અનુષ્કાનો ઉકળાટ, સ્વચ્છતા અને
પર્યાવરણ… આપણને શું ફેર પડે છે?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
આઝાદીના સાત દાયકા પછી પણ આપણે લોકોને
સ્વચ્છતા અને પર્યાવરણ માટે ભાઇસા’બ બાપા કરવા
પડે છે. દેશપ્રેમ માત્ર વિડિયો કે મેસેજીસ વાઇરલ કરી
દેવાથી વ્યક્ત થઇ જતો નથી!
જ્યાં સુધી દેશના લોકો સમજે નહીં ત્યાં સુધી કોઇપણ
દેશ મહાન થઇ શકે નહીં. જરાક વિચારો,
આપણે શું કરીએ છીએ?
અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે કારમાં જતી હતી. એ જ વખતે લક્ઝરી કારમાં જતાં એક યુવાને બારીનો કાચ ઉતારી કચરો બહાર ફેંક્યો. અનુષ્કા જોઇ ગઇ. તેણે બારીનો કાચ ઉતારી પેલા યુવાનને ખખડાવ્યો. વિરાટે મોબાઇલથી વિડિયો ઉતારી લીધો અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. અનુષ્કાનો આ વિડિયો વાઇરલ થયો. સારી વાત છે. સેલીબ્રિટીનું વર્તન લોકોને અસર કરતું હોય છે. આમ તો ઘણા લોકો આવું કરતા હોય છે પણ સામાન્ય લોકોની કોઇ નોંધ લેતું નથી. અનુષ્કા ખખડાવતી હતી ત્યારે પેલો યુવાન એક શબ્દ પણ બોલ્યો નહીં. માત્ર જોતો રહ્યો. એને શું થયું હશે? ઓહ અનુષ્કા, એવું વિચારીને સામું જોતો રહ્યો કે પછી એને ખરેખર ગિલ્ટ ફીલ થયું હશે? એ યુવાને જ્યારે ટ્વિટ કર્યું ત્યારે બધાને ખબર પડી કે એનું નામ અરહાનસિંહ છે. જોકે એણે તો પોતાનો બચાવ જ કર્યો અને અનુષ્કાને સલાહ પણ આપી કે આ રીતે તોછડાઇથી ન કહેવાય. તેણે લખ્યું, મેં તો નાનકડો પ્લાસ્ટિકનો ટુકડો જ ફેંક્યો હતો. મેં અનુષ્કાને સોરી પણ કહ્યું હતું. જોકે અનુષ્કાની કહેવાની રીત મને ન ગમી. એ શાંતિથી કહી શકી હોત. અનુષ્કાના અવાજમાં ઉકળાટ હતો. એની વે, આ જોઇને બીજા લોકો સુધરશે ખરા? રામ જાણે! અનુષ્કા વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલી છે. એ હાથમાં ઝાડુ લઇને સફાઇ કરતી હોય એવા ફોટા પણ ફર્યા હતા. બધી સેલીબ્રિટી પણ આવું કરતી નથી. એ લોકો એવું પણ વિચારતા હોય છે કે આપણે કેટલા ટકા? ઘણા વળી એવું પણ કહેતા હોય છે કે એકાદ-બેને આવું કહી દેવાથી કંઇ બધા સુધરી થોડા જવાના છે? ગમે તે હોય, થોડોક ફેર તો પડતો જ હોય છે. દેશમાં આજકાલ ફિટનેસ ચેલેન્જ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. હકીકતે તો આવી સ્વચ્છતા ચેલેન્જ શરૂ થવી જોઇએ. માત્ર અનુષ્કા જ નહીં, તમારામાંથી પણ ઘણા લોકોએ આવું કર્યું હશે. અલબત, માત્ર વિડિયો ક્લિપ ઉતારવા ખાતર પણ આવું ન થવું જોઇએ. બાકી આપણે ત્યાં ફોટા પડાવવા અને વિડિયો ઉતરાવવા માટે બહુ બધું કરવામાં આવે છે.
એક નજરે જોયેલો કિસ્સો શેર કરવાનું મન થાય છે. એક ગાર્ડનમાં લોકો મોજમજા કરતા હતા. એક ફેમિલી પણ બાગમાં હતું. તેણે ઘરેથી જે ખાવાનું લાવ્યા હતા એ ખોલ્યું. બધા સાથે મળીને જમ્યા. બહુ સરસ દૃશ્ય હતું. જોકે ખરું દૃશ્ય તો પછી જોવા મળ્યું. જમીને કોઇએ કચરો ઉપાડવાની દરકાર ન કરી. એ જ ફેમિલીનો એક બાળક ઊભો થયો. એણે બધો કચરો પ્લાસ્ટિક બેગમાં ભર્યો અને જઇને ડસ્ટબીનમાં નાખી આવ્યો. બીજા એક અંકલ અને આન્ટી આ બધું જોતાં હતાં. અંકલ ઊભા થઇ એ બાળક પાસે ગયા અને દિલથી અભિનંદન આપીને કહ્યું કે તેં બહુ સરસ કામ કર્યું. તું બહુ ડાહ્યો છે. વી આર પ્રાઉડ ઓફ યુ. તારા જેવા છોકરાઓની જ આપણા દેશને જરૂર છે. અંકલ એક ચોકલેટ લાવ્યા અને એ છોકરાને ગિફ્ટ કરી. એ છોકરો ખૂબ ખુશ થયો. દરેક વખતે ગંદકી કરનારને ખખડાવવાની જરૂર પણ નથી હોતી, ક્યારેક સારું કરનારની પીઠ થાબડતા પણ આવડવું જોઇએ.
આપણા દેશના લોકો વિદેશ જાય તો ત્યાં ડાહ્યાડમરા થઇ જાય છે. અમુક તો વળી ત્યાં પણ લખણ ઝળકાવતા રહે છે. વિદેશમાં જ્યાં ઇન્ડિયન લોકો વધુ રહે છે ત્યાં હજુ પણ પાનની પિચકારીઓ જોવા મળે છે. જેને નથી સુધરવું એને કોઇ જ નથી સુધારી શકતું. હમણાં નેધરલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર માર્ક રુટનો એક વિડિયો પણ વાઇરલ થયો હતો. માર્કથી પાર્લામેન્ટ હાઉસમાં કોફી ઢોળાઇ ગઇ. એમણે પોતાના હાથમાં ઝાડુ લઇને સફાઇ કરી. આપણા દેશના કેટલા નેતાઓ આવું કરી શકે? આપણે ત્યાં તો કેટલાક નેતાઓ બૂટની દોરીઓ પણ બીજા પાસે બંધાવે છે. હવે તો વિડિયો વાઇરલ થઇ જાય છે એટલે આપણા નેતાઓ ડરી રહ્યા છે. એની વૃત્તિ ખરેખર બદલાઇ છે કે નહીં એ સવાલ છે. માનસિકતા બદલે એ જરૂરી હોય છે.
હમણાં પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ગયો. અનેક કાર્યક્રમો યોજાયા અને ખૂબ ડાહી ડાહી વાતો પણ થઇ. સ્વચ્છતા અને પર્યાવરણ જાળવવાની જવાબદારી માત્ર સરકારની છે? ના, બિલકુલ નહીં. સરકારની જવાબદારી તો કાયદા બનાવવાની અને લોકોમાં જાગૃતિ લાવવાની છે. લોકોએ નક્કી કરવાનું હોય છે કે આપણે જાગૃત થવું છે કે નહીં? તમને ખબર છે, પર્યાવરણ અંગે હમણાં જ બહાર પડેલો એક અભ્યાસ એવું કહે છે કે આપણો દેશ પર્યાવરણની જાળવણીના મામલામાં ઘણાબધા આફ્રિકન દેશો કરતાં પણ પાછળ છે. મની સુપર માર્કેટ દ્વારા પર્યાવરણ અંગેના અભ્યાસમાં આપણા ભારત દેશનો નંબર 75મો આવ્યો છે. આપણા કરતાં તો ગરીબો અને અભણ લોકોની વસતિ જ્યાં વધારે છે એવા આફ્રિકન દેશો મોઝામ્બિક, ઇથોપિયા, ઝામ્બિયા, કેન્યા અને ઘાના પણ ક્યાંય આગળ છે! જાહેરમાં શૌચક્રિયા ન કરવા માટે હજુ પણ આપણે ત્યાં ઝુંબેશો ચલાવવી પડે એ કરુણતા નહીં તો બીજું શું છે?
સ્વચ્છતા એ સંસ્કાર છે. માણસને જ્યાં સુધી પોતાના દેશ પ્રત્યે ખરા અર્થમાં લાગણી ન થાય ત્યાં સુધી નાટકબાજી ચાલતી રહેવાની છે. બાય ધ વે, તમે શું કરો છો? સફાઇ જાળવો છો? પર્યાવરણની દરકાર લો છો? જો કરતા હોવ તો તમે સાચા અને સારા નાગરિકો છો. માત્ર સોશિયલ મીડિયામાં એક્ટિવલી ડાહી ડાહી વાતો કરવાથી કોઇ ઉદ્ધાર થવાનો નથી. જે કંઇ થઇ શકે એટલું કરીએ તો જ દેશનું ભલું થશે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીએ કહ્યું હતું એ વાત આખી દુનિયાને લાગુ પડે છે. એ ન પૂછો કે તમારા દેશે તમારા માટે શું કર્યું? એ વિચારો કે તમે તમારા દેશ માટે શું કર્યું? યાદ રાખો, તમે કરી શકશો એ કોઇ નહીં કરી શકે!
પેશ-એ-ખિદમત
ક્યા કહૂં ઉસસે કિ જો બાત સમજતા હી નહીં,
વો તો મિલને કો મુલાકાત સમજતા નહીં,
મૈં ને પહુંચાયા ઉસે જીત કે હર ખાને મેં,
મેરી બાજી થી મેરી માત સમજતા હી નહીં.
-ફાતિમા હસન
kkantu@gmail.com
(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 24 જુન 2018, રવિવાર)