મારે તો માત્ર સારા માણસ બનવું છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
વધતો નથી ને સ્હેજ ઘટતો પણ નથી, ડગલું અહંનું એક વટતો પણ નથી,
માફક પવન સાથે અગાશી પણ મળી, ફફડું ઘણો છું તોય ચગતો પણ નથી.
– સુધીર પટેલ
સફળ માણસ સારો હોય એ જરૂરી નથી. સારા માણસને સફળતા સાથે કંઈ લાગતું વળગતું નથી. સારા હોવું એ સફળતાનું જ એક શિખર છે. ધનિક માણસ એની સંપત્તિથી ઓળખાય છે. સફળ માણસ એના સ્થાનથી ઓળખાય છે. સારો માણસ શેનાથી ઓળખાય છે? સારો માણસ માત્ર નેે માત્ર પોતાનાથી ઓળખાય છે. સારા માણસને ઓળખ માટે કશાની જરૂર પડતી નથી. સારો માણસ કેમ સારો હોય છે? સારા માણસની વ્યાખ્યા શું? સારા માણસની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા હોતી નથી. માણસ જેવો હોવો જોઈએ એવો એ હોય એટલે એ સારો માણસ છે. આ વાતથી વળી એક નવો સવાલ ઊઠે કે માણસ કેવો હોવો જોઈએ? એનો જવાબ ફરીથી એ જ આવે કે માણસ સારો હોવો જોઈએ! સારો માણસ એટલે પોતાને ઓળખતો, પોતાને સમજતો, કોઈનું બૂરું ન ઇચ્છતો, કોઈ લોભ, લાલચ કે મોહમાં ન ફસાતો અને પોતાની રીતે જીવતો માણસ. માણસ સતત ગતિ કરતો હોય છે. શ્વાસ એ ગતિનો સાક્ષી છે કે આપણામાં કશુંક ચાલી રહ્યું છે. લોહી ફરે છે, હૃદય ધબકે છે. વિચારો ચાલે છે. આપણે બેઠાં હોઈએ કે સૂતાં હોઈએ, જિંદગી ચાલતી હોય છે. આપણી ગતિ કઈ તરફની હોય છે? જે માણસને પોતાની ગતિ અને મતિની ખબર હોય એ સારો માણસ છે.
કોઈ અભ્યાસ તમને સારા માણસ ન બનાવી શકે. સારા બનવાનો કોઈ સિલેબસ નથી. બેચલર ઓફ ગૂડ મેન, માસ્ટર ઓફ હ્યુમન બીઇંગ એવી ડિગ્રી કોઈ દિવસ સાંભળી છે? માણસને કોઈ સારો ન બનાવી શકે. કોઈ રસ્તો ચીંધી શકે, માર્ગદર્શન આપી શકે પણ અંતે તો માણસે પોતે જ સારા બનવાનું હોય છે. કોઈ આપણને સારા કહે એટલે આપણે માની લઈએ છીએ કે હું સારો માણસ છું. આપણે તો કોઈ સારા કહે એટલા માટે જ સારા બનવાનો પ્રયત્ન કરતાં હોઈએ છીએ! ‘સારા’નું ર્સિટફિકેટ પણ આપણને કોઈની પાસેથી જોઈતું હોય છે. સારા બનવું હોય તો કોઈના માટે ન બનો. તમારા માટે સારા બનો. તમે સારા બનશો તો આપોઆપ લોકો સારા કહેશે. માણસ જેવો હોય એવો વરતાઈ આવતો હોય છે. કોઈ તમને સારા માને કે ન માને, તમે સારા હોવ એ પૂરતું છે. તમે વિચાર કરજો કે સારા બનવા માટે તમે કોઈ વિચાર કરો છો ખરાં? માણસ જિંદગીમાં ઘણાં બધાં પ્લાનિંગ્સ કરતો હોય છે, સારા બનવા માટે કંઈ જ કરતો હોતો નથી! આપણને લોકો સારા કહે એ માટે આપણે દાન કરતાં હોઈએ છીએ, સોશિયલ ર્સિવસ કરતાં હોઈએ છીએ, દોડીને લોકોનાં કામ કરતાં હોઈએ છીએ, પરિવાર અને મિત્રોની પડખે ઊભા રહેતા હોઈએ છીએ, આ બધું જ સારું છે પણ સારા માણસ બનવા શું આટલું પૂરતું છે? માણસ ક્યારેય પોતાના લોકો સાથે કેવી રીતે રહે છે તેનાથી ઓળખાતો નથી પણ માણસ હંમેશાં અજાણ્યા લોકો સાથે કેવી રીતે વર્તે છે એનાથી ઓળખાતો હોય છે.
અજાણ્યા માણસ સાથે ઘણી વખત આપણે અજુગતું વર્તન કરીએ છીએ. એ માણસથી મને શું મતલબ છે? એ ક્યાં મારો સગો થાય છે? એની હેસિયત જ શું છે? એ ક્યાં અને હું ક્યાં? કોઈ માણસનું માપ કાઢવું હોય તો એ તદ્દન નાના માણસ સાથે કેવી રીતે વર્તે છે એ તપાસવું જોઈએ. જે માણસ ‘નાના’ વ્યક્તિ સાથે સારી રીતે નથી વર્તતો હોતો એ માણસ ‘મોટા’ લોકો સાથે સારી રીતે વર્તતો હોય ત્યારે સારા દેખાવાનું નાટક જ કરતો હોય છે. નાના માણસોને આપણે ક્યારેક કોઈ રોકડ રકમ અને ક્યારેક એકાદ ગિફટ આપીને રાજી કરી દેવાનો પ્રયાસ કરતાં હોઈએ છીએ પણ ખરેખર આપણને તેના પ્રત્યે લાગણી હોય છે ખરી? ઘરનું ધ્યાન રાખવાવાળો આપણા માટે વોચમેન જ છે, કાર ચલાવવાવાળો ડ્રાઇવર જ છે, સફાઈ કરનાર કામવાળો જ છે અને ઓફિસમાં આપણો પડયો બોલ ઝીલનારો પટાવાળો જ છે. કેટલા લોકો એને માણસની જેમ ટ્રીટ કરતાં હોય છે? બોસના મૂડ અને માનસિકતાનો આપણે ખ્યાલ રાખીએ છીએ પણ પ્યૂનની ટેન્ડેન્સી વિશે ક્યારેય વિચાર કરીએ છીએ ખરાં? નથી કરતા, શા માટે કરવી જોઈએ? આપણે એની પાસેથી ક્યાં કંઈ કામ કઢાવવું હોય છે! હકીકતે એ માણસ જ આપણાં બધાં કામ કરતો હોય છે. તમે માણસ સાથે માણસની જેમ વર્તો તો તમે સારા છો, તમે અજાણ્યા સાથે જાણીતાની જેમ વર્તો તો તમે સારા છો, તમે દરેક વ્યક્તિને માણસ સમજો તો તમે સારા છો અને તમે તો જ આવું કહી શકો જો તમે ખરેખર સારા હોવ. આ બધું ઈનબિલ્ટ હોવું જોઈએ. સારાપણુ ડાઉનલોડ કરી શકાતું નથી!
એક બિલ્ડિંગના વોચમેનની આ વાત છે. પચાસ ફ્લેટના બિલ્ડિંગનું એ માણસ ધ્યાન રાખતો હતો. આવતાં-જતાં લોકોથી માંડી બધાના ર્પાિંકગનું એ ધ્યાન રાખતો. દિવાળી આવી. બધા માણસોએ એને બક્ષિસ આપી. કોઈએ ગિફ્ટ આપી. કોઈએ જૂનાં કપડાં અથવા નકામી થઈ ગયેલી ચીજવસ્તુ આપી. એક અંકલ નીચે ઊતર્યા. વોચમેન પાસે ગિફ્ટ અને વસ્તુઓનો ઢગલો જોઈ એ માણસને કહ્યું કે અરે, હું તો તારા માટે કંઈ નથી લાવ્યો. વોચમેન ઊભો થઈ એને પગે લાગ્યો. તેણે કહ્યું તમે તો મને રોજ ગિફ્ટ આપો છો. રોજ મારી સાથે હસો છો. રોજ મને ‘કેમ છે’ પૂછો છો. બાકીના બધા તો બસ આવે છે અને જાય છે. એ બધા મારી સાથે નોકરની જેમ વર્તે છે. તમે મારી સાથે માણસની જેમ વર્તો છો. બાકીના બધા ‘મોટા’ માણસો છે, તમે સારા માણસ છો. એક દિવસ ગિફ્ટ આપીને કદાચ એ પોતાની જ ફરજ અદા કર્યાનો સંતોષ માનતાં હશે. તમે રોજ સ્માઈલ આપો છો. એ સ્માઈલ મારા માટે સૌથી વધુ મહત્ત્વનું છે. એમાં પણ એક દિવસ તો હું ક્યારેય ભૂલી નહીં શકું. મોડી રાતે તમે કામ પતાવીને આવ્યા હતા. એ દિવસે હું ડિસ્ટર્બ હતો. તમે પણ થાકેલા હતા. મારો ચહેરો જોઈને તમે કહેલું કે કેમ મોઢું આવું છે? કેમ અપસેટ છે? શું થયું? મેં કહેલું કે કંઈ નહીં, એમ જ. મેં કારણ ન આપ્યું પણ તમે એવું કહીને ઉકેલ આપી દીધો કે દરેક દિવસ એકસરખા નથી હોતા. તારી ઉદાસીનું જે કોઈ કારણ હોય એ પણ ઉદાસી ખંખેરી નાખ. થોડુંક હસી દે. તમે મને ગળે વળગાડી, મારા માથા પર હાથ ફેરવ્યો હતો. તમે ચાલ્યા ગયા પછી મને એકદમ હળવાશ લાગતી હતી. મેં બીજા દિવસે છાપામાં વાંચ્યું કે એ દિવસે કોઈ વ્યક્તિએ તમારી સાથે ફ્રોડ કર્યું હતું. તમે અપસેટ હતા છતાં તમે મારી ઉદાસી દૂર કરી દીધી હતી. મારી જિંદગીમાં કોઈએ મને આનાથી મોટી ગિફ્ટ આપી નથી. એ વોચમેને કહ્યું કે, મારા દિલની એક વાત કરું? હું આ નોકરી પર છું એ તમારા કારણે છું. તમે એક તો એવી વ્યક્તિ છો જેને જોઈને હું ટકી રહ્યો છું. તમારું સ્માઈલ મને એનર્જી આપે છે. તમારા શબ્દો મને સાંત્વના જેવા લાગે છે. મારી એક ગતિ ચાલે છે,તમારા જેવા બનવાની. અમુક ગિફ્ટ એવી હોય છે જે દેખાતી નથી છતાં અપાતી હોય છે અને સ્વીકારાતી હોય છે.
દરેક માણસ જન્મે ત્યારે સારો જ હોય છે. જિંદગી ગતિ કરે તેમ એ બદલાતો જાય છે. બહુ ઓછા લોકો હોય એવા અથવા તો હોવા જોઈએ એવા રહેતા હોય છે. અભ્યાસ, ડિગ્રી, સફળતા, સંપત્તિ, હોદ્દો, એવોર્ડ્સ અને માન-મરતબો માણસને બદલાવતો રહે છે. ‘સ્ટેટ્સ’ આવી જાય ત્યારે ઘણાં બધાં ‘ફેક્ટસ’ બદલાઈ જતાં હોય છે! આપણે આપણાથી જ દૂર ચાલ્યા ગયા હોઈએ છીએ અને આપણે જે હોઈએ તેને જ સાચા અને સારા માનવા લાગતા હોઈએ છીએ. બધાને પોતે સારા જ લાગતા હોય છે પણ ‘સારા’ની એ વ્યાખ્યા પોતાની, અંગત અને ઘણી વખત સ્વાર્થી હોય છે. સારાની વ્યાખ્યા સાર્વત્રિક હોવી જોઈએ. સારા હોવું દુર્લભ છે. જો તમે ખરેખર સારા હોવ તો એ પૂરતું છે. સામાન્ય હોવ તેનો વાંધો નથી, સારા હોવ એ જરૂરી છે. સારા બનવું બહુ સહેલું છે પણ કેટલા લોકોને ખરેખર સારા બનવું હોય છે?
છેલ્લો સીન :
મહત્ત્વના હોવું એ સારું છે પણ સારા હોવું એ વધુ મહત્ત્વનું છે. –અજ્ઞાત
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 23 નવેમ્બર, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
Excellent enjoyed writeup