આપણી ફૂડ હેબિટ અને લાઇફ સ્ટાઇલ જોખમી બની ગઇ છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આપણી ફૂડ હેબિટ અને લાઇફ

સ્ટાઇલ જોખમી બની ગઇ છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

——–

લોકો હવે પરંપરાગત ખોરાક લેવાને બદલે જુદું જમવાના રવાડે

ચડી ગયા છે. ખાતા પહેલા આપણે જરાયે વિચાર કરીએ છીએ

ખરા કે, હું જે ખાઉં છું એ મારા શરીરને માફક આવે એવું છે કે નહીં?


———–

માણસની જિંદગીનો સૌથી મોટો આધાર એની ખાણી-પીણી અને રહેણીકરણી પર રહે છે. જે લોકો સો વર્ષથી વધુ ઉંમરના છે તેના પર હમણાં એક અભ્યાસ થયો હતો. લાંબા આયુષ્યના સૌથી મોટું કારણ એનું ભોજન અને જિંદગી જીવવાની રીત હતી. આપણે જ્યાં રહીએ છીએ એ વાતાવરણ પણ આપણી જિંદગીને અસર કરે છે. વાતાવરણ આપણે બદલાવી શકતા નથી. આપણે જ્યાં રહેતા હોઇએ ત્યાંનું વાતાવરણ જેવું હોય એવું આપણે સ્વીકારવું પડે છે. આપણે આપણા હાથમાં જે છે એને બગાડી રહ્યા છીએ. ફૂડ હેબિટ અને લાઇફ સ્ટાઇલ વિશે પર થયેલો એક સ્ટડી એવું કહે છે કે, માણસની આજે જે સ્થિતિ છે એના માટે માણસ પોતે જ જવાબદાર છે. જિંદગી જીવવાનો સાચો રસ્તો જ લોકો ભૂલી ગયા છે. લોકો હવે હાઇપરટેન્શન, એંગ્ઝાઇટી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીનો ભોગ બનવા લાગ્યા છે. લાઇફ સ્ટાઇલ ડિસિઝનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે એ જોતા નિષ્ણાતો એવું કહે છે કે, લોકો જો જિંદગી જીવવાના પોતાના જૂના માર્ગ તરફ પાછા નહીં વળે તો સ્થિતિ કોઇને કલ્પના ન આવે એટલી ખરાબ થઇ જવાની છે.

દરેક માણસે એ વિચારવા જેવું છે કે, હું આજે જે ખાઉં છું એમાં અને મારા બાપ દાદા જ્યારે મારા જેવડા હતા ત્યારે જે ખાતા હતા એમાં કેટલો ફેર છે? આપણે પરંપરાગત ભોજનથી દૂર થઇ ગયા છીએ. દરેક વિસ્તારનો પોતાનો ખોરાક હોય છે. જે તે વિસ્તારમાં જે ઉગે અને પાકે છે એ મુજબ ત્યાંના લોકોની ફૂડ હેબિટ બને છે. હવે બધું બધે જ મળવા લાગ્યું છે. મોટા મોટા મોલમાં દુનિયાભરની ચીજ વસ્તુઓ ઠલવાતી રહે છે. આપણે તેનાથી આકર્ષાઇને ખરીદવા લાગ્યા છીએ અને કોઇ’દિ ખાધું ન હોય એવું ખાવા લાગ્યા છીએ. ધીમે ધીમે એ આપણું નથી એ પણ આપણા રોજિંદા જમણનો ભાગ બનતું જાય છે. આપણી વાત કરીએ તો આપણા બપોરના ભોજનમાં મોટા ભાગે શાક, રોટલી, દાળ, ભાત, સંભારો અને છાશ રહેતા હતા. રાતના ભોજનમાં ખીચડી, કઢી, ભાખરી કે રોટલા, દૂધ વિગેરે રહેતું હતું. સવારના નાસ્તામાં મોટા ભાગે રાતે વધેલો રોટલો કે ભાખરી રહેતા હતા. ફરસાણ અને મીઠાઇ તો વારે તહેવારે જ બનાવવામાં આવતા. હવે આપણા ફૂડમાં જાતજાતની વરાઇટીઝ આવી ગઇ છે. સેન્ડવીચ બર્ગરથી માંડીને પીઝા પાસ્તા સુધીની આદતો આપણને પડી ગઇ છે. દૂધ કે છાશને બદલે સોફ્ટ ડ્રિંક લેવાનું ચલણ વધી ગયું છે. છોકરા નાના હોય ત્યારથી એને નૂડલ્સ કે નાચોઝ જોઇએ છે. રોજના મેનુમાં લીલા શાકભાજી, કઠોળ અને દાળનું પ્રમાણ ઘટતું જાય છે. ફાસ્ટ ફૂડ કલ્ચર જે રીતે પ્રસરી ગયું છે એ નેકસ્ટ જનરેશન માટે મુસિબતો પેદા કરે એવું છે. અગાઉના સમયમાં હોટલમાં જમવા જવાને સારી વાત ગણવામાં આવતી નહોતી. બહારગામ ગયા હોઇએ ત્યારે નાછૂટકે લોકો બહાર હોટલમાં જમવા જતા હતા. રેકડી પર ખાવાનું તો નીચું ગણવામાં આવતું હતું. હવે સ્ટ્રીટ ફૂડનો પોતાનો મહિમા ગાવામાં આવે છે. રવિવારે કે રજાના દિવસે બહાર જમવા ન જઇએ તો અધૂરું લાગે છે. અધૂરામાં પૂરું હવે તો ઘરે બેઠા બહારનું મંગાવવાનું બહુ ઇઝી થઇ ગયું છે. જુદી જુદી એપ્લિકેશનોની મદદથી પંદર વીસ મિનિટમાં માંગો એ ચીજ વસ્તુ ઘરે આવી જાય છે.

જમવા વિશે બીજી એક રસપ્રદ વાત પણ જાણવા જેવી છે. લોકો હવે ગમે તે ખાય છે અને ગમે તે રીતે ખાય છે. મતલબ કે, કંઇ ખાતી વખતે ખાવામાં એનો જીવ હોતો નથી. ધ્યાન બીજે હોય છે અને ખાવાનું ચાલતું રહે છે. અગાઉના સમયમાં લોકો આસન પાથરીને જમવા બેસતા. જમતા પહેલા પ્રાર્થના કરતા અને અન્ન દેવતાનો આભાર માનતા હતા. એ પછી શાંતિથી જમતા હતા. હવે ટીવી કે મોબાઇલ ચાલુ હોય છે. નાના બાળકોને મોબાઇલ ન આપો ત્યાં સુધી જમતા નથી. મોટાની સ્થિતિ પણ વખાણવા જેવી તો નથી જ. નાના હોઇએ ત્યારે આપણને શીખવાડવામાં આવે છે કે, ચાવી ચાવીને ખાવું જોઇએ. જે કંઇ ખાવ તેનો રસ થઇ જાય પછી જ ગળે ઉતારવું જોઇએ. એક લેટેસ્ટ સ્ટડી એ પણ કહે છે કે, લોકો હવે ખોરાક ચાવવામાં પણ કંજૂસાઇ કરવા લાગ્યા છે. થોડુંક ચાવીને ગળે ઉતારી નાખે છે. તેના કારણે ખોરાક પચાવવામાં શરીરને શ્રમ પડે છે. જમતી વખતે જરાક માર્ક કરજો, તમે બરોબર ચાવો તો છોને? નિષ્ણાતો કહે છે કે, તમે શું ખાવ છો એનાથી પણ વધુ મહત્ત્વનું એ છે કે તમે કેવી રીતે ખાવ છો? ખાતી વખતે તમારો મૂડ અને તમારી માનસિકતા કેવી હોય છે? તમારું ધ્યાન ક્યાં હોય છે? જીવ ઠેકાણે ન હોય ત્યારે કંઇ ખાવું ન જોઇએ.

એક સમય હતો જ્યારે આપણે ત્યાં ગરમાગરમ ખાવાનો મહિમા હતો. જમતી વખતે જ રોટલી ઉતારવામાં આવતી હતી. હવે આપણે ત્યાં વાસી રાંધેલું ગરમ કરીને ખાવાનું વધી રહ્યું છે. ફ્રીઝ અને ઓવન પહેલા આપણે ત્યાં હતા જ નહીં. રોજે રોજ ઘરથી સાવ નજીક તાજા શાકભાજી અને ફળો મળતા હોવા છતાં આપણે દિવસોનું શાક એક સાથે ફ્રિજમાં સંઘરવા લાગ્યા છીએ. વાસી ખોરાક ઓવનમાં ગરમ કરીને ખાવામાં આપણને કંઇ નડતું નથી. ફ્રોઝન ફૂડ અને ઇન્સ્ટન્ટ ફૂડે પણ દાટ વાળ્યો છે. ફ્રિજ ધીમે ધીમે બીમારીનું કારણ બનતા જાય છે. કેટલાંક લોકોના ફ્રિજ તો ગોડાઉન જેવા થવા લાગ્યા છે. ફ્રિજ એ આપણું કલ્ચર છે જ નહીં. ફ્રિઝ વાપરીએ એમાં વાંધો નથી પણ તાજું મળે છે તો શા માટે સંઘરેલું કે ફ્રોઝન ખાવું જોઇએ? આપણી મીઠાઇ અને આપણા ફરસાણ પણ આપણને અણસાર ન આવે એ રીતે બદલી ગયા છે. અગાઉના ભોજનમાં મેસુબ, મોહનથાળ, અડદિયા, સુખડી, જલેબી, સેવ, બુંદી, ગાંઠ્યા, ભજ્યા એવું બધું જમવાનું રહેતું હતું. હવે નવી નવી મીઠાઇ આવી ગઇ છે. અગાઉ ભોજન અને મીઠાઇ પણ સિઝન પ્રમાણે રહેતા હતા. અડદિયા શીયાળામાં ખવાતા હતા. વાર મુજબ ભોજનનું મેનુ રહેતું. કેવા વાતાવરણમાં કેવું પચે તેના પર ખોરાકની પસંદગી થતી હતી. હવે મન થાય ત્યારે ગમે તે ખાઇ લઇએ છીએ.

ખાવાનો સમય પણ આપણી હેલ્થને બહુ મોટી અસર કરે છે. અગાઉના સમયમાં ખાવાનો અને સૂવાનો સમય નક્કી રહેતો હતો. હવે ખાવાના કોઇ ઠેકાણા હોતા નથી. સૂવાનો સમય મોડો થઇ ગયો છે. અગાઉ રાતે બાર વાગ્યા સુધી બહાર હોઇએ તો વડીલો ખીજાતા કે, શું બાર બાર વાગ્યા સુધી રખડો છો! હવે બાર તો સાવ કોમન થઇ ગયા છે. કાં લોકો ટેલિવિઝન સામે બેસીને વેબસીરિઝ કે બીજું કંઇક જોતા રહે છે અથવા તો મોબાઇલ મચડતા રહે છે. મોડે સુધી જાગીએ એટલે કંઇક ખાવાનું મન થાય છે અને અડધી રાતે ઓર્ડર આપીને બહારથી કંઇક મંગાવી લઇએ છીએ અથવા તો ફ્રિજ ફંફોસીએ છીએ. ખાવાની કૂટેવના કારણે શરીર વધતા જાય છે. મેદસ્વીપણું સૌથી મોટી સમસ્યા બનતી જાય છે. શારીરિક કામો ધટ્યા છે. આમ જોવા જઇએ તો સાધનો અને સુવિધાઓના કારણે લોકોની લાઇફ ઇઝી થઇ છે પણ લોકો તેનો ફાયદો ઉઠાવવાના બદલે આળસુ અને બેદરકાર થઇ રહ્યા છે. જિંદગી વિશેની ફિલોસોફી બદલતી જાય છે. મોજમજા અને જિંદગી જીવી લેવાની વાતો સોશિયલ મીડિયા પર વધી રહી છે. જિંદગી સરસ રીતે જીવવી જોઇએ એમાં ના નહીં પણ એનો મતલબ જરાયે એવો નથી કે, આપણે મને ફાવે એમ જિંદગી જીવીએ. જિંદગી કેવી રીતે જીવવી એ નક્કી કરવાનો દરેકને અધિકાર છે. ધ્યાન એટલું જ રાખવાનું કે, આપણે હાથે કરીને આપણી જિંદગી અને આપણા શરીર સાથે ચેડાં તો નથી કરતાને? આપણી ફૂડ હેબિટ અને લાઇફ સ્ટાઇલ મુદ્દે સજાગ થઇ જવાનો સમય પાકી ગયો છે!

———

પેશ-એ-ખિદમત

મેરી આંખો કો મેરી શક્લ દિખા દે કોઇ,

કાશ મુજ કો મેરા એહસાસ દિલા દે કોઇ,

ગરજ ઇસ સે નહીં વો કૌન હૈ કિસ ભેસ મેં હૈ,

મૈં કહાં પર હૂં મુજે મેરા પતા દે કોઇ.

-નજીર કૈસર


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 28 ઓગસ્ટ, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *