કોણ વધુ લકી છે? એલન મસ્ક, અમિતાભ કે તમે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

કોણ વધુ લકી છેએલન

મસ્ક, અમિતાભ કે તમે?

દૂરબીન કૃષ્ણકાંત ઉનડકટ

———-

નસીબદાર હોવું એટલે શું? 

સામાન્ય માણસ જેની પાસે ખૂબ રૂપિયા હોય કે જેની બહુ નામના હોય એવો લોકોને નસીબદાર સમજે છે. 

તમને ક્યારેય એવો સવાલ થયો છે કે, એ લોકો પોતાની જાતને લકી સમજતા હશે ખરા? 

એને પોતાની લાઇફથી સંતોષ હશે ખરો? એલન મસ્કે કહ્યું કે, શ્વાસ લેવાની ફૂરસદ નથી અને લોકો મને લકી ગણે છે! 

બાય ધ વે, તમે તમારી જાતને લકી ગણો છો કે અનલકી? 

આપણે આપણી સરખામણી બીજા સાથે કરીને આપણા જ નસીબને કોસતા હોઇએ છીએ. 

સુખ, ખુશી, આનંદ, પ્રેમ બજારમાં મળતી નથી કે રૂપિયા ચૂકવીને ખરીદી શકશો. 

ખરો લકી માણસ એ જ છે જેના સંબંધો સજીવન છે અને જે જિંદગીની દરેક ક્ષણને પૂરી ઉત્કટતાથી જીવી જાણે છે!

 ———-

સુખ જો સંપત્તિથી ખરીદી શકાતું હોત તો દુનિયાનો કોઇ ધનવાન દુ:ખી ન હોત. સુખ, શાંતિ, ખુશી, મજા કે આનંદ ધનના મહોતાજ નથી. ફાઇવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવા બંગલામાં રહેતા ધનવાનો શણગારેલી સેજ પર પણ પડખા ઘસતા હોય છે અને ગરીબ માણસ ગોદડીમાં પણ ઘસઘસાટ ઊંઘની મજા માણતો હોય છે. આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે, જે મજા ફકીરીમાં છે એ અમીરીમાં નથી. સુખની કોઇ કોમન ડેફિનેશન કરવી સહેલી નથી. સુખની વ્યાખ્યા વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય છે. આખો દિવસ સખત મહેનત કરીને ઘરે પહોંચતો માણસ પત્ની અને બાળકોના હસતા ચહેરા જોઇને હળવો થઇ જાય છે. દોડીને ગળે વળગી જતી દીકરી આખા દિવસનો થાક પળભરમાં ગૂમ કરી દે છે. સુખ કે દુ:ખને આપણે નસીબ સાથે જોડતા આવ્યા છીએ. સુખને આપણે સંપત્તિ સાથે પણ જોડતા રહીએ છીએ. કોઇ માણસ પાસે અઢળક સંપત્તિ હોય એટલે આપણે એવું જ માની લઇએ છીએ કે, એને શું વાંધો છે, એને તો જલસા છે. ગર્ભશ્રીમંત લોકો માટે અંગ્રેજીમાં એવું કહેવાય છે કે, બોર્ન વીથ ધ સિલ્વર સ્પૂન. ચમચી ચાંદીની હોય, સિલ્વરની હોય, સ્ટીલની હોય કે પ્લાસ્ટિકની હોય, એ ચમચીમાં સુખ કેટલું છે એ પણ કંઇ ઓછું મહત્વનું નથી. ચાંદીની ચમચી ઘણી વખત ખાલી હોય છે અને પ્લાસ્ટિકની ચમચી પ્રેમ, લાગણી અને હૂંફથી છલોછલ પણ હોઇ શકે છે.

આપણા દુ:ખોનું એક સૌથી મોટું કારણ શું હોય છે એ તમને ખબર છે? આપણે આપણી સરખામણી બીજા સાથે કરતા રહીએ છીએ. એની પાસે આટલું બધું છે, પૈસાનો તો એને કોઇ પ્રોબ્લેમ જ નથી, એ તો સેલિબ્રિટી છે, એની નામની જબરજસ્ત છે, સોશિયલ મીડિયા પર એના હજારો-લાખો ફોલોઅર છે, એને તો ઢગલાબંધ લાઇકો મળે છે! આવું બધું વિચારીએ છેલ્લે આપણે મનમાં એવું પણ બોલીએ છીએ કે, નસીબ હોય તો એના જેવા! ખરેખર એના નસીબની આપણને કેટલી ખબર હોય છે? ટેસ્લા કંપનીના સ્થાપક એલન મસ્ક વિશે તમારી શું માન્યતા છે. દુનિયાના રિચેસ્ટ પર્સનમાં તેમનું નામ બીજા-ત્રીજા નંબરે રહે છે. દુનિયાના મોટા ભાગના લોકો એને લકી સમજે છે. એલન વિશે જ્યારે બહુ લકી મેન, લકી મેન થવા લાગ્યું ત્યારે એણે એક ટ્વીટ કરી. રોજના સોળ કલાક, અઠવાડિયાના સાતેય દિવસ, વર્ષના બાવનેય અઠવાડિયા કામ કરું છું અને તોય લોકો મને લકી સમજે છે! આપણે ઘણી વખત કોઇ ધનાઢ્ય વિશે એવું પણ બોલતા હોઇએ છીએ કે, એના જેટલું જો મારી પાસે હોયને તો હું કંઇ કામ જ ન કરું. સાચી વાત એ છે કે, જે હોય એને ચલાવતા પણ રહેવું પડે છે અને એ ચલાવવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું હોય છે. મોટા ભાગે જેની પાસે પ્રાઇવેટ જેટ હોય છેને એ લોકો ઘરે જવા માટે ઉડાઉડમાંથી જ નવરા પડતા નથી. પ્લેનમાં બેસવાની ખરી મજા ક્યારેક જ આવતી હોય છે, ફ્રિકવન્ટ ફ્લાયર હોય એને પૂછજો કે, પ્લેનની મુસાફરી કેવી કંટાળાજનક હોય છે?

હવે અમિતાભની થોડીક વાત કરીએ. અમિતાભ એટલે સદીના સૌથી મોટા સુપરસ્ટાર, સ્ક્રીનના શહેનશાહ જેવા અનેક બિરુદો તેમને મળેલા છે. એક જ્યોતિષી તેના ગ્રહો વિશે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, સામાન્ય લોકો તો એમ જ સમજે કે અમિતાભ એટલે એવો વ્યક્તિ જેના પર કૃપા વરસાવવામાં કુદરતે કંઇ બાકી નથી રાખ્યું. અમિતાભ ખરાબ ડિપ્રેશનનો ભોગ બન્યા હતા કે કૂલી ફિલ્મના શૂટિંગ દરમિયાન થયેલી ઇજામાંથી માંડ માંડ બચ્યા હતા એ તો ઠીક છે પણ અત્યારની વાત કરીએ તો 78 વર્ષની ઉંમરે પણ એ માણસ આખો દિવસ કામ કરે છે. દવાઓ ઉપર જીવે છે. સામાન્ય રીતે આ ઉંમરે માણસ શાંતિની જિંદગી જીવવાનું ઇચ્છે. અમિતાભના નસીબમાં આ ઉંમરે પણ ઢસરડા લખ્યા છે. મજાકમાં તો એવું પણ કહેવાય છે કે, એના દીકરો અભિષેક અને પુત્રવધૂ ઐશ્વર્યા બેઠાં બેઠાં ખાય છે અને અમિતાભ બિચારા શૂટિંગ માટે ક્યાંના ક્યાં ભાટકતા હોય છે?

આવું બધું કહેવા પાછળનો મતલબ એટલો જ છે કે, તમારી જાતને ક્યારેય કમનસીબ નહીં સમજતા. તમને જો સરખી ભૂખ લાગતી હોય, તમને રાતના આરામથી ઊંઘ આવી જતી હોય, તમારા લોકો તમને પ્રેમ કરતા હોય અને તમારી પાસે હસવાના અને ખુશ રહેવાના કારણો હોય તો માનજો કે તમારા જેવું લકી આખી દુનિયામાં બીજું કોઇ નથી. એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે, પોતાની જિંદગી સારી રીતે જીવી શકે એટલું તો બધા પાસે હોય જ છે, આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે બીજા પાસે હોય એટલું જોઇતું હોય છે. આપણી પાસે હોય એનાથી આપણને સંતોષ જ થતો નથી. માણસને જીવવા માટે ખરેખર કેટલું જોઇતું હોય છે? બહુ ઓછું! આપણે તો હોય એના કરતા વધુ જ જોઇતું હોય છે. ચીજ વસ્તુઓની ભૂખ ભાંગતી જ નથી. હોય એટલું વાપરો એમાં કશો વાંધો નથી, ન હોય એનો અફસોસ ન કરો. દુનિયામાં સાચો સુખી માણસ એ જ છે જે એની પાસે જેટલું છે એને પૂરેપૂરું એન્જોય કરે છે. તમે માર્ક કરજો આપણી પાસે તો જેટલું છે એટલાનો પૂરો આનંદ પણ આપણે માણતા નથી.

સુખ અને સંબંધોને પણ સીધો નાતો છે. તમારી પાસે સારા મિત્રો હોય અને એવા સ્વજનો હોય જેને તમારું પેટમાં બળે છે તો માનજો કે તમે લકી છો. અતિશય ધનવાનો સાવ એકલા હોય છે. એવું નથી કે તેને મિત્રો નથી હોતા પણ મિત્રો માટે એને સમય જ ક્યાં હોય છે? ડેઇલી ડાયરી એપોઇન્ટમેન્ટસથી એટલી છલોછલ હોય છે કે પોતાના માટે પણ સમય નથી હોતો! પોતાના માટે જેને સમય ન હોય એની પાસે બીજા માટે સમય ક્યાંથી હોવાનો? કબીરે લખ્યું છે, બૂરા જો દેખન મેં ચલા, બૂરા ન મિલિયા કોઇ, જો દિલ ખોજા આપના, મૂજ સે બૂરા ન કોઇ. આ જ વાતને જરાક જુદી રીતે વિચારશો અને તમારી પાસે જે છે એને માણશો તો તમને એવું થયા વગર નહીં રહે કે, મુજ સે લકી ન કોઇ! જિંદગી બહુ સરળ અને સીધી સાદી છે, આપણે જ એને ગૂંચવીને દુ:ખી થતા રહીએ છીએ. બાય ધ વે, તમે તમારી જાતને લકી સમજો છો કે અનલકી? થોડુંક દિલથી વિચારશો તો તમને પોતાને એમ થશે કે, હું ખરેખર લકી છું. પોતાને અનલકી જ સમજનારના લક તો કોઇ દિવસ કોઇ બદલી નથી શકવાનું! દેખાદેખી, સરખામણી કે બીજા કશામાં પડ્યા વગર લાઇફને એન્જોય કરો, સુખની સાચી અનુભૂતિ જેનાથી થાય છે એનું કોઇ મૂલ્ય નથી, એ તો સાવ મફતમાં મળે છે. હાસ્ય, પ્રેમ, હૂંફ, શાંતિ, સંવાદ અને સ્નેહ માટે ક્યાં કંઇ ચૂકવવું પડે છે? એ જો તમારી પાસે હોય તો તમે ખરા ધનવાન અને નસીબદાર જ છો, કારણ કે ધનવાનો પણ એના માટે ઝંખતા રહે છે!

હા એવું છે!

કોરોનાના કાળમાં એન્ટીબોડિઝ વિશે બહુ વાતો થઇ પણ એક વાત બહુ ઓછી ચર્ચાઇ છે. એક અભ્યાસ એવું કહે છે કે, માણસ જેટલો વધુ ખુશ રહે એટલા એન્ટીબોડી એના શરીરમાં જનરેટ થાય છે. ખુશ રહો, મસ્તીથી જીવો, કોઇ ટેન્શન ન લો, એન્ટીબોડી આપોઆપ બનશે!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 11 ઓગસ્ટ 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: