મને કોઇની વાતોથી કંઇ ફેર પડતો નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મને કોઇની વાતોથી

કંઇ ફેર પડતો નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું, આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હ્રદયની વાતમાં, આપને ક્યાં દર્દ જેવું થાય છે?

-આદિલ મન્સૂરી

જિંદગીમાં બે વાત બહુ અઘરી હોય છે. એક તો આપણી વાત કોઇને સમજાવવી અને બીજું કોઇની વાત સમજવી. દરેક વાતમાં આપણી પાસે આપણાં કારણો, દલીલો અને તર્કો હોય છે. ગણતરીઓ હોય છે. આપણે જ્યારે કોઇ નિર્ણય કરીએ ત્યારે બહુ સમજી વિચારીને કરતા હોઇએ છીએ. નિર્ણય કરીએ ત્યારે એ સાચો જ લાગતો હોય છે. સાચો ન લાગતો હોત તો આપણે એ નિર્ણય કર્યો જ ન હોત. પરિણામથી જ એ ખબર પડે છે કે, નિર્ણય લીધો હતો એ સાચો હતો કે આપણે ક્યાંક થાપ ખાઇ ગયા? સમય, સંજોગો કે સ્થિતિ આપણી મુરાદો પર પાણી ફેરવી દે છે. આપણે કહીએ છીએ કે, ગણતરીઓ તો બરાબર કરી હતી પણ થયું કંઇક એવું કે આખી બાજી બગડી ગઇ. બહુ ઓછા લોકો એવા હોય છે જે આપણી વાત સમજી શકે છે. આપણે જો સફળ થઇએ તો આપણે કરેલી ભૂલોને પણ સાચી અને સારી માની લેવામાં આવે છે. આપણે જો નિષ્ફળ જઇએ તો આપણે કેટલા વફાદાર હતા કે કેટલા સમર્પિત હતા તેનાથી કોઇને કંઇ ફેર પડતો નથી. આપણે ત્યાં કહેવાય છે કે, લોકો ઉગતા સૂરજને પૂજે છે. આથમતા સૂરજ નહીં. આથમતા સૂરજને જોઇને એટલો તો વિચાર કરવો જોઇએ કે નહીં કે જ્યારે ચમકતો હતો ત્યારે આ સૂરજે ઉત્તમ અજવાળું આપ્યું છે.

એક સુપર રિચ બિઝનેસમેન હતો. તેની કંપની ટોપ પર હતી. દરેક મેનેજમેન્ટ ઇન્સ્ટિટિયૂટમાં તેની સકસેસ થિયરીઓ ભણાવવામાં આવતી હતી. સફળતાની વાત નીકળે ત્યારે તેના ઉદાહરણો આપવામાં આવતા. સમય પલટાયો. તેની કંપની ધીમે ધીમે ખોટ કરવા લાગી. કંપનીની હાલત ખરાબ થઇ ગઇ. એક સમયે એની કંપની ફડચામાં ગઇ. એ પછી બધા તેના નિષ્ફળ જવાના કારણો ચર્ચવા લાગ્યા. મૂર્ખાઇ જેવું કરે તો બીજું શું થાય? આપણે નિષ્ફળ જઇએ ત્યારે લોકો આપણને સૌથી વધુ જજ કરતા હોય છે. આપણી નિષ્ફળતાના કારણો એ લોકો પોતાની રીતે જ શોધી લેતા હોય છે. એક સમયે એ બિઝનેસમેનને પૂછવામાં આવ્યું કે, તમને બધાની વાત સાંભળીને કેવું લાગે છે? બિઝનેસમેને કહ્યું, કઇ વાત અને કોની વાત? હું કોઇની વાત સાંભળતો જ નથી. સફળ થયો ત્યારે આ લોકો જ મારા પરા ફીદા હતા અને હવે મારા વાંક શોધે છે. મને કહે છે કે, તમે ક્યાં ભૂલ કરી? સફળ થયો ત્યારે જેટલું વિચારીને નિર્ણયો કર્યા હતા એટલો જ વિચાર નિષ્ફળ ગયો એ પહેલા કર્યા હતા. મેં જે વિચાર્યું હતું એ મુજબ ગાડું આગળ ન ચાલ્યું. જરૂરી થોડું છે કે, આપણે ધાર્યું હોય એ જ થાય? તેણે કહ્યું, તમારી નિષ્ફળતાની વાત એને જ કહો જે એને સમજી શકે. બધાને સમજાવવાની જરૂર નથી. તમે બધાને ક્યારે સમજાવી જ શકતા નથી. જે માણસ તમારી સફળતા સમજી શકતા નથી એ તમારી નિષ્ફળતા ક્યારેય સમજવાની નથી. કોઇ ખેલાડી ફાઇનલ હારી જાય ત્યારે એની હારની જ ચર્ચા થાય છે. કોઇ ત્યારે એ યાદ કરતું નથી કે, કેટલો સંઘર્ષ કરીને એણે ફાઇનલ સુધીની સફર કાપી હતી. તમારી સફળતાના ગાણા લોકો પોતાની મેળે જ ગાશે. એવી વાતો કરશે કે, એણે કરી બતાવ્યું હોં. એનામાં જબરી તાકાત છે. એના દરેક ડિસિઝનમાં દમ હોય છે. હાર, નિષ્ફળતા અને ફેલ્યોર વખતે લોકો અગાઉનું બધું ભૂલીને વગોવવાનું શરું કરી દેશે. આવા સમયે કોઇને સમજાવવાનો પ્રયાસ કરવો જોઇએ જ નહીં.

ઘણી વખત માણસ બીજાની વાતો સાંભળને દુ:ખી થતો હોય છે. ખુલાસાઓ કરતા હોય છે. પોતાના બચાવમાં લાગી જતા હોય છે. ખુલાસો એને જ કરવો જોઇએ જેને તમારાથી ફેર પડતો હોય અને તમને જેનાથી ફેર પડતો હોય. ગામને ખુલાસા કરવા જશો તો પણ એ તમારી કોઇ વાત સાચી માનવાના નથી. એ તો એવી જ વાતો કરશે જેવી એને કરવી હોય છે. અત્યારના સમયમાં બધું જ ‘ટાર્ગેટેડ’ થતું જાય છે. સફળ માણસ હંમેશા કોઇના ટાર્ગેટ પર જ હોય છે. સફળ થયા એટલે તરત જ તમે લોકોની નજરે ચડી જવાના છો. આપણે સફળ થઇએ એવું ઇચ્છનારા લોકો બહુ ઓછા હોય છે. આપણી સફળતા અને આપણા સુખ માટે પ્રાર્થનાઓ કરનારા પણ જૂજ હોય છે. આપણે સફળ થઇ જઇએ પછી આપણે નિષ્ફળ જઇએ એની રાહ જોઇને બેસનારાઓની કમી નથી હોતી. એક યુવાનની વાત છે. એ ખૂબ મહેનત કરતો હતો. એને પ્રમોશન મળ્યું. એની સાથે કામ કરનારાઓએ મોઢામોઢ તો એને અભિનંદન આપ્યા પણ તેની પીઠ પાછળ એવી વાતો કરવા લાગ્યા કે, એને બેસાડી તો દીધો છે પણ એ ચાલવાનો નથી. એનામાં ક્યાં એટલી આવડત જ છે? વાતો તો એવી પણ થવા લાગે છે કે, લાગવગથી કે બોસની મહેરબાનીથી એનો મેળ પડી ગયો છે. કોઇ એવું નથી વિચારતું કે, એને ટાઇમ તો આપો, હજુ એણે નવું કામ સંભાળ્યું નથી ત્યાં એની ટીકા કરવા લાગ્યા, જજ કરવા લાગ્યા?

જિંદગીમાં એની સમજ બહુ જરૂરી છે કે, કોની વાત સાંભળવી અને કોની વાતને કાને ન લેવી? કોની વાત માનવી એને કોની વાત ન માનવી? દરેકની વાતને ઇગ્નોર કરવા જેવું પણ હોતું નથી. આપણાથી સમજદાર, આપણું ભલું ઇચ્છનાર અને આપણને પ્રેમ કરનાર માણસની વાત સાંભળવી જોઇએ અને એને સમજવાનો પ્રયાસ પણ કરવો જોઇએ. એક કપલની આ વાત છે. બંને સરસ રીતે રહેતા હતા. પતિને એમ જ હતું કે, બધું બરાબર ચાલે છે. હું પત્ની અને બાળકોની તમામ જરૂરિયાતો પૂરી કરું છું. એ જે માંગે એ લઇ આપું છું. હું મારી ફરજો પૂરેપૂરી અદા કરું છું. પત્નીને ધીમે ધીમે પતિ સાથે પ્રોબ્લેમ થવા લાગ્યા. પત્નીને ફરિયાદ હતી કે, તું સમય જ નથી આપતો. તને તારા કામમાંથી જ ફૂરસદ નથી. એક સમયે પત્નીએ પતિને કહ્યું કે, મારી સાથે બેસ. મારે તને શાંતિથી એક વાત કરવી છે. પતિએ પૂછ્યું કે, શું વાત છે? પત્નીએ કહ્યું કે, મારે ડિવોર્સ જોઇએ છે! પતિને આંચકો લાગ્યો. તેણ કહ્યું કે, તને તે વળી શું દુ:ખ છે? તારી પાસે એ બધું જ છે જેનાથી સારી રીતે જીવી શકાય! પત્નીએ કહ્યું, ના બધું જ નથી! તું ક્યાં છે મારી પાસે? તું તા માત્ર તારી સાથે જ છે! તને એમ છે કે, બધી જરૂરિયાત પૂરી કરી દઇને તું એક સારા પતિની ભૂમિકા સુપેરે ભજવે છે તો એ તારી ભૂલ છે. પત્નીને સુવિધાઓ અને સંપત્તિ સિવાયનું પણ ઘણું બધું જોઇતું હોય છે. તારો સાથ, તારો સ્નેહ, તારું સાંનિધ્ય અને તારી હાજરી મારા માટે સૌથી વધુ કિંમતી છે. તું ઘરમાં હોય ત્યારે પણ મારી સાથે હોતો નથી. હું દૂર હોવ ત્યારે પણ તારા મોઢે ક્યારેય એવું સાંભળવા મળતું નથી કે, તને મીસ કરું છું, તું યાદ આવે છે, તારા વગર નથી ગમતું. ક્યારેક થોડાક વાક્યો બધી જ કમી પૂરી કરી દેતા હોય છે. પત્નીની વાતથી પહેલા તો પતિને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું કે, તને ખબર નથી, મારા કામમાં કેટલી ચેલેન્જિસ છે. મારે મારી જાતને પ્રૂવ કરવા માટે કેટલી મહેનત કરવી પડે છે. પત્નીએ કહ્યું, કામની ચેલેન્જિસની તને ચિંતા છે, લાઇફની ચેલેન્જિસની તને કોઇ ફિકર નથી? પતિ ભલે ત્યારે ઝઘડ્યો પણ પછી તેણે પત્નીની વાત પર પૂરો વિચાર કર્યો. તેને વાત સાચી લાગી. પત્નીની સાથે બેસીને તેણે સોરી કહ્યું અને એમ પણ કહ્યું કે, હું મારામાં બદલાવ લાવીશ. પત્નીએ કહ્યું, તેં મારી વાત સાંભળી અને સ્વીકારી એ જ તારા બદલાવની નિશાની છે. આપણા બંનેનું સુખ એક-બીજા સાથે જોડાયેલું છે એટલે જ આપણું દુ:ખ પણ બંને વચ્ચે વહેંચાયેલું હોવું જોઇએ. બંનેનું સુખ એક હશેને તો સુખ બેવડાઇ જશે અને બંનેનું દુ:ખ જો એક હશેને તો એ અડધું થઇ જશે. આપણે ઘણી વખત એ ભૂલ કરતા હોઇએ છીએ કે, જેની વાત સાંભળવાની હોય છે એની વાત સાંભળતા નથી અને જેની વાતને ઇગ્નોર કરવાની હોય છે એને વધુ પડતું ઇમ્પોર્ટન્સ આપી દઇએ છીએ. નકામા લોકોની વાત માત્ર સાંભળતા જ નથી, રિએક્ટ પણ કરીએ છીએ અને આપણી શક્તિ પણ વેડફીએ છીએ. કોની વાતને રિજેક્ટ કરવી અને કોની વાતને રિસપેક્ટ કરવી એની સમજ હશે તો જિંદગી રુઇન નહીં થાય!      

છેલ્લો સીન :

આપણને એકલતા માત્રને માત્ર એક જ વ્યક્તિની ગેરહાજરીથી વર્તાતી હોય છે. સંબંધ સૂકાય ત્યારે સન્નાટો સર્જાતો હોય છે. આપણે જીવતા હોઇએ છીએ પણ આપણી જિંદગી એ સન્નાટો શોષી લે છે! સન્નાટો ન ઇચ્છતા હોવ તો સંબંધને સજીવન રાખો.             -કેયુ.

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 27 માર્ચ 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: