તમે ક્યારેય ‘જેલ’માં ગયા
છો? જોવા જેવી જગ્યા છે!
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
જેલ સામાન્ય માણસો માટે કુતૂહલનો
વિષય છે. મોટાભાગના લોકોએ જેલ માત્ર
ફિલ્મોમાં જ જોઇ છે. દરેક જેલની
પોતાની કહાની હોય છે. આખરે આ ઊંચી
ચાર દીવાલોની વચ્ચે શું ચાલતું હોય છે?
હવે તમે ઇચ્છો તો જેલમાં જઇ શકશો.
સજા માટે નહીં, ફરવા માટે!
જેલ ટુરિઝમ ધીમે ધીમે વિકસી રહ્યું છે.
દિવાળી પહેલાંના સમયમાં એક પ્રશ્ન બહુ પુછાતો હોય છે. આ વખતે ક્યાં ફરવા જવાના છો? આવા સવાલના જવાબમાં કોઇ એમ કહે કે, જેલમાં જવાના છીએ, તો? અખબારોમાં ફરવા જવાના જુદા જુદા પેકેજીસની જાહેરખબરો વાંચવા મળે છે. હવે તમને એવી જાહેરાત જોવા મળે કે, ચાલો જેલમાં. બે દિવસનું પેકેજ. કેદી રહે એમ જ રહેવાનું. કેદીઓ ખાય એ જ જમવાનું! જેલનો સાચુકલો સાક્ષાત્કાર અનુભવો! તો તમને રસ પડે કે નહીં? આવી જાહેરખબરો અત્યારે આવતી નથી પણ ભવિષ્યમાં આવે તો તેમાં કંઇ નવાઇભર્યું નહીં હોય, કારણ કે દેશમાં જેલ ટુરિઝમ ધીમે ધીમે વિકસી રહ્યું છે.
જેલની દુનિયા જુદી હોય છે. સામાન્ય લોકો માટે જેલ એ જબરદસ્ત કુતૂહલનો વિષય છે. ગુનેગારો માટે ખડી કરાતી ચાર દીવાલો વચ્ચેથી આ દુનિયા કેવી હશે? શું ચાલતું હશે જેલની અંદર? સજા પામેલા ગુનેગારો કેવા હશે? આખી દુનિયાની કટઓફ થઇ ગયેલા કેદીઓ કેવી રીતે જીવતા હશે? એમની સંવેદના સજીવન હશે કે સુષુપ્ત થઇ ગઇ હશે? દરેક કેદીની એક કથા હોય છે. એક ઇતિહાસ હોય છે અને જેલની કોટડીમાં જિવાતો વર્તમાન હોય છે.
તમે કોઇ દિવસ જેલમાં ગયા છો? મતલબ, તમે જેલ જોઇ છે? હા, જોઇ હોય છે પણ માત્ર બહારથી. મોટાભાગના લોકોએ તો જેલ માત્ર ફિલ્મોમાં જોઇ હોય છે. તેના આધારે જ જેલનું એક કાલ્પનિક ચિત્ર બનાવી લીધું હોય છે. અંદર નાની-નાની કોટડીઓ હોય છે. લાઇનમાં ઊભા રાખી દાળ અને રોટલી પીરસવામાં આવે છે. જેલર ક્રૂર હોય તો કેદીઓ ઉપર અત્યાચાર ગુજારે છે. સારો જેલર કેદીઓને સુધારવાના મિથ્યા પ્રયાસો કરે છે. માથાભારે કેદી નબળા કેદીઓ ઉપર દાદાગીરી કરે છે. કેદીઓનું શારીરિક અને માનસિક શોષણ થાય છે. ક્યારેક છાપાઓમાં સમાચાર વાંચીએ છીએ કે કેદીઓએ ભાગવા માટે સુરંગ બનાવવાનો પ્રયાસ કર્યો. કેદીઓએ બીજા કેદીઓ ઉપર હુમલો કર્યો. જેલમાંથી મોબાઇલ કે સીમ કાર્ડ મળી આવ્યાં. આ ઉપરાંત બીજી વાતો પણ સાંભળવા મળે છે કે, અમુક જેલમાં બળાત્કાર કરનાર કેદીઓની ધોલાઇ થાય છે. આમાંથી કેટલું સાચું અને કેટલું ખોટું તેના વિશે પણ આપણને સવાલો થતા રહે છે.
માણસનો સ્વભાવ છે કે જેના વિશે એને ઓછી ખબર હોય છે એના માટે એને સૌથી વધુ રસ જાગે છે. એવા પણ ઘણા કિસ્સાઓ છે કે અમુક લોકો જેલને જાણવા માટે અથવા તો કેટલાક રિપોર્ટરો જેલનો સાચુકલો અહેવાલ લખવા માટે ઇરાદાપૂર્વક કોઇ ગુનો આચરીને જેલમાં ગયા હોય. આમ છતાં દરેક વ્યક્તિ માટે જેલમાં જવું શક્ય નથી. જોકે હવે આ ઇચ્છા પૂરી થાય એવું છે. જેલમાં જવા માટે કે જેલ જોવા માટે ગુનો કરવાની જરૂર નથી, જરૂર છે માત્ર થોડાક રૂપિયા ખર્ચવાની! તમે ફી ચૂકવી બાકાયદા જેલની ‘મજા’ માણી શકો છો!
દુનિયામાં ઘણી એવી જેલો છે જે કોઇ ને કોઇ કારણોસર જાણીતી છે અને જોવાલાયક સ્થળોની યાદીમાં છે. સાઉથ આફ્રિકામાં જ્યાં સ્વ. નેલ્સન મંડેલાને રાખવામાં આવ્યા હતા એ સ્થળ જગજાણીતું છે. મહાત્મા ગાંધીજીને જેલમાં ન રાખવા પડે એ માટે પુનાના આગાખાન પેલેસમાં રાખવામાં આવ્યા હતા. આ સ્થળે જેલવાસ દરમિયાન જ કસ્તુરબા અને ગાંધીજીના સચિવ મહાદેવભાઇ દેસાઇએ અંતિમ શ્વાસ લીધા હતા. આ સ્થળ જોવા લાખો લોકો આવે છે. હવે મહારાષ્ટ્રની સરકાર યરવડા જેલને ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાનો વિચાર કરી રહી છે. આ જેલમાં મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, બાલગંગાધર તિલક સહિત અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓને રાખવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે થોડા સમય અગાઉ એવી જાહેરાત કરી હતી કે તે જેલ ટુરિઝમ પોલિસી બનાવી રહી છે. જોકે જેલને ટુરિસ્ટ પ્લેસ બનાવવા સામે અનેક લોકો અને હ્યુમન રાઇટ્ઝ એક્ટિવિસ્ટોએ નારાજગી પણ દર્શાવી છે.
જેલ બંધ થઇ ગયા પછી તેને હેરિટેજ સાઇટ કે મેમોરિયલ બનાવીને ત્યાં મુલાકાતની છૂટ અપાય છે. આંદામાન-નિકોબારની સેલ્યુલર જેલ તો આખી દુનિયામાં જાણીતી છે. કાળા પાણીની સજા જ્યાં અપાતી હતી અને વીર સાવરકર તથા બટુકેશ્વર દત્ત જેવી અનેક પ્રતિભાવંત વ્યક્તિઓને રાખવામાં આવ્યા હતા એ જેલ તો આંદામાનનું સેન્ટ્રલ એટ્રેક્શન છે. આંદામાનની જેલને 1979માં મેમોરિયલ તરીકે ડિક્લેર કરવામાં આવી. જોકે આંદામાનમાં એક બીજી અને સેલ્યુલર જેલથી પણ જૂની જેલ વાયપર આઇલેન્ડ પર છે. આ જેલને વાયપર ચેઇન ગેંગ પણ કહેવાય છે. અંગ્રેજો અહીં સ્વાતંત્ર્ય સેનાનીઓને એક ચેનમાં સાથે બાંધીને રાખતા હતા. જોકે આ જેલ ઓછા લોકો જોવા જાય છે.
ગોવા સરકારે પણ જેલ ટુરિઝમની વાત કરી છે. ગોવામાં દરિયા કિનારે અગોડા જેલ આવેલી છે. ‘દિલ ચાહતા હૈ’ ફિલ્મનું શૂટિંગ આ સ્થળે થયું હતું. હવે ધીમે ધીમે બીજાં રાજ્યો પણ જેલ ટુરિઝમ ઉપર વિચાર કરી રહ્યાં છે. તેલંગાણા સરકારે તો ગયા વર્ષે જેલ મુકામનું પેકેજ જાહેર કરી દીધું હતું. આ જેલમાં ‘યુનિક એક્સિપિરિયન્સ’ મળે એવું પ્લાનિંગ છે. તમે ટુરિસ્ટ નહીં પણ કેદી હોવ એવું જ તમને ફીલ થાય.
તેલંગાણામાં હૈદ્રાબાદથી 70 કિલોમીટર દૂર મેડક જિલ્લામાં સાંગારેડી ડિસ્ટ્રિક્ટ જેલ આવેલી છે. આ જેલ હેરિટેજ સાઇટ જેવી છે. આજથી 221 વર્ષ અગાઉ ઇ.સ. 1796માં હૈદ્રાબાદના નિઝામે આ જેલ બંધાવી હતી. જ્યારે જાહેરાત થઇ ત્યારે રૂ. 500માં 24 કલાક જેલમાં રહેવા દેવાનું કહેવાયું હતું. જોકે અહીં તમને ટુરિસ્ટ જેવા જલસા કરવા નહીં મળે. તમારે જેલના તમામ નિયમો પાળવા પડે. તમે જેલમાં એન્ટર થાવ એટલે તમને કેદીઓ પહેરે તેવાં ખાદીનાં કપડાં આપવામાં આવે. એ પહેરી લેવાનાં. તમારી ચીજ-વસ્તુઓ જમા કરાવી દેવાની. તમને એલ્યુમિનિયમની પ્લેટ અને વાટકો આપવામાં આવે. એ પાછા તમારે તમારી જાતે જ સાફ કરવાનાં. સવારના પાંચ વાગ્યામાં ઊઠવાનું, પછી બધું કેદીઓની જેમ જ! સાડા છ વાગે ચા, સાડા સાતે નાસ્તો, સાડા અગિયારે લંચ, પાંચ વાગે ડિનર અને છ વાગે તમે તમારી કોટડીમાં બંધ! બોલો કેવું લાગ્યું આ પેકેજ?
આપણે વિદેશની ઘણી લક્ઝરી જેલ વિશે સાંભળ્યું અને વાંચ્યું છે. ફાઇવ સ્ટારને ટક્કર મારે તેવી આ જેલ હોય છે. આપણી જેલ જુદા પ્રકારની હોય છે. જેલનો કન્સેપ્ટ આમ તો ગુનાહિત માનસ ધરાવનારને સારા માણસ બનાવવાનો છે. આપણી જેલો એવી છે ખરી? એ ડિબેટેબલ ઇસ્યૂ છે! જેલ ટુરિઝમમાં ટુરિસ્ટ્સને કેદીઓની જેમ રાખવામાં આવે પણ કેદીઓની સાથે રાખવામાં આવશે નહીં! હ્યુમન રાઇટ્સવાળા આ જેલ ટુરિઝમ શરૂ થાય એવું નથી ઇચ્છતા. માના કે જેલ ટુરિઝમ શરૂ થાય તો પણ કેટલા લોકો ફરવા જવા માટે પણ જેલમાં જવાનું પસંદ કરે એ સવાલ તો છે જ! જોકે અલગ અનુભવ લેવા ઇચ્છતા લોકોની દેશ અને દુનિયામાં કમી નથી. બાય ધ વે, તમે જેલમાં (ફરવા) જાવ કે નહીં? બાકી તો આ એવી જગ્યા છે ત્યાં ભગવાન કોઇને ન મોકલે!
પેશ-એ-ખિદમત
વહી ન મિલને કા ગમ ઔર વહી ગિલા હોગા,
મૈં જાનતા હું મુજે ઉસ ને ક્યા લિખા હોગા,
ગલી કે મોડ સે ઘર તક અંધેરા ક્યું હૈ ‘નિઝામ’
ચરાગ યાદ કા ઉસને બુઝા દિયા હોગા.
-શીત કાફ નિઝામ
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 15 ઓકટોબર 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com