સત્યની કિંમત તો ચૂકવવી જ પડે છે! – ચિંતનની પળે

સત્યની કિંમત તો ચૂકવવી જ પડે છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ડગલે ડગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઈ કહેવું કે એ મારો જ પડછાયો હતો?
-શૂન્ય પાલનપુરી.
તમે સાચું બોલો છો? આવો સવાલ તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપો? મોટાભાગે બધા આ પ્રશ્નનો જવાબ ‘હા’માં જ આપશે. હા હું સાચું બોલું છું. હવે બીજો સવાલ. કોઈ તમને એમ પૂછે કે તમે ખોટું બોલો છો? દિલ પર હાથ મૂકીને કહેજો કે તમે આ પ્રશ્નનો જવાબ શું આપો? કોઈ માણસ ફટ દઈને એમ નહીં કહે કે હું ખોટું બોલું છું. એ જવાબ આપતાં પહેલાં થોડોક વિચાર કરશે. વિચારીને એવું કહેશે કે,ક્યારેક જ ખોટું બોલું છું. અમુક લોકો વળી એમ પણ કહેશે કે કોઈકનું ભલું થતું હોય ત્યારે હું ખોટું બોલી નાખું છું. માણસ એમ પણ કહે છે કે એનું બૂરું ન થાય એ માટે હું ખોટું બોલ્યો હતો. ખોટું બોલવા માટે આપણી પાસે હજાર બહાનાં હોય છે. સાચું બોલવા માટે કોઈ બહાનાની જરૂર જ નથી પડતી. આપણે સાચું બોલતી વખતે એ વિચારતાં નથી કે સાચું શા માટે બોલીએ છીએ! સત્યની એ જ તો ખૂબી છે. એ જ તો મજા છે.
સાચું બોલવું અઘરું છે. અઘરું ન હોત તો તો બધા સાચું જ બોલતા હોત. સાચું બોલવું શા માટે મુશ્કેલ છે? એટલા માટે કારણ કે સત્યની કિંમત ચૂકવવી પડતી હોય છે. સત્યનો સામનો કરવો પડતો હોય છે. સત્ય સહન કરવું પડતું હોય છે. સત્યનો સામનો નથી કરી શકતા એ લોકો જૂઠને આડું ધરી દે છે. કંઈ પણ બોલતા પહેલાં માણસ પરિણામનો વિચાર કરે છે. સાચું બોલીશ તો શું થશે?ખોટું બોલીશ તો તેનું પરિણામ કેવું આવશે? રેવા દેને, આપણે આમાં પડવું નથી, સાચું બોલવા જઈશું તો લાંબું થશે, મારે શા માટે દોઢડાહ્યા થવું જોઈએ, આવું બધું વિચારી માણસ ખોટું બોલી દે છે. પીછો છોડવવા માટે પણ આપણે કેટલું બધંુ ખોટું બોલતાં હોઈએ છીએ?
માણસ ખોટું શા માટે બોલે છે? દરેકને ખબર હોય છે કે ખોટું બોલવું ખરાબ છે. ખોટું ન બોલવું જોઈએ. ઘણી વખત માણસને સાચું બોલવાનું વાતાવરણ નથી મળતું એટલે માણસ ખોટું બોલી દેતો હોય છે. એક પતિ-પત્નીની વાત છે. પતિ ખાનગીમાં એના પરિવારના લોકોને મદદ કરતો હતો. પત્નીને આ વાતની ખબર પડી ગઈ. પત્નીએ કહ્યું કે તું મારા મોઢે ખોટું બોલ્યો? પતિએ કહ્યું કે હા, હું ખોટું બોલ્યો હતો. હું ક્યારે ખોટું બોલ્યો એનો તને વિચાર આવે છે? હું પહેલાં તો સાચું જ બોલતો હતો. જ્યારે પણ મેં મારા પરિવારની વ્યક્તિને મદદ કરવાની વાત કરી ત્યારે તેં ઝઘડો કર્યો. તમારે તમારા જ બધાનું વિચારવું છે? આપણું શું? આપણાં સંતાનો માટે કંઈ નહીં કરવાનું? બધું લૂંટાવી જ દેવાનું? અમારા કોઈનો વિચાર જ નહીં કરવાનો? મારે જે કરવું હોય છે એ તું કરવા નથી દેતી એટલે મારે જૂઠનો સહારો લેવો પડયો. કેટલાં બધાં દંપતીઓ એકબીજાથી ખોટું બોલતાં હોય છે? એક મિત્રની વાત છે. પીવાની પાર્ટી હોય ત્યારે એ પત્નીને કહેતો કે આજે અમારે મિટિંગ છે. મોડું થશે. તું જમીને સૂઈ જ્જે. રાતે ઘરે જઈને એ ચૂપચાપ સૂઈ જાય છે. પત્નીને પણ ખબર છે કે તેનો પતિ ક્યાં જાય છે અને શું કરે છે, તોપણ આ જૂઠનો સીલસીલો ચાલ્યા રાખે છે! પત્ની એના ઘરના લોકોને મદદ કરીને કાનમાં એવી ફૂંક મારી દે છે કે જોજે એને ખબર ન પડે. પતિ માતા અથવા ભાઈ-બહેનને ખાનગીમાં કંઈક આપતો રહે છે. કોઈને ખબર પડતી નથી.
મિત્રો આપણા બધા રાઝ છુપાવી જાણે છે. એક મિત્રએ કહ્યું કે, હું મારી પત્નીના મોઢે ખોટું બોલું છું. મને ગમતું નથી. મને ગિલ્ટ થાય છે. તેની સાથે વાત કર્યા પછી તેણે એક દિવસ પત્નીને કહ્યું કે તું શું ઇચ્છે છે હું ખોટું બોલીને મારે જે કરવું હોય એ કરું કે પછી સાચું બોલીને તારી સાથે વાત કરીને જે કરવું હોય એ કરું? ચોઇઝ ઇઝ યોર્સ. પત્નીએ કહ્યું કે તેં ખુલ્લા દિલે વાત કરી એ મને ગમ્યું. તારે કરવું હોય એ કરજે. મને સાચી વાત કરજે. હું પણ તારી પાસેથી એટલી જ અપેક્ષા રાખું છું કે તું મારી વાત પણ સાંભળજે. તારા નિર્ણયમાં હું તને સાથ આપીશ. જોકે, દરેક કિસ્સામાં આવું થતું નથી. વાતમાંથી ઝઘડો શરૂ થાય છે અને પછી જૂઠ બોલવાનો સીલસીલો શરૂ થાય છે.
જહાં સચ ના ચલે, વહાં જૂઠ સહી. એવું બોલીને આપણે કેટલું બધું ચલાવી લેતા હોઈએ છીએ? તકલીફ ત્યારે થાય છે જ્યારે માણસને ખોટું બોલવાની આદત પડી જાય છે. એક માણસની વાત છે. એ દરેક વાતમાં ખોટું બોલી દેતો. એક વખત એ સાચું બોલતો હતો તોપણ કોઈ માનવા તૈયાર ન હતું. એ બધાને કહેતો કે મારો ભરોસો કરો, હું સાચું કહું છું. સત્ય જ્યારે અસરકારક ન રહે ત્યારે સમજવું કે જૂઠે તમારા પર કબજો કરી લીધો છે. સમ ખાવાથી પણ અસત્ય સત્ય થઈ જતું નથી. ઘણા લોકો કહે છે કે હું સમ ખાઉં છું, મારી વાત માનો. સાચો માણસ હોય એને સમ ખાવા પડતાં નથી!
મોબાઇલે પણ માણસને ખોટું બોલતાં કરી દીધા છે. વાત વાતમાં આપણે કહીએ છીએ કે હું મિટિંગમાં છું, બિઝી છું. એક વખત ટ્રેનમાં સફર કરતી વખતે એક માણસે ફોન પર કહ્યું કે હું મિટિંગમાં છું. ફોન પત્યો. બાજુની સીટ પર એક બાળક બેઠો હતો. તેણે ક્હ્યું કે અંકલ એક વાત કરું, તમે સાચું બોલ્યા હોત કે તમે ટ્રેનમાં છો તો શું થઈ જવાનું હતું? એ માણસ બાળક સામે જોઈ રહ્યો. બાળકના માથા પર હાથ મૂકીને કહ્યું કે તારી વાત સાચી છે. હું સાચું બોલ્યો હોત તો કંઈ આભ ફાટી પડવાનું નહોતું. હું તને પ્રોમિસ આપું છું કે હવે હું આ રીતે ક્યારેય ખોટું નહીં બોલું.
આપણે ખોટું બોલતી વખતે ક્યારેય એ વિચારીએ છીએ ખરા કે ખોટું બોલવાને બદલે હું સાચું બોલ્યો હોત તો શું થઈ જવાનું હતું?કંઈ નથી થતું! ઊલટું એ માણસને એવું લાગે કે એ બોલે છે તો સાચું. તમારી છાપ કેવી છે? ઘણાં લોકો વિશે આપણે જ એવું કહેતા હોઈએ છીએ કે, ગમે તે હોય, એ ખોટું નહીં બોલે. જે હશે તે મોઢામોઢ કહી દેશે. આપણે આવા લોકોને આખાબોલા પણ કહેતા હોઈએ છીએ. આખાબોલા કરતાં સાચાબોલા હોઈએ એ વધુ જરૂરી છે. સાચું બોલીએ ત્યારે એ ક્ષણે કદાચ સામા માણસને થોડુંક હર્ટ થશે પણ સરવાળે એને એમ તો થશે જ કે એ બોલે છે તો સાચું. ખોટું બોલીને સારા બની રહેવા કરતાં સાચું બોલીને સાચા રહેવું વધુ મહત્ત્વનું છે.
ઘણાં વળી સાચું કહેવા માટે ‘ડિપ્લોમેટિક’ રહેવાનું કહે છે. એક કંપનીમાં એક કાર્યક્રમ કેવો રહ્યો તેનો અભિપ્રાય આપવા કહ્યું. એક સિનિયરે બધી જ વાત ચોખ્ખેચોખ્ખી અને સાચેસાચી કહી દીધી. તેના કલીગે કહ્યું કે તારી વાતથી ઘણાને હર્ટ થયું. તું આમે ચડી ગયો. તું ખોટો નથી પણ આ જ વાત તેં જો ડિપ્લોમેટિકલી કરી હોત તો વધારે સારું થાત! પેલી વ્યક્તિએ કહ્યું કે હું જે હોય તે કહું છું. કોથળામાં પાંચ શેરી રાખીને મને મારવાની આદત નથી. ડિપ્લોમેટિક રીતે કહેવું એનો મતલબ એવો જ થાય કે એક્ટિંગ કરવી. સાચું બોલવાની એક્ટિંગ પણ મને ફાવતી નથી. સત્ય નેચરલ હોવું જોઈએ.
સત્ય સહેલું નથી. સત્ય સવાલો કરે છે. સત્ય જવાબ માગે છે. આ બધા સવાલોના જવાબમાં જો તમારી પાસે સત્ય હશે તો તમારે બીજા કશાની જરૂર નહીં પડે. સો ટકા સાચું તો કોઈ બોલતું હશે કે કેમ એ સવાલ છે. આપણે માત્ર આપણી ટકાવારી હોય તેને વધારીએ તો પણ ઘણાં સત્ય જળવાઈ રહેશે. જે સત્ય નથી એ સત્ય નથી જ. દલીલો કરવાથી અસત્ય બદલી જતું નથી. કારણો આપવાથી પણ અસત્ય સત્ય થઈ જતું નથી. સત્ય પારદર્શક છે. એ જેવું હોય એવું બતાવી દે છે. તમારી પાસે જો સત્ય હશે તો તમારે ચિંતા કરવાની જરાયે જરૂર નથી. તમારા સત્યને વફાદાર રહો, કોઈ અસત્ય તમને હરાવી, ડરાવી કે ડગાવી નહીં શકે!
છેલ્લો સીન : 
તમારા સત્યને સંભાળીને રાખજો, કારણ કે આજકાલ લોકો સાચાને પણ ખોટા સાબિત કરી દે છે. -કેયુ
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 10 મે, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: