તેં તો ડિફરન્ટ જ કર્યું છે! બહુ સરસ લાગે છે! જિંદગીમાં પણ તમે રંગોને કેવી રીતે ભરો છો એ મહત્ત્વનું છે! ઘરની દીવાલમાં રંગ ઉખડી ગયો હોય કે ગાબડું પડી ગયું હોય ત્યારે આપણે સરસ મજાની ફોટોફ્રેમ લગાડીને એને સુંદરતા બક્ષતા હોઈએ છીએ. જિંદગીમાં પણ અમુક ડાઘ, અમુક ગમ અને અમુક ઉદાસીને આવી રીતે ઢાંકી દેવી પડતી હોય છે! જિંદગી આવી તક પણ આપતી હોય છે. થોડુંક ભૂલી જા, થોડુંક ઢાંકી દે, થોડાકને નજરઅંદાજ કર તો પછી સુખ તો સામે જ છે!

આપણને આપણાં દુ:ખડાં રોવાની ફાવટ હોય છે. સુખડાં ગાતા આપણને આવડતું નથી. સુખ તો હાજર જ હોય છે. દુ:ખ ગેરહાજર હોય છે. દૂર રહેલા દુ:ખને આપણે પકડીને સાથે રાખતા હોઈએ છીએ, એટલે એ છૂટતું નથી. એને તો છૂટવું હોય છે, આપણે એને છોડીએ જ નહીં તો એ ક્યાંથી છૂટવાનું છે? ગંદા થયેલા હાથને આપણે ધોઈ નાખીએ છીએ. પાણી ન હોય તો ટિસ્યૂથી લૂછી નાખીએ છીએ. દુ:ખને હટાવવા આપણે કેટલું કરતા હોઈએ છીએ? આખા ગામને બતાવતા રહીએ કે જુઓને મારા હાથ કેવા ગંદા છે! આ ગંદકીને મારા હાથ જ મળ્યા? બાકી બધાના હાથ તો કેવા સુંદર છે! બીજા લોકોએ એના હાથ ચોખ્ખા કરી નાખ્યા હોય છે. આપણા હાથ કોઈ સાફ કરી આપશે એવી આશા પણ ન રાખવી જોઈએ. આપણે જ આપણા હાથે આપણા સુખને શોધવાનું હોય છે. શર્ટનું ઉપલું બટન તૂટી જાય ત્યારે છેલ્લું બટન તોડીને આપણે લગાડી દઈએ છીએ અને નીચેનો ભાગ ઇનશર્ટ કરી દઈએ છીએ. એ ક્યાં દેખાવાનું છે? જિંદગીમાં પણ આપણે શું દેખાડવું અને શું ઇગ્નોર કરવું એ આપણા હાથમાં હોય છે. સુખ અને દુ:ખ પ્રત્યે આપણો એટિટ્યૂડ કેવો છે એના ઉપરથી આપણું સુખ કે દુ:ખ નક્કી થતું હોય છે!

દરેકને પોતાનું દુ:ખ કાયમ મોટું જ લાગતું હોય છે. કોઈક તો વળી એવું પણ માનતું હોય છે કે આખી દુનિયા સુખી છે અને હું જ દુ:ખી છું. બે મિત્રો હતાં. એક મિત્ર કાયમ ઉદાસ જ રહે. તેના મિત્રએ કહ્યું કે, તું શું આમ રોજ સોગિયું મોઢું લઈને જ ફરતો હોય છે? આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, તને ખબર નથી કે મારી લાઇફમાં કેટલા પ્રોબ્લેમ છે? તને ગણાવવા બેસું તો તને ખબર પડે. તારે વાતો કરવી છે. મારી જગ્યાએ હોય તો તને ખબર પડે! આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું છે, તારી વાત સાચી છે, મને ખબર નથી કે તારી લાઇફમાં કેટલા પ્રોબ્લેમ છે! બાય ધ વે, તને ખબર છે કે મારી લાઇફમાં કેટલા પ્રોબ્લેમ છે? યાર, પ્રોબ્લેમ શોધવા બેસીએ તો નવરાં જ ન પડીએ. પ્લેઝર શોધ ને! જે શોધવાનું છે એ નથી શોધતો અને બીજા ધંધે જ લાગેલો છે! આપણે બધા આવું જ કરતા હોઈએ છીએ!

જિંદગી પ્રત્યે તમારો નજરિયો કેવો છે એના ઉપર સુખ અને દુ:ખનો આધાર રહેતો હોય છે. થોડાક મિત્રો ફરવા ગયા હતા. પાછા આવ્યા ત્યારે એક મિત્રએ પૂછ્યું, કેવી રહી તમારી ટૂર? એકે કહ્યું કે, યાર બહુ હેરાન થયા. જતા હતા ત્યારે પંક્ચર પડ્યું. થોડે આગળ વળી ટ્રાફિક જામ હતો. તેણે શોધી શોધીને તકલીફોની વાત કરી. આ જ પ્રશ્ન તેણે બધાની સાથે ફરવા ગયેલા બીજા મિત્રને પૂછ્યો. તેણે કહ્યું કે, યાર મોજ પડી ગઈ. એક વખતે તો પંક્ચર પડ્યું. અમે કારમાં ટેપનું વોલ્યૂમ ફુલ કરી નાખ્યું. બધાં બારણાં ખોલી નાખ્યાં. પછી ડાન્સ કરતાં કરતાં પંક્ચર કર્યું. ટાયર બદલ્યું. એ ઘટના યાદગાર રહી. હાઇવે પર ટ્રાફિક જામ પણ હતો. એ વખતે હું બાજુના ખેતરમાં ગયો. એક ખેડૂત અને એની પત્ની ચટણી ને રોટલો ખાતાં હતાં. મને ઓફર કર્યો. મેં ખાધો. યાર એ રોટલા જેવો ટેસ્ટ મેં આજ સુધી માણ્યો નથી! આવી ઘટનાઓ જિંદગીમાં ભાગ્યે જ બનતી હોય છે! તમે આ જગ્યાએ હોવ તો તમે શું વિચારો? સુખ ગણો તો સુખ અને દુ:ખ ગણો તો દુ:ખ. નક્કી કરો કે મારે સુખી અને ખુશ રહેવું છે, તમને દુ:ખી કે ઉદાસ કરવાની કોઈનામાં તાકાત નથી!

છેલ્લો સીન :

સુખ અને દુ:ખમાં મોટાભાગે ચોઇસ આપણી જ હોય છે. પસંદગી કરતા ન આવડે તો દુ:ખી જ રહીએ. આપણી જિંદગી પ્રત્યે આપણું પર્સેપ્શન જ આપણને પ્લેઝર કે પેઇન આપતું હોય છે.     -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 06 માર્ચ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “તને ખબર નથી મારી લાઇફમાં કેટલા પ્રોબ્લેમ છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: