આપણે દેશને ટેકન ફોરગ્રાન્ટેડ લેવા લાગ્યા છીએ! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આપણે દેશને ટેકન ફોર

ગ્રાન્ટેડ લેવા લાગ્યા છીએ!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમને પેલો ‘પ્રતિજ્ઞાપત્ર’ યાદ છે? ભારત મારો દેશ છે,

બધા ભારતીયો મારાં ભાઇ-બહેન છે. હું મારા દેશને

ચાહું છું… ખરેખર આપણે દેશને કેટલો ચાહીએ છીએ?

દેશ માત્ર ઉમદા બંધારણથી મહાન બનતો નથી,

દેશને સુપર પાવર બનાવવા માટે

દેશના તમામ લોકોએ ઘણું બધું કરવું પડતું હોય છે.

આજે જ્યારે તમે મોબાઇલ હાથમાં લીધો હશે ત્યારે તમારા વોટ્સએપમાં પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓના અનેક સંદેશાઓ આવ્યા હશે. તમે પણ ઘણા બધા લોકોને રિપબ્લિક ડેની વિશ કરી હશે. કદાચ તમે રોડ પર વેચાતા તિરંગાને ખરીદીને તમારા વાહનમાં પણ લગાડ્યો હશે. મેળ પડ્યો હશે તો કદાચ થોડીવાર માટે ટીવી પર દિલ્હીમાં યોજાયેલી પરેડ પણ જોઇ હશે. સારી વાત છે. કંઇ જ ખોટું નથી. એ બહાને આપણે આપણા દેશનું ગૌરવ કરીએ છીએ. એ સિવાય તમે બીજું શું કર્યું? એક વખત પણ એવો વિચાર આવ્યો હતો કે હું દેશના બંધારણમાં જે કાયદાઓ છે એનું પૂરેપૂરું પાલન કરીશ? 

આજના દિવસે 1950ની સાલમાં આપણા દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું. 15મી ઓગસ્ટ, 1947ના દિવસે આઝાદી મળી ત્યારે દેશમાં બંધારણ નહોતું. 15મી ઓગસ્ટ, 1947થી 26મી જાન્યુઆરી સુધી દેશ બંધારણ વગર ચાલ્યો હતો? એનો જવાબ છે, ના. અંગ્રેજોએ 1857થી 1947 સુધી આપણા દેશ પર રાજ કર્યું. 26મી જાન્યુઆરી, 1950 સુધી બ્રિટિશરો ચલાવતા હતા એ જ કાયદાઓ મુજબ દેશ ચાલ્યો હતો. આપણા બંધારણમાં હજુ બ્રિટિશ શાસન સમયના કાયદાઓની અસર જોવા મળે છે. મજાની વાત એ છે કે, બ્રિટનમાં લેખિત બંધારણ જ નથી. માત્ર બ્રિટનમાં જ નહીં, ઇઝરાયેલ, ન્યૂઝીલેન્ડ, કેનેડા અને સાઉદી અરેબિયામાં પણ કોઇ લેખિત બંધારણ નથી. અમેરિકાનું બંધારણ સૌથી જૂનું છે. ત્યાં 1789માં બંધારણ અમલમાં આવ્યું હતું. ભારતના બંધારણની ગણના વિશ્વના શ્રેષ્ઠ બંધારણોમાં થાય છે. અલબત્ત, આપણા દેશમાં કાયદાનું પાલન કેવું અને કેટલું થાય છે એ ડિબેટેબલ ઇસ્યૂ છે.

દેશ મહાન કેવી રીતે બને છે એ વિશે દુનિયામાં બહુ બધી ચર્ચાઓ થઇ છે. એમાં જે મહત્ત્વની વાત બહાર આવી છે એ એવી છે કે, કોઇપણ દેશ સરકારના કારણે મહાન બનતો નથી, દેશના લોકોના કારણે બને છે. આપણે આપણા દેશને પ્રેમ તો કરીએ જ છીએ, પણ જ્યારે કાયદાના પાલનની વાત આવે ત્યારે મોં ફેરવી લઇએ છીએ.

દેશ પ્રત્યે દરેક નાગરિક ગંભીર હોવો જોઇએ. તમને પેલો પ્રતિજ્ઞાપત્ર યાદ છે? ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારાં ભાઈ-બહેન છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
હું મારાં માતા-પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. તેમનાં કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે. જય હિન્દ. 1962માં પી. વી. સુબ્બારાવે તેલુગુ ભાષામાં આ પ્રતિજ્ઞાપત્ર લખ્યો હતો. એ પછી આખા દેશે અપનાવ્યો. આ પ્રતિજ્ઞાપત્રના ઇતિહાસમાં બહુ પડવું નથી. વાત એના વર્તમાનની કરવી છે.

આપણે આ પ્રતિજ્ઞાપત્રને કેટલો ફોલો કરીએ છીએ? આપણે વિદેશ જઇએ તો ત્યાંના કાયદાઓનું બરાબર પાલન કરીએ છીએ. એટલું જ નહીં, બીજા દેશના કાયદાઓનાં બે મોઢે વખાણ પણ કરીએ છીએ. આપણા દેશને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લઇએ છીએ. ટ્રાફિકના કાયદાઓનું બરાબર પાલન નથી થતું એટલે જ આપણા દેશમાં સૌથી વધુ લોકો રોડ અકસ્માતમાં મરે છે. બંધારણ કરતાં પણ વધુ માણસની સિવિક સેન્સ દેશની સાચી ઓળખ છતી કરે છે. કરપ્શનને આપણે કેન્સર કહીએ છીએ અને કામ કઢાવવાનું હોય ત્યારે આપણે જ એ કેન્સરના જીવાણુ બની જઇએ છીએ.

અત્યારનો યુગ ટેક્નોલોજીનો છે. દરેકના હાથમાં મોબાઇલ છે. સૌથી વધુ ફેક ન્યૂઝ ફેલાવવામાં આપણા દેશનું નામ મોખરે છે. જે આવ્યું એ આંખો મીંચીને આપણે ફોરવર્ડ કરી દઇએ છીએ. સત્યતાની ખરાઇ કરવાની આપણે જરાયે પરવા કરતા નથી. આપણે દોરવાઇ જઇએ છીએ અને એનું સૌથી મોટું કારણ એ જ છે કે, આપણે સાચા-ખોટાની તપાસ કર્યા વગર બધું માની લઇએ છીએ. તમે ઇચ્છો છો કે આપણો દેશ મહાન બને? તો એક વાત સમજી લેજો કે, તમે જ દેશને મહાન બનાવી શકશો. દેશને મહાન બનાવવા માટે માત્ર એટલું જ કરવાનું છે કે, દેશના કાયદાનું પાલન કરો. કંઇ પણ કરતા પહેલાં માત્ર એટલો વિચાર કરો કે મારા આ કૃત્યથી મારા દેશને તો કોઇ નુકસાન જતું નથીને? 

આપણને એક ને એક વાત કેટલી વખત કહેવી પડે છે? હજાર વાર કહેવામાં આવે છતાં કેમ આપણને સમજ પડતી નથી? સ્વચ્છતાની વાત તમે કેટલી વાર સાંભળી છે? ટોલનાકા ઉપર ફાસ્ટેગ લગાવવાનું કેટલા સમયથી કહેવામાં આવે છે, છતાં હજુ ઘણા લોકો તેને ગણકારતા નથી. કોઇ નવી સિસ્ટમને આપણે કેમ એકઝાટકે અપનાવી લેતા નથી? કોઇપણ વાત હોય કે કંઇ પણ અમલ કરવાનો હોય આપણે ત્યાં મુદતો વધારવી જ પડે છે. આપણે પાછા એવી વાતો કરતા પણ અચકાતા નથી કે આખો દેશ ભગવાન ભરોસે ચાલે છે. દેશ લોકોના ભરોસા પર ચાલવો જોઇએ, લોકોમાં તમે, હું અને આપણે બધા આવી ગયા. પ્રજાસત્તાક દિવસની સાચી ઉજવણી એ જ છે કે આપણે આપણામાં થોડુંક પરિવર્તન લાવીએ અને દેશને મહાન બનાવવા શું કરવું અને શું ન કરવું એ નક્કી કરીએ. બહુ સરળ છે, બસ દાનત હોવી જોઇએ. સારા ઇરાદા જ દેશને મહાન બનાવશે. પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ.

પેશ-એ-ખિદમત

સુનો! અબ હમ મોહબ્બત મેં બહુત આગે નિકલ આયે,

કિ ઇક રસ્તે પે ચલતે ચલતે સો રસ્તે નિકલ આયે,

મોહબ્બત કી તો કોઇ હદ, કોઇ સરહદ નહીં હોતી,

હમારે દરમિયાં યે ફાસલે કૈસે નિકલ આયે.

– ખાલિદ મોઇન

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 26 જાન્યુઆરી 2020, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *