WRINKLES – કરચલીઓ : કપડાંની, શરીરની અને જિંદગીની! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

WRINKLES
કરચલીઓ : કપડાંની,
શરીરની અને જિંદગીની!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

કપડાંની કરચલીઓ હટાવવા માટે કરાતી ઈસ્ત્રીથી કાર્બન ડાયોક્સાઇડ પેદા
થાય છે એટલે હવે કેટલીક સંસ્થાઓએ રિંકલ્સ ફ્રી મન્ડે કેમ્પેન શરૂ કરી છે.
કપડાંની કરચલીઓ તો ઠીક છે પણ શરીરની અને જિંદગીની કરચલીઓનું શું?
રિલેશન્સમાં જ્યારે રિંકલ્સ પડે છે ત્યારે જિંદગી અઘરી બની જાય છે


———–

કરચલીઓ સાથે માણસને આખી જિંદગીનો નાતો છે. બાળકનો જન્મ થાય ત્યારે તેના શરીરની સ્કિન નરમ હોય છે અને કેટલાંક કિસ્સામાં કરચલીઓ પણ જોવા મળે છે. બાળક જેમ જેમ મોટું થાય એમ સ્કિન ટાઇટ થાય છે. વૃદ્ધાવસ્થામાં તો આખા શરીર પર કરચલીઓ જોવા મળે છે. કરચલીઓ વિશેની એક હકીકત એ છે કે, માણસને કરચલીઓ ગમતી નથી. વાત કપડાંની હોય, શરીરની હોય કે જિંદગીની, કરચલીઓ ક્યારેક તો પડવાની જ છે. હમણાં એક કેમ્પેન શરૂ થઇ છે. રિંકલ્સ અચ્છે હૈ! આ કેમ્પેન પર્યાવરણના રક્ષણ માટે શરૂ કરવામાં આવી છે. તેની સાથે એ પણ ચર્ચા શરૂ થઇ છે કે, પર્યાવરણની ચિંતા માટે આપણે રિંકલ્સને ચલાવી લઇએ છીએ, એવી જ રીતે શરીર અને જિંદગીની કરચલીઓને કેમ સમજતા કે સ્વીકારતા નથી?
જિંદગીની કરચલીઓની વાત કરતા પહેલાં પર્યાવરણ માટે જે રિંકલ્સ કેમ્પેન ચાલે છે એની વાત કરી લઇએ. માણસને ઇસ્ત્રીટાઇટ કપડાં પહેર્યાં વગર ચાલતું નથી. રિલેક્સ મૂડમાં હોઇએ ત્યારે તો કોઇ વાંધો હોતો નથી પણ ઓફિસે કે કોઇ ફંક્શનમાં જવાનું હોય ત્યારે તો ઇસ્ત્રી કરેલાં કપડાં જ જોઇએ. તમને ખબર છે, કપડાંને ઇસ્ત્રી કરવાના કારણે પર્યાવરણને મોટું નુકસાન થાય છે? માત્ર એક જોડી કપડાને ઇસ્ત્રી કરવાથી વાતાવરણમાં 200 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ફેલાય છે! બે ઘડી વિચાર કરો કે, બધા જ લોકો જો એક દિવસ ઇસ્ત્રી કર્યા વગરનાં કપડાં પહેરે તો પર્યાવરણને કેટલો ફાયદો થાય? સીએસઆઇઆર એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ દ્વારા પર્યાવરણના રક્ષણ માટે વાહ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ડબલ્યૂએએચ, વાહનો અર્થ થાય છે. રિંકલ્સ અચ્છે હૈ. આ સંસ્થાના કર્મચારીઓને દર સોમવારે ઇસ્ત્રી કર્યા વગરનાં કપડાં પહેરીને આવવાનું સૂચન કરવામાં આવ્યું છે. કપડાંમાં કરચલીઓ ભલે દેખાય એની સામે કંઇ વાંધો નથી પણ પર્યાવરણનું તો જતન થશે. એક દિવસ ઈસ્ત્રી વગરનાં કપડાં પહેરો તો કોઈ ફેર પડવાનો નથી. હવે બીજી વાત, કપડાંને એક દિવસ ઈસ્ત્રી ન કરીએ તો કેટલી વીજળી બચે? એ રીતે ખર્ચમાં પણ બચત થાય. આખી દુનિયા પર્યાવરણનો દાટ વાળવા બેઠી છે ત્યારે પર્યાવરણના રક્ષણનો આ એક નાનકડો પ્રયાસ છે. મજાની વાત એ છે કે, ધીમેધીમે બીજી સંસ્થાઓ અને ઓફિસો પણ રિંકલ્સ મન્ડેઝ પર વિચાર કરી રહી છે. સોમવાર ઊઘડતો દિવસ છે, સોમવારને બદલે બીજો દિવસ રાખવામાં આવે તો પણ કોઇ વાંધો નથી. સવાલ એક દિવસ પર્યાવરણનું રક્ષણ કરવામાં યોગદાન આપવાનો છે. શનિવારે ઘણી કંપનીઓમાં કેઝ્યુઅલ્સ પહેરવાની છૂટ હોય છે. શનિવારે જિન્સ અને ટીશર્ટ પહેરીને આવો તો કોઇ વાંધો નથી. એવી જ રીતે એક દિવસ એવો પણ રાખો કે, કરચલીઓવાળાં કપડાં હોય તો પણ વાંધો નહીં. હવે તો માર્કેટમાં રિંકલ્સ ફ્રી ક્લોથ્સ પણ આવવા લાગ્યા છે. એવાં કપડાં જેને ઇસ્ત્રી કરવાની જરૂર જ પડતી નથી. આ એક ક્રાંતિકારી શોધ છે. રોજેરોજ ઇસ્ત્રી કરવાનું કામ પણ કંઇ સહેલું નથી. બહાર ઇસ્ત્રી કરાવતા હોઇએ તો પણ લેવા-દેવાની ઝંઝટ પણ ખરી. એના કરતાં રિંકલ્સ પડે જ નહીં તો કેટલું સારું? જિન્સ આખી દુનિયામાં લોકપ્રિય થયું હોય તો એનું એક કારણ એ પણ છે કે, તેને ઇસ્ત્રી કરવાની કે રોજ ધોવાની જરૂર પડતી નથી.
પર્યાવરણ બચાવવા માટે જેટલું થાય એટલું ઓછું છે. રિંકલ્સ સંદર્ભે એ ચર્ચા પણ વાજબી છે કે, બીજી રિંકલ્સનું શું? જેમ જેમ ઉંમર વધે એમ એમ શરીરમાં બદલાવ થતો રહેવાનો છે. આપણા જ જૂના ફોટા જોઇએ ત્યારે વિચાર આવ્યા વગર ન રહે કે, કેવા હતા અને અત્યારે કેવા લાગીએ છીએ. ઘણા લોકો પોતાના બાહ્ય સૌંદર્યને જાળવી રાખવા માટે ખતરા જેવા અખતરા કરતા રહે છે. કરચલીઓ ન દેખાય એ માટે ઇન્જેક્શનો લે છે. મેકઅપ તો હવે બહુ કોમન થઇ ગયો છે. માણસ જેવો હોય એના કરતાં સારો દેખાવાનો પ્રયાસ કરે એમાં કશું ખોટું નથી પણ સારા દેખાવા માટે જાત પર અત્યાચાર કરતા પહેલાં સો વખત વિચારવું જોઇએ. એક તબક્કે જે બદલાવ હોય એને સ્વીકારી લેવાનો હોય છે. કરચલીઓનો પણ એક ગ્રેસ હોય છે. રિંકલ્સ એ સાબિત કરે છે કે, તમારી પાસે અનુભવોનું ભાથું છે. સમય સાથે માણસમાં સમજણ આવે છે અને સૌથી મોટી સમજણ એ જ છે કે, જે ઉંમર હોય એનું ગૌરવ જળવાય એવી રીતે જીવવું જોઈએ.
કપડાં અને શરીર પરની કરચલીઓ કરતાં પણ વધુ ખતરનાક જિંદગીની કરચલીઓ છે. રિલેશન્સમાં જ્યારે રિંકલ્સ પડે છે ત્યારે જિંદગી અઘરી બની જાય છે. આપણા સંબંધો કેવા છે એના પર આપણી જિંદગીનાં સુખ અને દુ:ખનો આધાર રહે છે. સંબંધો ક્યારેક આડા પાટે ચડી જવાના છે. ક્યારેક નજીકની વ્યક્તિ સાથે પ્રોબ્લેમ થવાના જ છે. સમસ્યાઓ ક્યારેય દૂરના લોકો સાથે થતી જ નથી, એનું કારણ એ છે કે, એની સાથે આપણે કોઇ ખાસ નિસબત જ હોતી નથી. જેની સાથે રોજનો નાતો છે એની સાથે જ કંઇક ને કંઇક ઇશ્યૂ થવાના છે. કરચલીઓ પડવાની છે. આ કરચલીઓને દૂર કરતા રહેવું પડે છે.
ગૂગલ પર તમે સર્ચ આપશો કે ચહેરા પર પડેલી કરચલીઓ દૂર કેવી રીતે કરવી તો તમને હજાર ઉપાય મળી જશે. જાતજાતની પ્રોડક્ટ પણ તમારી સામે આવી જશે. હળદરથી માંડીને એલોવેરા સુધીના ઘરગથ્થુ નુસખા પણ આવી જશે. આટલું કરો તો તમારા ચહેરા પર કરચલી નહીં પડે. ભાગ્યે જ કોઇ એવું કહે છે કે, ખુશ રહો તો કરચલીઓ વહેલી નહીં પડે. તમે આખા દિવસમાં કેટલા પ્રફુલ્લિત હોવ છો? તમને ખરેખર રિલેક્સ ફીલ થાય છે? મોટા ભાગના લોકોના ચહેરા જોજો, ખેંચાયેલા અને તણાયેલા જ દેખાશે. બધાના ચહેરા પર એક અજાણ્યો ભાર લદાયેલો જોવા મળે છે. મોટી ઉંમરે કરચલીઓ પડે એ તો સમજી શકાય એવી વાત છે પણ હવે તો યંગ લોકો પણ નંખાઇ ગયેલા જોવા મળે છે. આપણે બધા ભાર લઇને ફરીએ છીએ એનો એક અર્થ એ જ છે કે, આપણને જિંદગીની સમજ નથી. સારા અને સાજા રહેવા માટેનો સૌથી સરળ ઉપાય એ છે કે, હળવા રહો. બધું પકડી રાખવાની કોશિશ ન કરો. આપણે કંઇક પકડી રાખીએ ત્યારે આપણે પણ તેની સાથે બંધાતા હોઇએ છીએ. મુક્ત થવા માટે મુક્ત કરવું પડતું હોય છે. જતુ કરવું પડતું હોય છે. જિંદગી જીવવા માટે છે, આપણે બધાએ જીવવા માટે પણ સમય કાઢવો પડે એવી સ્થિતિ સર્જાતી જાય છે. પર્યાવરણની વાત છે ત્યારે એક વાત એ પણ સમજવાની જરૂર છે કે, દરેક વ્યક્તિનું પોતાનું પણ એક પર્યાવરણ હોય છે. મનની પણ પવિત્રતા હોય છે. આપણો માંહ્યલો તો સ્વચ્છ અને સાત્ત્વિક છેને? એને તો કોઇ પોલ્યૂશનની અસર થઇ ગઇ નથીને? અંદરનું વાતાવરણ જો સારું નહીં હોય તો બહાર ગમે એટલું સારું હશે તો પણ સારું નહીં લાગે. અંદર જો સારું હશે તો બહાર સામે લડી અને ટકી રહેવામાં પણ સરળતા રહેશે. જિંદગી અને સંબંધોમાં કરચલીઓ ન પડવા દો. થોડુંક જતું કરી દો. રોજ રાતે બે ઘડી એટલું વિચારો કે, મને જીવવાની મજા તો આવે છેને? જો જવાબ ના હોય તો માનજો કે, જિંદગીમાં રિંકલ્સ પડી ગઇ છે. રિંકલ્સને શોધો અને દૂર કરો. જ્યાં સુધી રિંકલ્સ દૂર નહીં થાય ત્યાં સુધી રિલેક્સ ફીલ નહીં થાય!

———

પેશ-એ-ખિદમત
વો કૌન હૈ ફૂલોં કી હિફાજત નહીં કરતે,
સુનતે હે જો ખુશબૂ સે મોહબ્બત નહીં કરતે,
સાહિલ સે સૂના કરતે હૈ લહેરોં કી કહાની,
યે ઠહેરે હુએ લોગ બગાવત નહીં કરતે.
-ખુર્શીદ અકબર (`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 22 મે 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *