તારી અંદરના કલાકારને
તું કેટલો ઓળખે છે?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
દર્દ હલ્કા હૈ સાંસ ભારી હૈ, જિએ જાને કી રસ્મ જારી હૈ,
આપકે બાદ હર ઘડી હમને, આપકે સાથ હી ગુજારી હૈ,
રાત કો ચાંદની તો ઓઢા દો, દિન કી ચાદર અભી ઉતારી હૈ,
કલ કા હર વાકિઆ તુમ્હારા થા, આજ કી દાસ્તાં હમારી હૈ.
-ગુલઝાર
દરેક માણસને સફળ થવું છે. સફળતાની ખ્વાહિશ સારી વાત છે. જે ખુલ્લી આંખે સફળતાનું સપનું જુએ છે એની આંખોમાં જ ચમક વર્તાય છે. સફળતાનું સપનું સાકાર કરવાની પહેલી શરત સજ્જતા છે. સજ્જતાથી જ ક્ષમતા કેળવાય છે. કંઈક કરી છૂટવું છે, મારી જાતને સાબિત કરવી છે, મારા હોવાનો કોઈ અર્થ છે, આ અર્થને મારે ઉજાગર કરવો છે. સફળતા માટે એક ઝનૂન સવાર હોવું જોઈએ. દરેકને ખબર જ હોય છે કે, મારે શું કરવું છે, શું બનવું છે. એક ગોલ નક્કી હોય છે. એક ટાર્ગેટ નજર સામે હોય છે. એ સિદ્ધ કરવા માટે શું કરવું જોઈએ, એની પણ આપણને જાણ હોય જ છે. કંઈ રહી જાય છે તો મંજિલ સુધી પહોંચવાના પ્રયાસો. જે કરવું હોય એ સારી રીતે થતું નથી. સજ્જતા માટે દાનત હોવી જોઈએ. આપણી સામે એટલા બધા ટેમ્પ્ટેશન છે, જે આપણને લલચાવે છે. નક્કી કર્યું હોય એ થતું નથી.
આપણને પણ હવે તારીખો પાડવાની આદત પડી ગઈ છે. આ દિવસથી કરીશ. આવતી કાલથી વાંચવાનું શરૂ! હવે તો રેગ્યુલર જિમ જવું છે. આપણે તો નાની-નાની વાતોમાં પણ મક્કમ રહી શકતા નથી. મન થાય એમ કરવું બધાને ગમે છે. એક યુવાન ફિલોસોફર પાસે ગયો. જિંદગી વિશેની વાત થઈ ત્યારે ફિલોસોફરે કહ્યું કે, જિંદગીને વહેવા દેવી જોઈએ. એ યુવાને કહ્યું, હું એ જ કરું છું, પણ નિષ્ફળ રહું છું. હું જિંદગીને વહેવા દઉં છું. મન થાય ત્યારે ઊઠું છું, ઇચ્છા થાય ત્યારે સૂઉં છું, મૂડ આવે ત્યારે કામ કરું છું. મારી મસ્તીમાં રહું છું. ફિલોસોફરે કહ્યું કે, જિંદગીને વહેવા દેવાનો અર્થ એ નથી કે મન થાય એમ કરવું. જિંદગી કઈ તરફ વહે છે એની સતર્કતા તો હોવી જ જોઈએ. દરિયામાં હોડી લઈને નીકળો પછી હલેસાં તો મારવાં જ પડે છે. હોડી જેમ જતી હોય એમ જવા દો તો છેલ્લે ડૂબવાનો જ વારો આવે. હવા મુજબ સઢ ફેરવવું પડે. સામું વહેણ હોય તો વધુ જોરથી હલેસાં મારવાં પડે. જિંદગીનું પણ એવું જ છે. જિંદગીને વહેવા દેવાનો અર્થ એ છે કે કોઈ પણ પરિસ્થિતિથી વિચલિત ન થવું. ગમે એવા સંજોગોમાં ધ્યેય ન ભૂલવું. નક્કી હોય એ વાતને વળગી રહેવું.
આપણે બધું શીખીએ છીએ, પણ જિંદગી જીવતા શીખતા નથી. તમે શું માનો છો, જિંદગી જીવતા એમ જ આવડી જાય છે? ના, એ પણ શીખવું પડે છે. સમય, સંજોગો, અનુભવો અને સંબંધો તમને જિંદગી જીવતા શીખવાડે છે. એમાંથી બોધપાઠ મેળવીને જિંદગીને જીવતા શીખવી પડે. વિચારોને કેળવવા પડે. જિંદગીની દિશા નક્કી કરવી પડે. આપણે દરરોજ શું શીખીએ છીએ, કેવું શીખીએ છીએ અને એ શીખ્યા પછી જિંદગી જીવવામાં તેનો કેટલો અમલ કરીએ છીએ એના ઉપરથી જિંદગી બને છે. એક ગુનેગાર એક સંત પાસે ગયો. તેણે સંતને પૂછ્યું, મારો વાંક શું? સંતે કહ્યું કે, તારો વાંક એટલો જ કે તને જિંદગી જીવતા ન આવડ્યું! જિંદગી પાસેથી તું કંઈ ન શીખ્યો. કંઈ ન શીખો તો પણ ક્યારેક કોઈ વાંધો આવતો નથી, પણ ન શીખવા જેવું શીખો તો સો ટકા વાંધો આવે જ. જે લોકો જેલમાં કે પાગલખાનામાં છે એ જિંદગી જીવવામાં નાપાસ થયેલા લોકો છે. જિંદગી જીવતા શીખવું પડે છે, પણ એની કોઈ માર્કશીટ હોતી નથી. એ તો ચહેરા ઉપર દેખાતી હોય છે. આ માર્કશીટના ગુણ રોજેરોજ વધતા કે ઘટતા હોય છે. અમુક લોકોને જોઈને આપણને એટલે જ એવું થાય છે કે, આ માણસ તો એની જિંદગી હન્ડ્રેડ પર્સન્ટ જીવે છે! આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે આપણે આપણી જિંદગી કેટલા ટકા જીવીએ છીએ? પાસિંગ પર્સન્ટેજ જેટલી જિંદગી છે કે નહીં? જો ન હોય તો સમજવું કે આપણે જિંદગી જીવવાનું શીખવામાં ક્યાંક થાપ ખાઈ ગયા છીએ. જિંદગીનું એટલું સારું છે કે એ સતત તમને જિંદગીને વધુ બહેતર બનાવવાની તક આપતી રહે છે. ગમે તે ઉંમરે માણસ જિંદગી જીવવાનું શરૂ કરી શકે છે. અહીં કોઈ એજ લિમિટ નથી. થોડીક હળવાશ જરૂરી છે. કરિયરમાં સફળ હોય એ માણસ પણ જિંદગી જીવવામાં નિષ્ફળ હોય છે. જિંદગીમાં જે નિષ્ફળ હોય છે એ ગમે એટલો સફળ હોય તો પણ સુખી હોતા નથી. ખુશી કોઈ ડિગ્રીથી મળતી નથી. આનંદનો અભ્યાસક્રમ હોતો નથી, એની તો અનુભૂતિ હોય, એનો તો અહેસાસ હોય, એના માટે જિંદગી જીવતા આવડવું જોઈએ!
સફળ કરતાં નિષ્ફળ માણસની કથા કદાચ વધુ રસપ્રદ હોય છે. અધૂરાં સપનાં ચેન લેવા દેતાં નથી. અધૂરી તરસ આખી જિંદગી વર્તાતી રહે છે. અધૂરા પ્રેમનો એક ગજબનો વિરહ હોય છે. જય અને પરાજય વચ્ચે જિંદગી ઝૂલતી રહે છે. ક્યારેક આપણે મધ્યમાં આવી જઈએ છીએ ત્યારે એક આંખ વિજય તરફ અને બીજી પરાજય તરફ મંડાયેલી રહે છે. સવાલ થાય છે કે, આ બે વચ્ચે હું ક્યાં છું? સુખ ક્યાં છે? શાંતિ ક્યાં છે? અમુક શોધ અંતિમ શ્વાસ સુધી પૂરી થતી નથી. સફળ માણસ આત્મકથા લખે છે. નિષ્ફળ માણસ પોતાની કથા જીવતો હોય છે. એ એકાંતમાં કે એકલતામાં પાનાંઓ ઉથલાવતો રહે છે. એવાં પાનાં જેમાં એના સિવાય કોઈને રસ નથી. કોઈને પડી નથી. કોઈનો ફેર પણ પડતો નથી.
એક માળી હતો. સરસ મજાનો બગીચો બનાવે. એક પેઇન્ટર દરરોજ એ બગીચામાં આવે. એક ઝાડની નીચે ફૂલોના છોડની વચ્ચે એ પોતાનું ઇઝલ ગોઠવે. કેનવાસ ઉપર રંગોના એક પછી એક સ્ટ્રોક લગાવે. માળી ચૂપચાપ બધું જોયા કરે. એક પેઇન્ટિંગ બને એટલે માળી એક બુકે બનાવે અને એ પેઇન્ટરને ગિફ્ટ આપે. બંને હમઉંમર હતાં. એકસાથે વૃદ્ધ થયાં. પેઇન્ટર બીમાર પડ્યો. બગીચામાં આવી શકતો ન હતો. થોડુંક સારું લાગ્યું એટલે એ બગીચામાં ગયો. વૃદ્ધ માળી ક્યારો સાફ કરતો હતો. પેઇન્ટરે એના ખભે હાથ મૂક્યો. પેઇન્ટરે સાથે લાવ્યો હતો એ માળીને આપ્યું. પેઇન્ટરે પોતાનું એક સરસ મજાનું પેઇન્ટિંગ ગિફ્ટ આપ્યું. માળીએ પૂછ્યું, આ શું છે? પેઇન્ટરે કહ્યું, મારો બુકે! તું મને દરેક પેઇન્ટિંગ પૂરું થાય ત્યારે બુકે આપતો હતો ને? આ મારું પેઇન્ટિંગ તને મારો બુકે છે!
માળીની આંખોમાં થોડીક ભીનાશ ઊભરી આવી. આંખોમાં પણ ક્યારેક કૂંપળો ફૂટતી હોય છે. આંખોના ખૂણે પણ સળવળાટ થતો હોય છે. માળીએ કહ્યું, તમારી કળા તો અમર છે. એ તો કાયમ જીવતી રહેવાની છે! હું તો બહુ નાનો માણસ છું. પેઇન્ટરે કહ્યું, ના તું નાનો માણસ નથી. તને ખબર છે, તું પણ એક સર્જક છે. રોજ બગીચામાં ફૂલોનું સર્જન કરે છે. મારું એક પેઇન્ટિંગ તો કેટલા બધા દિવસે પૂરું થાય છે. તારું સર્જન તો રોજ ચાલતું રહે છે. રોજ એક નવું ફૂલ ખીલે છે અને તારી સર્જનપ્રક્રિયા સજીવન થાય છે. તારા સર્જનમાં તો ખીલવું છે, તારા સર્જનમાં સુગંધ છે. મારા પેઇન્ટિંગનાં ફૂલો કદાચ લાંબાં ટકશે, પણ એ સજીવ તો નથી જ! તું તો સજીવનો સર્જક છે! હા, હું મર્યા પછી કદાચ પેઇન્ટિંગથી લોકોને યાદ રહીશ. તું કદાચ ભુલાઈ જઈશ, પણ એક વાત યાદ રાખજે, તું આ બગીચામાં જીવતો રહેવાનો છે! અમુક લોકોની આર્ટ રોજિંદી હોય છે. એ દરરોજ ઊગે છે અને આથમી પણ જાય છે. એ દિવસ દરમિયાન એ જેટલા લોકોને સ્પર્શે છે એ એની જીવંતતાને મહેસૂસ કરે છે. સાચી કલા એ છે જે લોકોને જીવતા શીખવાડે! અમે લોકો આર્ટ દ્વારા અમર થવાનો પ્રયાસ કરીએ છીએ. તું તારી આર્ટ દ્વારા લોકોને દરરોજ જીવવાનો ઉમદા અવસર આપે છે! હું તારી કળાની કદર કરું છું. મારા કરતાં તારી કળાને હું વધુ સારી, સુંદર અને સજીવન સમજું છું! એ દોસ્ત, બીજાની ખબર નથી, પણ મને તો તું મારા છેલ્લા શ્વાસ સુધી યાદ રહેવાનો છે.
તમને કોઈ છેલ્લા શ્વાસ સુધી યાદ કરે એવું છે? તો માનજો કે તમે સફળ છો. સફળતા માત્ર ડિગ્રી, હોદ્દા કે આવકથી નથી મપાતી, સફળતા પ્રેમ, ઉષ્મા અને આત્મીયતાથી પણ મપાતી હોય છે. એક ફિલોસોફર પાસે એક મૂર્તિકાર ગયો. તેણે કહ્યું, હું સરસ મજાનાં શિલ્પો બનાવું છું. તમે શું કરો છો? ફિલોસોફરે હળવા સ્મિત સાથે કહ્યું કે, હું માણસ ઘડું છું. કુદરત છે ને, જ્યારે માણસને જન્મ આપે છે ને ત્યારે એક કોરું કેનવાસ મોકલે છે, એના પર ચિત્ર બનાવું છું. અમુક માણસ પથ્થરના ટુકડા જેવા હોય છે એને માણસ બનાવું છું. આપણા બધાની જિંદગીમાં અમુક લોકો એવા હોય છે જે આપણું સર્જન કરે છે, આપણને ઘડે છે, આપણામાં શાર્પનેસ ઉમેરે છે. આ બધા કલાકારો સામાન્ય હોય તો પણ મહાન છે, સફળ છે. આ બધા સાથે એક વિચાર એ પણ કરવા જેવો છે કે, હું કોઈના માટે નાનો સરખો પણ કલાકાર છું ખરો? જવાબ જો હા હોય તો તમે સફળ છો, તમે મહાન છો અને તમે સર્જક પણ છો! આત્મીયતાની આર્ટ બધાને હસ્તગત હોતી નથી!
છેલ્લો સીન :
એક માણસની જિંદગીને પણ જો તમે સલુકાઈથી સ્પર્શી શકો તો તમે સર્જક છો. કોઈના જીવનમાં જિંદગી રોપવી એ કંઈ નાનીસૂની કળા નથી. -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 29 મે 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com