અધૂરાં રહેલાં સપનાંને થોડાં થોડાં જીવી લઉં છું
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
સાંજ વગરની સાંજ ઢળે ને દિવસ વગરનો તડકો થાય,
આમ કશું પણ કારણ નહીં ને આમ સમયનો ભડકો થાય.
–બરકત વિરાણી ‘બેફામ’
જિંદગીમાં જોયેલાં તમામ સપનાં પૂરાં થાય એવું જરૂરી તો નથી. કેટલાંક સપનાંઓ અધૂરાં રહેવા માટે જ સર્જાતાં હોય છે. ક્યારેક અચાનક જ એ સપનાં બેઠાં થઈ જાય છે. વિસરાઈ ગયેલાં અમુક દૃશ્યો નજર સામે તરવરી જાય છે અને દિલ થોડુંક તરફડી જાય છે. આપણે દિલને આશ્વાસન આપીએ છીએ. દિલ! તું શાંત થા. એ સપનાને લઈને તડપ મા. એ સપનું પૂરું ન થયું તો ન થયું. એમાં વાંક તારો પણ નથી અને મારો પણ નથી. અરે, વાંક તો કોઈનો પણ નથી. જ્યારે વાંક કોઈનો ન હોય ત્યારે અધૂરાં રહી ગયેલાં સપનાંની કરચો વધુ તીક્ષ્ણ બની જતી હોય છે. કોઈ રાતે ઊંઘ ઊડી જાય ત્યારે નાઇટ લેમ્પથી આછી આછી દેખાતી દીવાલો કેનવાસ બની જાય છે. એમાં ધીમે ધીમે એક ચિત્ર ઉપસે છે. આ ચિત્ર આપણને ક્યાંક ખેંચી જાય છે. અમુક ઘટનાઓ તાજી થઈ જાય છે. અમુક સંવાદો પડઘા બનીને પડઘાય છે. અમુક સ્પર્શની યાદો ચામડી ઉપર બળવા લાગે છે. દિલ જોરથી ધડકવા લાગે છે અને પછી બધું જ આંખમાં ઊમટી આવે છે. ભીની થઈ ગયેલી આંખો એ દૃશ્યોને હટાવી દેવા મહેનત કરતી રહે છે. એક પ્રશ્ન ઊઠે છે કે, આવું ન થયું હોત તો કેવું સારું હતું? શા માટે આવું થયું? દરેક પ્રશ્નના જવાબો નથી હોતા. ઘણા પ્રશ્નો પણ સપનાની જેમ જ અધૂરા રહી જતાં હોય છે!
એક છોકરીની આ સાવ સાચી વાત છે. જિંદગીમાં કોઈની સાથે ક્યારેય પ્રેમ થયો નહોતો. સાચી વાત તો એ હતી કે તેણે ક્યારેય કોઈને પ્રેમ કર્યો જ નહોતો. કોલેજમાં ઘણા છોકરા તેના ઉપર મરતા હતા. એ પોતાની જિંદગી જીવતી હતી. તેણે નક્કી કર્યું હતું કે,મા-બાપ કહે ત્યાં જ એરેન્જ મેરેજ કરવા છે. કોલેજ પૂરી થઈ. મા-બાપે એક છોકરાને પસંદ કર્યો. બધું જ સારું હતું. એણે હા પાડી દીધી. સપનાં જાણે એકસામટાં ઊમટી આવ્યાં.
પતિ પણ ખૂબ જ પ્રેમાળ. એ છોકરીની કલ્પનાનો જ વ્યક્તિ અને એના સપનાનો જ પતિ. પતિને પણ પત્ની ઉપર અનહદ પ્રેમ. જિંદગી સુખથી તરબતર હતી. જિંદગીમાં કોઈ જ કમી ન હતી. જિંદગી આટલી બધી સુંદર પણ હોઈ શકે છે એનો અહેસાસ બંનેને થતો હતો. ચાર વર્ષ તો ચાર દિવસની જેમ વીતી ગયાં. જિંદગી ક્યારેક દગો આપી જતી હોય છે. ઓફિસથી પતિ પાછો ફરતો હતો ત્યારે એની કારને એક્સિડન્ટ થયો. ઘટનાસ્થળે જ એનું મોત થયું. જિંદગી જાણે એક ક્ષણમાં જ અટકી ગઈ. અંતિમ વિધિ પતી ગઈ. વિધિ પતતી હોય છે, નસીબનાં વિધાન નહીં.
