બ્રેકઅપ અને ડિવોર્સ કરતાં પણ વધુ પીડાજનક છે નોકરીમાંથી હકાલપટ્ટી : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

બ્રેકઅપ અને ડિવોર્સ કરતાં પણ વધુ

પીડાજનક છે નોકરીમાંથી હકાલપટ્ટી

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

નોકરીમાંથી જેને કાઢી મૂકવામાં આવે

છે તેની માનસિક હાલત ખરાબ થઇ જાય છે.

મહિલાઓ કરતાં પુરુષોને નોકરી ગુમાવવાનો

આઘાત વધુ લાગે છે.

 

ઘરના લોકો અને મિત્રો નોકરી ગુમાવવાના

પેઇનમાં રાહત આપી શકે છે એ માટે

તમારા સંબંધો સજીવન હોવા જોઇએ.

દુનિયામાં સૌથી મોટું દુ:ખ કયું? એવો સવાલ કોઇને પણ પૂછીએ તો મોટાભાગે એવો જવાબ મળે કે સ્વજનનું મૃત્યુ એ જિંદગીની સૌથી દુ:ખદ ઘટના છે. પોતાની વ્યક્તિ ચાલી જાય એનું દર્દ બયાન ન થઇ શકે એવું હોય છે. વાત સાવ સાચી છે. જોકે આ મામલે એવું પણ કહેવાય છે કે સમય એ સૌથી મોટી દવા છે. ધીમે ધીમે પીડા ઓછી થાય છે. મૃત્યુ આપણા હાથની વાત નથી અથવા તો જેવી ઇશ્વરની ઇચ્છા એવું વિચારી માણસ મન મનાવી લે છે. એ સિવાય માણસ બીજું કરી પણ શું શકે? તમે શું માનો છો, સૌથી વધુ પીડા શેનાથી થાય છે? એનો જવાબ છે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તેની! એક વખત નોકરીમાંથી પાણીચું આપી દેવાય પછી એની પીડામાંથી બહાર આવતાં બહુ વાર લાગે છે. બીજી નોકરી મળી જાય એ પછી પણ માણસ એને અગાઉની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો એ ભૂલી શકતો નથી.

નોકરીમાંથી કાઢી મૂકવાના કેસમાં જો વ્યક્તિ માનસિક રીતે મજબૂત ન હોય તો એ ડિપ્રેશનમાં સરી જાય છે. અમદાવાદમાં હમણાં એક યુવતીએ મોલના પાંચમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો. વારંવાર નોકરી ગુમાવવાના કારણે એ યુવતી હતાશ થઇ ગઇ હતી. આવા તો ઘણા કિસ્સાઓ આપણને જોવા મળે છે. નોકરીમાંથી કાઢી મૂકવાનું કારણ ગમે તે હોય, જેની હકાલપટ્ટી કરવામાં આવી હોય એનો વાંક હોય કે ન હોય, એમાંથી બહાર નીકળવાનું ભલભલા માટે અઘરું હોય છે.

બ્લુમબર્ગ દ્વારા 40 હજાર રિસર્ચ પેપરના રિવ્યૂ બાદ એવું કહેવાયું છે કે પ્રેમી સાથે બ્રેકઅપ, ડિવોર્સ કે સ્વજનના અવસાન કરતાં પણ વધુ વેદના નોકરીમાંથી હકાલપટ્ટીના કારણે થાય છે. નોકરી ગુમાવ્યા પછી મેન્ટલ હેલ્થ મેળવવામાં અને જિંદગીથી સંતુષ્ટ થવામાં લાંબો સમય લાગે છે. બ્રેકઅપ, ડિવોર્સ કે નિધનના કિસ્સાઓમાંથી માણસ વધુમાં વધુ ચાર વર્ષમાં ફરીથી જિંદગીમાં સેટ થઇ જાય છે. જોબમાંથી ફાયર્ડ થનાર વ્યક્તિ ક્યારે પાછો સેટ થાય એ કહી શકાય નહીં. બેકઅપ માઇન્ડમાં સતત એ વાત રહે છે કે મને એકવાર કાઢી મૂકવામાં આવ્યો છે. નવી જોબ મળી જાય તો પણ એને એવો ડર રહે છે કે ક્યાંક મને અહીંથી પણ કાઢી મૂકવામાં નહીં આવે ને? અમુક લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો અને કોઇ ફેર પડતો નથી. ઠીક છે, ચાલ્યા રાખે એવું વિચારીને એ હતાશ થતાં નથી. જોકે આવા લોકોની સંખ્યા બહુ ઓછી હોય છે. ઘણા બહારથી એવું બોલતા હોય છે કે શું ફેર પડે છે, જોકે અંદરથી તો એને પણ વેદના થતી જ હોય છે. આ અભ્યાસમાં બીજી એક રસપ્રદ વાત એ પણ બહાર આવી છે કે મહિલાઓ કરતાં પુરુષોને નોકરી જવાનો આઘાત વધુ લાગે છે. સ્ત્રીઓ બીજાં કામોમાં મન પરોવીને એ આઘાતમાંથી મુક્તિ મેળવી લે છે પણ પુરુષ વલોલાયા રાખે છે. એ એવું માને છે કે આ તો પોતાના સ્વમાન પર સીધો ઘા છે. અમુક કિસ્સામાં ઘર ચલાવવાની જવાબદારી પણ પુરુષો પર હોય છે એટલે એને ભવિષ્યની ચિંતા પણ કોરી ખાય છે.

હવે તમારી સેવાની જરૂર નથી અથવા તો યુ આર સેક્ડ એવા શબ્દો વર્ષો સુધી મનમાંથી નીકળતા નથી. એક વખત નોકરીમાંથી કાઢી મુકાયા બાદ માણસ પર જુદી જુદી અસર થાય છે. કાં તો એ નાસીપાસ થઇ જાય છે અને એનો ગ્રોથ અટકી જાય છે અથવા તો એ બમણા જોરથી મહેનત કરે છે, વધુ સિન્સિયર થઇ જાય છે. ક્યાંક બતાવી દેવાની ભાવના પણ કામ કરે છે. નોકરીમાંથી કાઢી મૂકનારને ખબર પડે કે હું કંઇ માત્ર તમારો મોહતાજ નથી. અમુક કિસ્સામાં તો નોકરીમાંથી કાઢી મૂક્યા પછી જ ખબર પડે કે મારામાં બીજી આવડત પણ હતી. નોકરી કમ્ફર્ટ ઝોનમાં મૂકી દે છે, કાઢી મૂકવામાં આવે પછી માણસ ગમે તે કામ કરે છે, ક્યારેક એવું કરી બતાવે છે કે એને પોતાને પણ કલ્પના ન હોય. અમુક લોકોને આપણે એવું કહેતા સાંભળ્યા હોય છે કે હું તો એનો આભાર માનું છું કે મને કાઢી મૂક્યો, ત્યાં જ હોત તો મને ખબર જ ન પડત કે મારામાં બીજી આવડત પણ છે.

નોકરીમાંથી કાઢી મૂકવામાં ન આવે એ માટે દરેક કર્મચારીએ એનું બેસ્ટ આપવું જોઇએ. કામમાં તમારો કોઇ વિકલ્પ ન હોવો જોઇએ. તમારા વગર ચાલે જ નહીં એવું બેસ્ટ કામ કરવું જોઇએ. આમ છતાં માની લો કે કોઇ કારણોસર જોબ ચાલી જાય તો બહુ નકારાત્મક વિચારો કરવા જોઇએ નહીં. એક નોકરી ગઇ એમાં કંઇ જિંદગી ખતમ થઇ જતી નથી. જોબ જવામાં પોતાનો કંઇ વાંક હોય તો એમાંથી શીખ મેળવવી કે બીજી વખત આવું ન થાય. હતાશ થશો તો તમે તમારી જાતને ક્યારેય ન પુરાય એવું નુકસાન કરી બેસશો.

આ અભ્યાસમાં એક મહત્ત્વની વાત એ બહાર આવી છે કે માનો કે આવું થાય ત્યારે તમારી સૌથી સારી મદદે તમારાં પરિવારજનો અને મિત્રો જ આવે છે. આ માટે જરૂરી એ છે કે આપણા સંબંધો સારા હોય. તમારા લોકો સાથે તમારું બોન્ડિંગ સ્ટ્રોંગ હશે તો એ લોકો ગમે તેવી ખરાબ સ્થિતિમાં પણ તમને તૂટવા નહીં દે. નોકરી ગુમાવવાના કિસ્સાઓમાં એ હકીકત પણ જોવા મળી છે કે મોટાભાગના લોકો એ કારણે નોકરી નથી ગુમાવતા કે એને કંઇ આવડતું નથી, એનો એટિટ્યુડ સારો ન હોવાના કારણે નોકરી ગુમાવે છે. કામમાં ધ બેસ્ટ હોય પણ એનો સ્વભાવ એવો હોય કે એ ક્યાંય ન ચાલે. માણસનું બિહેવ્યર એને સફળ કે નિષ્ફળ બનાવવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. કામ એવરેજ હોય તો ચાલે પણ ન્યુસન્સ વેલ્યુ ઝીરો હોવી જોઇએ. અત્યારનો જમાનો કટથ્રોટ કમ્પિટિશનનો છે, ટકવા માટે દરેક વ્યક્તિ સંઘર્ષ કરી રહી છે. તમે જો તમારા કામ અને તમારાં વાણી-વર્તનમાં સારા હશો તો જ તમે ટકી શકશો. માનો કે નોકરી જવા જેવું કંઇ બને તો પણ તેમાંથી શીખી અને બીજી તક મળે એમાં તમારી તાકાતને પ્રૂવ કરો. ભૂલ દરેકથી થતી હોય છે પણ ભૂલમાંથી જે કંઇક શીખે છે એ ખરો સક્ષમ હોય છે.

પેશ-એ-ખિદમત

હર ઇક જાનિબ ઉન આંખોં કા ઇશારા જા રહા હૈ,

હમેં કિન ઇમ્તિહાનોં સે ગુજારા જા રહા હૈ,

કિનારે કો બચાઉં તો નદી જાતી હૈ મુજ સે,

નદી કો થામતા હૂં તો કિનારા જા રહા હૈ.

-ફરહત એહસાસ

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 06 મે 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *