પડોશી સાથે તમારો સંબંધ કેવો અને કેટલો છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

પડોશી સાથે તમારો સંબંધ

કેવો અને કેટલો છે?


દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

માણસ પડોશીથી દૂર થતો જાય છે એવું ભલે કહેવાતું હોય પણ આ વાત સાવ સાચી નથી.

હજુ પહેલો સગો પડોશી જ છે!​

​એક સમય હતો જ્યારે બાળકો પડોશીના ઘરે જ આંટાફેરા કરતાં હતાં અને મોટાં થતાં હતાં.

આપણે બધાએ પડોશીના ઘરે ખાધું જ હોય છે!

બાળકો પડોશીઓને એકબીજા સાથે જોડતાં હોય છે!​ ​

વાટકી વહેવાર હજુ ચાલુ જ છે. ઘરે રૂટિન કરતા કંઈક નવું રાંધવામાં આવે ત્યારે

પડોશીને મોકલવાની પરંપરા હજુ પણ જીવતી જ છે!


———–

આજે રાંધણ છઠ્ઠ છે. ટાઢી સાતમ ઊજવવા માટે આજે બધાનાં ઘરે કોઈ ને કોઇ વાનગી બની હશે. પડોશીના ઘરે બનેલી વાનગી તમારા ઘરે આવે છે? તમારા ઘરે જે વાનગી બને એ તમે પડોશીના ઘરે મોકલાવો છો? એક ફેમિલીની આ વાત છે. રાંધણ છઠ્ઠના દિવસે તેના ઘર માટે ફરસાણ અને બીજી વાનગીઓ બાજુવાળા જ બનાવી દે છે. માત્ર તહેવારોની જ વાત નથી. સામાન્ય દિવસોમાં પણ ઘરે કોઈ આઇટમ બને ત્યારે પડોશીઓના ઘરે મોકલવામાં આવે છે. ઘણી વખત તો પડોશીનો દીકરો કે દીકરી કહેતાં હોય છે કે, આન્ટી તમે ઘણા દિવસથી આ આઇટમ તો બનાવી જ નથી, ક્યારે બનાવવાનાં છો? એ છોકરાની ડિમાન્ડ પૂરી કરવા માટે વહેલીતકે એ આઇટમ બનાવાય છે. ખાંડ, ચા કે બીજું કંઈ ખૂટી જાય ત્યારે વાટકી વ્યવહાર તો બહુ સહજ છે. અલબત્ત, હવે સમય બદલાયો છે. બધી જગ્યાએ આવું જોવા મળતું નથી. હાઈ-ફાઈ સોસાયટીઓમાં લોકો હવે પ્રાઇવસીના નામે એકલસૂડા થતા જાય છે.
મોટાં શહેરોમાં તો પડોશમાં કોણ રહે છે એની પણ ખબર હોતી નથી. નાના સેન્ટરમાં હજુ પડોશીઓ સાથેનો સંબંધ અકબંધ છે. ક્યારેક એ કંટાળાજનક પણ બને છે. એનું કારણ એ છે કે, ઘણી વખત સારા પડોશી પણ ઘરની અંગત અને નાની નાની વાતોમાં પંચાત કરતા હોય છે! આમ છતાં સારા પડોશી હોય એની એક મજા છે. પહેલો સગો પડોશી એ કહેવત એમ જ તો નહીં બની હોયને? ક્યારેક કોઇ જરૂર પડે ત્યારે ગમે એટલાં નજીકનાં સગાં પણ જો દૂર હોય તો મદદે આવી શકતાં નથી. પડોશી એક અવાજે હાજર થઇ જાય છે. ઇમરજન્સીમાં પડોશી જ કામ લાગે છે. પડોશીના છોકરાઓ નાનાં નાનાં કામ કરી આપતા હોય છે. ઓચિંતા કોઈ ચીજવસ્તુની જરૂર પડે ત્યારે પડોશીનાં દીકરા કે દીકરીને અધિકારપૂર્વક કહી શકાય છે કે, જા તો આ વસ્તુ બજારમાંથી લઇ આવ તો! બધો જ આધાર એના પર રહે છે કે, આપણે પડોશી સાથે કેવો સંબંધ છે. આપણે સારા હોય એટલું પણ પૂરતું નથી. પડોશી પણ સારા હોવા જોઇએ. પડોશી જો માથાભારે અથવા તો માથાફરેલા આવી ગયા તો હાલત ખરાબ થઇ જાય છે. આજની તારીખે વડીલો કહે છે કે, ક્યાંક રહેવા જવાનું હોય ત્યારે માત્ર એરિયા નહીં જુઓ, તમારા પડોશી કોણ છે એ પણ ચેક કરો, નહીંતર હેરાન થઇ જશો!
પડોશીઓ વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, સારા પડોશીઓ એ સારાં નસીબની નિશાની છે. આપણા સુખનું કારણ અને દુ:ખનું મારણ આપણો પડોશી પણ હોય છે. તમારે મજામાં રહેવું હોય તો તમારા પડોશી સાથે સારો સંબંધ રાખો. પડોશીઓના ત્રાસને કારણે ઘર બદલી નાખ્યું હોય તેવા કિસ્સાઓની પણ કમી નથી. કોઇ સારા પડોશી દૂર કે બીજા શહેરમાં રહેવા ચાલ્યા ગયા હોય એ પછી પણ તેની સાથે જીવનભર સંબંધો જળવાયાના પણ અનેક કિસ્સા છે. અગાઉના સમયમાં એવું બનતું કે, છોકરાઓ મોટા ભાગે પડોશીના ઘરે જ મોટા થતા હતા. પોતાના ઘરે ગમે તે બન્યું હોય તો પણ એ પડોશીના ઘરે જ જમી લેતા. એક સાવ સાચો કિસ્સો છે. એક બહેનની નાની દીકરી પડોશીની ખૂબ લાડકી હતી. પડોશીના ઘરમાં દાદા-દાદી હતાં એટલે એ પણ દીકરી પોતાની જ હોય એમ સમજીને એને રમાડતાં અને સાચવતાં. એ બહેને કહ્યું કે, મારા ઘરે કંઇ બને એટલે હું પડોશીના ઘરે આપી આવું અને કહું કે લ્યો, આ તમારી લાડકીને ખવડાવી દેજો. મા-બાપનું ન માનતા હોય ત્યારે પડોશીને કહીને પાછલા બારણેથી છોકરાઓ પાસે ધાર્યું કરાવાતું હોય છે! બહારગામ ગયા હોઇએ ત્યારે પડોશીઓનાં છોકરા છોકરીઓ માટે કંઇક ને કંઇક લેતા આવવાની પરંપરા હજુ પણ ઘણી જળવાઇ છે.
પડોશીઓ સાથે ક્યારેક કોઇ બાબતે ઝઘડા પણ થઇ જ જતા હોય છે. કેટલાંક લોકો દુશ્મન પણ થઇ જતા હોય છે. સાચી વાત એ છે કે, બને ત્યાં સુધી પડોશીઓ સાથેના ઝઘડા પણ વહેલીતકે સુલટાવી દેવા જોઇએ. સોસાયટી અને મહોલ્લામાં હવે દરેક તહેવારોની ઉજવણી થવા લાગી છે. નિયમિત રીતે ન મળી શકતા પડોશીઓ પણ આ અવસરે એક-બીજાને મળે છે. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. પડોશીઓ અને સોસાયટી મેમ્બરો હવે વોટ્સએપ ગ્રૂપમાં વાતો કરવા લાગ્યા છે. બીજા સંબંધોની જેમ પડોશીઓ સાથેનો સંબંધ પણ હવે પાતળો પડતો જાય છે. આપણે ઘણા કિસ્સામાં એવું સાંભળીએ છીએ કે, એકલાં રહેતાં ભાઇ કે બહેન પોતાના ઘરમાં અવસાન પામ્યા એ પછી દિવસો સુધી કોઇને ખબર જ ન પડી! પડોશીઓ સાથે જો રોજિંદો સંબંધ હોય તો આવું ન થાય! સામા પક્ષે એક રસપ્રદ કિસ્સો પણ છે. બે કપલ એક જ બિલ્ડિંગમાં નજીક નજીકના ફ્લેટમાં રહેતાં હતાં. એક પતિ-પત્નીને ઝઘડો થયો. પત્ની રીસાઇને પિયર ચાલી ગઇ. જે કંઇ બન્યું એના કારણે યુવાન ડિસ્ટર્બ રહેવા લાગ્યો. એક તબક્કે તો તેને આપઘાત કરવાના વિચારો આવતા હતા. બાજુમાં રહેતાં કપલને ખબર પડી કે, એ સિવિયર ડિપ્રેશનમાં છે એટલે એનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. તેને સમજાવીને સાઇકિયાટ્રિસ્ટ પાસે પણ લઇ ગયા. આખરે તે ઓકે થઇ ગયો. એ યુવાને કહ્યું કે, મારા પડોશમાં જો એ કપલ ન હોત તો કદાચ મેં જિંદગીનો અંત આણી દીધો હોત!
પડોશી સાથેના તમારા અનુભવો કેવા છે? મોટા ભાગે આવી વાતો જાહેરમાં બહુ ઓછી આવતી હોય છે બાકી આપણને બધાને પડોશીના સારા-નરસા અનુભવો થયા જ હોય છે. કેટલાંક અનુભવો તો ગજબના હોય છે. મુંબઈની આ સાવ સાચી વાત છે. એક ફેમિલી સમયાંતરે પોતાના ઘરે મિત્રોને બોલાવી પાર્ટી કરે. જ્યારે જ્યારે પાર્ટી હોય ત્યારે પડોશમાં રહેતા કાકા આવી જ જાય. કોણ આવ્યું છે? બધા સાથે હાય-હલ્લો કરે અને પછી પોતાના ભાગના બે પેગ રીતસર માંગી ગ્લાસમાં ભરી પોતાના ઘરે ચાલ્યા જાય. પહેલાં તો કાકાનું વર્તન ન ગમતું પણ પછી બધા ટેવાઇ ગયા. એનું કારણ એ હતું કે, કાકા સરળ સ્વભાવના અને સારા માણસ હતા. ધીમેધીમે તો પાર્ટીમાં આવનારા બધા પણ કાકાને ઓળખવા લાગ્યા. પાર્ટી હોય ત્યારે એ જ વાત થતી કે, હમણાં કાકા આવવા જોઇએ. એક વખતે એવું થયું કે, પાર્ટી પૂરી થવા આવી તો પણ કાકા આવ્યા નહીં. પડોશીથી રહેવાયું નહીં. એ કાકાના ઘરે ગયા અને પૂછ્યું કે, કેમ આજે તમારો ભાગ લેવા આવ્યા નહીં? કાકાની આંખોમાં પાણી આવી ગયાં. તેણે કહ્યું કે, મને આજે પહેલી વખત એવો વિચાર આવ્યો કે બસ, બહુ થયું, હવે મારે ન જવું જોઇએ એટલે ન આવ્યો. પેલા ભાઇએ કાકાને કહ્યું કે, એવું ન હોય કાકા. ચાલો અને તમારો ભાગ લઇ જાવ! હવે તો તમે ન આવો તો અમને મજા ન આવે!
પડોશીઓ વિશે આપણે જાતજાતની વાતો સાંભળી હોય છે, કહી હોય છે અને અનુભવી પણ હોય છે. કેટલાંક પડોશીઓની વાત સાંભળીને એવું કહેવાનું મન થઇ આવે કે, આવા પડોશીઓ ભગવાન બધાને આપે. લોકો હજુ જ્યારે પણ બહારગામ જાય ત્યારે ઘરની ચાવી પડોશીને આપીને જાય છે. સાચી વાત એ છે કે, આપણા ઘરની જ નહીં, આપણા સુખની ચાવી પણ પડોશીના હાથમાં અને ઘરમાં જ હોય છે! બધા સંબંધોના દિવસની ઉજવણી થાય છે પણ પડોશી માટે કોઇ વિશેષ દિવસ નથી, એનું કારણ કદાચ એ છે કે, પડોશી તો દરેક ઉજવણીના ભાગીદાર હોય જ છે!


હા, એવું છે!
જેના ઘરમાં બાળકોને આવતા કોઈ પણ પ્રકારના ડર ન લાગે કે સંકોચ ન થાય એ ઘરનું વાતાવરણ ઉમદા હોય છે. આપણા ઘરે પડોશીનાં બાળકો ન આવતાં હોય તો સમજવું કે કંઈક ખૂટે છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 17 ઓગસ્ટ 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: