મને અંદાજ નહોતો કે તું આટલો બદલી જઈશ!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
રાઝે ઉલ્ફત છુપા કે દેખ લિયા, દિલ બહુત કુછ જલા કે દેખ લિયા,
ઔર ક્યા દેખને કો બાકી હૈ, આપ સે દિલ લગા કે દેખ લિયા.
– ફૈઝ એહમદ ફૈઝ
જિંદગી અત્યંત ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. જિંદગીની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન કરી શકાય. દરેક વ્યક્તિની જિંદગી જુદી અને અનોખી હોય છે. બે જિંદગીની સરખામણી ન થઈ શકે. એકસાથે જીવતા બે માણસની જિંદગી પણ જુદી જુદી હોય છે. જિંદગીની મજા જ એ છે. એક ઝાડનાં બે પાન પણ સરખાં હોતાં નથી. એક છોડનાં બે ફૂલ પણ અલગ અલગ જ હોવાનાં. દરિયાનું એક મોજું બીજા મોજાથી જૂદું જ હોવાનું. વાદળ પણ ક્યાં એકસરખાં હોય છે. જિંદગી એટલે જ રોમાંચક છે. કારણ કે એકની જિંદગી બીજાથી જુદી પડે છે. બધાંની જિંદગી એકસરખી હોત તો કદાચ જિંદગીમાં કોઈ થ્રિલ જ ન હોત. મેઘધનુષનો રંગ એક જ હોત તો આપણને ગમત ખરું? મેઘધનુષ એટલે જ ગમે છે, કારણ કે એમાં અલગ અલગ રંગ હોય છે. જિંદગીના પણ અલગ અલગ રંગ છે. દરેક વ્યક્તિના અલગ અલગ ઢંગ છે. જિંદગીમાં એટલે જ આટલો ઉમંગ છે. જિંદગીના રંગો બદલતા રહે છે. કોઈ એક રંગ કાયમી રહેતો નથી. થોડા થોડા સમયે રંગ ઊડી જાય છે અને એક નવા રંગે જિંદગી રંગાઈ જાય છે.
જિંદગીનો રંગ કાયમ ગુલાબી જ રહે એવું શક્ય નથી. એ ક્યારેક રેડ થાય છે અને ક્યારેક બ્લૂ, ક્યારેક યલો થઈ જાય છે અને ક્યારેક વ્હાઇટ. જિંદગી જ્યારે બ્લેક રંગ ઓઢે ત્યારે આકરું લાગે છે. બ્લેક રંગથી ડરી જાય છે એ અંધારામાં જ રહે છે. બ્લેક રંગને હટાવવો પડે છે. હા, થોડીક મહેનત પડે છે, પણ ધીમે ધીમે હટી જાય છે. પહેલાં થોડોક ભૂરો થાય છે અને પછી ધીમે ધીમે હટે છે. તમારે પછી તમારી ઇચ્છા અને કલ્પનાનો રંગ પૂરવો પડે છે. જિંદગી એટલે રંગોળી બનાવતા રહેવાની કલા. માણસના રંગ પણ બદલતા રહે છે. તમારે માણસના રંગને સ્વીકારવો પડે છે. તમે તમારો રંગ બદલી શકો. કોઈનો રંગ આપણાથી બદલી ન શકાય. તમે જો તમારા રંગનું સન્માન કરતા હોવ તો તમારે બીજાના રંગનો પણ આદર કરવો પડે. ગમે કે ન ગમે, યોગ્ય હોય કે ન હોય, યલો હોય કે પિંક હોય, બ્લેક કે વ્હાઇટ હોય, જે હોય તે સ્વીકારવો પડે.
એક પતિ-પત્ની હતાં. બંનેએ લવમેરેજ કર્યાં હતાં. સમયની સાથે બધામાં પરિવર્તન આવતું હોય છે. પતિ ધીમે ધીમે બદલતો જતો હતો. બંને વચ્ચે અણબનાવ થવા લાગ્યા. એક તબક્કે વાત ડિવોર્સ સુધી આવી ગઈ. પત્નીએ કહ્યું કે, મને અંદાજ ન હતો કે તું આટલો બદલી જઈશ. પતિએ દલીલ કરી કે તારી વાત સાચી છે. મને પણ જરાયે અંદાજ ન હતો કે તું જરાયે નહીં બદલે. માણસે સમય મુજબ થોડા થોડા બદલવું જોઈએ. હું બદલ્યો તો મારી સાથે તું કેમ જરાયે ન બદલી? સમયના બદલાવ સાથે બદલવું અને એડજસ્ટ થવું એ પણ જિંદગીનું એક રહસ્ય જ છે. વાંક તારો છે કે મારો એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે આપણે બેઉ બદલાવને અનુકૂળ થઈ શક્યા નથી.
જિંદગી રસ્તા બદલતી હોય છે. જિંદગી રસ્તા કરી પણ આપતી હોય છે. ઘણી વખત આપણે જ એ રસ્તે જતા હોતા નથી. હવેથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે એવું થઈ જાય પછી આપણે આપણા રસ્તે જતા હોઈએ છીએ ખરાં? ના, આપણે ત્યાં ને ત્યાં ઊભા રહીએ છીએ. આપણે આપણા રસ્તે જતા પણ નથી અને કોઈને એના રસ્તે જવા પણ નથી દેતા. સાથે રહેવા કરતાં પણ જુદા પડવામાં કદાચ વધુ ‘ગ્રેસ’ની જરૂર પડતી હોય છે. આપણે પકડી રાખીએ છીએ. મુક્ત થવા માટે પહેલાં મુક્ત કરવા પડે છે. તમે પકડી રાખો તો તમે કોઈ દિવસ છૂટી ન શકો. હા, જિંદગીને કમ્પ્યૂટર કે મોબાઇલની જેમ ‘ફોર્મેટ’ કરી શકાતી નથી. કંઈ તદ્દન ઇરેઝ થતું નથી. બ્રેકઅપ બાદ એક છોકરીએ તેની ફ્રેન્ડને કહ્યું કે, “જિંદગી પણ કમ્પ્યૂટર અને મોબાઇલ મારફત ‘ફોર્મેટ’ કરી શકાતી હોત તો કેવું સારું હતું. બધું જ ભૂંસી નાખવાનું. કંઈ જ જૂનું નહીં.” તેની ફ્રેન્ડે કહ્યું, “સાચી વાત એ છે કે જિંદગીને ફોર્મેટ નથી કરી શકાતી. બધું જ જૂનું જિંદગીમાં સ્ટોર થયેલું રહે છે. આમ છતાં માય ડિયર, સ્ક્રીન ઉપર શું રાખવું અને શું લાવવું એ તો આપણા હાથની વાત છેને? તું તારી જિંદગીની સ્ક્રીન પરનું ચિત્ર હટાવી કેમ નથી દેતી? જિંદગી એટલી તો સગવડ આપે જ છે કે તમે તમારી અત્યારની જિંદગીમાં તમારો રંગ પૂરી શકો! જૂની યાદો, ફરિયાદો, વિષાદો, પીડાઓ, ઉદાસીઓ, નારાજગીઓ, ઝઘડાઓ અને વિવાદો એવી જગ્યાએ ‘સ્ટોર’ કરી દે જ્યાંથી એ ક્યારેય તારી ઇચ્છાના પાસવર્ડ વગર બહાર જ ન આવે!
જિંદગી ગમતી અને ન ગમી ઘટનાઓ લઈને આવતી રહે છે. ન ગમતી ઘટનાઓમાંથી જેટલા બને એટલા જલદી બહાર નીકળી જાવ. એમાંથી તમારે જ બહાર નીકળવું પડે. એક માણસ સાધુ પાસે ગયો. એ દુભાયેલો હતો. તેની સાથે એક વ્યક્તિએ દગો કર્યો હતો. સાધુ પાસે જઈને તેણે કહ્યું કે, “મારે તપ કરવું છે.” સાધુએ કહ્યું, “સારી વાત છે, પણ તપ કરીને તારે શું કરવું છે?” એ માણસે કહ્યું કે, “તપ કરીને મારે વિશિષ્ઠ શક્તિ હાંસલ કરવી છે. એ શક્તિથી પછી મારે પેલા માણસને બરબાદ કરી નાખવો છે.” સાધુ હસવા લાગ્યા. “તપ પણ તારે એ માણસ માટે કરવું છે! તું એ વિચાર કે તારે તારા માટે શું કરવું છે? કોઈના ખતમ થવાથી કે કોઈને બરબાદ કરવાથી તારો ઉદ્ધાર થવાનો નથી.” આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે સારું કરવા જઈએ છીએ એ પણ કોઈનું ખરાબ કરવા માટે! તારે જે કરવું હોય એ તારા માટે કર. મુક્ત તો તારે થવાનું છે. તું એની ચિંતા શા માટે કરે છે?
લાઇફ ઇઝ એ બિગ બન્ચ ઓફ સરપ્રાઇઝીસ છે. બધાં સરપ્રાઇઝ પ્લેઝન્ટ હોતાં નથી. હોઈ પણ ન શકે અને હોવા પણ ન જોઈએ. જિંદગી જેવી સામે આવે એવી જ એને સ્વીકારો. ન કોઈ ફરિયાદ કે ન કોઈ અફસોસ. માણસ તો બદલતો રહેવાનો છે. કોઈ બદલે ત્યારે આપણે એના જેવા થવાની જરૂર હોતી નથી, આપણે જેવા થઈએ એ જ જરૂરી છે. સમય, સ્થિતિ, સંજોગ અને વ્યક્તિના બદલાવ સાથે તમે પણ બદલાવ અને તમારા જેવા થઈ જાવ, પછી કોઈની સામે કોઈ ફરિયાદ નહીં રહે!
છેલ્લો સીન : આઘાત લાગે ત્યારે પ્રત્યાઘાત આપવાનો પ્રયાસ ન કરો. આઘાત ક્યારેય આઘાત આપવાથી ખતમ થતો નથી. -કેયુ.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 05 જુલાઇ, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
sir,if someone does something wrong with me,still i have to be silent? then what about this saying"tic for tac"(jeva sathe teva_