મા-બાપે પિયર આવી જવા કહ્યું. તેણે ના પાડી. મને મારી રીતે જીવવા દો. મારે એકલા રહેવું છે. વર્ષોથી એ એકલી રહે છે. એક બહેનપણીએ પૂછયું કે તું એકલી કેવી રીતે રહી શકે છે? તેણે કહ્યું, હું એકલી નથી. મારી યાદો મારી સાથે છે. અમારા કબાટમાં એનાં કપડાં હજુ એમને એમ ગોઠવાયેલાં છે. એનું લેપટોપ હજુ એ જ બેગમાં છે. ઓફિસનો ટાઇમ થાય ત્યારે એનાં કપડાં બહાર કાઢી પલંગ પર મૂકું છું. ટુવાલ બાથરૂમમાં ગોઠવું છું. ટિફિન તૈયાર કરું છું. એ ટિફિન લઈને જ એ જ્યાં કામ કરતો હતો ત્યાં એની જગ્યાએ મને મળેલી નોકરી કરવા જાઉં છું. સાંજે ઘરે આવીને એને શોધું છું. એ મળતો નથી. એનાં કપડાં પાછાં કબાટમાં ગોઠવું છું. આ કપડાં મેલાં નથી થતાં. તાજાંને તાજાં રહે છે. મારા ઘાવની જેમ. મારાં અધૂરાં સપનાંની જેમ. એની તસવીર સામે જોતી રહું છું. થોડીક વાતો કરું છું. આખા દિવસમાં શું કર્યું એ કહું છું. કોઈ જવાબ નથી મળતો ત્યારે બહુ ડિસ્ટર્બ થાઉં છું. ધૂસકે ધ્રૂસકે રડું છું. રડીને પોતાની જાતને જ મનાવું છું કે રડ નહીં, એના આત્માને દુઃખ થશે. એને ચેન નહીં પડે. એ મને ક્યારેય રડતી જોઈ શકતો નહોતો. આટલી વાત કરીને એ બહેનપણીના ખોળામાં ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે છે.
માણસ સ્વસ્થ થઈ જાય છે. છાનાખૂણે રડી લે છે. એ છોકરી પણ કહે છે, હું લાચાર નથી. મજબૂર પણ નથી. એની યાદો છે એટલે એકલી પણ નથી. સમજુ છું, થવાનું હોય એ થાય છે. આપણું કંઈ ચાલતું નથી, એ પણ સમજુ છું, પણ આ દિલનું શું કરું? એને તો મનાવવું પડેને? કેવું હોય છે નહીં, આપણાં જ દિલને ઘણી વખત આપણે મનાવતા હોઈએ છીએ, આશ્વાસન આપતાં હોઈએ છીએ. મારે ડિસ્ટર્બ થવું હોતું નથી પણ થઈ જાઉં છું, રડવું હોતું નથી પણ રડી પડું છું. સારી યાદો પણ સાલી બહુ પીડા આપતી હોય છે!
એક વખત અમે ફરવા ગયેલાં. એ મસ્તીના મૂડમાં હતો. ડાઇનિંગ ટેબલ પર એ ફોર્ક હાથમાં લઈ રમત કરતો હતો. હું એના તરફ ફરી અને એ કાંટો મારા હાથમાં જોરથી વાગ્યો. થોડીક ચામડી ચિરાઈ ગઈ. એની આંખો પણ ભરાઈ આવી. એ બહુ ડિસ્ટર્બ થયો. ઊલટું મારે એને સમજાવવો પડયો કે ઇટ્સ એન એક્સિડન્ટ. ગિલ્ટી ફીલ ન કર. ઘા રુઝાઈ ગયો પણ ચામડી પર નિશાન રહી ગયું. એ નિશાન બતાવીને હું ઘણી વખત તેને ચીડવતી કે જો આ તારા પાપે મને થયું છે. તારું કારસ્તાન છે. એ દર વખતે સોરી કહેતો અને મને મજા આવતી. હવે એ નથી. હાથના એ નિશાન તરફ હવે જોઉં છું ત્યારે એ ઘા જીવતો થઈ જાય છે. વેદના તાજી થઈ જાય છે. હવે હું તેને મનોમન સોરી કહું છું કે આ ઘા બતાવીને મેં તને બહુ ચીડવ્યો છેને! હવે મને દુખતું નથી, હકીકતે હવે જ દુખે છે! કેટલાંક સપનાંઓ કવે છે, કેટલાંક રુઝાઈ ગયેલા ઘામાં પણ વેદના ફૂટતી હોય છે અને ઊંડી ઊતરી ગયેલી આંખોમાં પણ આંસુ દૂઝતાં હોય છે!
સપનાં અધૂરાં રાખી દેવાની તો જિંદગીની આદત હોય છે. જિંદગી સપનાને સવાલ બનાવીને છોડતી જાય છે, પછી આપણે આખી જિંદગી એ સવાલનો જવાબ શોધતા રહીએ છીએ. જવાબ મળતો નથી. સવાલ સતાવતો રહે છે. એક છોકરાની વાત છે. કોલેજમાં હતો ત્યારે એક છોકરી સાથે પ્રેમ થયો. બંને એકબીજામાં ખોવાયેલાં રહેતાં. આખી જિંદગી સાથે રહેવાનાં સપનાં જોયાં હતાં. લગ્નની વાત આવી તો ઘણું બધું આડે આવ્યું. છોકરીને તેના પરિવારજનોએ ના પાડી દીધી. કોઈનું દિલ દુભાવવું ન હતું. ઘણી વખત કોઈના દિલને દુભાવવું ન હોય ત્યારે આપણે આપણા દિલનું ગળું રૃંધી નાખતા હોઈએ છીએ. બંનેએ પ્રેમથી છૂટા પડવાનું નક્કી કર્યું. છૂટા પડી ગયાં. રસ્તા ફંટાઈ ગયા. બંનેના અલગ અલગ જગ્યાએ મેરેજ પણ થઈ ગયા. બેમાંથી કોઈ કોઈને દોષ દેતાં નથી. મળતાં પણ નથી.
એ યુવાનની વાઇફ સારી છે. ખૂબ જ સારી. કદાચ પ્રેમિકા કરતાં પણ વધુ પ્રેમ કરે એવી. યુવાનને પણ કોઈ જ ફરિયાદ નથી. જોકે,અધૂરાં રહી ગયેલાં સપનાંનું શું? એ તો ક્યારેક વેદના આપવાનું જને? એ યુવાન કહે છે, હા મને એ યાદ આવી જાય છે. જ્યારે એ યાદ આવે ત્યારે હું અમે જ્યાં નિયમિત મળતાં હતાં એ તળાવને કાંઠે જાઉં છું. ચૂપચાપ બેસી રહું છું. તેની સાથે થયેલી વાતો સંભળાતી રહે છે. તળાવના પાણીમાં જોતો રહું છું. ક્યારેક એવું લાગે છે કે, તળાવનું બધું પાણી એકસામટું આંખમાં ઊભરાઈ આવે છે. થોડાંક આંસુ પડે છે ને આખું તળાવ પાછું ભરાઈ જાય છે. એની સુખી જિંદગીની કામના કરીને ઘરે જાઉં છું અને ફરીથી મારી સુખી જિંદગીમાં પરોવાઈ જાઉં છું. કોઈ દુઃખ નથી. કોઈ ફરિયાદ નથી પણ એક અધૂરું સપનું તો છે જ! જિંદગીનાં અધૂરાં સપનાંને તમે કેવી રીતે લો છો? હા, ઘણાં સપનાંઓ અધૂરાં રહી જાય છે, એ ભુલાતાં નથી, ભૂલવાં પણ શા માટે જોઈએ? બસ, જ્યારે એ સપનાં યાદ આવે ત્યારે એનો ગ્રેસ જળવાય એમ એને થોડીક ક્ષણો જીવી લેવાનાં હોય છે!
છેલ્લો સીન :
સપનાં આપણને ચૂપચાપ અને સલામત રીતે પાગલપણામાં સરી જવાની સવલત આપે છે.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 17 મે, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
email : kkantu@gmail.com