મારા સંબંધો કેમ વધુ ટકતા નથી? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મારા સંબંધો કેમ

વધુ ટકતા નથી?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

ધારે તો સ્ક્રીન પર તમને જ ફીટ કરી દે,

ધારે તો મૂળમાંથી જ તમને ડિલીટ કરી દે,

શંકાની ન્યાત આખ્ખી હંમેશ ફ્લોપ ગઈ છે,

ટાણું એ સાચવી લે, શ્રદ્ધાને હિટ કરી દે.

-કૃષ્ણ દવે

સંબંધો માપી શકાતા નથી. સંબંધો પામી શકાય છે. કેટલો સંબંધ હોય એને સારો સંબંધ કહેવાય? સંબંધો માપવાની કોઈ ફૂટપટ્ટી નથી. સંબંધોનું પોત બદલાતું રહે છે. ક્યારેક સંબંધોનું પોત પાતળું પડી જાય છે તો ક્યારેક ઘટાટોપ બની જાય છે. સંબંધ સાથે સંવેદના જોડાયેલી હોય છે. સંવેદનાઓ પણ ક્યાં એકસરખી રહે છે? સંવેદનાઓ ક્યારેક વધે છે, ક્યારેક ઘટે છે, ક્યારેક ફાટે છે, ક્યારેક આડી ચાલે છે. સમય, સ્વભાવ અને સંવેદનાની ફિતરત જ અવળચંડી છે. અત્યંત નજીક હોય એનું વર્તન પણ ક્યારેક ન સમજાય એવું થઈ જાય છે. સંવેદનાઓ આપણને સવાલો કરે છે. તને જેટલી લાગણી છે એટલી એને છે ખરી? તું જતું કરે છે એટલું એ જતું કરે છે? જતું ન કરે તો કંઈ નહીં, પણ તું કરે છે એની એને કદર છે ખરી? ક્યારેક તો આપણને પોતાને જ મૂરખ બનતા હોવાની લાગણી પણ થાય છે.

સંબંધ, દોસ્તી અને પ્રેમ વિશે એવું કહેવાતું આવ્યું છે કે પોતાની વ્યક્તિ જેવી હોય એવી સ્વીકારવી એ જ ખરો પ્રેમ છે. છતાં ક્યારેક એવો સવાલ તો થાય જ છે કે એ જેવી છે એવી પણ એવી કેમ છે? એ જેવો છે એવો પણ એ એવો કેમ છે? એ કેમ મારા જેવો નથી? હું એને એ જેવો છે એવો સ્વીકારી લઉં, પણ એ મને હું છું એવી સ્વીકારે છે ખરી? એક છોકરી અને છોકરાને પ્રેમ થયો. છોકરી એકદમ મૂડી. મન થાય તો મળે, મન થાય તો ફોન કરે, ઘડીકમાં ગુમ થઈ જાય, ક્યારેક સતત સામે રહે, ક્યારેક વરસી જાય, નારાજ થવા જેવી વાત હોય એમાં નારાજ ન થાય અને ક્યારેક સાવ અમથી વાતમાં નારાજ થઈ જાય. તેના પ્રેમીએ કહ્યું, યાર તું ગજબની છે. છોકરીએ કહ્યું, હું તો આવી જ છું, અનપ્રિડિક્ટેબલ! છોકરાએ કહ્યું, સારી વાત છે કે તને ખબર તો છે કે તું કળી શકાય એવી નથી. જો તું એવી છે તો પછી મારી પાસે શા માટે પર્ફેક્શનનો આગ્રહ રાખે છે? તું ઇચ્છે ત્યારે હું હાજર હોવો જોઈએ. હું ગુમ થઈ જાઉં તો તારાથી સહન ન થાય. તને આ વાજબી લાગે છે? છોકરીએ એની આંખમાં આખ પરોવીને કહ્યું કે, દિલથી એક વાત કહું? એમાં વાજબી કે ગેરવાજબી જેવું કંઈ નથી! હું મારા જેવી છું. મને ખબર છે કે હું કેવી છું. તું કેવો છે એ તને ખબર છે? તું તારા જેવો છે. ડાહ્યો, પ્રેમાળ અને મને પેમ્પર કરે એવો! તને એક રિક્વેસ્ટ છે કે તું તારા જેવો જ રહેજે. મને સાચવજે. મારા મૂડનું જતન કરજે. મને ખબર છે કે તું જ મને સમજે છે. મને પ્રેમ કરે છે ને તો મને મારા જેવી રહેવા દે, તારા જેવી થઈ જઈશ તો તને કદાચ આટલી પ્રેમાળ નહીં લાગું! આપણે ક્યારેક આપણી વ્યક્તિને આપણા જેવી બનાવી દેતા હોઈએ છીએ અને પછી આખી જિંદગી શોધતા રહીએ છીએ કે એ પહેલાં હતી કે પહેલાં હતો એ ક્યાં છે? જે ચાગલાઈ નિભાવી હોય, જે ઇચ્છાઓને પોષી હોય, જે સ્વભાવને પેમ્પર કર્યો હોય એ ન રહે ત્યારે એક જુદા જ પ્રકારનો અભાવ મહેસૂસ થાય છે. અલ્લડ, બિન્ધાસ્ત, બેફિકર વ્યક્તિ જ્યારે ઉદાસ અને સૂનમૂન થઈ જાય ત્યારે ઘણું બધું શાંત થઈ જાય છે. દરેક શાંતિ પણ સકારાત્મક નથી હોતી, કેટલીક શાંતિ પણ શાતિર હોય છે. ઉદાસ હોય ત્યારે માણસ શાંત હોય છે, પણ અંદર ઘણું બધું ખળભળતું હોય છે, વલોવાતું હોય છે. સ્વસ્થ શાંતિ જ સુકુન આપે. અસ્વસ્થ શાંતિ ઓગાળી નાખે. સંબંધો સારા હોય ત્યારે જ એની સુવાસ વર્તાય. સંબંધો બગડે ત્યારે ખાલીપો સર્જાય છે.

એક બગીચાના માળીએ કહ્યું કે, સંબંધોને સીંચવા પડે. ક્યારેક એને ખાતર જોઈએ તો ક્યારેક પાણી. તેણે કહ્યું, સંબંધો સુકાયને ત્યારે મને પાનખર જેવું લાગે છે. પાનખરમાં બધાં પાંદડાં ખરી જાય છે. ઝાડ તો એનાં એ અને એટલાં ને એટલાં જ હોય છે. બસ, લીલોતરી નથી હોતી. સાચો છાંયો પાંદડાંથી સર્જાતો હોય છે. ડાળીઓનો છાંયો શીતળ ન લાગે. હવાથી પાંદડાં હલતાં હોય છે, ડાળીઓ નહીં. આપણી જિંદગીમાં સંબંધો એ પાંદડાં જેવા છે જે ફરકતા રહે, હવા અને શીતળતા આપતા રહે.

એક યુવાન ફિલોસોફર પાસે ગયો. યુવાને પૂછ્યું, સંબંધમાં શું હોય છે? ફિલોસોફરે કહ્યું, સંબંધમાં એક ‘હું’ હોય છે અને એક ‘તું’ હોય છે. સંબંધ સારો હોય ત્યારે આપણા ‘હું’માં એ ‘તું’ ઓગળેલો હોય છે. ‘તું’ ત્યારે કેન્દ્રસ્થાને હોય છે. તું મારા માટે સર્વસ્વ, તું મારી જિંદગીનો અપવાદ, તારાથી કંઈ છૂપું નહીં, તારાથી કંઈ ખાનગી નહીં, તારા માટે કંઈ પણ, તું બધાથી ઉપર, તારા માટે કોઈ વાદ નહીં, કોઈ વિવાદ નહીં! ક્યારેક આપણને ‘તું’માં પણ ‘હું’ જોઈતો હોય છે! એ સમયે આપણો ‘હું’ મોટો થઈ જાય છે. મને કંઈ નહીં? મારી કેર નહીં કરવાની? મારે જ બધું કરવાનું? બે બહેનપણી હતી. પાક્કી દોસ્ત. એકબીજા વગર ચાલે જ નહીં. એક વખત નાનીઅમથી વાતમાં ઝઘડો થયો! કેટલાય દિવસો સુધી વાત ન થઈ. એક બહેનપણીએ તેના પતિને પૂછ્યું, એને કંઈ થતું નહીં હોય? સાવ આવું? એને કોઈ વાત યાદ આવતી નહીં હોય? પતિએ કહ્યું, એને પણ આ જ સવાલો થતા હશે. આપણે સવાલો કરતા હોઈએ છીએ, જવાબો મેળવતા નથી. ફોન ઉપાડ અને તને જે સવાલો થાય છે એ એને જ પૂછી લે. આપણે ઘણી વખત જેની પાસેથી જવાબો મેળવવાના હોય છે એને જ સવાલો પૂછતા નથી અને બીજા પાસે જવાબો માગતા ફરીએ છીએ. સમયની સાથે કેટલાક સવાલો વિકરાળ થતા જાય છે, સવાલો ભારે થતા જાય છે. ક્યારેક એવું લાગે છે કે આ વિકરાળતા હવે એટલી મોટી થઈ ગઈ છે કે ક્યારેય ખતમ નહીં થાય. જરાક જતું કરી દો, જરાક હાથ લંબાવો, જે વિકરાળતા લાગતી હશે એ ક્ષણમાં ઓગળી જશે. એવું થશે, આ તો માત્ર મોટો ફુગ્ગો હતો, માત્ર ટાંચણી અડે એટલી જ વાર હતી. દરેક વખતે જે મસમોટું દેખાતું હોય છે એ એટલું ભયાનક હોતું નથી, જેટલું આપણે માની લેતા હોઈએ છીએ. સંબંધો સુકાય ત્યારે દરિયાની નહીં, એકાદ ટીપાની જ જરૂર હોય છે, ઘડીના છઠ્ઠા ભાગમાં બધું હતું એવું જ તરબતર થઈ જાય છે.

સંબંધ સાર્થક રહે એ માટે સંવાદને સજીવન રાખો. કંઈ નથી ગમ્યું, તો ઝઘડી લો. સંવાદ અટકાવો નહીં. મોઢામોઢ કહી દો અને વાત પૂરી કરો. એક વાત પૂરી થશે તો જ નવી વાત શરૂ થશે. અમુક વખતે એ પણ ખબર પડવી જોઈએ કે હવે આ વાત પૂરી થવી જોઈએ. ઉદાસીનો અંત જ ઉત્સાહનો આરંભ બનતો હોય છે. ક્યારેક તો સંબંધ ચાલતા હોય છે, એ સજીવન હોતા નથી. દાંપત્યજીવનમાં આવું બહુ થતું હોય છે. દરેક વ્યક્તિએ એ સમજવાની જરૂર હોય છે કે કામ મહત્ત્વનું છે, પણ એનાથીયે વિશેષ હૂંફ, સ્નેહ અને સંવાદ જરૂરી હોય છે. પતિ ક્યારેક ઓફિસ કે ધંધાના કામમાં અને પત્ની ક્યારેક ઘરકામ અને બીજી જવાબદારીઓમાં એટલાં અટવાયેલાં રહે છે કે એકબીજાને સમય જ નથી આપતાં.

એક પતિ-પત્નીનો આ કિસ્સો છે. બંનેએ લવમેરેજ કર્યા હતા. બીજો કોઈ પ્રોબ્લેમ ન હતો, પણ પત્નીના માથા પર ઘરનું કામ જ સવાર રહેતું. પતિ કહે કે બેસ તો ખરી, શું કરવું છે આટલું બધું કામ કરીને? પત્ની માંડ માંડ બેસે. થોડાંક વર્ષો ગયાં. પતિએ કહ્યું, તને ખબર છે કે સમય કેવો સરતો જાય છે. તું શાંતિથી બેસ તો ખરી. થોડીક મજા કર. તને ગમતું હોય એવું કંઈક કર! ઘરનું કામ એ જ જિંદગી નથી! પત્નીમાં કામચલાઉ થોડોક ફેર પડે, થોડા જ દિવસોમાં પાછી હતી એની એ થઈ જાય! દિવસો જતા હતા. એક દિવસ પત્નીને પેટમાં દુખાવો ઊપડ્યો. પતિ તરત જ હોસ્પિટલ લઈ ગયો. બધાં ચેકઅપ્સ કરાવ્યાં. સાંજે રિપોર્ટ લઈ જવા કહ્યું. પતિ-પત્ની ઘરે આવ્યાં. પતિ સાંજે રિપોર્ટ લેવા ગયો. રિપોર્ટ લઈને આવ્યો ત્યારે એનું મોઢું વિલાઈ ગયું હતું. કંઈ બોલી શકે એ સ્થિતિમાં ન હતો. પત્નીએ પૂછ્યું, શું છે રિપોર્ટમાં? જે હોય એ કહી દો! પતિની આંખો ભીની થઈ ગઈ! રડતાં રડતાં તેણે કહ્યું કે, તને પેટનું કેન્સર છે! થર્ડ સ્ટેજ કેન્સર! આ સાંભળી પત્ની ફસડાઈ ગઈ. એકદમ સૂનમૂન થઈ ગઈ! બસ, બધું ખતમ, હજુ તો મેં કંઈ જોયું જ નથી. જે જિંદગી જીવવાની ઇચ્છા હતી એ તો જીવી જ નથી. પતિ સામે જોઈને કહ્યું કે, તું કહી કહીને થાકી ગયો કે જિંદગીને જીવી લે, પણ હું ક્યારેય સમજી જ નહીં! કાશ તારું માની હોત તો આજે જે અફસોસ થાય છે એ ન થાત! પતિનો હાથ પકડીને એ ગળગળી થઈ ગઈ! આખરે પતિની ન રહેવાયું. એ ખડખડાટ હસી પડ્યો. તને કંઈ જ નથી, બધા રિપોર્ટ નોર્મલ છે. તને હવે એક જ રિક્વેસ્ટ છે કે તું જે બોલી છે ને એ યાદ રાખજે. એવી રીતે જીવ કે કદાચ કોઈ દિવસ આવું થાય તો પણ અફસોસ ન રહે અને એવું થાય કે જિંદગી ભરપૂર જીવી લીધી છે.

કંઈક ખરાબ કે અજુગતું બને ત્યારે જ કેમ આપણને અમુક જ્ઞાન લાધતું હોય છે? જ્ઞાન પણ યોગ્ય સમયે ન આવે તો એનો કોઈ અર્થ રહેતો નથી. અફસોસ થાય, વસવસો રહી જાય એ પહેલાં તમારા સંબંધોને સજીવન કરી દો. આપણા સંબંધો વણસ્યા હોય ત્યારે મોટાભાગે આપણે એવું જ વિચારતા હોઈએ છીએ કે એણે આવું કરવું ન જોઈએ, માત્ર એટલું વિચારો કે મારે શું કરવું જોઈએ? આપણે રાહ જોઈને બેઠાં હોઈએ છીએ કે એના તરફથી કોઈ પ્રતિભાવ મળે, એના તરફથી કોઈ પહેલ થાય. એને પણ આવા જ વિચાર આવતા હશે! આપણે પહેલ કરીએ તો શું થઈ જવાનું છે? શું ગુમાવવાનું છે? ગુમાવવાનું તો કંઈ નથી હોતું, માત્ર ગુમાવેલો સંબંધ પાછો મેળવવાનો હોય છે. કેવું હોય છે, સંબંધ બગડે ત્યારે આપણે પણ ગૂંગળાતા તો હોઈએ જ છીએ, એની ઝંખના તો કરતા જ હોઈએ છીએ. બસ, જતું કરી શકતા નથી, હાથ લંબાવી શકતા નથી, બાંહો ફેલાવી શકતા નથી, હાથ લંબાવીએ તો બધું હાથવગું જ હોય છે.

છેલ્લો સીન :

સંબંધ સુષુપ્ત થયો હોય તો એક પ્રયાસ કરી જુઓ, સંબંધ સાચો હશે તો સજીવન થયા વગર નહીં જ રહે.   –કેયુ. (‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 04 જુલાઇ 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: