સારી જિંદગી માટે ક્યારેક મૂડ ખરાબ થાય એ પણ જરૂરી છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સારી જિંદગી માટે ક્યારેક મૂડ

ખરાબ થાય એ પણ જરૂરી છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આપણે એવું ઇચ્છતા હોઇએ છીએ કે, આપણો મૂડ કાયમ

સારો જ રહે. જોકે, એવું બનતું નથી. મૂડમાં અપ-ડાઉન્સ

આવતા રહે છે. તમે માનશો? અમુક ખરાબ મૂડ

આપણી જિંદગીને બહેતર બનાવે છે!

મૂડ જો સતત ખરાબ રહે તો એ ચિંતાનો વિષય છે.

લાંબી ઉદાસી માણસને ડિપ્રેશન તરફ દોરી જાય છે.

મન પર મનન થવું જોઇએ.

તમે તમારા મૂડ ઉપર નજર રાખો છો ખરા?

આપણા સહુના મૂડમાં ફેરફારો થતા રહે છે. ક્યારેક આપણે મજામાં હોઇએ છીએ. અમુક સમયે અપસેટ થઇ જઇએ છીએ. કોઇ કોઇ સમય તો એવો હોય છે જ્યારે આપણને નાચવાનું મન થઇ આવે છે. ક્યારેક વળી કોઇની સાથે વાત કરવાનું પણ મન નથી થતું. ક્યારેક કોઇ વતાવે તો તરત પિત્તો છટકે છે. ક્યારેક એકલું રહેવાનું મન થાય છે. તમને આવું થાય છે? થતું જ હશે. એમાંથી કોઇ જ બાકાત નથી. મનોવિજ્ઞાન તો એમ કહે છે કે, એવું થવું જ જોઇએ. જો ન થાય તો સમજવું કે, કંઇક પ્રોબ્લેમ છે. આપણે માણસ છીએ. સારા-નરસા બધાની અસર આપણને થાય છે. દિલ તૂટે તો દર્દ થવાનું જ છે. સફળતા મળે તો ખુશી થવાની જ છે. માણસ જે કંઇ કરે છે એનું અંતિમ લક્ષ્ય સુખ હોય છે. દરેકને હંમેશાં મજામાં રહેવું હોય છે. જોકે, દરેક વખતે આપણું ધાર્યું થતું નથી. અમુક ઘટના, પ્રસંગ કે કિસ્સા એવા બને છે જેના કારણે આપણે ઉદાસ થઇ જઇએ છીએ. દુનિયામાં એવા લોકો પણ છે, જેને ગમે તે થાય એનાથી કોઇ ફેર પડતો નથી. ફેર પડવો જોઇએ કે નહીં? એનો જવાબ છે, હા. એટલું જ નહીં, અમુક વખતે ઉદાસી અથવા ખરાબ મૂડ માણસને બહેતર જિંદગી તરફ દોરી જાય છે.

મૂડ વિશે થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, કોઇ કારણથી તમારો મૂડ ખરાબ થાય ત્યારે તમે એ કારણ વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ કરો છો. એક છોકરીએ કહેલી આ વાત છે. એ હેપી ગો લકી કિસમની છોકરી હતી. આખો દિવસ પોતાની મસ્તીમાં જ રહે. એનું ફ્રેન્ડ સર્કલ પણ એવું જ મસ્તીખોર હતું. એક વખત તેને પોતાની અંગત દોસ્ત સાથે ઝઘડો થયો. એ પહેલી વખત ડિસ્ટર્બ થઇ. એનો મૂડ ખરાબ હતો. એ સમયે એણે વિચાર્યું કે, આવું કેમ થયું? કોનો વાંક હતો? એ પછી એવો વિચાર આવ્યો કે, વાંક ગમે તેનો હોય, પણ સંબંધમાં તો ખટાશ આવીને? હવે શું કરવું એ પણ એણે વિચાર્યું. બીજા દિવસે તેણે પોતાની ફ્રેન્ડને સોરી કહ્યું. દોસ્તી પાછી પાટે ચડી ગઇ. મૂડ ખરાબ ન થયો હોત તો? એણે એવું વિચાર્યું હોત કે, ચૂલામાં જાય, બીજી ફ્રેન્ડ્ઝ ક્યાં નથી? તો કદાચ એણે એક સાચી દોસ્તી ગુમાવી હોત. આપણે બધા પણ અમુક વખતે આપણા સંબંધોને લઇને અપસેટ થતા જ હોઇએ છીએ. એ અભ્યાસ તો એવું કહે છે કે, ખરાબ મૂડને કારણે પ્રેમ, દોસ્તી, લાગણી, આત્મીયતા વધે છે. સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત થાય છે. આપણે સંબંધોની કદર કરતા શીખીએ છીએ.

તમે માર્ક કરજો, બધી જ વાતને લાઇટલી લેનારાનો આપણે જ ભરોસો કરતા નથી. જે ગંભીર નથી એને આપણે પણ ગંભીરતાથી લેતા નથી. આપણે કહેશું કે, એને રેવા દે, એને કોઇ વાતની સિરિયસનેસ જ નથી. ખરાબ મૂડ અમુક સમયે તમને લાંબું વિચારવા મજબૂર કરે છે. આપણી પાસે સલાહ લેવા પણ એ જ લોકો આવે છે જેને એ વાતનો ભરોસો હોય છે કે, એ આપણને લાંબું વિચારીને એડવાઇઝ આપશે. ખરાબ મૂડ આપણને સફળતા માટે પણ ઉપયોગી થાય છે. કોઇ ઠપકો કે નિષ્ફળતા મળે ત્યારે આપણે એ વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ. મૂડ વિશેના અભ્યાસનું એ તારણ છે કે, ખરાબ મૂડ તમને સચેત બનવે છે. એ એલાર્મનું કામ કરે છે. તમને કહે છે કે, હવે તારે આ વિશે સિરિયસલી વિચારવું પડશે. ખરાબ મૂડ આપણને પરિસ્થિતિને આળખવાનું, ક્યારેક અમુક પરિસ્થિતિ સામે લડી લેવાનું, ક્યારેક અમુક સંજોગોને અવોઇડ કરવાનું તો ક્યારેક તમને એમાંથી બહાર નીકળવાનું શીખવે છે.

મૂડ વિશેના અભ્યાસ માટે બે પ્રકારના લોકોને પસંદ કરવામાં આવ્યા હતા. એક જે સાવ બેફિકરા હતા. બીજા જે સિરિયસ સ્વભાવના હતા. જે લોકો ગંભીર હતા તેમણે કામ સારી રીતે કર્યું હતું. બિન્ધાસ્ત લોકોએ એવું વિચાર્યું હતું કે, થાય તો ઠીક છે, બાકી હરિ હરિ. બીજા પ્રકારના લોકોને એ ચિંતા હતી કે, નહીં થાય તો? પરિણામ અંગે તેને ચિંતા હતી. તેનો મૂડ પણ અપસેટ લાગતો હતો. સારા પરિણામ માટે ચિંતા જરૂરી છે. પડશે એવા દેશું એવું દરેક વાતમાં ન ચાલે. પેલું ગીત છે ને, મૈં જિદગી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફ્રિક કો ધૂંએ મેં ઉડાતા ચલા ગયા. એના વિશે પણ એક વાત સમજવા જેવી છે કે, જિંદગીનો સાથ નિભાવતા રહો એ સારી વાત છે, પણ દરેક ફિકરને તમે ધુમાડાની જેમ ઉડાવી ન શકો. અમુક ફિકરને તમારે ગંભીરતાથી લેવી જ પડે.

મૂડ અંગે એક વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે. મૂડ ક્યારેક ખરાબ હોય તો કશો વાંધો નથી. નેગેટિવ ઘટના તમને ડિસ્ટર્બ કરવી જોઇએ. જોકે, એના પર જરૂરી વિચાર કરીને એમાંથી બહાર નીકળી જવું જોઇએ. ખરાબ મૂડનું કારણ અને મારણ શોધીને મૂડ સારો થઇ જવો જોઇએ. મૂડ જો સતત ખરાબ રહે તો એ ચિંતાનો વિષય છે. સતત ઉદાસી માણસને ડિપ્રેશન તરફ ઢસડી જાય છે. માણસે પોતાના મૂડને પણ વોચ કરતો રહેવો પડે છે. મજા ન આવતી હોય તો એના વિશે ચોક્કસ વિચારો પણ ઉદાસીને પેમ્પર ન કર્યા કરો. ઓવર થિંકિંગ પણ ઘણી વખત આત્મઘાતી નીવડે છે. જે બાબત ઉપર જેટલી જરૂર હોય એટલો જ વિચાર કરો અને એટલા જ ઉદાસ થાવ પછી પાછા પોતાના રિઅલ મૂડમાં આવી જાવ, તો જ જિંદગી જીવવાની મજા આવશે.

પેશખિદમત

યે નુક્તા ઇક કિસ્સા-ગો ને મુજકો સમજાયા,

હર કિરદાર કે અંદર એક કહાની હોતી હૈ,

ઇતની સારી યાદોં કે હોતે ભી જબ દિલ મેં,

વીરાની હોતી હૈ તો હૈરાની હોતી હૈ.

 (કિસ્સા-ગો = વાર્તાકાર)    – અફઝલ ખાન

(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ તા. 02 જૂન 2019, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

3 thoughts on “સારી જિંદગી માટે ક્યારેક મૂડ ખરાબ થાય એ પણ જરૂરી છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *