રોબોટ ભલે માણસ જેવો થાય, માણસ રોબોટ જેવો ન થવો જોઇએ – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

રોબોટ ભલે માણસ જેવો થાય,

માણસ રોબોટ જેવો ન થવો જોઇએ

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આખી દુનિયામાં અત્યારે એ ચર્ચા છે કે

રોબોટ માણસની જગ્યા લઇ રહ્યા છે. રોબોટ

લોકોની જોબ છીનવી રહ્યા છે. પીડા એ વાતની છે કે

માણસ ધીમે ધીમે રોબોટ જેવો થઇ રહ્યો છે.

માણસની રોબોટ સામે લડાઇ ચાલી રહી છે,

માણસે માત્ર માણસ રહીને રોબોટને હરાવવાનો છે.

આખા જગત પર હાઇટેક હવા ફેલાઇ રહી છે. રોબોટ માણસને પડકાર આપી રહ્યો છે. માણસ જે કામ કરતો આવ્યો છે એ કામ રોબોટ એક પછી એક છીનવી રહ્યા છે. રોબોટના કામને પરફેક્ટ ગણવામાં આવે છે, કારણ કે રોબોટ ભૂલ કરતો નથી. રોબોટ ભૂલ કરી જ ન શકે, કારણ કે એ તો એનામાં જે પ્રોગ્રામ સેટ કરેલો છે એ મુજબ જ આંખો મીંચીને કરવાનો છે. રોબોટની આંખો કદાચ ખુલ્લી રાખવામાં આવે તો પણ એ જોઇ શકવાનો નથી. આંખો મૂકી દેવાથી દૃષ્ટિ આવતી નથી. રોબોટમાં સર્કિટ હોય છે, સંવેદનાઓ હોતી નથી. ગમે એટલું દમદાર હોય તો પણ જે ડિઝિટલ છે એ દિલદાર બની શકતું નથી.

રોબોટ ખોટકાય તો કામ કરતું બંધ થઇ જાય પણ રોબોટ ભૂલ ન કરે. માણસની જિંદગીમાં કદાચ એટલે જ રોમાંચ છે કે એ ભૂલ કરે છે, ક્યારેક ભૂલ ન હોય તો પણ પોતાની વ્યક્તિ એને ભૂલ માની લે છે. ભૂલ છે તો મનામણા છે, ભૂલ છે તો સુધરવાની કે સુધારવાની તક છે. માણસજાતનો ઇતિહાસ આમ તો ભૂલોનો જ ઇતિહાસ છે. માણસ મશીન નથી કે કાયમ એકસરખો જ રહે.

જગતમાં અત્યારે એ વિશે બહુ વાતો થઇ રહી છે કે રોબોટ લોકોનાં કયાં કયાં કામો છીનવી લેશે? સાથોસાથ એ પણ ચર્ચા છે કે એવાં કયાં કામ છે જે રોબોટ ક્યારેય કરી નહીં શકે? કમ્પ્યુટરની શોધ થઇ ત્યારે એવી વાતો થતી હતી કે કમ્પ્યુટરથી માણસનું કામ હળવું અને ઝડપી થશે. એવું થયું પણ ખરું, પછી એવું થયું કે માણસનું કામ જ રોબોટ અને કમ્પ્યુટર કરવા લાગ્યાં. આપણે પોસ્ટ ઓફિસ જતા હતા એ બંધ થઇ ગયું. હવે બધું ઇમેઇલ અને મેસેજથી થાય છે. બેંકે રૂપિયા ઉપાડવા કે મૂકવા જતા હતા, હવે દરેક ગલીના નાકે એટીએમ છે. એક નિષ્ણાતે એવી હળવી આગાહી કરી છે કે ધીમે ધીમે મશીનોને પણ માણસનું રૂપ અપાવા મંડાશે જેથી માણસને એવું લાગે એ માણસ સાથે ડીલ કરી રહ્યો છે. એટીએમમાં રૂપિયા આવે એના બોક્સને બદલે એ આર્ટિફિશિયલ હાથથી રૂપિયા આપશે જેથી તમને થાય કે તમને કોઇ માણસ રૂપિયા આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો રોબોટ ધીમે ધીમે માણસ જેવા બનીને માણસને છેતરશે. હોટલમાં વેઇટરને બદલે રોબોટ પીરસવા લાગ્યા છે. વેઇટરનું કામ તો ગયુંને? કામ ગુમાવનારાઓનું તો લાંબું લિસ્ટ છે. હવે તો એવા રોબોટ બનવા લાગ્યા છે જે પ્રેમી કે પ્રેમિકાની ગરજ સારે! એ તમારી સાથે હસે, રડે, તમને છાના રાખે, સાંત્વના આપે અને બીજું ઘણું બધું કરે. આશ્ચર્યની વાત એ નથી કે રોબોટ આવું બધું કરવા લાગ્યા છે, દુ:ખની વાત એ છે કે માણસ આવું બધું માનવા અને સ્વીકારવા લાગ્યો છે. રોબોટ ક્યારેય પ્રિયતમનું સ્થાન ન જ લઇ શકે, એવો માણસ જ એવા પ્રેમી રોબોટની મદદ લઇ શકે જે માણસ મટીને રોબોટ જેવો થઇ ગયો હોય. રોબોટની ત્વચા ગમે એટલી સુંવાળી બનાવી દેવાય તો પણ એ પ્રેમીના ટેરવાની ગરજ ન સારી શકે, કારણ કે માણસના ટેરવા જ માણસની રગેરગમાં રોમાંચ રેલાવી શકે.

આજના સમયનો સૌથી મોટો પ્રોબ્લેમ એ નથી કે રોબોટ માણસ જેવો થતો જાય છે પણ ઇસ્યુ એ છે કે માણસ રોબોટ જેવો થતો જાય છે. સવાર પડે અને માણસ ચાવી ભરેલા રમકડાની જેમ વર્તવા લાગે છે. જાણે માણસની અંદર આખા દિવસનો પ્રોગ્રામ સેટ કરી દીધો ન હોય! નક્કી કર્યું હોય એમાં જરાકેય આઘુંપાછું કંઇ થાય તો એનું મગજ છટકે છે. માણસ પ્રેમ પણ હવે નક્કી કરીને કરવા લાગ્યો છે. મારે મારી વ્યક્તિને સમય આપવો જોઇએ એવું એ માને છે એટલે એ સમય આપે છે. અગાઉના જમાનામાં આવું ન હતું. હવે રિલેશન કેમ ટકાવવા એ પણ આપણે ગૂગલમાં સર્ચ કરીએ છીએ અને પછી એમાં જે આપેલું હોય એનો અમલ કરીને પ્રેમ કરતા હોવાનું માની લઇએ છીએ. પ્રેમી કે પત્નીને ખુશ રાખવા ક્યારેક ગિફ્ટ કે ચોકલેટ લઇ જવા જોઇએ એટલે આપણે લઇ જઇએ છીએ. દરરોજ આઇ લવ યુ કહેવું જોઇએ એટલે કહીએ છીએ. આપણે બધાએ સંબંધો તો ટકાવવા છે પણ કેવી રીતે ટકાવવા એ આપણને ખબર નથી એટલે ફાંફાં મારતા રહીએ છીએ. આપણે જો સહજ હોઇએ તો એવું કંઇ કરવાની જરૂર પડતી નથી. આપણે એવું કરવું પડે છે કારણ કે આપણે પણ રોબોટની જેમ વિચારવા લાગ્યા છીએ. પ્રેગ્નન્સીથી માંડી પેરેન્ટિંગ સુધી આપણે ટેક્નોલોજીના સહારે જઇએ છીએ, આપણા દાદા-દાદીએ પેરેન્ટિંગ શીખવું પડ્યું નહોતું.

જરૂર હોય ત્યાં અને ખાસ તો સગવડ માટે ટેક્નોલાજીની મદદ લેવામાં કંઇ જ ખોટું નથી, ઊલટું એ સારી વાત છે, પણ આપણી સંવેદનાને ક્ષુબ્ધ કરી નાખે એવી ટેક્નોલોજીથી દૂર રહેવું જોઇએ. આપણને તો હવે મોબાઇલ અને મશીનમાં પણ રોબોટિક વોઇસની આદત પડતી જાય છે. જેની સાથે તમે વાત કરવા માંગો છો એ બીજા કોલ પર વ્યસ્ત છે એ રોબોટિક અવાજથી આપણે એટલા બધા ટેવાતા જઇએ છીએ કે આપણને માણસનો મૃદુ અવાજ સ્પર્શતો નથી. દુનિયાને કોઇ પણ માણસ રોબોટિક થતાં અટકાવી શકવાનો નથી પણ માણસ પોતાને તો રોબોટ થતાં ચોક્કસ અટકાવી જ શકે. વાત બસ એટલી જ છે કે સાવ મશીનની જેમ નહીં જીવો, તમારી જેમ જીવો. ક્ષણો એ સ્લાઇડ શો નથી, દૃશ્યો એ પાવર પ્રેઝન્ટેશન નથી, આનંદ એકસેલ શીટ નથી, સંવાદ એ વર્ડ ફાઇલમાં લખાયેલા શબ્દો નથી, ધ્યાન નહીં રાખીએ તો જિંદગી એમએસ ઓફિસ જેવી બની જશે. આપણામાં ધીમે ધીમે રોબોટના અંશો પ્રવેશી રહ્યા છે, એના તરફ તકેદારી રાખજો, નહીંતર રોબોટ જ એક દિવસ બોલતા હશે કે જોયું માણસ હવે આપણા જેવો થઇ ગયો…

પેશ-એ-ખિદમત

અબ તો દિન,

રાત પે હી આકે રુકતા હૈ,

મુજે યાદ હૈ…

પહેલે એક શામ ભી હુઆ કરતી થી.

-ગુલઝાર

 (દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 08 જુલાઇ 2018, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *