તું તારા સ્ટ્રેસને પંપાળવાનું બંધ કર!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કભી જો ખ્વાબ થા, વો પા લિયા હૈ,
મગર જો ખો ગઈ, વો ચીઝ ક્યા હૈ?
-જાવેદ અખ્તર.
જિંદગીમાં જ્યાં સુધી સરળતા અને સહજતા ન હોય ત્યાં સુધી જિંદગી જીવવાની મજા નથી આવતી. દરેક વ્યક્તિને જિંદગી સામે કંઈકને કંઈ ફરિયાદ હોય છે. બધા તનાવમાં જીવે છે. કોઈ પાસે સમય નથી. દરેકને એમ થાય છે કે આ તો સાલી કોઈ જિંદગી છે. સવારથી રાત સુધી બસ ઉપાધિ જ છે. ચિંતાના કારણે રાતે ઊંઘ નથી આવતી. માણસ સવારે ઊઠે ત્યારે જ ભારેખમ હોય છે. શું હાવી રહે છે આપણી ઉપર? શેનો ભાર લઈને આપણે ફરતાં રહીએ છીએ? સતત કંઈક કોરી ખાતું હોય એવું શા માટે લાગે છે?
એક ફિલોસોફરે એના શિષ્યોને પૂછયું કે, માણસ શું ભૂલતો જાય છે? એક શિષ્યએ જવાબ આપ્યો કે માણસ સંસ્કાર ભૂલતો જાય છે. બીજાએ કહ્યું કે વડીલોને આદર આપવાનું ભૂલતો જાય છે. ત્રીજાએ કહ્યું, માણસ પ્રેમ કરવાનું ભૂલતો જાય છે આખરે ફિલોસોફરને જે જવાબ જોઈતો હતો એ જવાબ એક શિષ્યએ આપ્યો. તેણે કહ્યું કે માણસ જીવવાનું ભૂલતો જાય છે. માણસ હસવાનું ભૂલતો જાય છે. માણસ ક્યારે કંઈ ભૂલી જાય? જ્યારે માણસ જે ન શીખવાનું હોય એ શીખતો જાય ત્યારે માણસ જે શીખવાનું હોય એ શીખતો નથી.
આપણે રડવાનું શીખી ગયા છીએ. આંસુ પડે એને જ રડવું નથી કહેવાતું. આપણે રોદણાં રડતાં શીખી ગયા છીએ. દરેકની સામે માણસને પ્રોબ્લેમ છે. બોસ સાથે ફાવતું નથી. પોતાના હાથ નીચે જે કામ કરે છે એને કંઈ આવડતું નથી. ઘરના લોકોને કંઈ કદર નથી. બધું મારે જ કરવું પડે છે. મને કોઈનો સપોર્ટ જ નથી. આવી બધી ફરિયાદો કરવામાં માણસ હસવાનું ભૂલી ગયો છે. તમે યાદ કરો, આખા દિવસમાં તમે કેટલી વાર હસો છો? તમારા હાસ્યમાં વધારો થઈ રહ્યો છે કે ઘટાડો? મેચ્યોરિટીને પણ આપણે સિરીયસનેસ સાથે જોડી દીધી છે! ગંભીર હોય એને આપણે મેચ્યોર માનવા લાગ્યા છીએ. ખુશમિજાજ વિશે એવી ધારણા બાંધી લઈએ છીએ કે એ પોતાના કામ અને પોતાની લાઈફ વિશે સિરીયસ નથી!
તમે આજકાલ મળતી મિટિંગ્સ ઉપર જરાક નજર કરજો. બધા એકદમ સિરીયસ જ હોય છે. પ્રેઝન્ટેશન આપતી વખતે પણ ચહેરા પર હાસ્ય કે હળવાશ જોવા મળે નહીં. હળવી રીતે પણ મહત્ત્વની વાત કરી શકાય એવું આપણે સ્વીકારતાં જ નથી. મહત્ત્વના ડિસ્કસન વખતે પૂરતું ધ્યાન હોવું જોઈએ એ વાત સાચી છે પણ આપણે તો ડે ટુ ડે અને સહજ વાત હોય ત્યારે પણ ગંભીર થઈ જઈએ છીએ! માણસ મિટિંગ્સ પતાવીને ઘરે આવે પછી પણ એ મિટિંગ્સના મૂડમાં જ હોય છે. ઓફિસને આપણે ઘરે સાથે લાવીએ છીએ.
એક યુવાન કામ પરથી ઘરે આવે એટલે પોતાના ફેમિલીમાં ખોવાઈ જાય. પત્ની સાથે હસીને વાત કરે. બાળકો સાથે ધમાલ મસ્તી કરે. તેની સાથે કામ કરતા મિત્રએ કહ્યું કે તું આ બધું કેવી રીતે કરી શકે છે? એ યુવાને કહ્યું કે મેં મારા મગજમાં સ્વીચ રાખી છે. ઓફિસેથી ઘરે આવું ત્યારે ઓફિસની સ્વીચ બંધ કરી દઉં છું. બીજા દિવસે ઓફિસે જાવ ત્યારે ઓફિસની સ્વીચ ચાલું કરી દઉં છું. આપણે ઓફિસથી નીકળતી વખતે કમ્પયુટર તો બંધ કરીએ છીએ પણ આપણી અંદર હોય છે એ ઓફિસની સ્વીચ બંધ કરતાં નથી. આપણે બધા જે કંઈ કરીએ છીએ એ ફેમિલી માટે કરીએ છીએ. બધું કરીને આપણે સરવાળે ફેમિલીને આપણો સમય, આપણો સાથ અને આપણી હળવાશ ન આપી શકીએ તો પછી બધું કરવાનો મતલબ શું?
તમે થોડોક વિચાર કરી જો જો કે તમે અત્યારે જે કંઈ કરો છો એ શેના માટે કરો છો? જેના માટે કરો છે એ ખરેખર થાય છે ખરું?જિંદગી કેમ જીવાય અથવા જિંદગીમાં શું કરવું છે એ બધાને ખબર છે પણ કરી કોઈ નથી શક્તું, કારણકે જ્યારે જે કરવાનું હોય છે એ આપણે કરતાં હોતા નથી. આપણને એટલી તો ખબર હોવી જ જોઈએ કે ક્યારે શું નથી કરવાનું? જે નથી કરવાનું એ ન કરો, તો પછી જે કરવાનું હશે એ જ થશે.
સંજોગો, પરિસ્થિતિ, પડકાર અને સમય માણસની ઈચ્છા મુજબ ક્યારેય રહેવાના નથી. માણસના હાથમાં કંઈ હોય તો એ છે કે એને કેવી રીતે રહેવું છે. પોતાની માનસિક્તા સ્વસ્થ કેવી રીતે રાખવી એ માણસને આવડતું હોય તો સ્થિતિ એને ડગમગાવી શક્તી નથી. ઉતાવળ અને ઉશ્કેરાટને કાબૂમાં રાખવા એ જિંદગી જીવવાની ઉત્તમ કળા છે. દરેક વ્યક્તિએ પોતાના લોકોને ખુશ રાખવા હોય છે તેના માટે સૌથી જરૂરી એ છે કે માણસ પોતે ખુશ રહે.
એક પતિ-પત્નીની આ વાત છે. પતિ સતત ઓફિસ કામના ટેન્શનમાં રહે. પત્નીને ઓલવેઝ કહે કે હું તારા માટે બધું કરું છું. મને કામનો બહુ સ્ટ્રેસ રહે છે. પત્ની સમજુ હતી. તેણે કહ્યું કે, તું કામ સરસ કરે છે. તારે માત્ર સ્ટ્ેસને જ દૂર રાખવાની જરૂર છે. તને ખબર છે તારે અમને ખુશ રાખવા છે પણ તું અમને ખુશ રાખી શક્તો નથી. તેનું કારણ એ છે કે તું અમને એ જ આપી શક્વાનો છે જે તારી પાસે છે. તારો સ્ટ્ેસ અમને પણ ફિલ થાય છે. તારી પાસે સ્ટ્ેસ છે એટલે તું એ જ આપી શકે. તારે અમને મજામાં રાખવા છે ને તો પહેલા તું મજામાં રહે. તું હળવો નહીં હોય તો અમને ક્યારેય હળવાશ નહીં લાગે. મારે પણ તને ખુશ રાખવો છે પણ તું તારા સ્ટ્ેસમાં જ રહે છે. મારી હળવાશને તારામાં પ્રવેશવા જ દેતો નથી. કામ તો કરવાનું જ છે, તારું કામ તું સારી રીતે કરે પણ છે, બસ એ કામનું પ્રેશર તું ફિલ કરે છે એને હટાવી દે. તારા સ્ટ્ેસને પંપાળવાનું બંધ કરી દે.
કામને આપણે કામની રીતે લેતાં જ નથી. કામને પ્રેશર અને ચેેલેન્જ તરીકે જ લઈએ છીએ. કામ કરવું એ મજા આવે એવી ઘટના છે એવું આપણે સ્વીકારી જ નથી શક્તા. કામ કરવાનું છે તો કરવાનું છે. ગમે તો પણ કરવાનું છે અને ન ગમે તો પણ કરવાનું જ છે તો પછી કામને એન્જોય શા માટે ન કરવું. કામનો થાક એને જ લાગે છે જે કામને હળવાશથી કે જિંદગીના એક ભાગ તરીકે નથી લેતા. કામ પર જતાં હોઈએ ત્યારે જાણે કોઈ સજા ભોગવવા જતાં હોઈએ એવું ફિલ કરશો તો તમે જ્યારે કામ પરથી ઘરે આવશો ત્યારે પણ તમે તમારી કેદમાં જ હશો. માણસે પોતાની જેલમાંથી જ મુક્ત થવાનું હોય છે. તમારા ફરતે સ્ટ્ેસનું જે પાંજરું તમે જ ગોઠવી રહ્યું છે તેને હટાવી દો. તમારી હળવાશ તમારે જ સર્જવી પડશે, તમારા સીવાય આ કામ બીજું કોઈ કરી શકવાનું નથી.
છેલ્લો સીન :
આપણે જેવા હોઈએ એવું વાતાવરણ જ આપણે સર્જી શકીએ. ખાલી વાદળ ક્યારેય વરસી શક્તા નથી. -કેયુ
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 12 જુલાઇ, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)